ઈન્ટરવલ

ભ્રષ્ટાચારના ગ્રહણે લાલુના ‘ફાનસ’ને ઝાંખું પાડી દીધું

  • પ્રફુલ શાહ

પત્ની રાબડી દેવી સાથે લાલુજી

બિહારના ચાઈબાસા જિલ્લાના પશુપાલન વિભાગ 1996ના જાન્યુઆરીમાં પડેલા દરોડામાં બનાવટી દસ્તાવેજો મળ્યા. રૂા. 37.70 કરોડનો ગોટાળો પશુઓના ચારા, દવા અને અન્ય સામગ્રીને નામે થયાનું પર્દાફાશ થયું. ‘એશિયન એજ’ અખબારે બૉમ્બ ફોડ્યો કે આ ગોટાળામાં મુખ્ય પ્રધાન લાલુપ્રસાદ યાદવની સંડોવણી છે. એ સમયે હજી આજની જેમ રાજ્યના સર્વેસર્વા મુખ્ય પ્રધાન છાશવારે ગોટાળાના આક્ષેપ થયા નહોતા.

આથી બિહારના રાજકારણમાં પ્રચંડ ભૂકંપ આવી ગયો. પટણા હાઈ કોર્ટે તાત્કાલિક આ ઘટનાની તપાસ હાથ ધરવા સી.બી.આઈ.ને આદેશ આપી દીધો. આ ગોટાળામાં 1997માં સી.એમ. લાલુજી પર પહેલું આરોપનામું દાખલ થયું. આને લીધે રાજકીય દબાણ વધવા માંડયું. વધુ સમય મુખ્ય પ્રધાનની ગાદી ગરમ કરવાનું શક્ય ન લાગતા લાલુએ રાજીનામું આપી દીધું. પણ એક માસ્ટરસ્ટ્રોક સાથે મુખ્ય પ્રધાનની ગાદી પત્ની રાબડીદેવીને સોંપી દીધી. સત્તા ગઈ પણ અને રહી પણ.

રસોડાનો ચૂલો અને ઘરનો ઉંબરો છોડીને સત્તાની ગલીમાં સર્વેસર્વા બનનારાં રાબડીદેવી બિહારનાં પહેલાં મહિલા મુખ્ય પ્રધાન બની ગયાં. રાજકારણથી કાયમ દૂર રહેનારી ગૃહિણીએ પતિના જેલવાસ દરમ્યાન પોતાની ખુરશી સંભાળી હોય એવો આ ભારતીય રાજકારણનો પહેલો કિસ્સો હતો. અખબારી અહેવાલો મુજબ રાબડીદેવીનો તો મુખ્ય પ્રધાન બનવા સામે વિરોધ હતો. ઘણાંએ આ નિર્ણયને લાલુની રાજકીય જરૂરિયાતનું નામ આપ્યું. તો કેટલાંકે પાછલા બારણેથી સત્તા ટકાવી રાખવાનો ખેલ ગણાવ્યો.

સ્વાભાવિક છે કે રાબડીદેવીને સત્તાભાર સંભાળવામાં ખાસ્સી તકલીફો નડી. શરૂઆતમાં ટીકાકારો એમને ‘રબર સ્ટેમ્પ સી.એમ.’ કહીને મજાક ઉડાડવા માંડયા પણ સમયાંતરે આ બધા મહદઅંશે ચૂપ થઈ ગયા. જો કે રાબડીદેવીએ ઘણાં વિવાદાસ્પદ નિવેદનો પણ કર્યાં. અણીના સમયે સ્ત્રીની ક્ષમતા અને તાકાતનો તેમણે પુરાવો આપી દીધો એનો ઈનકાર ન થઈ શકે.

શ્રીમતી રાબડીદેવી લાલુપ્રસાદ યાદવની વાત પૂરી કરીને ફરી ફોડ સ્કૅમ કે ઘાસચારા ગોટાળા પર આવીએ. હવે સી.બી.આઈ.એ પોતાની તપાસ અનેકગણી વધારી દીધો. ચોઈબાસા ઉપરાંત ભાગલપુર, ડોરંડા અને દુમકામાં તપાસ થઈ. આમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો. એનો સરવાળો પહોંચ્યો રૂા. 950 કરોડ સુધી.

