ઈન્ટરવલનેશનલ

અજબ ગજબની દુનિયા!

હેન્રી શાસ્ત્રી

વેલ્થની સતામણી નહીં, વાળની છેતરપિંડી

આજકાલ સાત ફેરા ફર્યાને સાત મહિના ન થયા હોય ત્યાં સુધીમાં સાતસો વાંધાવચકા પડે અને વાત કોર્ટ કચેરીએ પહોંચી ડિવોર્સનો કેસ ફાઈલ થાય એની નવાઈ નથી રહી. છૂટાછેડા માટેનાં કારણોમાં કૌટુંબિક વાતાવરણ-સાસરિયાની સતામણી કે પછી પૈસાની પળોજણ મુખ્યત્વે જોવા મળતી હોય છે.

જોકે, ઉત્તર પ્રદેશના નોઈડા વિસ્તારમાં પત્નીએ પતિ અને સાસરિયાં વિરુદ્ધ કરેલી ફરિયાદ જાણ્યા પછી ટીકુ તલસાણિયાની સ્ટાઈલમાં `યે ક્યા હો રહા હૈ’ એમ બૂમ પાડવાનું તમને મન થઈ શકે છે. અરમાનોની ઈમારત ચણી પ્રભુતામાં પગલાં માંડ્યા પછી પત્નીને ખબર પડી છે કે એની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. મોટેભાગે આવા મામલામાં કેશ (વેલ્થ) કેન્દ્રમાં હોય છે, પણ અહીં મામલો કેશ (વાળ)નો હતો. ફરિયાદમાં શ્રીમતીએ વિલાપ કર્યો છે કે લગ્ન વખતે સાસરા પક્ષ તરફથી પતિના બાહ્ય દેખાવ, શિક્ષણ અને આર્થિક પરિસ્થિતિ જેવી આજના સમયની ટોપ ત્રણ બાબત પર ઢાંકપિછોડો કરી આભાસી ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું.

વિગતો અનુસાર માથે ઘટા ઘનઘોર ઉમેદવારની કન્યાને ખાતરી આપવામાં આવી હતી, પણ પછી વિગ નીકળી ગઈ અને જાણ થઈ કે માથા પર તો નાનકડા અને છૂટાછવાયા ઘાસના તણખલા જ છે. વાત આટલે નથી અટકતી. બાયોડેટામાં વરરાજાની શૈક્ષણિક લાયકાત બી.કોમ. ડિગ્રી દર્શાવવામાં આવી હતી, પણ હકીકત એ છે કે ભાઈ બારમું માંડ પાસ છે. એટલું જ નહીં, મુરતિયાની વાર્ષિક આવક 18 લાખ રૂપિયા હોવાનો દાવો પણ પોકળ સાબિત થયો છે. આ સિવાય પણ બીજા આરોપ કરવામાં આવ્યા છે. અલબત્ત પોલીસ આ ત્રણ આરોપને ગંભીરતાથી લેશે કે કેમ એ અટકળનો વિષય છે.

પહાડ જેવી મુસીબત – દરિયા જેવું દિલ

રાઈનો પહાડ કરવાનો માણસ સ્વભાવ હોય છે એ વાત સાચી, પણ વિપદા, મુસીબત કે તકલીફ સામે માણસને ક્યારેક નજીવી-સામાન્ય લાગે, પણ જેને માથે આવી પડી હોય એને ક્યારેક એ પહાડ જેવી મહાકાય લાગી શકે છે. એવી જ રીતે નાનકડી મદદ કે દયાભાવ મેળવનારને દરિયા જેવા અગાધ લાગી શકે છે.

દિલ્હીનો પ્રસંગ એનો પુરાવો છે. દિલ્હીમાં એક મહાશયે નિર્ધારિત સ્થળે પહોંચવા ફોનની ઍપથી રિક્ષા તો કરી, પણ પછી ખ્યાલ આવ્યો કે ખિસ્સામાં પાંચ પૈસા પણ નથી. જોકે, ક્યૂઆર કોડથી પેમેન્ટ કરી શકાશે એની ધરપત હતી. મજા તો એ વાતની થઈ કે રિક્ષામાંથી ઊતરતી વખતે ખ્યાલ આવ્યો કે બેટરી ડાઉન હોવાથી ફોન બંધ થઈ ગયો છે. હવે કરવું શું? કડકડતી ઠંડીમાં મહાશયે રિક્ષાવાળાને સમજાવ્યું કે મારો ફોન બંધ થઈ ગયો છે અને હું ઘરેથી પૈસા લાવી ચૂકવી દઉં છું.

