અપની આઝાદી કો હમ હરગીજ મીટા સકતે નહીં…
આઝાદીના અઢી વર્ષમાં જ દેશે વિકાસની ગતિ પકડી લીધી હતી!

ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી
સ્વતંત્ર ભારતની પ્રથમ ટપાલ ટિકિટ , આઝાદ ભારતનું પ્રથમ ‘એચ ટી 2’ વિમાન
ભારત દેશને સત્તાવાર આઝાદી મળી એ પહેલાં એક અંતરિમ સરકાર બની હતી. બીજી સપ્ટેમ્બર, 1946ના દિવસે વડા પ્રધાન જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ કાર્યભાર સાંભળ્યો હતો. આ સમયગાળામાં દેશના વિવિધ ભાગોમાં ભયાનક હિંસા થતા હજારો લોકો મૃત્યુ પામ્યા હતા. બ્રિટનની પાર્લામેન્ટમાં થયેલા એક નિર્ણય મુજબ ભારતને નિર્ધારિત સમય કરતાં વહેલો આઝાદ કરવાનું નક્કી થયું.
નવા આવેલા વોઈસરોય માઉન્ટબેટન સાથે આઝાદી માટેની યોજાયેલી મિટિંગમાં કૉંગ્રેસ તરફથી નહેરુ, સરદાર અને કૃપલાણી તેમજ શીખ સમુદાય તરફથી સરદાર બળદેવસિંગ તેમ જ મુસ્લિમ લીગ તરફથી જિન્ના, લિયાકત અલી તેમ જ અબ્દુલ નિસ્તર હાજર રહ્યા હતા. લાંબી ચર્ચાઓના અંતે દેશના ભાગલા પડ્યા- સરહદો બની અને લોહિયાળ ઇતિહાસ વચ્ચે ભારત-પાકિસ્તનનું સર્જન થયું.
લગભગ અઢીસો વર્ષની ગુલામી પછી દેશ આઝાદ થયો. ભારતમાં ગરીબી, નિરક્ષરતા અને ભૂખમરા સહીત વિસ્થાપન સમસ્યાઓના સમાંતરે મર્યાદિત સંસાધનો વચ્ચે ભારતનો સર્વાંગી વિકાસ કરવો જરૂરી હતો. ભૂતકાળ ભૂલીને ભવિષ્ય બનાવવા આઝાદીના પહેલા અઢી વર્ષમાં દેશે વિકાસ કરવા તરફ હરણફાળ ભરી હતી.
રોજેરોજ જાતજાતની સમસ્યાઓ આવતી હતી, આ સમસ્યાઓનો સામનો કરવા સાથે દેશ હરણફાળ ભરતા ક્યારેય અટક્યો ન હતો. આજે સાત દાયકા પછી દેશની સોશ્યલ મીડિયામાં રોજ વાંચવા મળતી ઘટનાઓને છોડતા થયેલી યાદગાર ઘટનાઓને ચોક્કસ યાદ કરવી જોઈએ.
બ્રિટિશ ઇન્ડિયામાં આશરે હજાર કરતાં વધુ આઈસીએસ અધિકારીઓની કેડર હતી. દેશ સ્વતંત્ર થયો ત્યારે કેટલાક નિવૃત્ત થયા. કેટલાક પાકિસ્તાન ગયા અને સરવાળે ભારત સરકાર પાસે તાલીમ પામેલા સિનિયર અધિકારીઓની સંખ્યા ફક્ત ચારસોથી પાંચસો વચ્ચે બચી હતી.
મહાત્મા ગાંધી આઝાદીના સમયે બંગાળમાં હિંસા અને નફરતના વાતાવરણ વચ્ચે હતા. મહાત્મા ગાંધીને ‘બીબીસી’ જેવી સમાચાર સંસ્થાએ આઝાદી માટે શુભેચ્છા માગી ત્યારે સ્પષ્ટ નકાર કર્યો. ગાંધીજીએ કહ્યું હતું કે આવી આઝાદીની કલ્પના કરી ન હતી. દેશ આઝાદ થયો ત્યારે ઇન્દોર, ભોપાલ, હૈદરાબાદ અને જૂનાગઢ જોડાવાના બાકી હતા, ઇન્દોર અને ભોપાલ ભારત સાથે જોડાણની ઘોષણા કરી ચુક્યા હતા. હૈદરાબાદ અને જૂનાગઢના જોડાણની ઘટનાઓ પર અનેક પુસ્તકો લખાયા છે. કાશ્મીરને સ્વતંત્ર રહેવું હતું, પણ પાકિસ્તાની કબાલીઓના આક્રમણનો સામનો કરી શક્યું નહીં પછી ભારત સાથે જોડાણ કર્યું. લગભગ શ્રીનગર સુધી પહોંચેલી પાકિસ્તાની સેનાને ભગાડીને ભારતે કાશ્મીરનો મોટા ભાગનો હિસ્સો લોહી રેડીને લડીને જીત્યો.
