પારદર્શકતા એટલે શું …?
મગજ મંથનઃવિઠ્ઠલ વઘાસિયા
આજના ઝડપી પરિવર્તનશીલ સમયમાં ‘પારદર્શકતા’ શબ્દ માત્ર શાસન વ્યવસ્થા સુધી સીમિત રહ્યો નથી, પરંતુ તે વ્યક્તિગત જીવન, કુટુંબ, શિક્ષણ, વ્યવસાય, સંસ્થા, સમાજ અને રાષ્ટ્રના દરેક ક્ષેત્રમાં આવશ્યક મૂલ્ય બની ગયો છે. પારદર્શકતા એટલે ખુલ્લાપણું,-સ્પષ્ટતા-સત્યનિષ્ઠા અને વિશ્વસનીયતા. જ્યાં કંઈ છુપાવવાનું ન હોય, ભ્રમ કે ભય ન હોય ત્યાં પારદર્શકતા સ્વાભાવિક રીતે જન્મે છે,પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે પારદર્શકતા કેવી હોવી જોઈએ? કેટલી હોવી જોઈએ? ક્યાં સુધી હોવી જોઈએ? અને સૌથી મહત્ત્વનું- કેમ હોવી જોઈએ?
પારદર્શકતા એ શું છે?
પારદર્શકતા એટલે નિર્ણય, વ્યવહાર, નીતિ કે વર્તન પાછળનું સત્ય સ્પષ્ટ રીતે રજૂ કરવું. તેમાં કોઈ ઢાંક પિછોડ, ભ્રમ કે દ્વિઅથીર્ર્ ન હોવી જોઈએ. જેમ કાચમાંથી અંદરનું ચોખ્ખું દૃશ્ય દેખાય છે તેમ પારદર્શક વ્યવહારથી વિચારો અને પ્રક્રિયા સ્પષ્ટ દેખાય છે. પારદર્શકતા વિશ્વાસનું મૂળ છે અને વિશ્વાસ વગર કોઈ સંબંધ, સંસ્થા કે વ્યવસ્થા લાંબા સમય સુધી ટકી શકતી નથી.
એ કેવી હોવી જોઈએ?
એ સમજદારીપૂર્વકની હોવી જોઈએ. એની સાથે સંવેદનશીલતા અને જવાબદારી જોડાયેલી હોવી આવશ્યક છે. દરેક સત્ય દરેક સમયે અને દરેક વ્યક્તિ સમક્ષ ખુલ્લું મૂકવું એ પારદર્શકતા નથી.
ઉદાહરણ તરીકે વિદ્યાર્થીઓ સાથે અભ્યાસક્રમ, મૂલ્યાંકન પદ્ધતિ અને અપેક્ષાઓમાં, શિક્ષક પારદર્શક હોવો જોઈએ, પરંતુ વિદ્યાર્થીઓની વ્યક્તિગત વિગતો જાહેર કરવી યોગ્ય નથી. એ જ રીતે, માતા-પિતા સંતાન સાથે જીવનનાં મૂલ્યો અને પરિસ્થિતિઓ વિશે પારદર્શક હોઈ શકે, પરંતુ પરિવારની તમામ ચિંતા સંતાન પર લાદવી યોગ્ય નથી. ટૂંકમાં પારદર્શકતા એવી હોવી જોઈએ કે જે વિશ્વાસ વધારે, ભય નહીં.
એ કેટલી હોવી જોઈએ?
પારદર્શકતાની પણ એક મર્યાદા હોય છે. ‘બધું કહી દેવું’ એ હંમેશાં યોગ્ય નથી. જેટલી પારદર્શકતા સંબંધોને મજબૂત કરે એટલી જ હોવી જોઈએ. વધુ પડતી પારદર્શકતા ઘણી વખત ગેરસમજ, અસુરક્ષા અને વિવાદ ઊભા કરી શકે છે.
વ્યવસાયિક ક્ષેત્રમાં કંપનીએ પોતાની નીતિઓ, નાણાકીય સ્થિતિ અને કાર્યપદ્ધતિમાં પારદર્શક રહેવું જોઈએ, પરંતુ વ્યાપારી રહસ્યો, નવી યોજનાઓ અથવા સુરક્ષા સંબંધી માહિતી જાહેર કરવી સંસ્થાને નુકસાન પહોંચાડી શકે છે એટલે પારદર્શકતા એટલી હોવી જોઈએ કે જે ન્યાય, વિશ્વાસ અને જવાબદારીને મજબૂત બનાવે.
શાસન વ્યવસ્થામાં પારદર્શકતા નીતિ નિર્માણ, જાહેર ખર્ચ, વિકાસ યોજનાઓ અને નિર્ણયો સુધી હોવી જોઈએ, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા, ગુપ્તચર વ્યવસ્થા અને સૈન્ય યોજનાઓમાં સંપૂર્ણ પારદર્શકતા જોખમી બની શકે છે એટલે પારદર્શકતા ત્યાં સુધી જ હોવી જોઈએ જ્યાં સુધી તે સમાજ અને રાષ્ટ્રના હિતમાં હોય.
એ શા માટે જરૂરી છે?
પારદર્શકતા વિશ્વાસના પાયાનો પથ્થર છે. જ્યાં પારદર્શકતા હોય છે ત્યાં ભ્રષ્ટાચાર, અન્યાય અને શોષણ માટે જગ્યા ઓછી રહે છે. પારદર્શક વ્યવહાર લોકોમાં જવાબદારીની ભાવના જગાવે છે. જ્યારે માણસ જાણે છે કે તેની ક્રિયાઓ ખુલ્લી અને તપાસ પાત્ર છે, ત્યારે તે વધુ સાવચેત અને ન્યાયી બને છે.
શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શકતા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને પ્રામાણિકતા વિકસાવે છે. સામાજિક જીવનમાં પારદર્શકતા સંબંધોને મજબૂત બનાવે છે. રાજકારણ અને શાસનમાં પારદર્શકતા લોકશાહીનો આત્મા છે. લોકોએ કર ચૂકવ્યો છે, તેથી શાસન વ્યવસ્થા શું કરે છે તે જાણવાનો અધિકાર જનતાને છે.
પારદર્શકતા તથા સોશ્યલ મીડિયા
આજના ડિજિટલ યુગમાં પારદર્શકતા અને પ્રદર્શન વચ્ચેની રેખા ખૂબ પાતળી બની ગઈ છે. સોશ્યલ મીડિયા પર લોકો પોતાના જીવનની દરેક ક્ષણ જાહેર કરે છે, જેને ઘણી વખત પારદર્શકતા માનવામાં આવે છે, પરંતુ તે ઘણી વખત દેખાડો બની જાય છે. સોશ્યલ મીડિયા પર પારદર્શકતા જાળવતી વખતે સાવચેતી જરૂરી છે. ખોટી માહિતી, અર્ધસત્ય અને વ્યક્તિગત વિગતોનું અતિશય પ્રદર્શન વ્યક્તિને માનસિક અને સામાજિક નુકસાન પહોંચાડી શકે છે.
પારદર્શકતા તથા નૈતિકતા
પારદર્શકતા નૈતિકતા સાથે જોડાયેલી છે. નૈતિકતા વગરની પારદર્શકતા કડવી વાસ્તવિકતા બની શકે છે અને પારદર્શકતા વગરની નૈતિકતા દંભ બની જાય છે. બંને વચ્ચે સંતુલન જરૂરી છે.



