પ્રાસંગિકઃ ટ્રમ્પની શાંતિ મંત્રણામાં પીઠ પાછળ છૂરી મારશે ઈઝરાયલ!

અમૂલ દવે
ક્યારેક એક હજાર શબ્દો જે ન કહે એ વાત એક તસવીર કહી જાય છે. હાલમાં બે વીડિયો અતિશય વાયરલ થયા છે. એકમાં બાપથી છુટી પડલી બાળકી રડતી નજરે પડે છે અને બીજામાં ઈઝરાયલના નાગરિકો તેમના જ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પહેલો વીડિયો ઈઝરાયલે ગાઝા પટ્ટીમાં કેવો કાળો કેર અને નરસંહાર કર્યો છે એની ઝાંખી કરાવે છે. બીજો વીડિયો શાંતિ યોજના માટે બાવરા થયેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઈઝરાયલના નાગરિકો તેમના જ વડા પ્રધાન બીબીથી (નેતન્યાહુનું હુલામણું નામ) ચેતવી રહ્યા છે.
તેમના હાથમાં નાઉ ઓર નેવર, (હમણા અથવા ક્યારેય નહીં), વેલકમ ટ્રમ્પસ પીસ પ્લાન (ટ્રમ્પની શાંતિ યોજનાનું સ્વાગત), ટ્રમ્પ, બીબી વીલ બેકસ્ટેબ યુ (ટ્રમ્પ, બીબી તમને પીઠમાં છરી મારશે) એવા પોસ્ટર છે. ટ્રમ્પની વીસ મુદ્દાની શાંતિ યોજનાનો હમાસે આંશિક સ્વીકાર કર્યો છે. હમાસે ટ્રમ્પની યોજનાનું માળખું અને બાનની મુક્તિની વાત તો સ્વીકારી લીધી છે, પરંતુ સત્તામાં બાદબાકી અને હથિયારો હેઠા મૂકવા અંગે વાતચીતની માગણી કરી છે.
ટ્રમ્પ હમાસ પર પ્રચંડ દબાણ લાવી રહ્યા છે. હમાસને ખબર છે કે જો તે ડીલ માટે તૈયાર નહીં થાય તો અમેરિકા તેને ખતમ કરી નાખશે. હમાસના મોટા ભાગના નેતાઓ કતારમાં રહે છે અને હાલમાં જ ટ્રમ્પે કતાર પર હુમલો કરનાર નેતન્યાહુને કતારના શેખની માફી મગાવી હતી. અમેરિકાએ કતારને નાટો જેવી સલામતીની ગેરંટી આપી છે. આ માટે ટ્રમ્પે વહીવટી આદેશ બહાર પાડ્યો છે.
હમાસના મોટા નેતાઓને ખબર છે કે જો તે ટ્રમ્પની વાત નહીં માને તો તેમનું કતારમાં રહેવું મુશ્કેલ બની જશે. બીજી બાજુ આરબ દેશોએ તૈયાર કરેલ શાંતિ યોજનાનો મુસદ્દો જ ઈઝરાયલે બદલાવી નાખ્યો છે. ઈઝરાયલ ગાઝામાંથી ખસવા તૈયાર નથી. તેણે ડ્રાફ્ટમાં કડક શરતો મૂકી છે. ઈઝરાયલ જે વસ્તુઓ યુદ્ધ વડે હાંસલ કરી શક્યું નથી એ હવે પીસ ડીલ મારફત મેળવવા માગે છે.
ઈઝરાયલને હતું કે હમાસ આ માટે તૈયાર નહીં થાય પરંતુ હમાસે આનો આંશિક સ્વીકાર કરતાં અને ઈઝરાયલે આનાકાની કરતા ગાઝા પરનો બોમ્બમારો રોકયો એનાથી ટ્રમ્પ નેતન્યાહુ પર ક્રોધિત થયા છે. ટ્રમ્પે નેતન્યાહુને ગાળ આપીને કહ્યું છે કે મેં આના જેવો નકારાત્મક માણસ જોયો નથી. ઈઝરાયલમાં લોકો પણ નેતન્યાહુની સત્તા બચાવવા માટેની વોર ગેમથી કંટાળી ગયા છે.
ટ્રમ્પે ગાઝા સંઘર્ષને સમાપ્ત કરવા માટે શાંતિ યોજના તૈયાર કરી છે અને તેના અમલીકરણની જાહેરાત કરી છે. ટ્રમ્પ અને નેતન્યાહૂ કહે છે કે અમે ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવાની યોજના પર સંમત થયા છે. ટ્રમ્પ હમાસ જૂથને કડક ચેતવણી આપતા કહે છે કે જો તે ગાઝા પટ્ટી પરનું પોતાનું નિયંત્રણ છોડશે નહીં અને યુએસ દ્વારા પ્રસ્તાવિત શાંતિ કરાર માટે સંમત નહીં થાય, તો તે સંપૂર્ણપણે નાશ પામશે.
ટ્રમ્પ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ, પર લખે છે કે હમાસે તાત્કાલિક આગળ વધવું જોઈએ, નહીંતર બધી શક્યતાઓ ખોવાઈ જશે અને તેઓ ગાઝા ફરીથી ખતરો બની જાય તેવી કોઈ પરિસ્થિતિ સહન કરશે નહીં. આ યુએસ શાંતિ યોજના તાત્કાલિક યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિની સાથે ગાઝાની સરકારમાં હમાસની કોઈ ભૂમિકા નહીં રહે તેવી સ્પષ્ટ શરત રાખે છે, જેના કારણે નેતન્યાહૂ અને હમાસના વલણમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.