ઉદ્યોગના નામે ભારત પાસે કોટન મિલની સંખ્યા ઠીકઠાક હતી, પણ કોટનનું ઉત્પાદન દેશના ભાગલા પડતા ઘટી ગયું. દેશમાં કાપડ ઉદ્યોગના વિકાસ માટે ‘કોટ્સ ઇન્ડિયા’ની સ્થાપના કરવામાં આવી. ભારતની આઝાદીના દિવસે મુંબઈમાં ‘શહનાઈ’ અને ‘મેરા ગીત’ નામની ફિલ્મ રિલીઝ થઇ હતી. તત્કાલ સામાજિક ક્ષેત્રે દેવદાસી પ્રથા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો.
સ્વતંત્ર ભારતનું પહેલું સંપૂર્ણ બજેટ 26 નવેમ્બરના દિવસે આવ્યું હતું. સરદાર પટેલે સોમનાથ મંદિરમાં પૂજા કરીને મંદિરના પુનર્નિમાણનો પ્રસ્તાવ મુક્યો હતો. આ જ નવેમ્બર મહિનામાં ‘જય હિન્દ’ લખાયેલી પહેલી ટિકિટ બહાર પડી હતી. આઝાદી મળી એ સાથે જ હોમી ભાભાને પરમાણુ ઊર્જા વિભાગના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા. અનાજની ગંભીર સમસ્યા હતી. જે હિસાબે ભારતમાં વસતિ અને ખેતીલાયક જમીન હતી એ મુજબ દેશમાં લગભગ પાંત્રીસ લાખ ટન અનાજની જરૂરિયાત હતી.
આઝાદીનું પ્રથમ વર્ષ સમસ્યાઓને સમજવા અને તેના નિરાકરણ વચ્ચે પૂરું થયું અને નવા વર્ષ 1948માં પ્રારંભે મહાત્મા ગાંધીની હત્યા થઇ. દેશ પાસે અઢળક સમસ્યાઓ હતી અને સદનસીબે ઉકેલ લાવી શકે એવા નેતાઓ પણ હતા. ફેબ્રુઆરીમાં બ્રિટિશ સેના મુંબઈથી રવાના થઇ અને મુંબઈ રાજ્યના ગવર્નર સર મહારાજ સિંઘ સેનાની સલામીનો સ્વીકાર કરે છે. જૂન મહિનામાં માઉન્ટબેટન ભારત છોડીને જાય છે અને સી. રાજગોપાલાચારી આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. ધીમે ધીમે ભારતનો સંપૂર્ણ વહીવટ સ્થાનિક સત્તાધીશો પાસે આવ્યો. મણિપુર ભારત સાથે જોડાય છે. ડો આંબેડકર સાહેબ સંવિધાન સભામાં સંવિધાનની રૂપરેખા પ્રસ્તુત કરે છે.
ભારે પૂરને કારણે ઊભી થયેલી પરિસ્થિતિઓને કારણે દેશની પ્રથમ વિશાળ પરિયોજના ‘દામોદર બેસીન કોર્પોરેશન’નો પ્રારંભ જુલાઈ મહિનામાં શરૂ થાય છે અને 1953માં તીલૈયામાં પહેલો બંધ, 1955માં કોર્નર નદી પર બીજો બંધ અને બે વર્ષ પછી બરાકર નદી પર ત્રીજો બંધ બનાવી દેવામાં આવ્યો.
