ઈન્ટરવલ

સિક્કાની ત્રીજી બાજુઃ રાહુલ-પ્રિયંકા: ગાંધી પરિવારમાં ત્રીજું `મહાભારત’?

જયવંત પંડ્યા

પ્રિયંકા ગાંધી વાડ્રા વિશે આજકાલ ચર્ચાઓ ખૂબ જ છે. એક તો તેમણે વડા પ્રધાન મોદી સાથે ચા પીધી. બીજું કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી સાથે હળવાશસભર વાતચીત કરી. ત્રીજું, કૉંગ્રેસમાંથી તેમને વડા પ્રધાન બનાવવાના સૂર ઊઠી રહ્યા છે. અને ચોથું, તેમના દીકરા રેહાનની સગાઈના સમાચાર લીક થવાની વાત… આ બધું કંઈક રંધાઈ રહ્યું હોવાના સંકેત છે.

સોનિયાજી અને રાહુલ ગાંધીને હજુય પચતું નથી કે ભાજપી વડા પ્રધાનમોદી સતત ત્રણ વખતથી સત્તામાં છે. ઈન્દિરા ગાંધી વિદેશ ગયાં હતાં ત્યારે તેમણે મોરારજી સરકાર વિદ્ધ નિવેદન આપવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે એ અમારા ઘરનો વિષય છે. અમે ફોડી લઈશું. રાજીવ ગાંધીએ 1989ની ચૂંટણીમાં કૉંગ્રેસ મોટો પક્ષ થયો હોવા છતાં વિપક્ષમાં બેસવાનું પસંદ કર્યું હતું. તેમનાં નિવેદનોમાં વી. પી. સિંહ, અટલજી, ચંદ્રશેખર વગેરે વિપક્ષી નેતાઓની ટીકા સાંભળવા મળતી હતી, પરંતુ તુચ્છકારો, ઉદ્દંડતા નહોતા જોવા મળતા.

જ્યારે રાહુલ ગાંધી એ બધી મર્યાદા ક્યારના વળોટી ગયા છે. એ ઘણી વાર વડા પ્રધાન માટે તુંકારો કરે છે. તેમનો ગુસ્સો સંસદની અંદર અને બહાર પણ જોવા મળે છે. વડા પ્રધાન સાથે એક મંચ પર આવવાનું એ લગભગ પસંદ નથી કરતા. સોનિયા ગાંધીએ પણ મોદીજી માટે ક્યારેય માનવાચક વાત નથી કરી, પરંતુ પ્રિયંકા ગાંધી વાડ્રા આ બાબતે અલગ પડ્યાં છે.

ચૂંટણી સભામાંય એ હળવાશથી સંબોધન કરતાં હોય છે. ટીકા કરતી વખતે તેમના હસતાં હોય તેવા ઘણા ફોટોગ્રાફ જોવા મળે છે. રાહુલ ગાંધી ચૂંટણી સભામાં આકરા પાણીએ હોય છે. પ્રિયંકા સંસદની અંદર અને સભામાં ભાજપ પર પ્રહાર બરાબર કરે છે, પરંતુ તેમનામાં સોનિયા-રાહુલ પ્રકારની તીખાશ કે ખટાશ જોવા નથી મળતી.

ગત લોકસભા સત્ર પછી અધ્યક્ષ શાસક અને વિપક્ષના નેતાઓ માટે ચા-પાણી રાખતા હોય છે. આ વખતે પ્રિયંકા ગાંધી વાડ્રા ત્યાં ગયાં. બંને તરફથી કોઈ કડવાશ જોવા નહોતી મળી. પ્રિયંકાની કોઈ વાત પર વડા પ્રધાન અને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સહિતના શાસક પક્ષના લોકો મોકળા મને હસતા જોવા મળ્યાં હતાં.

સંસદમાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ હળવાશથી માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીને કહ્યું કે હું જૂન મહિનાથી સમય માગી રહી છું, પણ સમય નથી મળતો. તો નીતિનભાઉએ હસતાં- હસતાં કહ્યું, ગમે ત્યારે આવો, મારા કાર્યાલયનાં દ્વાર ખુલ્લાં જ છે.

દરમિયાનમાં, ગત 23 ડિસેમ્બરે સાંસદ ઈમરાન મસૂદે સાર્વજનિક રીતે પ્રિયંકા ગાંધી વાડ્રાને વડા પ્રધાનના અભ્યર્થી બનાવવા માગણી કરી. ઈમરાન મસૂદની આ માગણીને પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ પણ ટેકો આપ્યો. એવામાં અચાનક માધ્યમોમાં સમાચાર આવ્યા (લીક થયા) કે પ્રિયંકાના દીકરા રેહાનની સગાઈ મુસ્લિમ પરિવારની દીકરી અવિવા બૈગ સાથે થવાની છે. આનાથી ભાજપ સમર્થકોને મુદ્દો મળી ગયો કે ગાંધી પરિવારે હિન્દુ યુવક કે યુવતીને જીવનસાથી તરીકે પસંદ નથી કર્યા. ઈન્દિરાજીએ પારસી ફિરોઝ ગાંધી સાથે અને રાજીવ ગાંધીએ ખ્રિસ્તી સોનિયા સાથે લગ્ન કર્યાં હતાં.

