સિક્કાની ત્રીજી બાજુઃ આ ચિંતા વાજબી છે- વિચારવા જેવી છે…

જયવંત પંડ્યા
સોશ્યલ મીડિયા હવે લોકપ્રિય બની ગયું છે અને તેના ઘણા બધા લાભો છે, પરંતુ તેની હાનિ પણ છે. ઘણાં માતા- પિતા તેમનાં નિર્દોષ બાળકોને સોશ્યલ મીડિયા પર રજૂ કરી દે છે. તેમની તસવીરો અને વીડિયો મૂકે છે… તેમને અલગ-અલગ વેશભૂષામાં મૂકે છે, જેથી તેમને દસ લાખ વ્યૂ મળે. તેનાથી તેમને આવક થાય છે, પરંતુ બાળકનું શું?
આ સળગતો પ્રશ્ન બીજા કોઈ નહીં, પરંતુ જાણીતાં લેખિકા સુધા મૂર્તિએ તાજેતરમાં રાજ્યસભામાં ઉઠાવ્યો હતો, પરંતુ મતદાર યાદી સુધારણા અને વંદે માતરમ જેવા અગત્યના મુદ્દાઓ વચ્ચે આ એટલા જ અગત્યના મુદ્દા પ્રત્યે બહુ ઓછાનું ધ્યાન ગયું છે.
આજે સોશ્યલ મીડિયા પર ઘણા લોકો કેમેરા સામે જ જીવતા થઈ ગયા છે. ઘણાં દંપતી પતિ-પત્ની પર જોક બનાવી મૂકે છે. ઘણી સ્ત્રી રસોડામાં કામ કરતાં-કરતાં રીલ બનાવે છે તો અનેક છોકરીઓ મા- બાપને ખબર પણ ન હોય તેમ પોતાના અભ્યાસના ખંડમાં કે પછી અગાશીએ જઈ ડાન્સના રીલ બનાવે છે.
એવા પણ મા-બાપ છે, જે પોતાનાં બે-ત્રણ વર્ષનાં સંતાનને ગીત ગાતાં- રમૂજી હાવભાવ બનાવતા રીલ બનાવે છે તો કેટલાંક મા- બાપ ખુદ બાળક સાથે મળીને રીલ બનાવે છે, જેમાં ક્યારેક બાળક તેની માતાને કંઈ કહી દે તો ક્યારેક પિતાને કંઈ કહી દે છે.
ટૂંકમાં, બાળકને મા-બાપ જાણેઅજાણે કેમેરા કોન્શિયસ બનાવી દે છે. તેનું જીવન નાનપણથી જ કેમેરા સામે જ વિતવા લાગે છે. તેની રિયલ લાઇફ રીલ લાઇફ બની રહી છે. મા-બાપ પોતાનાં સંતાનના ઉછેરનો વિચાર કરવાના બદલે કઈ સ્ક્રિપ્ટ પર રીલ બનાવવી તેનો જ સતત વિચાર કરતા હોય છે.
ટૂંકમાં બાળકને લઈને સતત રીલ્સ બનાવવામાં વ્યસ્ત મા-બાપ કયારેય બાળકની પ્રાઇવસીનો વિચાર કરે છે ખરા? બાળકને પોતાની રીતે રમવા દેવાના બદલે મા- બાપે એને જાણે કઠપૂતળી બનાવી દીધા છે.
આમાં શું બાળકની અનુમતિ હોય છે ખરી? નાની વયે કદાચ એમને પોતાને જ આવી ‘પ્રવૃતિ’ વિશે જાણ પણ ન હોય,પરંતુ મોટા થઈને તેને આ ગમશે? ઘણા એવા બાળ કલાકારોએ મોટા થઈને ફરિયાદ કરી છે કે તેમનું બાળપણ તેઓ માણી ન શક્યા કારણકે તેમને ફિલ્મોમાં કામ કરવું પડ્યું.
સુધા મૂર્તિની આ ફરિયાદ વાજબી છે. એમણે સરકારને આગ્રહ કર્યો છે કે આના પર કંઈક કડક નિયંત્રણો લાવવામાં આવે. બાળકને નાની વયે સોશ્યલ મીડિયાની ટેવ પડી જાય છે. એક વાત એ પણ છે કે બાળક મોબાઇલ ફોન વાપરે તે જ કેટલું જોખમી છે? તેની આંખોથી માંડીને તેની સ્મૃતિ, તેના મગજ, તેની ડોક વગેરે અનેક રીતે અસર પડે છે. અત્યારે ઘણા લોકો સ્ક્રીન ટાઇમ એટલે કે મોબાઇલ વત્તા ટેબ્લેટ વત્તા ટીવી બાળક કેટલું જુએ તે સમય નક્કી કરતા થઈ ગયા છે.
રીલ તો એવું વ્યસન છે કે મોટા લોકો પણ એક પછી એક રીલ જોતા જ જાય, જોતા જ જાય, કલાકોના કલાકો ક્યાં નીકળી જાય તે ખબર જ ન પડે, ત્યાં બાળકની તો શું વાત કરવી! જો આવી ટેવ પડી ગયેલા બાળકના હાથમાંથી ફોન લેવાનો પ્રયત્ન કરવામાં આવે કે તેને ન આપવામાં આવે તો બાળક ગુસ્સે થઈ તોડફોડ કરવા લાગે તેવું પણ બને છે.
નેપાળમાં સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તો તરુણ-યુવા પેઢીએ આંદોલન કરી સરકાર ઉથલાવી દીધી. આથી સરકાર આ બાબતે દૂધ જ નહીં, છાશ પણ ફૂંકીફૂંકીને પીવામાં માને છે, પરંતુ ઑસ્ટ્રેલિયાએ 16 વર્ષથી નીચેનાં બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ગત જૂનમાં ફ્રાન્સના પ્રમુખ એમેન્યુએલ મેક્રોંએ પણ 15 વર્ષથી નીચેનાં બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી. આ તો બાળકોનાં અકાઉન્ટસ સોશ્યલ મીડિયા પર ન હોવા જોઈએ તેની વાત થઈ, પરંતુ મોટા લોકો ખુદ પોતાનાં સંતાન સાથેની રીલ બનાવીને મૂકે તેનું શું?
આ પ્રશ્ન ગંભીર એટલા માટે પણ છે કે આજે એવી પણ ટેક્નોલોજી આવી ગઈ છે જે અઈં ની મદદથી ગંદી વીડિયો અને તસવીરો બનાવી શકે છે ત્યારે બાળકોના ફોટા- વીડિયોનો આવો દુરુપયોગ નહીં થાય તેની કોઈ ખાતરી છે ખરી?
આમ માત્ર સરકારે જ નહીં, સમગ્ર સમાજે મળીને વિચારીને ત્વરિત પગલાં લેવાનો આ વિષય છે.