સામાન્યપણે આવી પરિસ્થિતિમાં રિક્ષાવાળા રોષે ભરાઈ બૂમાબૂમ કરતા હોય છે, ઉતારુ ગાયબ થઈ જશે એવો ભય એમને સતાવતો હોય છે, પણ દિલ્હીના રિક્ષાવાળાએ તો ઉતારુ મહાશયના ખભે પ્રેમથી હાથ મૂક્યો અને સાંત્વન આપતા સ્વરે જણાવ્યું કે `અરે કોઈ નહીં ભાઈ, (કશો વાંધો નહીં મારા ભાઈ). તમે ઠંડીમાં ધ્રૂજી રહ્યા છો, થાકેલા લાગો છો, ઘરે જઈ આરામ કરો’. અને મુસાફર મહાશય નામ પૂછે કે એનો નંબર નોટ કરે એ પહેલા તો રિક્ષાવાળાએ મારી મૂકી. દિલ્હીની હવામાં પ્રદૂષણે માઝા મૂકી છે, પણ દિલ્હીવાસીઓના દિલમાં તો નિર્મળ દયાભાવ – અનુકંપા જોવા મળી રહ્યા છે.

મકરસંક્રાંતિનું `હમ નહીં ગિરેંગે’ દહીં

આજે 14 જાન્યુઆરી. મકરસંક્રાતિનો દિવસઅને મુખ્ય તો પતંગ ચગાવવાનો, પેચ લડાવવાનો, કાયપો છે ના શોરગુલનો, તલ-મમરા-શીંગની ચીકી અને ઊંધિયું ઝાપટવાનો તહેવાર. સાથે સાથે બિહારમાં દહીં-ચૂડા ખાવાનો પણ મહિમા. દહીં-ચૂડા એટલે પૌઆ, દહીં, ગોળ, ફ્રૂટ અને કાજુ-બદામ ઉમેરી ઝાપટવાની મજાની ડિશ. બિહારના નીતીશ બાબુ રાજકારણમાં વારે ઘડીએ પલટી મારવા માટે ખ્યાતિ ધરાવે છે, પણ મકાઈના ઉત્પાદન માટે જાણીતા બિહારના ખગડિયા જિલ્લાના દહીંની ખ્યાતિ નીતીશ બાબુ કરતા વિપરીત છે.

સામાન્યપણે દહીં જમાવવાની આવડત કે ઈજારો સ્ત્રીનો હોય છે, પણ ખગડિયાના એક વડીલ દહીં એવું આબાદ જમાવે છે કે ભરેલું માટલું ઊંધું કરો તો પણ એક ટીપું દહીં જમીનદોસ્ત ન થાય. પાલો યાદવ નામના ચાચા વર્ષોથી પારંપરિક રીતે દહીં જમાવતા આવ્યા છે.

પહેલા દૂધ ઉકાળે, પછી ચોક્કસ માત્રામાં મેળવણ ઉમેરે અને આખી રાત ઠંડકવાળી જગ્યામાં રાખવાથી સવારે દહીં એવું જામી ગયું હોય કે `આ દહીં નથી, પથ્થર છે’ એવું પણ કેટલાક લોકો હસતા હસતા કહેતા હોય છે. અલબત્ત અહીં પથ્થરની ઉપમા શિરપાવ છે, ટીકા નહીં. આ દહીં ગમછામાં બાંધી લઈ જવાનો રિવાજ જૂનો છે, કારણ કે એક ટીપું નહીં પડે એની 100 ટકા ગેરંટી હોય છે. બિહારના અનેક ઠેકાણેથી યાદવના પથ્થર દહીં માટે ઓર્ડર આવે છે.

ઊલટી ગંગા: વીડિયો ગેમ્સ રમવા શાળા છોડાવી

ટેકનોલોજી મનુષ્ય જીવનમાં એ હદે છવાઈ ગઈ છે કે બાળક આંગણામાં કે મેદાનમાં રમત રમતા શીખે એ પહેલા મોબાઈલ-કમ્પ્યુટર પર વીડિયો ગેમ્સ રમતા શીખી જાય છે. હાથ-પગ ચલાવી શરીરને વ્યાયામ આપતી રમતો પહેલા હાથના આંગળી-અંગૂઠાના ટેરવાથી રમાતી ગેમ્સનો બંધાણી બની જાય છે. પરિવાર-સમાજ અને હવે તો ઓસ્ટે્રલિયા, ફ્રાન્સ સહિત કેટલાક દેશોએ તો સ્માર્ટફોનના વપરાશ અંગે બાળકો પર પ્રતિબંધ મૂકતો કાયદો જ ઘડી કાઢ્યો છે.

