આ તો સ્કેમ છે… સ્કેમ છે…!: પંજાબમાં પહેલી રાજકીય હત્યા માટે ગોઠવાયો હતો તખ્તો…

પ્રફુલ શાહ
1965ની છઠ્ઠી ફેબ્રુઆરી અને શનિવારનો દિવસ ભારતીય રાજકારણમાં લોહિયાળ પ્રકરણની શરૂઆત કરવાનો હતો.
સંયુક્ત પંજાબ (ત્યારે પંજાબમાંથી હરિયાણા અને હિમાચલ પ્રદેશ અલગ કંડારાયા નહોતા)ના ત્રીજા મુખ્ય પ્રધાન, હરિત ક્રાંતિના પ્રણેતા અને સ્વાતંત્ર્ય સૈનિક સરદાર પ્રતાપસિંહ કૈરોં આગેવાન કૉંગ્રેસી નેતાઓને મળવા માટે દિલ્હી ગયા હતા. રાજકીય કાનાફુસી મુજબ તેઓ પંજાબના તાત્કાલીન મુખ્ય પ્રધાન રામકિશનને હટાવીને પોતાને ફરી ગાદી પર બેસાડવાની રજૂઆત કરવા દિલ્હી ગયા હતા. થયું હતું એવું કે કૈરોં સામે રાજકીય હરીફોએ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ મૂક્યા હતા. આને પગલે કૈરૌંએ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પરંતુ ત્યાર બાદ તપાસ સમિતિને એમની સામેના આરોપ વજુદ વગરના લાગ્યા હતા. આથી હવે ફરી પોતાને મુખ્ય પ્રધાનની ગાદી મળવી જોઈએ એ વાત મોવડીમંડળને ગળે ઉતારવા કૈરોં દિલ્હી પહોંચ્યા હતા. કૈરોંનું રાજકીય વજન ખાસ્સું, સમર્થકો ય ઘણાં ને પાછા એ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના નિકટના ગણાતા હતા. રાજકીય નીરિક્ષકો માનતા હતા કે કૈરોંના ફરી સત્તારૂઢ થવું એ માત્ર એક ઔપચારિક્તા હતી.
આવા રાજકીય ગરમાવા વચ્ચે કૈરોં દિલ્હી ગયા ત્યારે કૉંગ્રેસી સાંસદ રણજીતસિંહના નિવાસસ્થાને રોકાયા હતા. સવારે સાડા નવ વાગ્યે ચા-નાસ્તો પતાવ્યા બાદ તેઓ દિલ્હીથી ચંદીગઢ જવા માટે એક અખબારના તંત્રી અને મિત્રની મોટરમાં નીકળવાના હતા, પરંતુ ન જાણે શું થયું કે તેમણે છેલ્લી ઘડીએ પ્લાન બદલી નાખ્યો. તેઓ પીઢ કૉંગ્રેસી નેતા જગજીવન રામને મળવા પહોંચી ગયા. એમની સાથે ચર્ચા આટોપ્યા બાદ તેઓ લગભગ 11 વાગ્યે કર્ઝન રોડથી ચંડિગઢ જવા માટે રવાના થયા. એમની સાથેના અંગત સચિવ અજિતસિંહ ગાડીમાં આગળ ડ્રાઈવરની બાજુમાં બેઠા હતા. આમ આગળ ડ્રાઈવર દિલીપસિંહ અને અજિતસિંહ, તો પાછળની સીટમાં કૈરોં સાથે મિત્ર બલદેવ કપૂર હતા. આ ગાડીમાં ચંદીગઢ ઘરે પહોંચવાના અને ફરી સત્તાને આલિંગન આપવાના સપના ખુલ્લી આંખે જોવાઈ રહ્યા હતા.
