સિક્કાની ત્રીજી બાજુઃ 1970ની પેઢી ને આજના યુવાનોની તાસીર… આ તે કેવો વિરોધાભાસ?

- જયવંત પંડ્યા
‘માન જાઈયે’
‘હમ તુમ સે મિલે ફિર જુદા હો ગયે, દેખો ફિર મિલ ગયે, અબ હોંગે જુદા’ તરુણો-યુવાનો તો ઠીક, હવે તો 70 વર્ષનાં ડોસા-ડોસી પણ ‘રમી રમીને છુટાં’ થવાં લાગ્યાં છે. પહેલાં કહેવાતું કે ‘લગ્ન એ કંઈ ઢીંગલા-ઢીંગલીના ખેલ નથી, પરંતુ હવે એવું લાગે છે કે મેરેજ ઢીંગલા-ઢીંગલીના ખેલ જ છે. ન્યાયાલય-ફેમિલી કોર્ટસમાં છૂટાછેડાની યાચિકાઓનો ઢગલો થાય છે. પતિ-પત્ની વચ્ચે અનુકૂલનની સમસ્યા વધી ગઈ છે. આની પાછળ કારણ આજની સામાજિક અને પારિવારિક વ્યવસ્થા છે ,
જેનું ઉદાહરણ તાજેતરમાં ‘કૌન બનેગા કરોડપતિ’માં જોવા મળ્યું
‘કૌન બનેગા કરોડપતિ’ ના શોમાં ગુજરાતના ઈશિત ભટ્ટે, પહેલાંની ભાષામાં એમ કહી શકાય કે માતા-પિતાનું નાક બોળ્યું. ઈશિતને શરૂઆતમાં સહેલા પ્રશ્નો પુછાતા હતા ત્યારે મજા પડી ગઈ પરંતુ તેનામાં વિકલ્પો સાંભળવાની પણ ધીરજ નહોતી. એટલું જ નહીં, જે ઉદ્ધતાઈથી તે અમિતાભ બચ્ચન જેવી હસ્તી સાથે વાત કરતો હતો તે સોશ્યલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
ઈશિતની વર્તણૂંકથી તેના પિતા પણ પ્રસન્ન નહોતા દેખાતા. ઈશિત તેનાં માતાપિતાનું એકલ સંતાન છે કે નહીં, તે તો જાણ નથી, પરંતુ ફિલ્મો અને ધારાવાહિકોમાં આવાં બાળકોને દેખાડાય છે, તેનાથી માતા-પિતા પણ પ્રસન્ન થાય છે: ‘અમારો છોકરો કે છોકરી કોઈનું સાંભળી લેતો નથી, કારણકે પોતે બહુ સાંભળી લીધું છે તેવી તેમને લાગણી હોય છે.
આવી જ લાગણી ચીજવસ્તુ સાથે મળીને વાપરવામાં પણ હોય છે જેને આજકાલની ભાષામાં ‘શેરિંગ’ કહે છે. ઘરે કોઈ મહેમાનનાં છોકરાં આવ્યાં હોય ત્યારે થોડો સમય પૂરતું જ ચીજો વહેંચવાની આવી હોય અને તેમાંય બાળક જિદ્દી હોય તો માતા-પિતા મહેમાનના બાળકને સમજાવી દે કે નથી માનતું, શું કરીએ ! હોસ્ટેલ કે પી. જી.માં રહેવાનું બન્યું હોય તો ઠીક છે, પણ ન રહેવાનું થયું હોય તો વધુ સમસ્યા !
હવે તો છોકરીને પણ મમ્મી નાનપણથી સમજાવે કે તારે અન્યાય સહન નહીં કરવાનો. છોકરી પણ મમ્મીને જોતી હોય કે તે ઍડજસ્ટ નથી કરતી. પછી તે પણ કેમ કરી ?અન્યાય જુદી વાત છે, ઍડજસ્ટમેન્ટ જુદી વાત છે. ઍડજસ્ટ કરવું એ દરેક સમયે અન્યાય સહન કરવાનો નથી હોતો…એ વાત ઊગતી ઉંમરે સંતાનોને સમજાવવામાં આવતી નથી…
પહેલાં પ્રેમમાં હૃદય ભગ્ન થાય કે લગ્ન તૂટે તો યુવાનો ગીત ગાતાં કે , ‘મૈં ઝિંદગી મેં હરદમ રોતા હી રહા હૂં’, ‘દિલ કા ખિલૌના હાય ટૂટ ગયા’, કે પછી ‘તેરી યાદ દિલ સે મિટાને ચલા હૂં’ એવું હવે થતું નથી. યુવાન દાઢી વધારી દે, મેલાઘેલા કપડાં પહેરે, દારૂ પીધા રાખે, વાળ વધી ગયા હોય, સિગરેટ ફૂંક્યા રાખે,
એક ઘરમાં બેસી રહે કે પછી કોઠા પર જતો થઈ જાય, આવું ફિલ્મોમાં બતાવાતું. (‘દેવદાસ’ સિન્ડ્રોમ!)
