આ તો સ્કેમ છેઃ મારુતી કૌભાંડ એટલે દેશી, સસ્તી જનતાકારને નામે ગોટાળા | મુંબઈ સમાચાર
ઈન્ટરવલ

આ તો સ્કેમ છેઃ મારુતી કૌભાંડ એટલે દેશી, સસ્તી જનતાકારને નામે ગોટાળા

  • પ્રફુલ શાહ

ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની દીકરી ઇંદિરા ગાંધીજી અને પછી ઇંદિરાજીના દીકરા રાજીવ ગાંધીએ વડા પ્રધાનપદ મેળવ્યું કહેવાની જરૂર નથી. ઇંદિરા ગાંધીના શાસનકાળમાં મોટા દીકરા રાજીવને રાજકારણમાં રસ નહોતો પણ નાના સંજય ગાંધી (14 ડિસેમ્બર, 1946-23 જૂન, 1980) કૉંગ્રેસના રાજકારણમાં ખૂબ સક્રિય હતા. એટલું જ નહીં, તેમના પર બંધારણ વાદ્ધ સત્તાના ભોગવટના આરોપ પણ મુકાયા હતા.

ઇંદિરા સરકારમાં સંજય ગાંધીની વગ અને વર્ચસ્વના અનેક કિસ્સા અખબારોના પાને ચડેલા છે. સંજયને ત્રણ કારણોસર યાદ કરાય છે. અકાળ મૃત્યુ, કટોકટીમાં સત્તાના બેફામ ઉપયોગ અને મારુતિ કૌભાંડ બદલ. માતા અને મોટાભાઈની જેમ સંજય ગાંધીને સ્નાતકની પદવી મેળવવા સુધી પહોંચી શક્યા નહોતા. કદાચ આ નિષ્ફળતામાં જ પહેલી ભારતીય, સંપૂર્ણ સ્વદેશી, સસ્તી અને ભારતીય રસ્તાઓને લાયક ગાડી બનાવવાના સપનાનાં બીજ રોપાયા હોય તો નવાઈ નહીં.

જગવિખ્યાત કાર રોલ્સ રોયસમાં ત્રણ વર્ષની સ્ટુન્ડ એપ્રેન્ટીસશિપ તરીકે સંજય ગાંધી ગયા. અહીં વોકેશનલ મિકેનિકલ એન્જિનિયરિંગનો કોર્સ કરવાનો હતો. પણ ન એપ્રેન્ટીસશિપ પૂરી કે ન વોકેશનલ કોર્સ.

આ છોડીને આવ્યા બાદ સંજય ગાંધી કૉંગ્રેસમાં અને ખાસ તો મમ્મીની સરકારમાં સક્રિય થઈ ગયા. સંજય સસ્તી, સ્વદેશી કારનું સપનું સાકાર કરવા પાછળ મચી પડ્યા. અલબત્ત તેમને કાર ઉત્પાદનનો લેશમાત્ર અનુભવ નહોતો.

આ સપનું સાકાર કરવા માટે સંજયને બધી સગવડ-સુવિધા-સહાય તાસક પર મળ્યા. પછી એ પ્લાન્ટ માટે જમીન હોય, ભંડોળ હોય કે મંજૂરી હોય.

અન્ય કાર ઉત્પાદક સ્પર્ધકની જેમ સંજય ગાંધીએ કોઈ લાઇસન્સ કે પરમિટ માટે લાંબી તો ઠીક થોડી-ઘણી રાહ જોવી પડી નહોતી. હા, રોલ્સ રોયસ કંપનીમાં ગયેલા દિવસો દરમિયાન કાર ઉત્પાદન માટેની અમુક બાબતો જોઈ, જાણીને શીખી. એમાંય મહત્ત્વાકાંક્ષાની જમીન પર ઉગેલા સપનાને બહુ ઝડપભેર સત્તાવાર પ્લેટફોર્મ મળી ગયું.

