ઈન્ટરવલ

ઔર યે મૌસમ હંસીં… : પ્રેમમાં પડવું સહેલું છે, પણ તેની કેમેસ્ટ્રી અઘરી કેમ છે?

દેવલ શાસ્ત્રી

પ્લેટોએ સિમ્પોઝિયમમાં પ્રેમને લેડર ઓફ લવ તરીકે વર્ણવ્યો છે. પ્રેમની વાત શારીરિક સુંદરતાથી શરૂ થાય પણ તેને આત્માની સુંદરતા, નૈતિકતા અને અંતે પરમ સત્ય તરફ લઈ જવો જોઈએ. સરવાળે પ્રેમ આત્માની ઉન્નતિનું માધ્યમ છે, જે જ્ઞાન તરફ લઈ જાય છે. આને સરળ ભાષામાં ‘પ્લેટોનિક લવ’ કહેવામાં આવે છે, મીન્સ શારીરિક વગરનો આધ્યાત્મિક પ્રેમ. હવે આવો પ્રેમ શોધવો ક્યાં એ એક અલગ વિષય છે.

આપણે જે સમજીયે છીએ એ પ્રેમમાં પણ ભારેખમ કેમેસ્ટ્રી સમાયેલી છે. આમ તો પ્રેમમાં પડવું એ સહેલું હશે, પણ એની કેમેસ્ટ્રી સમજવા જઈએ-એનું રસાયણ શાસ્ત્ર જો ઉકેલવા જઈએ તો પ્રેમને ભૂલી જવાય…!

આમેય પહેલેથી કેમેસ્ટ્રીમાં આપણો હાથ થોડો કાચો છે. એવું માનવામાં આવે છે કે માણસ પ્રેમમાં પડે એટલે મગજમાંથી ડોપામાઇન સાથે કેટલાય કેમિકલનાં ઝરણા વહે. એનાથી ઊલટું, પ્રેમ તૂટે તો ય પાછા કેમિકલની અવળી કેમેસ્ટ્રી ચાલુ થાય…

તમે કોઇને ચાહતા હોય એ કોમન છે, પણ લવની મજા એ લકી લોકોને હોય છે જેને પ્રતિપળ, પ્રતિક્ષણ કે પળેપળ કોઈ ચાહતું હોય…મૂળ વાત, સાઇકોલોજી કહે છે માણસ સવારે ઊઠે છે ત્યાંથી પ્રેમમાં જ પડતો હોય છે. ઘર, બાથરૂમ, કપડાં, પરિવાર, વાહન, ઘરબહારનાં દ્રશ્યો, સિગ્નલ પરની લાલ- પીળી- લીલી લાઇટ્સ, રસ્તા પર ભીખ માંગતું બાળક, ઓફિસ બોય, ચા, કોફી, ફોન પર દોસ્તો સાથે ગાળાગાળી, વ્યવસાય, પાન….પ્રેમ જ પ્રેમ છે ભાઇ… પ્રેમમાં રોમાન્સ અને રોમાંચની એક સાવ અલગ મઝા હોય છે, જે ના સમજે વો અનાડી હૈ!

આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : આ AIના યુગમાં માણસે પ્રશ્ન પૂછવાની કળા શીખવી પડશે

-તો પછી પ્રેમનો સિલેબસ અભ્યાસક્રમ ખરો?

પહેલીવાર સિસ્ટમેટિક કામસૂત્રથી થયેલી શરૂઆત 1973માં લખાયેલી ‘કલર્સ ઓફ લવ’ પર પહોંચી, જ્યાં પ્રેમના પ્રકાર સમજાવવામાં આવ્યા. પ્રેમનો પહેલો પ્રકાર ઈરોઝ, સિમ્પલ રોમેન્ટિક પ્રેમ જેમાં સામા પાત્રની સુંદરતા પામવાની વાત છે. શારીરિક અને અંતરથી ચાહત હોય તો બધા શોખ પણ કોમન લાગવા લાગે, તમે રખડવાના શોખીન ન હોય પણ સામી વ્યક્તિ રખડવાની શોખીન હોય તો તમને પણ તે ગમવા લાગશે.

બીજો પ્રકાર છે, લ્યુડો આનંદ માણવા માગતો પ્રેમ. સાથે જર્ની કરો છો ને કંપની ગમી ગઇ મતલબ કે ગંભીરતા વગરનો રોમેન્ટિક લવ. બહુ ઊંડાણ વગરનો ટેમ્પરરી ફેસબૂકીયો પ્રેમ ઓનલાઈન થતાં સળગે અને ઓફલાઇન પર બુઝાઇ જાય.

ત્રીજો છે, કૌટુંબિક પ્રકારનો લવ-બીજાની જવાબદારી સમજે તે પ્રકારનો પ્રેમ. આમ તો આ રોમાન્સ બાયપ્રોડક્ટ છે, મળે તો ઠીક બાકી બહુ અપેક્ષા નથી હોતી. બહુ ઉત્સાહ ન હોય તો ધીમે ધીમે આગ ઓલવાઇ જાય.

ચોથો પ્રકાર છે મેનિયા, જેમાં ઉપરનો પહેલો અને બીજાનો કલર મીક્ષ થાય. મિન્સ ઇરોઝ અને લ્યુડોઝનું જોઈન્ટ વેન્ચર તીવ્ર પ્રેમ જે ક્યારેક સુખી જીવડાઓના જીવનમાં ઝંઝાવાત લાવી શકે.

આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : વિચક્ષણ અંકશાસ્ત્રી પી. સી. મહાલનોબિસ: સરદાર પટેલ-નહેરુના મનપસંદ વૈજ્ઞાનિક

પ્રેમનો પાંચમો પ્રકાર છે પ્રાગ્મા લવ, જે ઉપરનો બીજો અને ત્રીજાનું સંયુક્ત સ્વરૂપ છે. આમ તો થોડો આદર્શ ખરો, પણ વ્યાવહારિક પ્રેમ હોય એટલે સેલ્ફીસ ક્વોલિટી સાથેનો.

છઠ્ઠો છે એગેપ, જે પહેલા અને ત્રીજાનું કોમ્બિનેશન છે. કોઈપણ અપેક્ષા વગરનો પ્રેમ છે. આમાં અનકન્ડિશનલ લવના આદર્શો મળે તો બોરિંગ થાય, કેમ કે વ્યવહારમાં લગભગ અશક્ય છે. અ લવેરિયા સાંભળીને થાકી ગયાને ?

લ્યો, એક ટ્રાયેંગલ થિયરી પણ ભણી લો. ત્રણ બાજુ છે, ઇન્ટીમસી, પેશન અને કમિટમેન્ટ. આમાં પણ મિક્સ થિયરીઓ બની. હજી તો સમજાય ત્યાં એક બીજા સાઇકોલોજિસ્ટ આઠ પ્રકારના પ્રેમ લાવ્યા. લખીને ગોખી નાખજો, જેમાં લવ નામનું મૂળભૂત તત્ત્વ જ ગાયબ હોય, ચોઇસ જેવું હોય, ખોટો પ્રેમ, ટાઇમપાસ પ્રેમ, લાગણીશીલ પ્રેમ, સાથ આપે એવો પ્રેમ, એકદમ પાકો પ્રેમ છોડો આટલી બધી થિયરી… આખી વાતનો સાર એટલો જ છે કે બાળપણથી ઘર પરિવાર, મિત્રો તથા આસપાસના વાતાવરણે જે શીખવ્યું એ જ પ્રેમનું હોમવર્ક હોય છે, પ્રેમની એક્ઝામ પણ એ ભણતર આધારિત જ હોય છે અને માણસ પ્રેમને એ વાતાવરણ મુજબ જ વિચારતો હોય છે.

બાકી મજા કરો. કાલિદાસના સાહિત્ય મુજબ આ સિઝન જ પ્રેમની છે. આપણે ત્યાં જ બે શિયાળા છે, એક જ્યાં ઠંડીનો અહેસાસ થાય અને એ પછી રોમાન્સની કડક ઠંડી લાગે. મન થાય તો કાલિદાસનું ઋતુસંહાર પર નજર નાખજો. હા, પછી પાછી વસંત આવશે. જો કે આપણી વાત તો પતંગ કપાય નહીં ત્યાં સુધી, નહીં તો હોળીની આગ છે જ. રંગો સાથે… પાનખરથી વસંત… બધું પ્રેમ જ છે. ફક્ત ભોગવતા શીખવાની જરૂર છે.

આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : વિચક્ષણ અંકશાસ્ત્રી પી. સી. મહાલનોબિસ: સરદાર પટેલ-નહેરુના મનપસંદ વૈજ્ઞાનિક

ધ એન્ડ :

જ્યારે બે પ્રેમી એકબીજાની આંખોમાં જુએ છે ત્યારે તેમના હૃદયના ધબકારા સિંક્રોનાઈઝ થઈ જાય છે.

જાણી લો, લાલ ગુલાબનું લાલિત્ય…

પ્રેમમાં ગુલાબ આપવાનો રિવાજ સદીઓથી છે. આપણા સાહિત્યમાં પ્રેમનાં પુષ્પો વિષે અઢળક લખાયું છે. મોટાભાગની પ્રજાને કૉલેજમાં અલગ અલગ ડે મનાવવામાં આવ્યા ત્યારે ખબર પડી બાકી તો આપણે પ્રેમમાં જે ગુલાબ લઇને ફરતા હતા એ જ ગુલાબ બેસણાના ફોટામાં ચઢાવી દેતા. હા, ગુલાબ પણ કેવા? ગાઢ લાલ ગુલાબ એટલે ઉત્કટ અને એનર્જેટિક લવ. હળવો ગુલાબી એટલે ઇચ્છા ખરી ઉત્કટ પ્રેમ કરવાની પણ પહેલા ક્ધફર્મેશન થાય પછી.

એક અભ્યાસ મુજબ લાલ રંગ વ્યક્તિ અને વાતને વધુ આકર્ષક બનાવે છે. એવું માનવામાં આવે છે કે રોમેન્ટિક સંદર્ભમાં લાલ કપડાં પહેરેલી વ્યક્તિને 20-30 ટકા વધુ આકર્ષક દેખાતી હોય છે. ઇવન લાલ રંગથી શુશોભિત પ્લેસમાં વ્યક્તિ 50 ટકા વધુ આકર્ષિત થાય છે. લાલ રંગ મગજમાં ડોપામાઈન વધારીને આનંદ અને ઉત્તેજના પેદા કરે છે.

પીળું ગુલાબ મિત્રતા માટે હોય છે, ફર્સ્ટ સ્ટેપ. લવંડર ગુલાબ એટલે પહેલી નજરનો પ્રેમ. સાઇકોલોજી કહે છે કે લગ્ન પહેલા માણસ સાત વાર પહેલી નજરના પ્રેમમાં પડતો હોય છે, મનોમન કે સાચે દિલ તોડતો હોય છે. શી ખબર સાચું હશે? હા, સફેદ ગુલાબ લઈને ફરવાવાળાની પ્રજાતિ પણ આ ધરતી પર હયાત છે. જવા દો એનાથી કશું નહીં થાય, એ ગમતા પાત્રની ભક્તિ કરી શકે પણ પ્રેમ નહીં કરી શકે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button