સિક્કાની ત્રીજી બાજુઃ પહેલાં જેવી મજા હવે નથી રહી…

- જયવંત પંડ્યા
આજથી બે એક દાયકા પહેલાં લોકો એકબીજાને લગ્ન પ્રસંગે, મરણ પ્રસંગે મળતા કે એકબીજાના ઘરે બેસવા જતા ત્યારે પહેલો પ્રશ્ન પૂછતા, કેમ છો? આજે એ જ પ્રશ્નના ઉત્તર-ઉત્તરમાં અંતર આવી ગયું છે. પહેલાં ઉત્તર મળતો, મજામાં. આજે કહે છે, ક્યાં મજા છે? આ વખતે વરસાદ કેવો પડ્યો! જો ઉનાળાની ઋતુ હશે તો કહેશે, ગરમી બહુ પડે છે. શિયાળાની ઋતુ હશે તો કહેશે, શિયાળા જેવું જ નથી લાગતું.
દરેક ઋતુમાં એમને ફરિયાદ હોય છે. આવા લોકો એ વિચારતા નથી કે ચોમાસામાં જે વરસાદથી કંટાળી જાય છે તે જ વરસાદની એ જ લોકો ઉનાળામાં કાગડોળે રાહ જોતા હોય છે. ઉનાળામાં જે ગરમીથી કંટાળી જાય છે તે ગરમી ન પડે તો વરસાદ કેવી રીતે આવે? પહેલાં આપણને નકારાત્મકતા વિચારવાનો સમય જ નહોતો મળતો. દિનચર્યા જ એવી હતી. નકારાત્મકતા વધારવામાં મુખ્યત્વે ત્રણ પરિબળ આજે મોટો ભાગ ભજવે છે, જેમકે મીડિયા, સોશ્યલ મીડિયા અને મનોરંજન જગત-ખાસ કરીને ટીવી અને ઑટીટી.
મીડિયામાં અગાઉ પણ કૂતરું માણસને કરડે તે સમાચાર નહોતા બનતા, માણસ કૂતરાને કરડે તે સમાચાર બનતા હતા, પરંતુ પહેલાં પ્રિન્ટ મીડિયા જ હતું અને તેનાં પણ આઠેક પાનાં જ વધુમાં વધુ હતાં. (અહીં બધાં પ્રિન્ટ મીડિયાની વાત નથી. સરેરાશ વાત છે.) આજે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, ડિજિટલ તેમ જ સોશ્યલ મીડિયાનો રાફડો ફાટ્યો છે. વિચાર કરો, નકારાત્મકતાનું પ્રમાણ કેટલા ગણું વધી ગયું?
ઉદાહરણ તરીકે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ લપસીને પડી જાય એ વારંવાર દર્શાવવાના સમાચાર બને છે… રાહુલ ગાંધી તળાવમાં માછલી પકડવા પડે તે સમાચાર બને છે.. શિક્ષણ પ્રધાન પ્રદ્યુમ્ન વાજા ફંગલ ઇન્ફેક્શનના કારણે વોટરપ્રૂફ બૂટ પહેરે તો પણ જાણ્યા કર્યા વગર નેગેટિવ સમાચાર બને છે. જે પોતે વન વિસ્તારમાંથી આવે છે તેવા નવા આદિ જાતિ પ્રધાન નરેશ પટેલે ખેડૂતોને પાકની નુકસાનીનો અંદાજ લગાવવા તાપી જિલ્લામાં ગયા હતા ત્યારે ખેડૂત સાથે સહાનુભૂતિ દર્શાવતા કહ્યું કે પાકમાંથી વાસ આવે છે. નુકસાન થયું છે, પરંતુ નકારાત્મક વલણ જ ધરાવતા ન્યૂઝ ટ્રેડરોએ તેને ઊંધા અર્થમાં દર્શાવ્યું અને કહ્યું કે ખેડૂતોની મજાક ઉડાવી.
વાતાવરણના પ્રભાવના કારણે ઘણા લોકોને બધું નકારાત્મક જ લાગે છે. કોઈ તમારી સામે જુએ તો પણ એમ લાગે કે જો મારી સામે ‘કતરાઈને જોયું’. ન જુએ તો એમ થાય કે ‘મારી અવગણના કરી’!