રાહુલ ગાંધીનાં સ્પેનિશ આર્કિટેકટ સ્ત્રીમિત્ર વેરોનિક સાથે પ્રેમ સંબંધની અવારનવાર ચર્ચા થાય છે. અને 2004ના ઇન્ટરવ્યૂમાં રાહુલે આ વાત સ્વીકારી હતી. (`આઉટલૂક’: 17 ઑગસ્ટ 2012). પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ખ્રિસ્તી રોબર્ટ વાડ્રા સાથે લગ્ન કર્યાં, પરંતુ પ્રિયંકાના દીકરાની વાત સગાઈ પહેલાં જ કેમ જાહેર થઈ ગઈ? તે પણ એવા જ સમયે જ્યારે ઈમરાન મસૂદે પ્રિયંકા ગાંધી માટે દાવો કર્યો ત્યારે? કારણ સમજવા જેવું છે.

સોનિયા-રાહુલની છાપ તો કટ્ટર લઘુમતી તરફી છે, પરંતુ પ્રિયંકા ગાંધીની છાપ એવી નથી. એ પૂજા પણ કરે છે. તિલક પણ લગાવે છે. અને ઈમરાન મસૂદે એવું કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુ સહિતના લઘુમતીઓ સામે હિંસાનો મુદ્દો પ્રિયંકા ગાંધીએ મુખર રીતે ઉઠાવ્યો હતો. તેમને જો વડા પ્રધાન બનાવવામાં આવે તો ઈન્દિરાજીએ જેમ પાકિસ્તાનના બે ટુકડા કર્યા હતા તેમ એ પણ ઉત્તર આપી શકે તેમ છે એટલે દિલ્હીનાં રાજકીય વર્તુળોમાં ચર્ચા એવી છે કે પ્રિયંકાનું પત્તુ કાપવા રાહુલ જૂથના લોકોએ સગાઈના સમાચાર લીક કરી દીધા… !

સગાઈના સમાચારમાં ન્યૂ ઇન્ડિયન ઍક્સ્પ્રેસ’એ તો લખ્યું,આ સમારંભમાં સોનિયા ગાંધી ઉપસ્થિત રહેવાનાં નથી.’ સોનિયાનું સ્વાસ્થ્ય ખરાબ હોય તો સમજી શકાય કે એ હાજર ન પણ રહે, પરંતુ ગત 16 ડિસેમ્બરે સંસદની અંદર આશા અને આંગણવાડી કાર્યકર્તાઓ મુદ્દે તેમણે ગોગલ્સ પહેરીને ભાષણ આપ્યું હતું. પ્રદૂષણ વિરોધી કૂચમાં પણ એ જોડાયાં હતાં. તો પછી દોહિત્ર રેહાનની સગાઈમાં ગેરહાજર કેમ? આથી ચર્ચા છે કે પ્રિયંકાને વડાં પ્રધાન બનાવવાની માગણીથી સોનિયા ક્રોધિત છે. સોનિયાનો પુત્ર મોહ જાણીતો છે.

આવા સિનારિયા વચ્ચે રાજકીય નિષ્ણાતો કહે છે કે ગાંધી પરિવારમાં આ ત્રીજું મહાભારત છે. નહેરૂ અને વિજયાલક્ષ્મી પંડિત વચ્ચે પણ સત્તાની સ્પર્ધા હતી, પરંતુ નહેરૂએ વિજયાલક્ષ્મી પંડિતને યુનો અને યુએસએસઆરમાં રાજદૂત બનાવીને બહાર જ રાખ્યાં. આ પહેલું મહાભારત હતું.

ઈન્દિરાજીએ તો ફઈ વિજયાલક્ષ્મીજીને સ્પષ્ટ કહ્યું હતું, મને તમારામાં વિશ્વાસ નથી. વિજયાલક્ષ્મીજીએ પણ ઈન્દિરાજીનો કટોકટી માટે કડક વિરોધ કર્યો હતો. તે પછી સોનિયા ગાંધી અને મેનકા ગાંધી વચ્ચે સ્પર્ધા ચાલી હતી. ઈન્દિરાએ મેનકા ગાંધીને ઘરની બહાર કાઢી મૂક્યાં હતાં. સંજય ગાંધીનાં મૃત્યુ પછી મેનકાને ઈન્દિરાજી પોતાના સચિવ બનાવવાનાં હતાં અને રાજકારણમાં લાવવાનાં હતાં, પરંતુ તેના બદલે આ નિર્ણય કર્યો તેમાં સોનિયા ઉત્તરદાયી હતાં. પરિણામે, મેનકા ગાંધી આજેય વિપક્ષમાં જ છે. તે બીજું મહાભારત હતું.

રાહુલ-પ્રિયંકા વચ્ચે આ ત્રીજું મહાભારત ચાલી રહ્યું છે. બરાબર નહેરૂના જન્મદિને જ બિહારની ચૂંટણીનાં પરિણામોમાં ભવ્ય વિજય પછી વડા પ્રધાન મોદીએ આગાહી કરી હતી કે કૉંગ્રેસમાં ટૂંક સમયમાં જ ભાગલા પડશે. શું પ્રિયંકા ગાંધી વાડ્રા આ ભાગલાનું નિમિત્ત બનશે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button