ઈન્ટરવલ

ફોકસ : ફિટેસ્ટ વિરાટની વિદાયથી ટીમ ઇન્ડિયા થઈ અનફિટ

-અજય મોતીવાલા

કરોડો ચાહકોને નારાજ કરીને ક્રિકેટજગતના સૌથી જૂના ફૉર્મેટમાંથી નિવૃત્તિ લઈ લેનાર કિંગ કોહલીનું ટેસ્ટ ક્રિકેટમાં કદ એટલું વિરાટ હતું કે એની બરોબરીમાં ન કોઈ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરને મૂકી શકાય અને ન કોઈ વિદેશી ટેસ્ટ ખેલાડી પણ તેની તુલનામાં આવી શકે. સૌથી મોટું કારણ એ છે કે ટેસ્ટ-કૅપ્ટન તરીકેનો કાંટાળો તાજ પહેરીને પણ આ બંદાએ પોતાને શારીરિક રીતે માત્ર ભારતીય ટીમમાં જ નહીં, પણ પોતાના જનરેશનના ક્રિકેટરોમાં પોતાને સૌથી સુસજજ રાખ્યો, ભલભલા બોલરનો સામનો કરીને ટેસ્ટમાં વિક્રમો રચ્યા અને ટીમ ઇન્ડિયાને સફળતાઓ પણ
અપાવી હતી.

જેમ 2000ની સાલથી સૌરવ ગાંગુલીએ નેતૃત્વ સંભાળવાની પોતાની અનોખી સ્ટાઇલથી ભારતીય ટીમને આક્રમક અભિગમવાળી બનાવી હતી અને ખુદ બૅટિંગમાં નવી નવી ઊંચાઈઓ મેળવવાની સાથે સાથી ખેલાડીઓનો પર્ફોર્મન્સ પણ સુધારવામાં મોટી ભૂમિકા ભજવી હતી એમ વિરાટ કોહલીએ પોતાના સુકાનમાં ટીમ ઇન્ડિયામાં ફિટનેસ કલ્ચરને જન્મ આપ્યો હતો. ગાંગુલીએ પોતાની હાથ નીચેના ખેલાડીઓને માનસિક રીતે આક્રમક બનાવ્યા હતા, જ્યારે વિરાટ કોહલીએ પોતાના પ્લેયરોને મેન્ટલી અગ્રેસિવ બનાવ્યા તો હતા જ, ઉપરાંત તેમનામાં શારીરિક રીતે પણ એક અલગ પ્રકારની ઊર્જા લાવવાની કોશિશ કરી હતી. મેદાન પર હંમેશાં અસાધારણ ઊર્જાથી સાથીઓનું પણ મનોબળ વધારતા વિરાટ કોહલી વિશે ભારતના ટેસ્ટ-સ્પેશિયાલિસ્ટ ચેતેશ્ર્વર પુજારાએ એક જાણીતી ક્રિકેટ-વેબસાઇટને ઇન્ટરવ્યૂમાં કહ્યું છે, ‘2015માં કોહલીએ ટેસ્ટ ટીમનું સુકાન સંભાળવાની શરૂઆત કરી ત્યારથી ખેલાડીઓમાં ફિટનેસનું કલ્ચર જોવા મળ્યું હતું. તમામ ટીમો ફિટનેસની બાબતમાં ખૂબ સંઘર્ષ અને મહેનત કરી રહી હતી ત્યારે ટીમ ઇન્ડિયા માટે એ કામ કપરું નહીં પરંતુ
થોડું આસાન હતું કારણ કે ખુદ વિરાટ ફિટનેસનો આગ્રહી હતો અને પોતાની ફિટનેસને હંમેશાં સર્વોત્તમ કક્ષાએ રાખતો હતો.’

આ પણ વાંચો: ફોકસ પ્લસ : ડિજિટલ ક્રેઝીનેસનું નવું નામ ઈ-ક્રિકેટ…!