1971માં વડાં પ્રધાન ઇંદિરા ગાંધીના પ્રધાનમંડળે જનતા કારનું ઉત્પાદન શરૂ કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો. આની વ્યાખ્યા કે શર્તમાં અમુક બાબતો ખાસ હતી, જેમ કે સસ્તી, પરવડે એવી, કાર્યક્ષમ અને સ્વદેશી. અને લો ભાઈ, 1971ની ચોથી જૂને મારુતિ મોટર્સ લિમિટેડ નામની કંપનીની સ્થાપના થઈ. કહેવાની જરૂર નથી કે એના પહેલા મેનેજિંગ ડિરેક્ટર હતા સંજય ગાંધી. રસપ્રદ બાબત એ છે કે આ કંપની કે એના એમ.ડી. પાસે કાર ઉત્પાદનનો અનુભવ, કામચલાઉ મોડેલ કે કોઈ કાર-ઉત્પાદક સાથે સહયોગ-કરાર સુધ્ધાં નહોતો.

કૉંગ્રેસ સરકાર કટોકટી અને સંજય ગાંધીને લીધે ખૂબ બદનામ થઈ હતી. દિલ્હીમાં જુગ્ગી ઝૂંપડીપટ્ટી પર બુલડોઝર ફેરવવાનો મામલો હોય, પરાણે નસબંદી હોય કે અખબાર સહિતના પ્રસાર માધ્યમો પર સેન્સરશિપ હોય બધામાં સંજય ગાંધીનું નામ ઉછળ્યું હતું.

મારુતિ મોટર્સ લિમિટેડના મામલામાં કહી શકાય કે ગુડગાંવમાં વિશાળ સંકુલમાં એક પ્રોટો-ટાઈપ બની ગયું. શ્રીમતી ગાંધીએ જાહેરમાં પુત્ર સંજય ગાંધીની પ્રશંસા કરતા દીકરાની સાહસવૃત્તિને બિરદાવતા સંપૂર્ણપણે ભારતીય મોટરનું પ્રસ્તાવ મૂકવાને આવકાર આપ્યો હતો. એમાંય પોતાની બધી શક્તિ-પૈસા કોઈ લક્ઝુરિયસ કારમાં લગાડવાને બદલે સામાન્યજનો માટેના વાહનમાં લગાડવા બદલ દીકરા પર આવોરી ગયાં હતાં.

જો કે મારુતિ પ્રકરણમાં કાનાફુસી શરૂ થઈ ગઈ હતી કે કેવી રીતે અમલદારો આળોટતા હતા અને ન માને એને કેવી રીતે સી.બી.આઈ. અને ‘મિસા’ સહિતની ધાકધમકી અપાતી હતી.

કટોકટીના પાપે 1977ની લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ અને ઇંદિરા ગાંધીના બારેય વહાણ ડૂબી ગયા. એક તો સરકાર ગઈ અને પછી એક અનુચિત બાબતો ગાજવાજ સાથે બહાર આવવા માંડી. આમાં એક મહત્ત્વની બાબત હતી મારુતિ પ્રકરણ. આ કૌભાંડને લીધે દેશની સલામતી સાથે સમાધાન થયાનો મુદ્દો ખૂબ ગાજ્યો હતો. કટોકટી સમયના મામલાની તપાસ જનતા પક્ષની મોરારજીભાઈ દેસાઈ સરકારે શરૂ કરાવી. આમાં મારુતિ કૌભાંડની તપાસ માટે જસ્ટિસ એ. સી. ગુપ્તા પંચની સ્થાપના થઈ હતી.

આ પંચની તપાસના અહેવાલમાં સનસનીખેજ ગોટાળા પર્દાફાશ થયા હતા. દીકરાના સપનાને પૂરું કરવા માટે માતાએ અનુચિત તરફેણ કરી હોવાની વાત નીચે પંચના અહેવાલમાં લાલ લીટી દોરાઈ હતી. એટલું જ નહીં, સંજયબાબા માટે કૉંગ્રેસી મુખ્ય પ્રધાન અને અન્ય નેતાઓએ કેવી વાંધાજનક કામગીરી બજાવી હતી એ પણ બહાર આવ્યું હતું.

અધધ અનૈતિક સરકારી મદદ અને બદનામી છતાં સંજય ગાંધીના નસીબમાં પોતાના સપનાની પહેલી કારનું ઉત્પાદન જોવાનું લખાયું નહોતું એ સમયની કેવી બલિહારી કહેવાય? કે પછી એ કવિ-ન્યાય ગણાય? (ક્રમશ:)

આપણ વાંચો:  પ્રાસંગિકઃ અફઘાનિસ્તાન સાથે યુદ્ધ છેડીને પાકિસ્તાને પાયમાલી વહોરી છે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button