ટ્રમ્પનો નવો વર્લ્ડ ઓર્ડર: હુમલો કરો – તાકાતથી જીતો ને પ્રદેશ પણ રાખો!

- પ્રાસંગિક – અમૂલ દવે
હવે વિશ્વમાં નવો વર્લ્ડ ઓર્ડર જોવા મળે છે. આ ઓર્ડર ‘જેની લાઠી એની ભેંસ’ જેવો છે. જે હુમલાખોર હોય એને કોઈ સજા થતી નથી અને એને ઈનામમાં જીતેલી જમીન મળે છે.
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને રશિયાના એમના સમકક્ષ વ્લાદિમીર પુતિન ભારતના આઝાદી દિન એટલે કે 15 ઓગસ્ટે અમેરિકાના અલાસ્કામાં મળવાના છે. અગાઉ શિખર પરિષદ યુએઈમાં મળવાની હતી, પરંતુ પછી અલાસ્કા પર કળશ ઢોળવામાં આવ્યો છે. આ એ જ અલાસ્કા છે, જે રશિયાએ અમેરિકાને 1867માં 72 લાખ ડૉલરમાં વેચ્યું હતું. આના રશિયન કનેકશનને જોઈને જ આ સ્થળની પસંદગી કરવામાં આવી છે. આમે પુતિન સામે આંતરરાષ્ટ્રીય અદાલતનું વોરંટ હોવાથી એ ઘણા દેશમાં જઈ શકતા નથી. યક્ષ પ્રશ્ન તો એ છે કે ‘માત્ર એક દિવસમાં રશિયા-યુક્રેન જંગને અટકાવા’નો દાવો ચૂંટણી પ્રચાર દરમિયાન કરનારા ટ્રમ્પ સત્તા સંભાળ્યાના છ મહિનામાં આ કિસ્સામાં કોઈ મોટો મીર મારી નથી શક્યા.
પુતિન પોતાના મિત્ર હોવાનો ટ્રમ્પ હંમેશાં દાવો કરે છે. આમ તો ટ્રમ્પ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાના મિત્ર હોવાનો દાવો કરતા રહ્યા છે, પરંતુ ભારત પર 50 ટકા ટૅરિફ લાદીને એમણે કેવી ‘અચ્છી દોસ્તી’ નિભાવી એ સૌ કોઈ જાણે છે. ટ્રમ્પ એક તરંગી, જુઠા બોલનારા અને વારંવાર યુ-ટર્ન લેનારા શાસક છે. ઓબામાની જેમ નોબલ પ્રાઈઝ મેળવવાની એમની અદમ્ય ઈચ્છા (કે પછી વાસના!) છે… આથી ‘માન ન માન મૈં તેરા મહેમાન’ બની જાય છે. ‘ભારત- પાકિસ્તાનની લડાઈ મેં અટકાવી’ એવો દાવો એમણે 30થી વધારે વાર કર્યો છે.
આ દાવાને ભારતે નકારી કાઢતાં ક્રોધિત થયેલા ટ્રમ્પે ભારત પર પચાસ ટકા ટૅરિફ ફટકારી છે. બીજી બાજુ, પુતિન વારંવાર દગો આપ્યા છતાં ટ્રમ્પ એમનો પીછો છોડતા નથી. ટ્રમ્પ કહે છે કે મારી વાઈફ મેલાનિયાએ મને પુતિન અંગે સાવધાન કર્યા હતા. એણે મને કહ્યું હતું કે પુતિન સવારે ફોન પર તો સમાધાનની વાત કરે છે, પરંતુ સાંજે યુક્રેન પર જબરદસ્ત બોમ્બમારો કરે છે. પુતિનના આવા વિશ્વાસઘાતથી ટ્રમ્પ એટલા ધુંઆપુંઆ થઈ ગયા કે એમણે પુતિનને નવી મહેતલ આપીને જબરદસ્ત ટૅરિફ લાદવાની ધમકી આપી હતી…. આ ડેડલાઈન આઠ ઓગસ્ટે પતે એના બે દિવસ પહેલાં ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફે મોસ્કો જઈને પુતિન સાથે ત્રણ કલાક મંત્રણા કરી હતી. આમાં શિખર પરિષદનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો.
જોકે, પુતિને વાતચીત પહેલાંજ અમેરિકા આગળ કડક શરતો મૂકી છે અને આ શરતોના આધારે યુદ્ધવિરામ થયો તો યુક્રેને ક્રિમીયા ઉપરાંત તેનો 20 ટકા પ્રદેશ રશિયાને સોંપી દેવો પડશે. મુશ્કેલી તે છે કે યુક્રેનના ચાર પ્રદેશો લુહાન્કસ, ડોનેન્સક, ઝાપોર્ઝિયા અને ખેરસન માગી રહ્યું છે. કાળા સમુદ્રમાં આવેલા ક્રિમિયન દ્વિકલ્પની ઉપર તો રશિયાનો 2014થી કબજો છે હવે તે પ્રદેશો રશિયા વિધિવત રીતે પોતાને મળે એમ પુતિન ઈચ્છે છે. શાંતિ યોજનામાં યુક્રેનના અમુક વિસ્તારો રશિયાને સોંપવાના બદલામાં યુદ્ધ ખતમ કરવાની જોગવાઈ છે. રશિયા ઈચ્છે છે કે, યુક્રેન પોતાની બે મોટી જમીન ડોનેટ્સ્ક અને લુહાંસ્ક ખાલી કરે. બદલામાં રશિયા ખારકીવ અને સુમી જેવા નાના વિસ્તારોમાંથી પોતાની સેના પાછી ખેંચી લેશે.
