આ તો સ્કેમ છે… સ્કેમ છે..!: નગરવાલાને જીવલેણ હાર્ટ અટેક ને અનેક અનુત્તર સવાલ…

પ્રફુલ શાહ
વડાં પ્રધાનના નામ અને અવાજનો ઉપયોગ કરીને બૅંક સાથે રૂા. 60 લાખની ઠગાઈનો મામલો શાંત પડવાનું નામ લેતો નહોતો. પોલીસે અને ન્યાયતંત્રે અસાધારણ – અકલ્પ્ય ઝડપ બતાવીને કેસ પર પૂર્ણ વિરામ મૂકી દીધું, પરંતુ વારંવાર એ પૂર્ણવિરામને અલ્પવિરામ બનાવવાની ચેષ્ટા થતી રહેતી હતી. આ કેસના તપાસ અધિકારી ડી. કે. કશ્યપનું માર્ગ-અકસ્માતમાં મોત. પછી મુખ્ય અને એકમાત્ર આરોપી રુસ્તમ સોરાબ નગરવાલાની અખબારને ઈન્ટરવ્યૂ આપવાની ઈચ્છા અને છેલ્લી ઘડીએ નનૈયા ભણી દેવો એ સાધારણ કે તર્કબદ્ધ વાત ન લાગે. કુછ તો ગરબડ હૈ એવું ઘણાંને ત્યારે લાગ્યું હતું.
નગરવાલા માટે હજી સમાચારમાં ચમકવાનું બાકી હતું 1972માં ફેબ્રુઆરીના આરંભે નગરવાલાને તિહાર જેલની હૉસ્પિટલમાં ખસેડાયો હતો. તબિયતમાં સુધારો ન થતા 21મી ફેબ્રુઆરીએ જી.બી. પંત હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ બીજી માર્ચથી તબિયત કથળવા માંડી. એજ દિવસે બપોરે 2:15 કલાકે નગરવાલાનું અવસાન થયું કારણ હાર્ટઅટેક.
આ ચેપ્ટર હજી પૂરું થયું નહોતું. જેલમાંથી નગરવાલા સતત પત્રો લખતો હતો. આમાં નગરવાલા અને ઈંદિરા ગાંધી વચ્ચે ઓળખાણ-સંબંધ હોવાનું સ્પષ્ટ થતું હતું. જોકે વડાં પ્રધાનને ક્યારેય પોતે નગરવાલાને મળ્યા હોવાનું યાદ નહોતું. જેલમાંથી એક પત્ર લખીને નગરવાલાએ 60 લાખની કથિત ઉચાપતના અપરાધ પાછળની સચ્ચાઈને બહાર લાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને એ ઘટસ્ફોટ રાષ્ટ્રની આંખ ઉઘાડનારો બની રહેશે એવો દાવો સુધ્ધાં કર્યો હતો.
નગરવાલા કૌભાંડને લીધે ઈંદિરા ગાંધીની સરકારની ખૂબ ટીકાઓ થઈ. પછી કટોકટી લદાઈ એમાં કૉંગ્રેસ અને વડાં પ્રધાન વધુ ખરડાયા. 1977માં જનતા પક્ષની સરકાર આવી ત્યારે નગરવાલા કેસની સચ્ચાઈ બહાર લાવવા માટે પી. જગમોહન રેડ્ડી પંચની સ્થાપના થઈ હતી.
ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ એલ. કે. અગ્રવાલના પુસ્તકમાં નગરવાલા ખટલાની ઝડપને કાનૂની ઈતિહાસમાં અભૂતપૂર્વ’ ગણાવાઈ હતી. રેડ્ડી પંચની તપાસ અગાઉ મેગેઝિનઈન્ડિયા ટુડે’ના લેખમાં સમગ્ર ઘટનાના સત્તાવાર વર્ઝન પર કેટલીક શંકા વ્યક્ત કરાઈ હતી. આમાં બૅંકના વ્યવહાર અને પગલાં, નગરવાલાના ભૂતકાળ અને તેની ઈંદિરા ગાંધીના અવાજની નકલ કરવાની ક્ષમતા પર શંકા વ્યક્ત કરવા સાથે સમગ્ર ઘટનાની `વન પોસિબલ રિક્નસ્ટ્રકશન’ કરવાનું સૂચન થયું હતું. શું એ ખરેખર બાંગ્લાદેશી બળવાખોરોને આર્થિક ભંડોળ પૂરું પાડવા માટેનો અંડરકવર કુરિયર માત્ર હતો? અને એ ગુપ્ત રાખવા માટે સરકાર ઢાંકપિછોડો કરી રહી હતી.
