ઈન્ટરવલ

આપણને બિનજરૂરી સલાહ આપવી કેમ ગમે છે?

મારી સલાહ તમને એવી છે કે ફક્ત મારી સલાહ જ માનો...!


ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

ઓશો સલાહ આપવાની ટેવ વિશે આ એક વાર્તા કહેતા… એક નાનું ગામ હતું. દરેક પાસે પેઢી દર પેઢી વ્યવસાય હતો. પશુપાલન કરતાં ઓશોનું પ્રિય પાત્ર ચંદુલાલને થયું કે ઘરની આસપાસ મરઘાં ઉછેર કરવાથી આવક વધી શકે. ચંદુલાલ પચાસ મરઘાં લઈ આવ્યા. બે-ચાર દિવસમાં પાંચ સાત મરઘા મરી ગયાં. ચંદુલાલ ગામના કહેવાતાં બુદ્ધિશાળી વ્યક્તિની સલાહ લેવા ગયો. બુદ્ધિશાળી વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો, મરઘાં ઘરની બહાર ખુલ્લામાં રખાતાં હશે? ચંદુલાલે મરઘાંના રક્ષણ માટે દીવાલ કરી. બે-ચાર દિવસમાં બીજા આઠ-દશ મરઘાં મરી ગયાં. ચંદુલાલ ફરી પેલા બુદ્ધિશાળીની સલાહ લેવા ગયા. બુદ્ધિશાળી માણસે સમજાવ્યું કે એકલી દીવાલ કરવાથી કંઈ ના થાય. મરઘાં રાખવાની જગ્યા પર તળિયું ચોખ્ખું રહે એ માટે ચણતર કર. ચંદુલાલે આટલું કર્યા બાદ પણ બીજાં આઠેક મરઘાં મરી ગયાં. બુદ્ધિશાળી વ્યક્તિને છત બનાવવા કહ્યું, ચંદુલાલે છત બનાવી છતાં ફરીથી મરઘાં મર્યાં. ચંદુલાલ બુદ્ધિશાળીની સલાહ લેવા ગયા, બુદ્ધિશાળી વિદ્વાને સવાલ કર્યો: ‘ચંદુલાલ, અમારી પાસે બારમાસી સલાહનો ઢગલો છે, પણ તારી પાસે મરઘાં બચ્યાં છે ખરાં?’

વિમેન્સ-ડે હોય, કે હોળી હોય, કે દીવાળી, ક્રિસમસ હોય, કે લગનગાળો, કે પછી ઠંડીની મસ્ત મૌસમ, બુદ્ધિશાળી પાસે સલાહ ક્યારેય ખૂટશે નહીં. તમે થાકી જશો, પણ સલાહ, સૂચન અને માર્ગદર્શન અવિરત આપતાં રહેશે…. ઠંડીમાં શું કરવું ને શું ન કરવુંની સલાહમાં એ માર્ચ મહિનો પસાર કરાવી શકે, પછી પૂછશે: ‘તારી પાસે ઠંડીના દિવસો છે ખરા?’

માણસજાતની આ જ ક્વૉલિટી છે, કોઈ પણ વિષયમાં જાણકારી વગર સલાહો આપી શકે છે. તમે એક વાર સોશિયલ મીડિયામાં લખો કે ડાયાબિટીસનો ઇલાજ કરાવવો છે તો તમને જાતજાતની ઢગલાબંધ સલાહો મળી શકે છે. તમને પ્લમ્બિંગથી માંડીને વિમાન વેચવા સુધી જ્ઞાન આપનારા બેઠા છે. કદાચ મગજમાં બેઠેલા ડોપામાઇનને સલાહ આપવામાં મજા આવતી હશે.

દુનિયામાં 80% લોકો સ્ટ્રેસમાં જીવે છે. નોકરી, લગ્ન, કરિયર, ખર્ચા, બીમારી, મોંઘવારી, બાળકોનું એજ્યુકેશન સહિત કલ્પના બહારની સમસ્યાઓ છે. આ બધા વચ્ચે માંડ નાની નાની ખુશીઓ ભોગવતા હોય છે. વિપરીત પરિસ્થિતિમાં જીવન જીવતા હોય એમની સ્થિતિ જોઈને સલાહ આપવી જોઈએ. માંડ ખર્ચ નીકળતો હોય ત્યારે બચત પર જ્ઞાન આપવા જવાય નહિ, એની ઈન્કમ વધારવા માટે મદદરૂપ થવાય.

