તપાસનો ચુકાદો 24 દિવસમાં ને મુંદડાને સજા 22 વર્ષની! | મુંબઈ સમાચાર
ઈન્ટરવલ

તપાસનો ચુકાદો 24 દિવસમાં ને મુંદડાને સજા 22 વર્ષની!

  • પ્રફુલ શાહ

હરિદાસ મુંદડા, મોહમ્મદ કરીમ ચાગલા

સરકાર ખરેખર, દિલથી ઈચ્છે તો ગમે તેવા અને મોટા કૌભાંડમાં ય ગુનેગારને સજા અપાવી શકે છે. શર્ત એટલી જ કે સરકાર ઈચ્છે તો – શાસક પક્ષના જ સાંસદ અને જવાહરલાલ નહેરુના એકના એક જમાઈ ફિરોઝ ગાંધીએ પર્દાફાશ કરેલું મુંદડાનું એલ.આઈ.સી. કૌભાંડ ખૂબ ગાજ્યું. કહી શકાય કે તપાસ સમિતિ નીમી દઈને નહેરુએ મામલો ઠંડો પાડી દીધો, પરંતુ હકીકતમાં એવું નહોતું જ.

વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ મુંબઈની વડી અદાલતના ભૂતપૂર્વ નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ એમ. સી. ચાગલાની અધ્યક્ષતામાં તપાસ સમિતિ રચીને આ કૌભાંડની સચ્ચાઈ બહાર લાવવાની જાહેરાત કરી. આપણે તાજેતરના ઈતિહાસમાં ઘણાં તપાસ પંચની મુદત સતત લંબાતી જોઈ છે. મુદત પૂરી થયા બાદ એનો અહેવાલ જાહેર કરવામાં અક્ષમ્ય વિલંબના સાક્ષી બન્યા છીએ. વિલંબ અંગે હોબાળો મચે ત્યારે નાછુટકે સરકાર અહેવાલ જાહેર કરે, કાં અહેવાલ સ્વીકારવાનો ઈનકાર કરી દે. પોતે જ નીમેલા પંચના તારતમ્ય પર અવિશ્ર્વાસ વિશે શું કહી શકાય?

પરંતુ એ ગાંધી અને નહેરુ યુગ હતો. સાથોસાથ ગુજરાતી ખોજા પરિવારના મોહમ્મદ કરીમ ચાગલાની શાખ એવી કે સમ ખાઈ શકાય. આગળ જતાં ભારતના શિક્ષણ પ્રધાન બનેલા ચાગલાસાહેબે હેગની આંતરરાષ્ટ્રીય અદાલતમાં અસ્થાયી ન્યાયાધીશ તરીકે ય ફરજ બજાવી હતી. તેઓ બ્રિટનમાં ભારતના દૂત બન્યા હતા ને પછી વિદેશ પ્રધાનનો હોદ્દો ય શોભાવ્યો હતો. 1960માં રાજકારણને તિલાંજલિ આપીને તેમણે વકીલ તરીકે પ્રેક્ટિસને પ્રાધાન્ય આપ્યું હતું.

આવા એમ. સી. ચાગલાએ પૂરેપૂરી ગંભીરતા, નિષ્ઠા અને તટસ્થતાથી તપાસ હાથ ધરી. વરસોનો કાયદાનો અનુભવ અને ન્યાયાધીશ તરીકે સફળતાપૂર્વક નિભાવેલી દૈદિપ્યમાન જવાબદારી છોગામાં. આ એક વ્યક્તિના તપાસ પંચે કોઈની શેહમાં તણાયા વગર પોતાનો ચુકાદો આપ્યો.

ચાગલા તપાસ પંચે સૂચવેલા ઘણાં મુદ્દા આજે પણ એટલાં જ કે કદાચ વધુ પ્રાસંગિક છે, અનિવાર્ય છે.

એક, સરકારે સ્વાયત્ત સંસ્થા કે નિગમોની કામગીરીમાં હસ્તક્ષેપ કરવો ન જોઈએ.

બે, (જરૂર હોય ત્યાં) વ્યાપારિક અને નાણાકીય અનુભવ ધરાવતી વ્યક્તિઓમાંથી નિગમના અધ્યક્ષની પસંદગી કરવી જોઈએ.

ત્રણ, સિવિલ સર્વિસના અમલદારોની નિગમમાં મહત્ત્વના હોદ્દા પર નિમણૂક વખતે કહેવાવું જોઈએ કે તેમણે કોઈ સિનિયર સરકારી અમલદારની શેહમાં તણાવાનું નથી કે પોતાની નિર્ણય અને વિવેક-શક્તિ તેમને સમર્પિત કરી દેવાની નથી.

