ઈન્ટરવલ

આ તો સ્કેમ છેઃ અસ્તિત્વ ન ધરાવતું એરપોર્ટ વેચ્યું 2.42 કરોડ ડૉલરમાં!

  • પ્રફુલ શાહ

Emmanuel Nwude આ નાઈજીરિયન જનાબે એક ઈતિહાસ રચી નાખ્યો. આપણા બન્ટી-બબલીના પરદાદા ગણાય એવું એમનું દિમાગ અને કરતબ. આ ઈમેન્યુઅલ નુવુડનો અજબ, ગજબનો કસબ ચોંકાવી દેનારો છે.

પહેલા ટે્રલર પછી માંડીને વાત. ન રનવે કે ન એકેય પ્લેન ધરાવતું કાલ્પનિક એરપોર્ટ આ ભેજાગેપે વેચી નાખ્યું 242 મિલિયન (2.42 કરોડ) ડૉલરમાં અને એ પણ એક બૅન્કને! માની શકાય ખરું? માનવું જ પડે કારણકે તેણે પોતાના સમયનું ત્રીજા નંબરનું સૌથી મોટું કૌભાંડ, સ્કૅમ આચર્યું હતું, સફળતાપૂર્વક કેવી રીતે એ જાણી લો વિગતોમાં. ઈમેન્યુઅલ નુવુડ કોઈ નાનો મોટો ગુંડો, મવાલી નહીં પણ યુનિયન બૅન્ક ઑફ નાઈજીરિયાનો ડિરેક્ટર હતો. બૅન્કના ઉચ્ચ સ્તરીય હોદાનો અનુભવ, મનમોહક વાકછટા, હસતો ચહેરો અને આત્મા-વિશ્વાસથી છલકાતું વ્યક્તિત્વ. આમાં તેણે બનાવટી દસ્તાવેજો ભેગા કરી લીધા. ત્યાર બાદ શરૂ કર્યું મિશન વન ઑફ ધ ગ્રેટેસ્ટફ્રોડસ ઑફ ધ સેન્ચ્યુરી.

હવે તેણે નાઈજીરિયાની સેન્ટ્રલ બૅન્ક ઑફ નાઈજીરિયા (આપણી ભારતીય રિઝર્વ બૅન્ક જેવી સંસ્થા)ના ગવર્નર પોલ ઓગુમાની ઓળખ અપનાવી લીધી, કહો કે ચોરી લીધી. પછી તે બ્રાઝિલની સાઓ પાએાલો સ્થિત બૅન્કો નારોસ્તે બૅન્કના ડિરેક્ટર નેલ્સન સાકાગુચી સુધી પહોંચી ગયો. પ્રાથમિક પરિચય બાદ તેણે સાકાગુચી સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે આપ નાઈજિરિયાની રાજધાની અબુજામાં બનનારા નવા એરપોર્ટમાં મૂડીરોકાણ કરો. તેણે આ મૂડીરોકાણ કેવી અઢળક કમાણી કરાવશે તેના એક પછી એક કારણ આપ્યા, તર્ક પીરસ્યા અને આંકડા ય રજૂ કર્યા. ઓગુમા એટલે કે ઈમેન્યુઅલના વ્યક્તિત્વ, છટા, વિશ્વાસ, પ્રેઝન્ટેશન, દસ્તાવેજો, આંકડા અને સમજાવટ એવી કે ગમે તેવાના ગળે શીરા કરતાં ય ઝડપથી ઊતરી જાય.

નેલ્સન સાકાગુચી સાથે ય એવું જ થયું. જે એરપોર્ટનો પાયો નહોતો નખાયો, પ્રસ્તાવ નહોતો મૂકાયો અને જે સદંતર કાલ્પનિક-બનાવટી હતું, એમાં તોતિંગ મૂડીરોકાણ કરીને માલામાલ બનવા તેઓ તૈયાર થઈ ગયા. ઈમેન્યુઅલ આ કૌભાંડને એકદમ સરળતાથી પાર પાડવા માટે ઈમેન્યુઅલ ઓફલ્યુ, નેરીબ ઓકોલી, ઓબુમ ઓસાકવે, ક્રિશ્ચિયન ઈકેચુવાકવુ એનીમ્બા અને અમાકા જેવા સાથીઓને પણ ગેંગમાં રાખ્યા હતા. અને આ વ્હાઈટ કૉલર ગેંગે વિશ્વના ઈતિહાસનું બૅન્ક સાથે છેતરપિંડીનું ત્રીજા નંબરનું કાવતરું સફળતાપૂર્વક પાર પાડ્યું.

