નિફ્ટીનું નૂર કેમ હણાયું?
ટ્રમ્પની ટેરિફ વૉર સાથે ‘સેલ ઇન્ડિયા, બાય ચાઇના’નો ટ્રેન્ડ અને અમેરિકાનું સ્ટેગફ્લેશન ઇક્વિટી માર્કેટની કમર તોડી નાખશે?

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા
શેરબજાર પર એકસાથે અમેરિકન આફતો ત્રાટકી પડી છે. એક તરફ ટ્રમ્પે ટેરિફની અવળચંડી મિસાઇલોનો મારો સતત ચાલુ રાખ્યો છે, તો બીજી તરફ અમેરિકામાં સ્ટેગફ્લેશન જામવાની આશંકાએ વિશ્ર્વભરના શેરબજારીયાઓની ઊંઘ હરામ કરી નાંખી છે. આ તરફ નિફ્ટીનું નૂર હણાઇ ગયું છે અને તેમાં ચીન તરફ ડોલરનો પ્રવાહ ફંટાઇ જવાની આ નવી મુસીબતથી રોકાણકારોની ચિંતા વધી છે.
સોમવારે લગભગ 900 પોઇન્ટનો ધબડકો નોંધાવ્યા બાદ મંગળવારે વિશ્ર્વબજારમાં ચારેતરફ નરમાઇના હવામાનમાં સેન્સેકસે આશ્ર્ચર્યજનક રીતે સાધારણ સુધારો નોંધાવ્યો હતો. જોકે, એને વેલ્યૂબાઇંગનું નામ આપો કે ગમે તે નામ આપો, પરંતુ સવાલ એ જ છે કે નિફ્ટી ક્યાં સુધી ગબડતો રહેશે? મંગળવારે પણ નિફ્ટી તો સત્રને અંતે નેગેટીવ ઝોનમાં જ સ્થિર થયો હતો!
આ સવાલનો આમ તો હાલ કોઇ એનાલિસ્ટ સ્પષ્ટ જવાબ નથી આપતાં પરંતુ કદાચ નિફ્ટીનું નૂર હણાવા પાછળના કારણમાં આ સવાલનો કંઇક જવાબ મળી શકે! સરળ અને દેખીતા, કે રોજ છપાતા કારણોની વાત કરીએ તો કોર્પોરેટ ક્ષેત્રની નબળી કમાણી, વિદેશી ફંડોની એકધારી વેચવાલી અને આર્થિક સ્તરની અનિશ્ર્ચિતતાઓએ રોકાણકારોનો વિશ્ર્વાસ ભાંગી નાંખ્યો હોવાથી મુખ્ય બેન્ચમાર્ક ચાર મહિના પહેલાના વિક્રમી ઊંચા સ્તરેથી નીચે પટકાઇ ગયા છે. નિફ્ટી અને સેન્સેક્સમાં ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં લગભગ ચાર ટકાથી મોટો ઘટાડો થયો છે, બીજા શબ્દોમાં 27 સપ્ટેમ્બર, 2024ના રોજ જોવા મળેલા તેમના શિખર સામે ઉક્ત બંને બેન્ચમાર્કમાં અનુક્રમે 13.80 ટકા અને 12.98 ટકા સુધીનું ધોવાણ થયું છે.
વિશ્ર્લેષકો કહે છે કે નિફ્ટી ડેન્ઝર ઝોનમાં પ્રવેશી રહ્યો છે. નિફ્ટીમાં છેલ્લી વખત સતત પાંચ મહિનાનો ઘટાડો જુલાઈ અને નવેમ્બર 1996 વચ્ચે જોવા મળ્યો હતો. નિફ્ટીમાં ફક્ત બે વાર પાંચ મહિનાનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે 1998 અને 2001માં ચાર મહિનાનો ઘટાડો જોવા મળ્યો છે. રેકોર્ડ પરનો સૌથી લાંબો ઘટાડો સપ્ટેમ્બર 1994થી એપ્રિલ 1995 વચ્ચે સતત આઠ મહિનાનો રહ્યો છે.
હવે આપણે શેરબજારને ડહોળનારા મુખ્ય કેન્દ્ર બની ગયેલા અમેરિકા તરફ જોઇએ તો ક્ધઝ્યુમર ડિમાન્ડમાં નરમાઈ અને ટેરિફ ધમકીઓની ચિંતાને કારણે વધેલી અને વધતી રહેતી આર્થિક અનિશ્ર્ચતતા વચ્ચે ગ્લોબલ ઇક્વિટી માર્કેટમાં ઝટકો લાગતાં ભારતીય શેરબજાર પણ સપાટામાં આવી ગયાં છે. એકતરફ ફેબ્રુઆરીમાં યુએસ ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 15 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો હતો, જ્યારે પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પની પ્રસ્તાવિત ટેરિફ સાથે વધુ નવા દેશોમાં ટેરિફ લાદવાની ધમકીઓને કારણે ઇન્ફલેશન વધુ વકરવાની ધારણાએ ઇક્વિટી રોકાણકારોની ચિંતામાં વધારો કર્યો છે.
ભારતના બંને મુખ્ય બેન્ચમાર્ક સપ્ટેમ્બર 2024ના તેમના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરથી અંદાજે 13 ટકા જેટલા ઘટ્યા છે, કોર્પોરેટ ક્ષેત્રના નબળા પરિણામ ઉપરાંત આગળ પણ કામગીરી નબળી રહેવાની આશંકા, ટ્રમ્પ ટેરિફ ટેરરને કારણે વિદેશી સંસ્થાકીય ફંડોની એકધારી વેચવાલી અને આંતરરાષ્ટ્રીય વેપારમાં વધી રહેલી અનિશ્ર્ચિતતાને કારણે ઇક્વિટી માર્કેટનું મોરલ સાવ ખખડી ગયું છે.