પી. જગમોહન રેડ્ડી પંચે 1978માં 820 પાનાનો અહેવાલ સરકારને સુપરત કર્યો હતો. એ મુજબ બૅંકે હિસાબમાં દર્શાવ્યા વગરની રકમ રાખી હતી અને વડાં પ્રધાનની કચેરીએ પોલીસ તપાસને અવરોધી હતી. આ સાથે પંચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે નગરવાલાની કબૂલાતનો અસ્વીકાર થવો જોઈતો હતો કારણ કે એના સમર્થનમાં કોઈ પુરાવો નહોતો. હા, નગરવાલાનું મૃત્યુ શંકાસ્પદ ન હોવાનો પંચનો મત હતો.
આ સાથે એવો સવાલ પણ કરાયો હતો કે બૅંકમાંથી રકમ કઢાવવા માટે મેનેજરનો સંપર્ક કેમ કરાયો નહોતો? મૃત્યુ અગાઉ નગરવાલા હૉસ્પિટલમાં હતા, ત્યારે પોતાના માતા ગુલબાઈને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરવા સાથે જે કંઈ થઈ ગયું એ બદલ દુ:ખ પ્રગટ કર્યું હતું. ગુલબાઈએ શ્રીમતી ઈંદિરા ગાંધીને પત્ર લખ્યો હતો, જેમાં કરોડો પ્રજાજનોની ફિકર કરનારી સ્ત્રી એક માતાની વ્યથા સમજી શકશે એવી આશા વ્યક્ત કરી હતી. ગુલબાઈએ સ્વાભાવિકપણે પુત્રને મદદ કરવા અને બચાવવા માટે અપીલ કરી હતી, પણ આ પત્રનો ક્યારેય જવાબ આવ્યો નહિ.
નગરવાલા કેસમાં અમુક સવાલો આજે ય જવાબ માગે છે: શું નગરવાલા ખરેખર સરકારની સૂચનાનો અમલ કરતો હતો? શું આ ઊંધે રસ્તે ફંટાઈ ગયેલું સરકારનું ગુપ્ત મિશન હતું? ખટલો એકદમ ઝડપભેર અને ખાનગીમાં કેમ ચલાવાયો? આ રહસ્યમય કેસના મહત્ત્વનાં પાત્રોના અકાળે અવસાન માત્ર યોગાનુયોગ હતો.
એક શક્યતા એવી ય બહાર આવી હતી કે નગરવાલા કાંડમાં ભારતીય ગુપ્તચર સંસ્થા `રૉ’નો કોઈ રોલ જ નહોતો? હકીકતમાં અમેરિકન ગુપ્તચર સંસ્થા સી.આઈ.એ. ખેલ પાડી ગઈ હતી. કારણ? એક તો તત્કાલીન પ્રમુખ રિચાર્ડ નિકસનને ઈંદિરા ગાંધીની ખુદ્દારી દીઠી ગમતી નહોતી. બીજું, ગાંધીની બાંગ્લાદેશની નીતિ અમેરિકન સરકાર વિરુદ્ધ હતી.
અમેરિકા કાયમ પાકિસ્તાનને બગલબચ્ચું બનાવી રાખવા માગતું હતું એટલે એને ફાકો મારતી બાંગ્લાદેશી ચળવળને દરેક રીતે ટેકો આપનારી ભારત સરકાર એને આંખમાં કણાની જેમ ખટકતી હતી. આથી ભારત સરકારને પર્દાફાશ કરવા અને વડાં પ્રધાન ઈંદિરા ગાંધીની છબિ ખરડવા માટે સી.આઈ.એ. દ્વારા આ આખો તાયફો રચાયો હતો.
પરંતુ સચ્ચાઈ શું હતી? અમુક સત્ય કાયમ માટે કાળના ગર્ભમાં દફનાવાઈ જતા હોય છે, તો નગરવાલા કેસ પણ એમાંનો એક હશે? જવાબ માત્ર સમય પાસે છે. એ જવાબ મળશે, ક્યારે મળશે? એ બધું સમય જાણે. (સમાપ્ત)
આ પણ વાંચો…આ તો સ્કેમ છેઃ નગરવાલા કેસ- તપાસ અધિકારીનું અકસ્માતમાં મોત!