નેતન્યાહૂએ આ પ્રસ્તાવના વિચારને સખત રીતે નકારી કાઢતા કહ્યું છે કે અમે પેલેસ્ટિનિયન રાજ્યનો સખત વિરોધ કરીએ છીએ અને તે કરારમાં ક્યાંય લખાયેલું નથી.’ બીજી તરફ, હમાસે શુક્રવારે કહ્યું હતું કે ગાઝાના શાસન અને પેલેસ્ટિનિયનોના અધિકારો સંબંધિત કેટલાક મુદ્દાઓ હજી પણરાષ્ટ્રીય માળખા’ હેઠળ ચર્ચામાં છે, જેમાં તે સામિલ રહેશે. આ વિરોધાભાસ યોજનાના અમલીકરણમાં મોટો પડકાર બની રહે છે.
ટ્રમ્પને મધ્ય પૂર્વીય દેશો તરફથી જે સમર્થન મળ્યું છે તે અદ્ભુત છે. ટ્રમ્પ કહે છે કે હું ઔપચારિક રીતે શાંતિ માટેના મારા સિદ્ધાંતો રજૂ કરી રહ્યો છું, જે બધા દેશો સાથે સંપૂર્ણ પરામર્શથી કરવામાં આવે છે. હું આરબ અને મુસ્લિમ દેશોના નેતાઓનો અમારા સાથીઓ સાથે આ દરખાસ્ત વિકસાવવામાં તેમના સમર્થન બદલ આભાર માનું છું.
યુરોપ પણ સામેલ છે. હું આ યોજના સાથે સંમત થવા બદલ વડા પ્રધાન નેતન્યાહૂનો આભાર માનું છું અને તેમને ખાતરી આપું છું કે સાથે મળીને કામ કરીને, આપણે સદીઓથી જોયેલા મૃત્યુ અને વિનાશનો અંત લાવી શકીએ છીએ. ટ્રમ્પની યોજના હેઠળ, એક કામચલાઉ ગવર્નિંગ બોર્ડની સ્થાપના કરવામાં આવશે. તેની અધ્યક્ષતા ટ્રમ્પ કરશે અને તેમાં ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેર પણ શામેલ હશે. ગાઝાનો પુનર્વિકાસ ગાઝાના લોકોના લાભ માટે કરવામાં આવશે, જેમણે ભારે પીડા સહન કરી છે.
જો બંને પક્ષો આ દરખાસ્ત સાથે સંમત થાય, તો યુદ્ધ તાત્કાલિક સમાપ્ત થઈ જશે. ઇઝરાયલી દળો બંધકોને મુક્ત કરવાની તૈયારી કરવા માટે સંમત લાઇન પર પાછા ફરશે. આ સમય દરમિયાન, હવાઈ અને તોપખાનાના બોમ્બમારા સહિત તમામ લશ્કરી કાર્યવાહી સ્થગિત કરવામાં આવશે.
ઇઝરાયલ દ્વારા કરારને જાહેરમાં સ્વીકાર્યાના 72 કલાકની અંદર બધા બંધકો જીવંત અને મૃત બંને પરત કરવામાં આવશે. બધા બંધકોને મુક્ત કર્યા પછી, ઇઝરાયલ 7 ઓક્ટોબર, 2023 પછી અટકાયતમાં લેવામાં આવેલા 250 આજીવન કેદના કેદીઓને તેમ જ 1,700 ગાઝાવાસીઓને મુક્ત કરશે. આમાં તે સમયે અટકાયતમાં લેવામાં આવેલા તમામ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થશે. મુક્ત કરાયેલા દરેક ઇઝરાયલી બંધક માટે, ઇઝરાયલ 15 મૃત ગાઝાવાસીઓના અવશેષો પરત કરશે.
ટ્રમ્પે ઈઝરાયલને તાત્કાલિક ગોળીબાર બંધ કરવાનું પણ કહ્યું હતું, જે ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહૂ માટે ફટકો હતો, પરંતુ મોટો પ્રશ્ન એ છે કે, ટ્રમ્પ આટલી ઉતાવળ કેમ કરી રહ્યા છે? હકીકતમાં, આ પાછળનું કારણ નોબેલ શાંતિ પુરસ્કાર જીતવાની તેમની લાંબા સમયથી ચાલતી ઇચ્છા છે. નોબેલ પુરસ્કારોની જાહેરાત આવતા અઠવાડિયે કરવામાં આવશે, પરંતુ બધાની નજર શુક્રવારે આપવામાં આવનારા નોબેલ શાંતિ પુરસ્કાર પર રહેશે. ટ્રમ્પ આ પહેલા એક મોટો `પીસ ડીલ’ (શાંતિ સોદો) કરીને વિશ્વને આશ્ચર્યચકિત કરવા માગે છે.
જોકે, નિષ્ણાતો માને છે કે, તેમના પ્રયાસો રાજકીય સ્ટંટ જેવા છે, કારણ કે નોબેલ સમિતિ સામાન્ય રીતે શાંતિ પ્રયાસોની લાંબા ગાળાની અસરને ધ્યાનમાં લે છે અને ઉતાવળિયા સોદાઓ પર નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય ભાઈચારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઇતિહાસકાર થિયો ઝેનો અનુસાર, `ટૂંકા ગાળાના યુદ્ધવિરામ અને વાસ્તવિક શાંતિ વચ્ચે મોટો તફાવત છે. ટ્રમ્પની પહેલને હજુ કાયમી ગણી શકાય નહીં.’
આ પણ વાંચો…પ્રાસંગિકઃ પાકિસ્તાન માટે આ બે હોડીની સવારી આત્મઘાતી છે