આ તરફ, ઓરિસામાં દુનિયાની વિશાળ યોજના કહી શકાય એવી મહાનદી પર ‘હિરાકુંડ ડેમ’ની આધારશિલા મુકવામાં આવી અને 1957માં પૂરો કરીને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યો. આજ ગાળામાં એટલે કે 1948માં દિલ્હીમાં નિર્વાસિતોની સમસ્યા ગંભીર થઇ હતી. દિલ્હીમાં તિહાડ, મહરૌલી, સરાય અને કાલકા વિસ્તારનો નિર્વાસિતો માટે વિકાસ કરવાની યોજના બનાવવામાં આવી. હરિયાણામાં ફરિદાબાદનો અલગ વિકાસ કરીને હજારો પરિવારોને વસાવવામાં આવ્યા. કચ્છના મહારાજની ઉદાર સહાયતા થકી સિંધી સમાજ માટે ગાંધીધામ શહેરને આર્કિટેક ડિઝાઇન સાથે બનાવવામાં આવ્યું. આખી દુનિયા કોઈ શહેરનો અભ્યાસ કરવા માટે આવે એવું એક નગર બનાવવાની યોજના અંતર્ગત અમેરિકી આર્કિટેક અલબર્ટ મેયર અને મેથ્યુ નોવીકીની ડિઝાઇન આધારિત ફક્ત બે જ વર્ષમાં ચંદીગઢ શહેરની આધારશિલા મુકવામાં આવી.
વિશાખાપટ્ટનમમાં બનેલી પહેલી સ્ટીમર વેપારના વિકાસમાં યોગદાન આપવા સમુદ્રમાં ઉતારવામાં આવી અને ‘એર ઈંડિયા’ એરલાઈન્સની લંડન માટે સાપ્તાહિક સેવા શરૂ થઇ. અને હા, એ જ વર્ષે વિજય હઝારેએ ટેસ્ટની બન્ને ઇનિગ્સમાં સેન્ચ્યુરી ફટકારીને રેકર્ડ સર્જ્યો.
એક તરફ નવાં નવાં રાજ્યો બનવાનો પ્રોસેસ ચાલુ હતો અને 1949 આવી ગયું. ખડકવાસલામાં સેના માટે એકેડેમી બનાવવાની જરૂર હતી અને 1955માં કામ પૂર્ણ થયું. ત્રિપુરા ભારતનો એક વિસ્તાર બન્યો. ભારતમાં વિજ્ઞાનના વિકાસ માટે મેડમ ક્યુરી અને પ્રોફેસર ક્યૂરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સિનેમામાં ‘એ’ અને ‘યુ ’ સર્ટિફિકેટનો પ્રારંભ કરવામાં આવ્યો. આંદામાનના વિકાસ અને ખેતી માટે યોજનાનો અમલ શરૂ થયો. વડોદરામાં ‘એમએસ યુનિવર્સિટી’ બની.
વર્ષ 1950માં ડો આંબેડકરની સાધના થકી સંવિધાન સાથે ભારતે વિકાસની ગતિ તેજ કરી. દુનિયાની સર્વોત્તમ કહી શકાય એવી રાસાયણિક પ્રયોગશાળા ‘રાષ્ટ્રીય કેમિકલ લેબોરેટરી’ના નામે શરૂઆત કરવામાં આવી. ભારતમાં ઔદ્યોગિક વિકાસ થાય એ માટે વિશ્વની બેસ્ટ એકેડમી બનવી જરૂરી હતી અને આઈઆઈટીનો પ્રારંભ થયો. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી. પોતાની ડિઝાઇન સાથે આઝાદ ભારતના સિક્કા બહાર પડ્યા, પહેલા જજની નિમણૂંક થઇ અને પહેલા ઈલેક્શન કમિશનર સુકુમાર સેને કાર્યભાર સંભાળ્યો. ભારતનો સર્વાંગી વિકાસ થાય એ માટે યોજના આયોગ બન્યું.
આ દરમિયાન કમનસીબે ભારતના મહાન આધ્યત્મિક સદગુરુ શ્રી અરવિંદોનું નિધન થયું. ભારતના પૂર્વ ભાગમાં ભયાનક ધરતીકંપ આવ્યો હતો. દેશે પહેલીવાર પેસેન્જર પ્લેન તૂટતાં જોયું. એ જ ગાળામાં સત્યજિત રે જે ફિલ્મ થકી નામના પ્રાપ્ત કરી એ ‘પાથેર પાંચાલી’ના લેખક વિભૂતિભૂષણ બંદોપાધ્યાયને ગુમાવ્યા. સૌથી દુ:ખદ ઘટના ભારતના રાજ્યોના અને રજવાડાના એકત્રીકરણ કરીને દેશની રચના કરનારા સરદાર વલ્લભભાઈ પટેલનું વર્ષના અંતે નિધન થયું…
ધ એન્ડ :
1951માં ભારતનું પોતાની ડિઝાઇન કરેલાં ‘એચ ટી 2’ વિમાને એની પહેલી ઉડાન ભરી …
આપણ વાંચો: …પણ જીવન ઘડતરના શિક્ષણનું શું?