પુજારાએ 10 વર્ષ પહેલાંની જે વાત કરી એમાં ફાસ્ટ બોલર્સનો પણ ઉલ્લેખ કર્યો. પુજારા મુલાકાતમાં કહે છે, ‘વિરાટની કૅપ્ટન્સીનો ઉદય થયો એ અરસામાં ફાસ્ટ બોલરે પણ ફિટનેસની બાબતમાં ખૂબ મહેનત કરવી પડતી હતી અને પોતાને હરહંમેશ ફિટ રાખવા પડતા હતા. એટલું જ નહીં, આખી ટીમ શરીરને અને મનને સુસજ્જ રાખવા આકાશ-પાતાળ એક કરતી હતી. ત્યારે વિરાટે ફિટનેસ જાળવવાની સાથે ટેસ્ટના ફૉર્મેટ પર ઘણું ધ્યાન પણ આપ્યું હતું કારણ કે ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને તે સર્વોત્તમ બનાવવા મક્કમ હતો.’

2015ની સાલમાં ટી-20 ફૉર્મેટ એની લોકપ્રિયતાની ચરમસીમાએ હતી અને વન-ડે ક્રિકેટનું તો એ વર્લ્ડ કપનું વર્ષ હતું ત્યારે વિરાટ કોહલીએ ટેસ્ટને પ્રાધાન્ય આપીને 1960, 1970 અને 1980ના દાયકાના ક્રિકેટરોને પ્રભાવિત કર્યા જ હતા, તેમ જ યુવાન પેઢીના ખેલાડીઓને પણ બૅટિંગ-બોલિંગમાં સર્વશ્રેષ્ઠ ટેક્નિક અને કૌશલ્ય અપાવતા આ (ટેસ્ટ) ફૉર્મેટથી પ્રભાવિત કર્યા હતા.

2012માં ‘ધ વૉલ’ રાહુલ દ્રવિડ (ઑસ્ટ્રેલિયા સામે) કરીઅરની જે છેલ્લી ટેસ્ટ રમ્યો એમાં છેક છઠ્ઠા નંબરે રમીને વિરાટ કોહલીએ જે 116 રન કર્યા હતા એ જોઈને દ્રવિડને જરૂર હાશકારો થયો હશે કે ટેસ્ટ ટીમમાંથી વિદાય પછી મિડલ-ઑર્ડરની મજબૂતીને વિરાટ તૂટવા નહીં દે અને ખરેખર એવું જ થયું. 2014થી વિરાટને માથે ટેસ્ટ કૅપ્ટન્સીનો તાજ પહેરાવાની શરૂઆત થઈ અને એ સાથે ટેસ્ટમાં ભારતના સૌથી સફળ સુકાનીએ જન્મ લીધો. ટેસ્ટના સુકાની તરીકે 40 ટેસ્ટમાં ભારતને વિજય અપાવીને તેણે ભારત માટે નવો વિક્રમ નોંધાવ્યો હતો. એટલું જ નહીં, કૅપ્ટન તરીકે ભારતને સૌથી વધુ નવ ટેસ્ટ-શ્રેણીમાં વિજય અપાવ્યા અને 2018-’19માં ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ-સિરીઝ જીતનાર પ્રથમ એશિયન સુકાની બન્યો હતો. આ વાત તેના નેતૃત્વની થઈ. તેણે સુકાન સંભાળવાની સાથે બૅટ્સમૅન તરીકે પણ અનેક વિક્રમો નોંધાવ્યા હતા. ભારતીય ટેસ્ટ કૅપ્ટનોમાં સૌથી વધુ છ ડબલ સેન્ચુરી, સતત ચાર ટેસ્ટ-સિરીઝમાં ડબલ સેન્ચુરી, ભારતીય સુકાની તરીકે સૌથી વધુ 20 સદી, ઑસ્ટ્રેલિયામાં ભારતીય કૅપ્ટન તરીકે સૌથી વધુ સાત સેન્ચુરી, ભારતીય કૅપ્ટન તરીકે સૌથી વધુ 5,864 રન વગેરે રેકૉર્ડ એ યાદીમાં સૌથી ઉપર છે.

આ પણ વાંચો: સ્પોર્ટ્સ મૅન: સીએસકેની નિષ્ફળતા માટે એકમાત્ર ધોની જ જવાબદાર શા માટે?

