ઈન્ટરવલ

શરદ જોશી સ્પીકિંગઃ અપના દેશ મજબૂત માંગતા…

સંજય છેલ

તમે ઘણીવાર નેતાઓનાં ભાષણોમાં સાંભળતા હશો કે, આપણો દેશ મજબૂત હોવો જોઈએ!’ હવે આ દેશ ક્યાંથી અને કઈ બાબતમાં મજબૂત હોવો જોઈએ એ વાતને લઈને કોઈ પાસે કોઇ જ ઠોસ વિચાર સ્પષ્ટ નથી… તો મજબૂત થવાની પ્રક્રિયામામાં શું શું કરવું એ પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે, જેમ કે,પહેલા શું મજબૂત કરવું પડશે?’ એવું લાગે છે કે બસ, ગમે તે થઈ જાય, બધું જ મજબૂત થવા દો, પણ મજબૂત થવાની પ્રક્રિયા દરમિયાન કેટલીક એવી બાબત છે, જે પરંપરા સાથે મજબૂત રીતે ચાલતી આવી રહી છે અને એ નબળી પડવા માંડી છે.

ત્યારે એક બીજું વાક્ય સાંભળવા મળે છે કે, `કમજોર નહીં થાવ!’ આમ જાણ્યા – સમજ્યા વગર સાંભળવાનું કે ક્યાં શું થવાનું છે? આપણે તો માત્ર એટલું જાણીએ છીએ કે આપણે નબળા નથી પડવાનું અને મજબૂત થવાનું છે.

ચાલો, માની લઈએ કે દેશની તાકાતના સંદર્ભમાં સેનાની મજબૂતી અને આર્થિક મજબૂતી સૌથી જરૂરી છે, પણ દેશમાં અંદર અંદર જે લડાઈઓ ચાલતી રહે છે એના સંદર્ભમાં ભાષણમાં કહેવામાં આવશે કે- આપણી એકતા મજબૂત હોવી જોઈએ!' અથવા તો પછી એવું કેએકતા માટે સરકાર મજબૂત હોવી જોઈએ!’ પણ જેવી સરકાર મજબૂત થાય કે બધે ત્રાહિમામ થવા માંડે છે અને આર્થિક ક્ષેત્રના વિકાસમાં ગડબડ થવા માંડે છે.

જ્યાં સુધી આર્થિક સ્થિતિ મજબૂત નહીં થાય ત્યાં સુધી સેના કેવી રીતે મજબૂત થશે? અને એ પણ કે સરકારની મજબૂતી લોકશાહીના સ્વભાવ પર આધાર રાખે છે. એટલા માટે પાછું એવું પણ કહેવાય છે કે લોકશાહી મજબૂત હોવી જોઈએ!

સારૂં છે કે આવું બધું બોલવા કે વિચારવાવાળા લોકો સદભાગ્યે બહુ ઊંડાણથી નથી વિચારતા, નહીંતર તો સૌ પાગલ થઈ જાય કે આ દેશમાં પહેલા શું મજબૂત હોવું જોઈએ? એમાંથી મોટાભાગના નેતાઓ, પોતાના પક્ષને મજબૂત કરવામાં અને પક્ષથી પણ વધારે પોતાની ખુરશીને મજબૂત કરવામાં વ્યસ્ત રહેતા હોય છે. એમના જીવનની ફિલોસોફી જ એ છે કે અમારો પક્ષ ચૂંટણીમાં જીતતો રહે અને અમે અમારા પદ પર ટકી રહીએ તો સમજો બધું મજબૂત છે!

જો આ બધી ચર્ચાઓથી દૂર થવું હોય અને પછી પણ મજબૂતીની વાતો કરવી અને નિવેદનો અપાતાં હોય તો ખરેખર તો મુખ્ય વાત એ છે કે તમે એ સવાલ ઉઠાવો કે પહેલાં કેન્દ્ર મજબૂત હોવું જોઈએ કે રાજ્ય મજબૂત હોવું જોઈએ? વર્ષોથી આ જ ચર્ચા ચાલી રહી છે અને ક્યારેય કોઈ પરિણામ પર રાષ્ટ્ર પહોંચી નથી શક્યું! પણ મજબૂતી પર ચર્ચા, મજબૂતીથી ચાલે રાખે છે. રાષ્ટ્રને મજબૂત કરતાં પહેલાં એ બાબત નક્કી કરવી પડશે કે રાષ્ટ્રનો કયો ભાગ મજબૂત હોવો જોઈએ- કેન્દ્ર કે રાજ્ય?

આ રીતની ચર્ચાનો આગામી વિસ્તાર રાજ્યોમાં થવો જોઈએ કે પહેલાં શું મજબૂત બનાવીએ? રાજ્યનું પાટનગર મજબૂત હોવું જોઈએ કે રાજ્યના જિલ્લા? ભોપાલ મજબૂત હોવું જોઈએ કે રતલામ જિલ્લો? અને તમે જ કહો કે રતલામ મજબૂત કેમ ન હોવું જોઈએ?

એક જીવતા જાગતા, નોર્મલ જીવન જીવનારા માણસને એ સવાલ પૂછવો જોઈએ કે, `શું સાહેબ? તમે તમારી ખોપરી મજબૂત રાખવાનું પસંદ કરશો કે હાથ-પગ? કે પછી તમાં દિલ?’ પછી ખબર નથી એ બિચારો શું જવાબ આપશે? જો એ કમજોર શરીરનો હશે તો કહેશે- કંઈ પણ મજબૂત કરી દો ભાઇ, પણ કરી આપો એટલે તમારી મહેરબાની થશે!

એ જ રીતે દેશનો કોઈ પણ સામાન્ય માણસ કહેશે કે કેન્દ્ર, રાજ્ય, લોકશાહી, એકતા, આર્થિક પરિસ્થિતિ, ગમે તેને પણ મજબૂત કરી શકો તો કરો, પણ ઝટ કરો!

આ પણ વાંચો… શરદ જોશી સ્પીકિંગઃ માળો તોડવાનો આનંદ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button