ઓગુમા બનીને આવેલા નુવુડે સાકાગુચીને એકદમ ગળચટ્ટી ઓફર આપી હતી. તમે 19.1 કરોડ ડૉલર રોકડ સહિત 24.2 કરોડ ડૉલરનું મૂડીરોકાણ કરાવી આપો અને તમને કમિશન પેટે એક કરોડ ડૉલર મળશે. બાકીની રકમ 1995થી 1998 વચ્ચે વ્યાજ પેટે તમને જ મળશે. એની માયાજાળનો શિકાર બનીને સાકાગુચીએ બૅન્ક વતી તોતિંગ મૂડીરોકાણ કરી નાખ્યું:

આ કૌભાંડ પર્દાફાશ કેવી રીતે થયું એ પણ રસપ્રદ છે. કહો કે અદ્ભુત છેતરપિંડીનો અકલ્પ્ય અંજામ આવ્યો. થયું એવું કે સ્પેનની મલ્ટિનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ કંપની બૅન્કો સાન્ટાન્ડેરે બ્રાઝિલની બૅન્ક નારોસ્તેને ટેકઓવર કરવાનો પ્રયાસ કર્યો. આની પ્રક્રિયા રૂપે નારોસ્તોના આર્થિક આરોગ્યની ચકાસણીમાં મોટો ગોટાળો બહાર આવ્યો. બૅન્કના કુલ મૂલ્યનાં નોંધપાત્ર હિસ્સા જેટલી ખૂબ મોટી રકમ કેમેન આઈલેન્ડમાં ક્યારની નકામી પડી રહી હતી.

આ એક કડી બહાર આવતા મલ્ટિનેશનલ ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશનની શરૂઆત થઈ. આ ટીમમાં નાઈજીરિયા, બ્રાઝિલ, બ્રિટન, અમેરિકા અને સ્વિટ્ઝર્લેન્ડના અમલદારો પણ સામેલ થયા. અંતે નાઈજીરિયામાં ઈકોનોમિક ઍન્ડ ફાઈનાન્સિયલ ફ્રોડ કમિશનની સ્થાપના કરી. આ પંચનો ધ્યેય ઈમેન્યુઅલ નુવુડની ધરપકડ કરવાનો હતો. બીજી તરફ અમેરિકાના જે.એફ. કેનેડી એરપોર્ટ પર નેલ્સન સાકાગુચીની ધરપકડ કરાઈ અને ખટલો ચલાવવા માટે તેને સ્વિટ્ઝર્લેન્ડ મોકલી દેવાયો.

આ બધી તપાસ અને ખટલાબાજી વચ્ચે બૅન્કો નારોસ્તના માલિક પરિવાર એવા સિમોસેન અને કોચ્રાને દ્વારા બૅન્કને ઉગારવાના પ્રયાસ થયા, પરંતુ બૅન્કનું ભવિષ્ય કયારનું ય નક્કી થઈ ગયું હતું અને એ 2001માં આર્થિંક રીતે ભાંગી પડી, નાદાર થઈ ગઈ.

આપણ વાંચો:  પ્રાસંગિક : ઝેલેન્સ્કીની જીદ યુરોપને પણ તબાહ કરી નાખશે…

અત્યંત લાંબી કાનૂની પ્રક્રિયા દરમિયાન નુવુડના સાથીઓએ ગુનાની કબૂલાત કરી લીધી અને તેમને બેથી પાંચ વર્ષની સજા થઈ, સાથોસાથ છેતરપિંડીની રકમ ચુકવવાનો આદેશ થયો. પછીથી નુવુડેએ પણ ગુનો કબૂલી લીધો. તેને 25 વર્ષની કેદ થઈ અને માલમિલકત પણ જપ્ત કરી લેવાઈ હતી.

જોકે 2006માં જેલમાંથી છૂટ્યા બાદ તેણે જપ્ત કરાયેલી અમુક મિલકત પાછી મેળવવા અદાલતમાં દલીલ કરી હતી કે એ પ્રોપર્ટી તો મેં કૌભાંડ અગાઉ ખરીદી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button