ટ્રમ્પ નિવેદનમાં કહે છે કે, એ પુતિન સાથે મુલાકાત કરવાના છે. યુક્રેનને અનેક શરતો પર તૈયારી દર્શાવવી પડશે. જમીનની અદલા-બદલીનો પ્રસ્તાવ પણ છે. આનો અર્થ એ થયો કે ટ્રમ્પના નવા વર્લ્ડ ઓર્ડરમાં આક્રમણ કરનાર દેશ બીજાનો પ્રદેશ હડપ કરી લે એ ટ્રમ્પને માન્ય છે… ટ્રમ્પ રશિયા સાથે સારી વેપાર ડીલની લાલચ આપે તો તરત જ માની જાય એમ છે.
પ્રશ્ન તે છે કે ઝેલેન્સ્કી તે વિસ્તારો જતા કરવા સહમત થશે? અમેરિકા આ બેઠકમાં યુક્રેનને સામેલ કરવાની વિચારણા કરી રહ્યું હતું, પરંતુ રશિયાએ આ પ્રસ્તાવનો જોરદાર વિરોધ કર્યો હતો. ટ્રમ્પ અને પુતિનની શિખર પરિષદ સફળ રહે તો બાદમાં ટ્રમ્પ-પુતિનને ઝેલેન્સ્કી વચ્ચે ત્રિપક્ષીય મંત્રણા થાય એવી સંભાવના છે.
રશિયા જાપોરિઝિયા અને ખેરસોનમાં ચાલુ યુદ્ધને રોકી શકે છે, પરંતુ આ યુદ્ધમાં 70 ટકાથી વધુ જમીન પર કબજો મેળવી લીધો હોવાથી તે કબજો પોતાની પાસે જ રાખવા માગે છે. યુક્રેન કોઈપણ રીતે જમીન આપવા તૈયાર નથી. ગત શનિવારે ઝેલેન્સ્કીએ ગુસ્સામાં નિવેદન આપ્યું હતું કે, યુક્રેનનું બંધારણ જમીનનું રક્ષણ કરે છે. એક ઈંચ જમીન પણ રશિયાને આપીશું નહીં. યુક્રેનના આવા વલણથી એ બંને દેશ વચ્ચે શાંતિ મંત્રણામાં આ શરત અવરોધ સર્જી શકે છે.
રશિયા વિશ્વને જણાવવા માગે છે કે, યુક્રેન ટ્રમ્પની આકર્ષક યોજનાને ફગાવી રહી રહ્યું છે. આ પગલાં સાથે રશિયા વિશ્વને ગેરમાર્ગે દોરવા માગે છે. રશિયા જમીનના બદલામાં શાંતિ ઈચ્છે છે. જે તેનો રાજકીય દાવ છે.
અત્યારે તો બધાની નજર પુતિન અને ટ્રમ્પ વચ્ચેની શાંતિ મંત્રણા પર છે. ટ્રમ્પે યુક્રેન અને યુરોપની બાદબાકી કરીને એમના પર યુદ્ધવિરામ ઠોકવા માગે છે. યુરોપના દેશોએ તો શિખર મંત્રણા પહેલાંજ વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે. યુક્રેનને ઘણું સમાધાન કરવું પડે એમ છે. ઝેલેન્સ્કીની રાજકીય કરીઅર ભયમાં મૂકાઈ જશે. યુક્રેનના ‘નાટો’ના સભ્ય બનવાની કોઈ સંભાવના નથી. યુક્રેને ક્રિમિયા ઉપરાંત 20 ટકા જેટલી જમીન ગૂમાવી પડે તો રશિયા અને પુતિન બાજી મારી જશે એમાં કોઈ શંકા નથી. આમ પુતિનના છટકામાં ટ્રમ્પ ફરી સપડાઈ જશે. હા, એમની નોબેલ પારિતોષિક મહેચ્છા કદાચ સાકર થઈ જાય. જો યુદ્ધવિરામ થાય તો ભારતને પણ રાહત મળી શકે. અમેરિકા રશિયા પાસેથી તેલ લેવા માટે લાદેલી ટૅરિફ રદ કરી શકે.
આપણ વાંચો: સુપ્રીમની ભલામણ પછી જસ્ટિસ વર્મા સામે નવી તપાસની શું જરૂર?