2008ના વર્ષના એપ્રિલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નો જન્મ થયો હતો અને એમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલોર (આરસીબી) વતી ફક્ત એક રન કરીને વિકેટ ગુમાવનાર વિરાટ કોહલીએ ચાર મહિના પછી કારકિર્દીની પહેલી આંતરરાષ્ટ્રીય મૅચ (શ્રીલંકા સામેની વન-ડેમાં) પણ માત્ર 12 રનમાં વિકેટ ગુમાવી હતી. જોકે ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે ત્યારે વામન લાગતો વિરાટ એક દિવસ મહાન ક્રિકેટરોની હરોળમાં બેઠો હશે. પોતાના જનરેશનના દિગ્ગજો જૉ રૂટ, કેન વિલિયમસન અને સ્ટીવ સ્મિથને ઘણી વાર ઝાંખા પાડી ચૂકેલા વિરાટ કોહલી વિશે પુજારાએ એવું પણ કહ્યું છે, ‘કોહલી કૅપ્ટન બન્યો ત્યારથી હંમેશાં ટેસ્ટમાં હરીફની તમામ 20 વિકેટ લેવાનો આગ્રહ રાખતો હતો.’

વિરાટ કોહલીએ 14 વર્ષની શાનદાર અને ભવ્ય ટેસ્ટ કારકિર્દીમાં કુલ 16,608 બૉલમાં 9,230 રન
કર્યા હતા જેમાં 30 સેન્ચુરી અને 31 હાફ સેન્ચુરી સામેલ હતી. આશા રાખીએ ભારતને કૅપ્ટનપદેથી વિરાટની વિદાય પછી હવે (શુભમન ગિલ કે બુમરાહ કે કેએલ રાહુલ કે રિષભ પંત કે બીજું કોઈ…) જે પણ નવો સુકાની મળશે એ ટીમને સદા ફિટ રાખવાનો વિરાટનો વારસો જાળવી રાખશે.

કોહલીએ જ્યારે સદ્ગત પિતાનો પવિત્ર દોરો સચિનને ભેટ આપ્યો હતો!
વિરાટ કોહલીએ તેના મનગમતા ટેસ્ટ-ક્રિકેટના ફૉર્મેટમાંથી નિવૃત્તિની સોમવારે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી એ બદલ ‘ક્રિકેટનો ભગવાન’ સચિન તેન્ડુલકર ઇમોશનલ થયો છે. લિટલ ચૅમ્પિયને 12 વર્ષ પહેલાંની વાત કરી છે. સચિને એમાં જણાવ્યું છે કે ‘તેં ટેસ્ટ-ક્રિકેટને અલવિદા કરી છે એ નિમિત્તે હું તને 12 વર્ષ પહેલાંની એક જૂની વાત યાદ કરાવવા માગું છું. 2013માં હું નિવૃત્ત થયો હતો ત્યારે તેં તારા સદ્ગત પિતાએ તને આપેલો એક પવિત્ર દોરો મને ભેટ આપ્યો હતો. ત્યારે એ દોરો સ્વીકારવો મને ખૂબ અંગત બાબત લાગતી હતી, પરંતુ એ ભેટને મેં હૃદયસ્પર્શી ગણી હતી અને હજી પણ મેં એ દોરો સાચવી રાખ્યો છે. હવે હું તને એ મૂલ્યવાન દોરો પાછો તો નહીં આપું અને એવો કોઈ પવિત્ર દોરો તને આપવા માટે મારી પાસે છે પણ નહીં. હું તમે એના બદલામાં મારા હૃદયના ખૂણેખૂણામાં તારા માટે જે પ્રશંસાઓ અને શુભેચ્છાઓ છે એ તને આપી રહ્યો છું.’

વન-ડે ક્રિકેટમાં સચિનની 49 સેન્ચુરીનો વિશ્ર્વવિક્રમ તોડી ચૂકેલા વિરાટ કોહલીએ ટેસ્ટ-ક્રિકેટનો તેનો (સચિનનો) 51 સદીનો વર્લ્ડ રેકૉર્ડ ન તોડીને તેનું સન્માન કર્યું છે એવું કહીએ તો ખોટું નથી. જોકે કોહલીની તમામ 30 ટેસ્ટ-સેન્ચુરી ભારતીય ક્રિકેટમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button