વેણીભાઈ પુરોહિત પ્રેમીની લાગણીઓ માટે લખી ગયા છે કે `તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી’ પણ બાળકો સ્માર્ટફોનના બંધાણી બને એનો વ્યાપક વિરોધ છે. જોકે, જાપાનના એક યુગલે ઊલટી ગંગા વહેતી હોય એવું પગલું ભર્યું છે. 13 વર્ષનો દીકરો વ્યવસાયિક ધોરણે વીડિયો ગેમ્સ રમવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે એ માટે માતાપિતાએ એને નિયમિત શાળા શિક્ષણમાંથી ઉઠાવી લેવાનો અજબ દુનિયાનો ગજબ નિર્ણય લીધો છે.

દીકરો ટારો ત્રણ વર્ષની ઉંમરથી જ વીડિયો ગેમ્સ રમવા લાગ્યો હતો. શોખનું રૂપાંતર લગનીમાં થયું અને એ પાંચ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો બાપા કરતા નિપુણ થઈ ગયો. શાળાના બીજા ધોરણમાં આવ્યો ત્યારે તો એ પ્રોફેશનલ ખેલાડીઓને નિયમિતપણે મહાત કરવા લાગ્યો હતો. સંતાનની કુશળતા ધ્યાનમાં આવતા પેરન્ટ્સે 2020માં દીકરાની સ્વતંત્ર યુ ટ્યૂબ ચેનલ શરૂ કરી અને આજની તારીખમાં એના સવા બે લાખ સબસ્ક્રાઈબર છે.

આ જ ચેનલ પર ટારોએ ઈ-સ્પોર્ટ્સ પર ફોકસ કરવા અને વીડિયો ગેમ્સના વર્લ્ડ કપમાં પાત્ર ઠરવા સ્કૂલ એજ્યુકેશનને બાય બાય કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. મોટાભાગના પેરન્ટ્સએ જીવનમાં સફળતા હાંસલ કરવા શાળા શિક્ષણની આવશ્યકતા પર જોર આપી બાળકને સમજાવવાની કોશિશ ચોક્કસ કરી હોત. જોકે, શિક્ષણ છોડવાનું જોખમ જાણતા હોવા છતાં સંતાનનું શમણું સાકાર કરવા માતાપિતા સહમત થયા છે. આ નિર્ણય યોગ્ય કે અયોગ્ય એ તો આવનારો સમય જ કહેશે.

લ્યો કરો વાત!

ઊંઘની સપનાંની દુનિયા અને જાગૃત અવસ્થાની દુનિયામાં ઘણી વાર આસમાન જમીનનો ફરક હોય છે. ઊંઘમાં બાદશાહી ભોગવતા હોઈએ પણ જાગ્યા પછી બે ટંક ભોજનના પણ ફાંફાં હોય એ વાસ્તવિકતા હોય. 33 વર્ષના અમેરિકન ગૃહસ્થ સ્ટીફન ચેઝને એક ચમત્કારિક અનુભવ થયો છે.

શાળા અભ્યાસ દરમિયાન સ્ટીફનને સ્પેનિશ શીખતી વખતે તકલીફ પડતી હતી. એકથી દસની સંખ્યા અને કેટલાક શબ્દો-વાક્યો માંડ બોલી શકતો હતો. જોકે, તાજેતરમાં સર્જરી થયા પછી સ્ટીફન ભાઈ કડકડાટ સ્પેનિશ બોલવા લાગ્યા જેની એમને પોતાને પણ નવાઈ લાગી. ફોરેન લેન્ગવેજ સિન્ડ્રોમ તરીકે ઓળખાતી બીમારી 1907માં પહેલી વાર ધ્યાનમાં આવી હતી અને 118 વર્ષમાં આશરે 100 કેસ નોંધાયા છે.

મગજ પર માર વાગવો, મગજમાં ગાંઠ થવી કે પછી જનરલ એનેસ્થેસિયા આપ્યા પછી દરદી આ સિન્ડ્રોમથી પીડાતો હોવાનું જાણવા મળ્યું છે. આ વખતે સ્ટીફન ભાઈ એનેસ્થેસિયાની અસરમાંથી મુક્ત થયા અને સ્પેનિશ બોલવા લાગ્યા એનું અચરજ થઈ રહ્યું છે.

આપણ વાંચો:  બનાવટી ખાતા નં. 2970 થકી બદનામીનો કારસો થયો ફ્લોપ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button