દરેક સલાહકારે શીખવાની જરૂર છે કે કોઈ સલાહ માગે તો જ આપવી જોઈએ. હાર્ટની સર્જરી પછી શું ખાવું ને શું ના કરવું જોઈએ જેવી સલાહનો તો આપણે ત્યાં બારમાસી ધોધ વરસતો હોય છે. સોશિયલ મીડિયા પર આવતાં થોકબંધ ફોર્વર્ડેડ મેસેજ વાંચીને પૈસા કમાવવાના મંત્રથી માંડીને નાનકડા ઘરમાં વાસ્તુ પર જ્ઞાન આપનારાઓની કોઈ કમી નથી. બાળકોએ શું ભણવું, કઈ લાઈન લેવી અને ક્યા દેશમાં જવું એ આપણા બધાનો ગમતો વિષય છે. પોતાના સંતાન સહિત મોટા ભાગનો પરિવાર વિદેશમાં જલસા કરતો હોય, પણ અહીં દેશપ્રેમ માટેવધુ સંતાનો પેદાં કરવાની સલાહ આપવાવાળાઓની ખોટ ક્યારેય નહિ વર્તાય.. વ્યક્તિને સલાહ આપતી વેળા એની નબળાઈઓને અપમાનજનક દર્શાવીને વિકૃત મજા લેવી જોઈએ નહિ. કોઈને સલાહ આપીએ ત્યારે આપણી જે તે વિષય પરના જ્ઞાનની મર્યાદાઓનું ધ્યાન રાખવું જરૂરી છે. સલાહ આપનાર વ્યક્તિ જો લાગણીશીલ હોય તો એટલું કહીને છટકી જવું કે ‘હું આ
વાત પર વિચાર કરીશ…’ દર વખતે સલાહ ખોટી હોતી નથી.

સાયકોલૉજીવાળા એવું માને છે કે બિનજરૂરી સલાહ આપનારાઓના સ્વભાવ પ્રમાણમાં તોછડા હોય છે. આ નમૂનાઓ એવા ભ્રમમાં જીવતા હોય છે કે મોદીજીથી માંડીને ડોનાલ્ડ ટ્રમ્પ સુધીનાઓએ પૉલિસી બનાવવા એમની સલાહ લેવી જોઈએ. આપણા મહાભારતમાં ઉલ્લેખ છે કે સ્વર્ગના દરવાજા પર યુધિષ્ઠિરનું સ્વાગત કરવા દુર્યોધન હાજર હતો. આ જોઈને નારાજ યુધિષ્ઠિરને ભગવાને સરળ શબ્દોમાં સમજાવ્યું હતું કે કોને શું ન્યાય કરવો એનું જ્ઞાન આપીશ નહીં, બાકી આ માણસજાત ભગવાનને પણ ચોવીસ કલાક સલાહ આપે એવી છે. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર પોતાનો વિના મૂલ્યે મત આપનારાઓને ક્યા સમયે સલાહ આપવી જોઈએ એનું વ્યવહારિક ભાન પણ હોતું નથી. આમ તો મૌન પાળવાના ફાયદા અંગે પણ આપણે ત્રણ દિવસનો સેમિનાર રાખતાં હોઈએ છીએ!

હાલના સમયમાં ત્રીજા ભાગની દુનિયા ટકી રહેવા સ્ટ્રગલ કરે છે. આપણે ફૅમિલી અને કરિયર બેલેન્સ રાખવાની સલાહ આપી હોશિયારીના ભ્રમમાં જીવી લઈએ છીએ. જ્યાં માણસ દિવસમાં પાંચ વાર મલકી શક્તો નથી, ત્યાં રોજ 45
હા, પૂરી 45 મિનિટ હસતાં રહેવાથી સ્ટ્રેસ દૂર કરવાની સલાહ આપવાની કચાશ રાખતાં નથી. એની મજાની પત્તર રગડી નાખીએ છીએ. એને જીવવા દો એની રીતે…

બીજી તરફ, બી પોઝિટિવના નારાઓ વચ્ચે રોજિંદી હાડમારીમાં અટવાતી જિંદગીમાં થોડું બી નેગેટિવ પણ હોવું જોઈએ. નાનાં નાનાં સુખોની મજા આમ જ થોડી આવે? જિંદગી બોલિવૂડ નથી કે દરેક વાતનો સુખદ અંત હોય. રોજ સોશિયલ મીડિયા પર જોવા મળતો મોટિવેશનલ સ્પીકર ‘આઉટ ઑફ બૉક્સ’ વિચારવાની સલાહ તો આપી દે છે, પણ આઉટ ઑફ બૉક્સ જિંદગીનો કાયમી ઉપાય નથી. પોતે બનાવેલા બૉક્સની અંદર ઘણું કરવાનું બાકી છે. થિંક પોઝિટિવ ને થિંક નેગેટિવ વચ્ચે બેલેન્સ રાખીને જીવવું પડે છે અને એ જ તો વાસ્તવિકતા છે. ધ એન્ડ: આપણને મળેલી એવી કઈ ચીજ છે જે બીજાને આપણે હોંશે હોંશે આપી દઈએ છીએ? એ વસ્તુનું નામ છે: સલાહ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button