બજારના નિરીક્ષકોના મતે ચીન ફરી જોખમ બન્યું છે. ચીની શેરોમાં તીવ્ર ઉછાળો નજીકના ભવિષ્યમાં પણ અવરોધરૂપ છે. ચીની શેરબજાર આકર્ષક રહેવાને કારણે ‘સેલ ઇન્ડિયા, બાય ચાઇના’ વેપાર સૂત્ર થોડા સમય માટે ચાલુ રહી શકે છે.
તાજેતરમાં મુંબઇ સમાચાર સાથેની વાતચીતમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામન અને નાણાં સચિવે જણાવ્યું હતું કે વિદેશી ફંડો પ્રોફિટ બુકિંગ કરીને નફો કોઇ બીજા ઇમર્જિંગ માર્કેટમાં નહીં પરંતુ તેમના પોતાના દેશમાં પરત લઇ જઇ રહ્યાં છે. જોકે, એફઆઇઆઇ ચીનમાં રોકાણ વધારી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. ભારતમાં એકધારી વેચવાલી સામે ચીનમાં તેઓ લેવાલી કરી રહ્યાં છે અને એ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો તે ભારતીય રોકાણકારો માટે નુકસાનકારક બની શકે છે.
અમેરિકામાં ટેરિફના ટોરપિડોને કારણે લાંબા ગાળાના ફુગાવાની અપેક્ષાઓ વધી રહી હોવાથી, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં અપેક્ષિત ઘટાડો થવાની શક્યતા સાવ ઘટી ગઇ છે. ખુદ અમેરિકાના બિઝનેસ લીડર્સ પણ આ સંદર્ભે ચિંતા વ્યકત કરી રહ્યા છે.
એક આશાવાદી સ્ટોક એનાલિસ્ટે જણાવ્યું હતું કે, ફેડરલ રિઝર્વ પણ આક્રમક વલણ અપનાવી શકે છે, જે યુએસ શેરબજારોને અસર કરે છે. જો આવું થાય અને યુએસ બોન્ડ યીલ્ડ ઘટવા લાગે, તો વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતમાં વેચવાલી કરવાનું બંધ કરી શકે છે અને ખરીદી ફરી શરૂ કરી શકે છે. જોકે, નજીકના ગાળાનું દૃશ્ય અત્યંત અનિશ્ર્ચિત છે.
વિશ્ર્વના સૌથી મોટા અર્થતંત્રમાં ધીમી વૃદ્ધિ અને વધતી કિંમતો દ્વારા ઉદ્ભવેલા સ્ટેગફ્લેશન એટલે કે વિકાસવિહિન ફૂગાવાની પરિસ્થિતિ ભારતના, ખાસ કરીને ઇન્ફર્મેશન ટેકનોલોજી જેવા નિકાસ સંચાલિત ક્ષેત્રો માટે ચિંતાજનક સંકેત છે. સ્ટેગફ્લેશન વિદેશી રોકાણકારો માટે ભારત અને અન્ય ઊભરતાં બજારોને ઓછા આકર્ષક બનાવે છે, આથી તેેઓ ડોલર અને યુએસ ટ્રેઝરી જેવી સુરક્ષિત સંપત્તિ તરફ વળવાની શક્યતા છે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં રૂ. 42,000 કરોડથી વધુના ભારતીય ઇક્વિટી શેરનું ચોખ્ખું વેચાણ કર્યું છે, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ રૂ. 44,000 કરોડના શેરની ચોખ્ખી ખરીદી કરી છે. વર્ષ 2025માં અત્યાર સુધીમાં એફઆઇઆઇએ અંદાજે રૂ. 1,20,000 કરોડની ચોખ્ખી વેચવાલી કરી છે. આ ઉપરાંત ચીન તરફ વધુ લેવાલી માટે આગળ જતાં ભારતમાં વધુ વેચવાલીનો ભય છે. વ્યાપક બજારોમાં તદ્દન અનિશ્ર્ચિત હવામાન છે. અમુક સત્રમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં સારી લેવાલી પણ જોવા મળી હતી અને ઉક્ત બંને ઇન્ડેક્સે લાર્જકેપ બેન્ચમાર્કને પાછળ પણ મૂકી દીધાં હતા. જોકે, એકંદરે નિષ્ણાતો કહે છે કે આટલા ધોવાણ બાદ પણ નાના શેરોના મૂલ્યાંકન ઊંચા હોવાથી તેમાં કશ નથી. આ વર્ગના શેરોમાં લગભગ ત્રીસેક ટકા જેટલું ધોવાણ થઇ ગયું હોવાનો અંદાજ છે. અમુક શેરમાં તો 80 ટકા સુધી ધોવાણ થયું છે.
બજારના પીઢ અભ્યાસુઓ જણાવે છે કે, આપણા બજારમાં સકારાત્મક પરિબળ એ છે કે લાર્જકેપનું મૂલ્યાંકન વાજબી બન્યું છે અને નાણાકીય ક્ષેત્ર જેવા ચોક્કસ સેગમેન્ટમાં આકર્ષક બન્યું છે, જેનાથી લાંબા ગાળાના રોકાણકારોને ખરીદી કરવાની તકો મળી છે. અલબત્ત્ા, વ્યાપક બજારમાં મૂલ્યાંકન ઊંચું હોવા છતાં, આ સેગમેન્ટમાં પસંદગીના શેરોમાં તકો મોજૂદ છે. નોંધવું રહ્યું કે આ શેરોએ રોકાણકારોને મબલખ કમાણી પણ કરાવી છે.