ચાર મિત્ર વાત કરી રહ્યા હતા. તેમની વાતચીત પરથી લાગતું હતું કે અત્યંત ગાઢ મિત્રો છે, પરંતુ એક મિત્ર ગયો એટલે ત્રણ મિત્રમાંથી એક મિત્રએ તેના વિશે નકારાત્મક વાત કરવાની શરૂ કરી. ‘આમ તો પંકજ સારો, પણ લાસડિયો (કામમાં ધાંધિયા કરનાર) બહુ.’ એટલે બીજાએ સુર પૂરાવ્યો, હા, મેં પણ તેને એક કામ ચીંધ્યું હતું, તે તેણે સમયસર કર્યું નહીં. ત્રીજો બોલ્યો, મને પણ એવો જ અનુભવ હતો. દર વખતે પંકજ આ ત્રણેય મિત્રોનાં કામ કરી આપતો, પણ આ વખતે તેનાં મમ્મી બીમાર હોવાથી તે સમયસર ન કરી શક્યો અને બીજા ત્રણ મિત્રોએ કંઈ જાણ્યા વગર જ પોતાના મિત્ર પર કામમાં થાંથો હોવાનો આક્ષેપ કરી દીધો.
અગાઉ એમ મનાતું હતું કે ચાર ચોટલા મળે એટલે પંચાત શરૂ થાય. હવે એવું રહ્યું નથી. પુરુષો પણ પંચાત કરે છે. આ પંચાતમાં અદાણી-અંબાણીથી માંડીને સૂર્યકુમાર યાદવ, જેમિમા રોડ્રિક્સ અને વડા પ્રધાન મોદી પણ આવી જાય. પહેલાં પાનના ગલ્લે કેટલાક લોકો આવી ફાલતુ ચર્ચા કરતા, હવે તો લગ્ન પ્રસંગે પણ થાય અને બેસણામાંથી બહાર નીકળીને પણ થાય. દરેક વ્યક્તિને લાગે છે કે પોતે જ ઍક્સ્પર્ટ છે. અને પોતાનો જ મત સાચો.
ગોસિપિંગ તો ઠીક, પરંતુ નકારાત્મકતાના કારણે જ આજે લાઇફ કોચિંગ, મોટિવેશનલ સ્પીકર વગેરેની હાટડીઓ ધમધમે છે. ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે, આપણી પાસે બે હાથ, બે પગ, વિચારવા માટે મગજ, સ્વાદ લઈને ખાવા માટે દાંત, જીભ, લાળ ગ્રંથિ, પચાવવા માટે હોજરી, સાંભળવા માટે કાન છે, છતાં દરેકને અસંતોષ છે.
સોશ્યલ મીડિયા અને ષડયંત્રોવાળાં સાસ-વહુનાં ધારાવાહિકો આ અસંતોષને જન્માવે છે અને ભડકાવે છે. ‘ઉસ કી સાડી મેરી સાડી સે સફેદ કૈસે…’ એ પહેલાં સ્ત્રીનો સ્વભાવ હતો પણ હવે પુરુષનેય થાય છે કે ‘પેલાએ ફલાણી ગાડી લીધી, મારી પાસે એવી ગાડી ક્યારે આવશે?’
સારું વેતન અને રજા વગેરેના સારા લાભ છતાં સરકારી કર્મચારી પ્રસન્ન નથી અને સરકારી કર્મચારી કરતાં સારો પગાર, ગ્રોથ મેળવતો ખાનગી કર્મચારી વિચારે છે કે મારી કરતાં તો સરકારી કર્મચારી પ્રસન્ન છે. વેપારીને લાગે છે કે નોકરિયાત ખુશ છે, જ્યારે જોઈએ ત્યારે રજા મૂકી ફરવા જઈ શકે છે અને નોકરિયાતને લાગે છે કે વેપારીને સારું, કોઈ બોસ તો નહીં.
મોટા ભાગના લોકો ‘આનંદ’ ફિલ્મના ચંદ્રલાલ (આસિત સેન) જેવા હોય છે. તેમને કોઈ બીમારી ન હોય તોય દવા જોઈએ. અને અમુક આનંદ (રાજેશ ખન્ના) જેવા હોય છે જે ગંભીર બીમારીમાં પણ જીવન ખરેખર ‘જીવી જાય’. આજે આવા આનંદની સંખ્યા ઝ્ડપથી ઘટી રહી છે.
આપણ વાંચો: સ્મૃતિ વિશેષઃ ‘ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને ગમતાનો કરીએ ગુલાલ…’