ચાર, જીવન વીમા નિગમના ભંડોળનો ઉપયોગ માત્ર એલ.આઈ.સી.ના પોલિસીધારક માટે થવાં જોઈએ. કદાચ આ સિવાય ભંડોળનો ઉપયોગ થાય તો એ દેશના વ્યાપક હિતમાં હોવું જોઈએ.

પાંચ, સંસદીય પદ્ધતિની સરકારમાં સંબંધિત પ્રધાન-સાંસદને દરેક તબક્કે વિશ્ર્વાસમાં લેવી જોઈએ અને ગૃહમાં દરેક જરૂરી દસ્તાવેજો રજૂ કરવા જોઈએ.

છ, એક પ્રધાને પોતાના સહયોગીના દરેક પગલાંની જવાબદારી લેવી જોઈએ. સહયોગીનું પગલું પોતાની નીતિનું પ્રતિબિંબ નથી અને તે મનફાવે વર્ત્યો એમ પ્રધાન કહી ન શકે.

આ ભલામણો છેક 1958ના ફેબ્રુઆરીમાં કરાઈ હતી. એમાં કંઈ ખોટું છે? ના, ના, ના. છતાં જો પછીની કોઈ સરકારે એનો અમલ કર્યો નથી.

કદાચ ભારતમાં કોઈ તપાસ પંચે આપેલો સૌથી ઝડપી ચુકાદો ચાગલા પંચનો હતો. આમાં કોઈ પર સીધેસીધો દોષારોપણ મુકાયો નહોતો. છતાં ઘણું ઘણું કહેવાતું હતું. આને લીધે નેહરુ પોતાની નિકટના સાથી અને નાણાપ્રધાન ટી.કૃષ્ણમ્માચારીને મુંદડા – એલ.આઈ.સી. કૌભાંડની જવાબદારી લેવા માટે જણાવ્યા સિવાય છુટકો નહોતો. પંચના અહેવાલે કૃષ્ણમ્માચારીએ રાજીનામું આપવું પડ્યું હતું.

આપણ વાંચો:  પ્રાસંગિક : દોસ્ત દોસ્ત ના રહા… હવે પુતિન વર્સીસ ટ્રમ્પ !

ચાગલા પંચની સૌથી મોટી વિશિષ્ટતા એ હતી કે એની સુનાવણી જાહેરમાં થઈ હતી. કોર્ટ રૂમની બહાર મોટા લાઉડ સ્પીકર લગાડાયા હતા કે જેથી અંદર આવી ન શકનારાઓ પણ કાર્યવાહી સાંભળી શકે. અહિં લાઉડ સ્પીકરમાં પ્રધાનો, અધિકારીઓ અને અન્ય મોટા માથાની થતી ટીકાઓને શ્રોતાઓ તાળીઓથી વધાવી લેતા હતા. ચાગલાના અહેવાલમાં હરિદાસ મુંદડાને છેતરપિંડી માટે દોષિત ગણીને કેસની સજા સંભળાવાઈ હતી. તેમણે તો નાણાં પ્રધાન કૃષ્ણમ્માચારી, નાણાં સચિવ એચ. એમ. પટેલ અને એલ.આઈ.સી.ના અમુક હોદ્દેદારો વિરુદ્ધ ખટલો ચલાવવાની અને હોદ્દા પરથી હટાવવાની ભલામણ કરી હતી.

આઝાદ ભારતમાં આ મુંદડા એલ.આઈ.સી. કૌભાંડ એક નહિં પણ અનેક રીતે ઉદાહરણરૂપ હતું. ફિરોઝ ગાંધી અને એમ.સી. ચાગલાને લીધે સરકારે પગલાં ભરવા પડ્યા એ નાનીસુની બાબત નહોતી, પરંતુ પછી એ પરંપરાને અનુસરનારા કેટલાં નીકળ્યાં?
હવે એવા માણસો નથી રહ્યાં કે સમય બદલાઈ ગયો છે? આપણે વધુ ભ્રષ્ટ અને જડ બની ગયા હોય એવું લાગતું નથી? નહિતર ગોટાળા પર ગોટાળા થતાં રહે? અને તપાસ કરવાની ય પરવા ય બંધ થઈ ચૂકી છે?

(સંપૂર્ણ)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button