વહાલામાંથી દવલા ને ભાગેડુ બનેલા ડૉ. તેજાની આંચકાજનક દાસ્તાન…

- પ્રફુલ શાહ
ડૉ. જયંતી ધર્મા તેજાની સંપૂર્ણ પડતીનું કાઉન્ટડાઉન જોશભેર શરૂ થઈ ગયું હતું. જવાહરલાલ નહેરુના અવસાન સાથે આરંભ થયો, ને લાલ બહાદુર શાસ્ત્રીના આગમન સાથે સારો સમય પૂરો થયો. પછી આવ્યાં ઈંદિરા ગાંધી. તર્ક મુજબ તો જવાહરલાલ ખાસમખાસને તો દીકરી ઈંદિરાના શાસનમાં વાંધો આવવો ન જોઈએ, પરંતુ એવું થવાનું નહોતું. કારણ? રાજકારણ જાણે.
ઈસ્વી સન 1966માં ઈંદિરા ગાંધી વડા પ્રધાન બન્યાં અને ડૉ. તેજાની જયંતી શિપિંગ કોર્પોરેશન વિરુદ્ધ તપાસ શરૂ થઈ ગઈ. આ તપાસમાં એક પછી એક નવા ફણગા ફૂટવા માંડ્યા. આ જહાજી કંપનીની ગાઈ વગાડેલી સૌથી મોટી સિદ્ધિ હતી જાપાનની વિશ્ર્વ-વિખ્યાત કંપની મિત્સુબુસી સાથે જોડાણ. પરંતુ જહાજ ખરીધ્યા બાદ પહેલો હપ્તા આવ્યા બાદ એને કોઈ ચુકવણી કરાઈ નહોતી. આને લીધે જાપાની કંપનીએ બીજાં જહાજોની ડિલિવરી સ્વાભાવિક રીતે જ અટકાવી દીધી હતી.
બીજી ચોંકાવનારી હકીકત એ બહાર આવી કે જયંતી શિપિંગ કોર્પોરેશન નુકસાનમાં ચાલતી કંપની બની ગઈ હતી પણ એના સર્વેસર્વા ડૉ. તેજાના નફા-કમાણીમાં લેશમાત્ર ઘટાડો થયો નહોતો. આક્ષેપ એવો પણ થયો કે ડૉ. તેજા તો દરેક કોન્ટ્રેક્ટ કમિશન-કટ થકી પોતાની કમાણીમાં વધારો કરી રહ્યો હતો.
સરળ ભાષામાં સમજીએ તો સરકારી લોનથી ઊભી થયેલી કંપની નુકસાનમાં ડૂબી રહી હતી, ને એના -થકી ધંધો કરીને તેજા મસ્ત તરી રહ્યો હતો. આ સાથે ડૉ. તેજા પર નિતનવા આરોપો થવા માંડ્યા. પૈસાની ગેરકાયદે લેવડદેવડ, પાસપોર્ટ નિયમોના ઉલ્લંઘન અને વિઝાની છેતરપિંડી.
1966માં જ ડૉ. જયંતી ધર્મા તેજાની ધરપકડ માટેનું વૉરંટ બહાર પડાયું. એ સમયે ડૉ. તેજા પત્ની સાથે ફ્રાંસમાં વેકેશન માણી રહ્યો હતો અને ભારતીય પોલીસ એના સુધી પહોંચે એ પહેલા એકદમ હવામાં ઓગળી ગયો.
એક સમયે રાજકારણી, મીડિયા અને ઉદ્યોગોનો વહાલો હવે દવલો બનીને ભાગમભાગ કરવા માંડ્યો હતો. આટલું જ નહિ, ભારત સહિત અમુક દેશોની સરકાર અને ઈન્ટરપોલ સાથે પાંચ-પાંચ વર્ષ સુધી સંતાકુકડી રમતો રહ્યો ડૉ. તેજા.
આખરે 1970માં અમેરિકામાં ડૉ. જયંતી ધર્મા તેજાની ધરપકડ કરાઈ, પરંતુ અમેરિકાની અદાલતમાં એને જામીન મળી ગઈ. પછી તો જામીનની શરતોને ઘોળીને પી ગયા બાદ ડૉ. તેજા ભાગીને કોસ્ટારીકા પહોંચી ગયો . ત્યાંની સરકારે એને ત્રણ વર્ષ સુધી આશ્રય આપ્યો.
ફરી 1970માં બનાવટી ઓળખાણ સાથે સફર કરતા લંડનના હિથ્રો એરપોર્ટ પર ડૉ. તેજા પકડાઈ ગયો. અહીંથી એક અલગ શરૂઆત થઈ, જેણે ભારતભરને આંચકો આપ્યો. બ્રિટન પોતાને પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારત ન મોકલી દે એટલે ડૉ. તેજાએ લંડનના કોર્ટમાં સનસનીખેજ દાવો કર્યો કે નહેરુના શાસનમાં મને ટૉપ સિક્રેટ મિશન માટે 14-14 વખત સોવિયેત સંઘ મોકલાયો હતો.