આ પણ વાંચો…આ તો સ્કેમ છેઃ આઈ.એન.એ.ના ખજાનામાંથી પાકિસ્તાને ભાગ માગ્યો હતો…
એમની મુસાફરીના માર્ગ પર એટલે કે દિલ્હીથી 30 કિલોમીટરના અંતરે આવેલા જી.ટી. રોડ પર ચાર માણસો સવારના કંટાળી રહ્યાં હતાં. એમની નજર સામેથી આવતી મોટર પર હતી. ચારમાંથી બે જણા પોલીસના ગણવેશમાં હતા. સોનીપત પાસેના રસોઈ ગામથી પસાર થતા રોડ પર આ લોકો સવારના આઠ વાગ્યાથી ફિલ્ડિંગ લગાવીને બેઠા હતા. ગામવાળાઓ કુતૂહલવશ આ અજાણ્યા શખ્સોને પૃચ્છા કરી તો જવાબ મળ્યો કે અમે સરકારી કર્મચારી છીએ અને હડકાયા શ્વાન અને ગાંડા થયેલા વાનરોને પકડીને પ્રજાને સલામત રાખવાની ફરજ અમને સોંપાયેલી છે.
જો કે ગામવાળાને ખબર નહોતી કે આ ચારેય પાસે રાઈફલ હતી ને રિવૉલ્વર પણ. બપોર થવાથી સૂરજ માથે આવવા સાથે ગરમી અને ઉકળાટ વધી રહ્યા હતા.
સરદાર પ્રતાપસિંહ કૈરોંની ગાડી રસોઈ ગામ ભણી ધસી રહી હતી. ત્યાં રોડ બ્લૉક પાસે સમારકામ ચાલતું હતું. એક સમયે એક બ્લુ કાર ત્યાં પહોંચી ગઈ. એમાંથી કોઈકે ચારેયને ઈશારો કર્યો. આ સાથે જ ચારેચાર રસ્તા નજીકના ઢાબા પરના ખાટલા પર અડ્ડો જમાવીને બેસી ગયા, પરંતુ એક-એકની નજર અને ધ્યાન સંપૂર્ણપણે રસ્તા પર જ હતા.
બ્લુ કારવાળાએ ફરી ઈશારો કરતા ચારમાંથી એકે રસ્તા પર સમારકામ કરતા મજૂરોને સૂચના આપી કે આડશ ઊભી કરીને સામેથી આવતી કારને રોકવાની છે, કારણ કે એમાં અફિણની હેરાફેરી થઈ રહી છે. મજૂરોએ એમની વાત માત્ર માની જ નહિ, એનો અમલ સુધ્ધાં કરી નાખ્યો. રસ્તા પર અચાનક કૈરોંની ગાડીની ઝડપ ધીમી પડવા માંડી અને આડશ પાસે આવીને ઊભી રહી ગઈ. આ સાથે ચારેય બંદૂકધારી એકદમ ઘાંઘા થઈને ગોળીઓ છોડવા માંડ્યા. એક જણે તો કારનો પાછળનો દરવાજો ખોલીને કૈરોંના શરીરમાં બે ગોળી ધરબી દીધી. એમાંથી એક ગોળી તો એમના માથામાં ઘૂસી થઈ. અંગત સચિવ અજિત સિંહે પોતાની પિસ્તોલ કાઢવાની કોશિશ કરી પણ હુમલાખોરો વધુ સ્ફુર્તિવાન નીકળ્યા. બંદૂકબાજોએ કૈરોં ઉપરાંત અજિત સિંહ, બલદેવ કપૂર અને દલીપ સિંહનાય ઢીમ ઢાળી દીધાં.
ઘડીના છઠ્ઠા ભાગમાં રસ્તા પર ચાર લાશ પડી હતી, ને એમના હત્યારા ખેતરમાં દૂર દૂર ભાગતા નજરે પડ્યા હતા.
મહાત્મા ગાંધીને બાદ કરીએ તો આ સ્વતંત્ર ભારતની પહેલીવહેલી રાજકીય હત્યા હતી. આવા બહુ બધા પડઘા પડવાના હતા હજી. (ક્રમશ:)
આ પણ વાંચો…આ તો સ્કેમ છે…: કાશ, રિચાર્ડ નિક્સનને ગુસ્સો ન આવ્યો હોત તો…