અંતે 1997માં લાલુપ્રસાદ યાદવને પહેલીવાર જેલની સજા થઈ. પરંતુ તેમનું જેલમાં જામીન પર છૂટીને બહાર આવવાનું ચાલતું રહ્યું. આ અવરજવર વચ્ચે 2013માં ચાઈબાસા મામલામાં પાંચ વર્ષની સજા ફરમાવાઈ. સાથોસાથ 11 વર્ષ સુધી કોઈ પણ ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરી દેવાયા પછી તો 2017માં ડોરંડાના 139.35 કરોડના ગોટાળામાં ફરી પાંચ વર્ષની સજા અને રૂા. 60 લાખનો દંડ કરાયો.

આ ઘાસચારા ગોટાળો એક કેસ નહોતો. 53-53 મામલાની તપાસ હાથ ધરાઈ હતી. આમાં 500થી વધુ સાક્ષી હતા અને 50 હજાર પાનાના દસ્તાવેજો હતા. સ્વાભાવિક છે કે કોઈ એક વ્યક્તિ પોતે કે પોતાના હાથે આવા કારનામાં ન જ કરી શકે. આ મામલામાં સી.બી.આઈ.એ 200થી વધીને દોષી ઠેરવ્યા હતા. આમાં લાલુપ્રસાદ યાદવ સાથે ભૂતપૂર્વ કૉંગ્રેસી મુખ્ય પ્રધાન ડૉ. જગન્નાથ મિશ્રા પણ દોષિત સાબિત થયા હતા. પરંતુ મિશ્રાજી જેલની સજાથી બચી ગયા હતા. કેવી રીતે? આ કાનૂની દાવપેચની વિગતો સમજવી- સમજાવવી એ ખૂબ લાંબી પ્રક્રિયા છે.

બધા આરોપી અને દોષિતોમાં સૌથી વધુ ફોક્સમાં લાલુજી જ રહ્યા. એમની ચમક ને રમૂજ ટકી રહ્યા. જેલમાં રહેવા છતાં તેઓ પોતાના પક્ષ રાષ્ટ્રીય જનતા દળ (આર.જે.ડી.)નું સંચાલન બે દીકરા તેજસ્વી અને તેજપ્રતાપ થકી કરતા હતા.

છેવટે 2022માં આરોગ્યના કારણસર લાલુપ્રસાદ જામીન પર છૂટીને જેલની બહાર આવ્યા. પરંતુ એજ શાસક કે નેતાની ચમક ઘટી ગઈ. એમના પક્ષના ચૂંટણી ચિન્હ ફાનસની વાટ સત્તા વગર ઝબૂકઝબૂક થવા માંડી હતી. આ ગોટાળો બિહારના રાજકારણમાં એક કાળા પ્રકરણ તરીકે અંકિત થઈ ગયો. આ પ્રકરણે ભ્રષ્ટાચારના મૂળ કેટલાં વ્યાપક રીતે ફેલયેલાં છે અને ઊંડાં ઊતરેલા છે એ બતાવી દીધું.

અલબત્ત વિરોધીઓએ ઘાસચારા ગોટાળાને ‘જંગલ રાજ’નું નામ આપ્યું. તો લાલુ સમર્થકોએ એને રાજકીય ષડ્યંત્ર ગણાવ્યું. આ કૌભાંડ બિહારના ગંદા રાજકારણ, ભ્રષ્ટાચાર અને સત્તાના ખેલની સાપસીડીની લાંબીલચક કથા છે. અન્ય દૂધ ધોયેલા છે એમ ન જ કહી શકાય. પણ છિંડે ચડ્યો એ ચોર જેવા હાલ છે.

આની સાથોસાથ ઘાસચારા ગોટાળાના ગ્રહણમાંથી લાલુપ્રસાદ યાદવ આજ સુધી મુક્ત થઈ શક્યા નથી. 2025ની વિધાનસભાની ચૂંટણીમાં તો દીકરાઓએ આ બદનામીથી પક્ષને બચાવવા બાપને પ્રચારથી સદંતર અળગા રાખ્યા હતા. પરંતુ છતાં આર.જે.ડી.નું ફાનસ ગૃહની 243માંથી માંડ 25 બેઠક જીતી શકયું. આ સાથે યાદવ પરિવારનો કલહ પણ સતત અને વધુને વધુ બહાર આવી રહ્યો છે. સાથે પક્ષ ‘કાયમી’ મુખ્ય પ્રધાન જેવા નીતીશકુમાર અને ભાજપની યુતિ સામે ફરી ઊભા થવાનું લાલુ એન્ડ પાર્ટી માટે મુશ્કેલ લાગે છે. પણ રાજકારણમાં ક્યારેય કોઈ અંતિમ કે આખરી હોતું નથી.

(સંપૂર્ણ)

આપણ વાંચો:  પ્રાસંગિક: યુક્રેન પાસે સરેન્ડર થવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button