અહિં એ સમયનો આંતરરાષ્ટ્રીય રાજકીય સીનારિયો ટૂંકમાં સમજીએ. અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચેના શીત યુદ્ધમાં બ્રિટન અમેરિકાની પડખે હતું. ડૉ. તેજાએ ભારત સરકારની આબરૂને રેવડી દાણાદાણ કરવી હતી. સાથોસાથ આવા અમેરિકા વિરોધી મિશન હાથ ધરનારને બ્રિટન ભારતને પાછો સોંપી ન દે એવી ડૉ. તેજાની રમત હતી. પરંતુ લંડનમાં ખેલેલા આ ડ્રામામાં ડૉ. તેજાને ધાર્યું કલાઈમેકસ કે પરિણામ હાંસલ ન થયા.
છેવટે 1971ના એપ્રિલ મહિનામાં ડૉ. તેજાને ભારત મોકલી દેવાયો. એ ચમકદાર-દમદાર શૂટમાં ઊતર્યો. તરત તેને કારમાં બેસાડીને પોલીસ વડાની કચેરીમાં લઈ જવાયો. ત્યાં ઠંડું પીણું પીવડાવાયું.
ત્યારબાદ અદાલતમાં ડૉ. જયંતી ધર્મા તેજા વિરુદ્ધ ખટલો શરૂ થયો. 1972ના ઑક્ટોબરમાં ત્રણ વર્ષની કેદ થઈ. 1975માં જેલમાંથી બહાર આવી ગયા, પરંતુ એના દુસાહસનો આ અંત નહોતો.
ભારતીય કાયદા મુજબ બે વર્ષથી વધુ સમયની જેલની સજા થઈ હોય એ ગુનેગારને પાસપોર્ટ પાછો મળતો નથી, પરંતુ અખબારી અહેવાલો પ્રમાણે પછી ડૉ. તેજા ભારતના તત્કાલીન વડા પ્રધાન મોરારજી દેસાઈના પુત્ર કાંતિ દેસાઈ અને કેન્દ્રિય પ્રધાન સિકંદર બખ્ત સાથે એરપોર્ટ પર દેખાયો હતો. અહીંથી ડૉ. તેજા વિમાનમાં ઊડીને અમેરિકા પહોંચી ગયો. સાવ પાસપોર્ટ વગર, કાયદા વિરુદ્ધ અને પાસપોર્ટ પાછો મળી ગયો કે…?
આ ઘટનાએ કંપારી જગાવી. સંસદમાં હોબાળો મચ્યો ત્યારે વડા પ્રધાન મોરારજી દેસાઈ બોલ્યા હતા, ડૉ. તેજાએ સરકાર પાસેથી જેટલું લીધું, એનાથી ઘણું આપ્યું છે. આથી તે ગમે ત્યાં આવવા-જવા માટે સ્વતંત્ર ગણાય.
પરંતુ મોરારજી દેસાઈની જનતા દળની ખીચડી સરકાર તૂટી પડ્યા બાદ ચૌધરી ચરણસિંહ વડા પ્રધાનપદે આવ્યા. એમની સરકારે તો ડૉ. તેજાને લઈ જનારા વિમાનની કંપની પેન એમ વિરુદ્ધ અદાલતમાં કેસ કરી દીધો. પેન એમનો દાવો હતો કે જ્યારે બે સરકારી માણસ ડૉ. તેજાને મૂકવા આવ્યા હોય તો અમારી ભૂલ શા માટે ગણાય? આ દલીલબાજીમાં કેસ લાંબો ચાલ્યો. પણ 1991માં પેન એમ કંપનીએ નાદારી નોંધાવી અને કેસ તો ચુકાદા વગર ખતમ થઈ ગયો. ડૉ. જયંતી ધર્મા તેજા વિરુદ્ધના આ ખટલામાં ભારત સરકારે નવ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો, જેની વસૂલી ક્યારેય ન થઈ શકી. ડૉ. તેજાની કંપની તો દેવાળું ફૂંકી ચુકી હતી. અંતે જયંતી શિપિંગ કોર્પોરેશનનું રાષ્ટ્રીયકરણ કરીને સરકારે સંતોષ માનવો પડ્યો હતો.
ડૉ. તેજાની વાર્તામાં હજી અણધાર્યા વળાંક આવવાના હતા. 1983માં ફરી એની ભારતમાં પધરામણી થઈ. શા માટે? ફરી વેપાર શરૂ કરવાની ઈચ્છા હતી, પરંતુ આ વખતે ક્યાંય જરાય મેળ ખાધો નહીં. અંતે 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ તેણે ફરી ભારત છોડી દીધું. 1985ની 25મી ડિસેમ્બરે બધા ક્રિસમસ ઉજવતા હતા, ત્યારે તેજાએ અમેરિકાના ન્યૂ જર્સીમાં અંતિમ શ્ર્વાસ લીધા ને આખરી સફર પર નીકળી પડ્યો. (સંપૂર્ણ)
આપણ વાંચો: ટ્રમ્પનો નવો વર્લ્ડ ઓર્ડર: હુમલો કરો – તાકાતથી જીતો ને પ્રદેશ પણ રાખો!