ઈન્ટરવલનેશનલ

બનાવટી ખાતા નં. 2970 થકી બદનામીનો કારસો થયો ફ્લોપ

આ તો સ્કેમ છે… સ્કેમ છે..!: પ્રફુલ શાહ

તદ્દન બનાવટી અને બદઈરાદા પ્રેરિત સેંટ કિટ્સ કૌભાંડ જો વર્તમાન સમયમાં બહાર આવ્યું હોત તો વ્હોટસએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, એકસ વગેરે પર વી.પી. સિંહ ઍન્ડ સન કેવા-કેટલાં ટ્રોલ થયા હોત? એમાંય રાજકારણ પ્રાયોજિત ટ્રોલિયા ગૅંગે તો કેવો ભયંકર ઉત્પાત મચાવ્યો હોત એની કલ્પના થઈ શકે છે.

જોકે એ સમયે લાંબી-લાંબી આક્ષેપબાજી, અદાલતબાજી વચ્ચે આ ગંદી રમતના બે મુખ્ય પાત્ર સૌની નજર વચ્ચેથી એકદમ અદ્રશ્ય થઈ ગયા. આ બે નામ હતા. લેરી જે. કોલ (Larry J. Kolb) અને જ્યોર્જ મેકલિન (George Mclean) આ બેઉંના નામોલ્લેખ પહેલીવાર આવ્યો એટલે તેમના વિશે થોડુંક જાણી લઈએ. લેરી કોલ ભેદી અમેરિકન ફિક્સર હતો, જે શસ્ત્રોનાં સોદાગરો સાથે કડી ધરાવતો હતો. આ માણસ ન જાણે ક્યારે ક્યાં અદ્રશ્ય થઈ ગયો કે એને ક્યારેય પ્રત્યાર્પણ કરીને ભારત લાવી ન શકાયો.

જ્યોર્જ મેકલિનનો દોષ કે ગુનો મોટો અને એકદમ ગંભીર હતો. સેંટ કિટ્સ બૅંક સાથે સંકળાયેલા આ જ્યોર્જે જ સેંટ કિટ્સ સ્થિત ફર્સ્ટ ટ્રસ્ટ કોર્પોરેશન બૅન્કમાં વી.પી. સિંહના દીકરા અજેય સિંહને નામે બનાવટી બૅન્ક એકાઉન્ટ નંબર 2970નો ખેલ પાડનારો અસલી ખેલાડી હતો.આ મહાશયને પણ અદાલત દ્વારા નિર્દોષ જાહેર કરાયો હતો! એની સામેના આરોપો આધારવિહોણા મનાયા હતા. પત્યું? હવે કેસમાં કંઈ રહ્યું ખરું?

અસ્તિત્વ ન ધરાવતા અને બનાવટથી ઊભા કરાયેલા વિદેશી બૅન્ક ખાતાના વિવાદમાં મહત્ત્વનાં પાત્રો, કડી, પુરાવા અને સાબિતી ગાયબ થઈ ગયા. આ સંજોગોમાં બનાવટી સ્કુપ જાહેર થયાના આઠ વર્ષ બાદ છેક 1997ની 28મી જુલાઈમાં કેસનો અદાલતી ખટલો શરૂ થયો ત્યારે તપાસ કરવાં માટે ભાગ્યે જ કંઈ બચ્યું હતું. અને છતાં તપાસ ધીરે-ધીરે ઢસડાતી રહે, છેક સાત વર્ષ સુધી.

અને 2004ની ચોથી એપ્રિલે ફરિયાદી પક્ષે પોતાની તરફથી પુરાવા રજૂ કરવાની કાર્યવાહી પૂરી કરી હતી. ઑગસ્ટમાં ચંદ્રાસ્વામીએ દાવો કર્યો: રાજીવ ગાંધી અને નરસિંહ રાવ સાથેની નિકટતાને લીધે મને બલિનો બકરો બનાવાયો છે. બાકી, હું તો સાવ નિર્દોષ છું. એ ઑગસ્ટની 31મી તારીખે કેન્સરને લીધે અન્ય આરોપી મામાજી ફાની દુનિયા છોડી ગયા.

હવે બચ્યું કોણ? ચંદ્રાસ્વામી. અને 2004ની 25મી ઑક્ટોબરે વિશેષ ન્યાયમૂર્તિ દિનેશ દયાલના ચુકાદામાં ગૉડમેન પણ નિર્દોષ જાહેર થઈ ગયા. અલબત્ત, અદાલતે સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું કે ફોર્જરી-બનાવટ ચોક્કસ કરાઈ જ છે, જેનો ઈરાદો અજેય સિંહનું વિદેશી બૅન્કમાં ખાતું હોવાનું સાબિત કરવાનો હતો, પરંતુ આ બનાવટ કોણે કરી એ સાબિત કરવામાં ફરિયાદી પક્ષ સફળ નિવડ્યો નથી.

આ મામલામાં સી.બી.આઈ.ની હાલત કેવી થઈ? ફોર્જરીમાં ચંદ્રાસ્વામી સંડોવણીના પુરાવા ન આપી શકી. કેસના ચાવીરૂપ સાક્ષીમાં નાંદી અને મેકમિલનની જીવનની ફાઈલ કાયમ માટે બંધ થઈ ચુકી હતી, તો કોલ હતો લાપતા.

કોર્ટમાંથી નિર્દોષ છૂટીને બહાર નીકળતી વખતે ચંદ્રાસ્વામીએ મીડિયાને કહ્યું કે સત્યમેવ જયતે. પણ રૂા. 70 કરોડની રકમ ધરાવતો બૅન્ક એકાઉન્ટ બનાવટી હતો. કોઈકે અચૂક બદમાશી-ફોર્જરી કરી બનાવટી દસ્તાવેજો જાહેર કરીને. અપરાધ થયો પણ અપરાધી ન પકડાયા અને કોઈને ક્યારેય સજા ન થઈ.

રાજકારણમાં યોગ્ય સમયે જુઠ્ઠાણાથી કોઈને કેવી રીતે બદનામ કરી શકાય એનું ઉદાહરણ બનીને રહી ગયું. સેંટ કિટ્સ સ્કૅમ કલ્પના કરી જુઓ કે પોતાના વેપાર-ધંધાના કારણસર પણ અજેય સિંહનું કોઈ વિદેશી બૅન્કમાં ખાતું હોત અને એમાં પાંચ-દસ હજાર રૂપરડી ખરેખર હોત તો?

સદ્ભાગ્યે વિશ્વનાથ પ્રતાપસિંહ કાયમ અડગ અને મક્કમ રહ્યા. ચુકાદા બાદ તેઓ બોલ્યા કે આ મારી વિરુદ્ધનું કાવતરું હતું અને સમયે મને સાચો પુરવાર કર્યો. સદ્ભાગ્યે આ રાજકીય છેતરપિંડીની પ્રજા પર અસર ન થઈ, નહિતર દેશને ક્યારેય વી.પી.સિંહ વડા પ્રધાન તરીકે ન મળ્યા હોત.

આપણે યાદ રાખવું પડે કે બધા એક્સક્લુઝિવ, બ્રેકિંગ ન્યૂઝ કે સનસનાટી, કાયમ સમાચાર કે સચ્ચાઈ નથી હોતા. એ બૅન્કનું ખાતા નંબર 2970 પણ હોઈ શકે.

આપણ વાંચો:  ઈરાનમાં સતત હિંસક વિરોધ પ્રદર્શનો વધી રહ્યાં છે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button