યુવતી હોય તે કાં સાધ્વી થઈ જાય, કાં મૂંગા મોઢે માતા-પિતા કહે ત્યાં પરણી જાય, અને આંસુ સારતી પછી જીવનમાં ઍડજસ્ટ થઈ જાય. જોકે, હવેની છોકરી તો કહે છે: ‘સૈંયાજી સે આજ મૈંને બ્રેક અપ કર લિયા’ ( ફિલ્મ: ઐ દિલ હૈ મુશ્કિલ). આ બધાની વચ્ચે 1972માં આવેલી પણ ઓછી ધ્યાને પડેલી ‘માન જાઈયે ’ ફિલ્મ પણ જોવા જેવી છે.
પરવીન બાબી અને રીના રોયને પદાર્પણ કરાવનાર નિર્દેશક બી. આર. ઈશારા ની આ ફિલ્મમાં નાયક રાકેશ પાંડે હતા (જે ગઈ 21 માર્ચે ગુજરી ગયા.) હીરોઇન રેહાના સુલતાન છે. નાયકના મિત્ર જલાલ આગા છે. અને આસીત સેન-લીના મિશ્રા રેહાનાનાં મામા-મામી છે.
ફિલ્મની નાયિકા સુમન આચાર્ય ફેમિનિસ્ટ છે. જ્યારે અજય શર્મા રૂઢિવાદી છે, પરંતુ વિરોધી વિચારવાળા આકર્ષાય તે રીતે, અજય અને સુમન પ્રેમમાં પડે છે. સુમન પિતાની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરે છે. પછી અનુકૂલનના પ્રશ્નો થાય છે. બંને છૂટાછેડા લેવાનું નક્કી કરે છે.
છૂટાછેડા પછી બંને યોગાનુયોગ એક જ ટ્રેનમાં ભેગાં થાય છે. બંને એક જ ગંતવ્ય સ્થાને જતા હોય છે- સુમનની જન્મભૂમિ. અજયનો એક મિત્ર અશોક પણ તે જ ટ્રેનમાં તેમની સાથે છે. તેની ઉપસ્થિતિમાં બંને જણા હજુ પરિણીત હોવાનું નાટક કરે છે. ત્રણેય નાના શહેરમાં પહોંચે છે. આ નાટક ચાલુ રહે છે.
અંતે બંને જણા સ્વીકારે છે કે લગ્નમાં એકમેક્ને અનુકુળ થવું પડે તો જ સંબંધ ટકે.. ફિલ્મમાં એક દૃશ્ય છે તેની વાત કરવી છે. સુમન જે હોટલમાં રોકાઈ હોય છે ત્યાં કામ કરતી એક છોકરી જે પરંપરાગત વસ્ત્રો પહેરતી હોય છે, તેને તેનો પતિ રાત્રે દારૂ પીને મારતો હોય છે. સુમન આ જુએ છે અને તેના મનમાં પુરુષ પ્રત્યે વધુ એક કટુ લાગણી ઉમેરાય છે,
પરંતુ બીજા દિવસે પેલી છોકરી કંઈ બન્યું જ નથી તેમ વર્તે છે અને તેમાં કોઈ આડંબર કે દંભ નથી. તે ખરેખર પ્રસન્નતાથી કામ કરે છે. સુમન તેને પૂછે છે ત્યારે તે છોકરી તેને કહે છે કે મારો પતિ મને સારી રીતે જ રાખે છે, પરંતુ દારૂ પીવે છે પછી ભાન ભૂલી જાય છે અને મને મારવા લાગે છે. હવે પતિ દારૂ પીને થોડું મારી લે તો શું થઈ ગયું? ‘
અહીં કોઈ તરફેણ નથી કે પતિ દારૂ પીને પત્નીને મારી શકે, પરંતુ આ એ સમયની સમાજની માનસિકતા હતી, નિર્દેશક અને લેખકની માનસિકતા હતી અને ‘70ના દશકના યુવાન પતિ-પત્ની પણ આજે કહી શકશે કે હા, એ સમયે પતિનું મારવું સામાન્ય હતું અને પત્નીઓ ચલાવી લેતી. ઘણી તો બચાવમાં એમ કહેતી કે પુરુષ તો હોય ગરમ મગજના, તેથી શું?.
જોકે, આજે આજે આ ન ચાલે. આજે યુગ-સમાજ બદલાઈ ગયો છે અને ફિલ્મો પણ, પરંતુ જે હજુ પણ નથી બદલાઈ તે છે લગ્ન વ્યવસ્થા. કેટલાક યુવાનો હવે માનતા થયા છે કે જો પી. જી. કે હોસ્ટેલમાં આપણે જો એકબીજાને અનુકુળ રહી શકીએ તો પછી લગ્નમાં કેરિંગ અને શેરિંગ કેમ ન અપનાવી શકીએ ? !
આપણ વાંચો: આ તો સ્કેમ છેઃ મારુતી કૌભાંડ એટલે દેશી, સસ્તી જનતાકારને નામે ગોટાળા