પ્રાસંગિકઃ થાઇલેન્ડ-કમ્બોડિયા યુદ્ધમાં બે મહાસત્તા ટકરાશે?

અમૂલ દવે
દક્ષિણપૂર્વ એશિયાની શાંતિ એકવાર ફરી ખંડિત થઈ છે. થાઇલેન્ડ અને કમ્બોડિયા વચ્ચેનો લાંબા સમયથી ચાલતો સરહદી વિવાદ ફરી એકવાર ભયાનક સ્વરૂપમાં ફાટી નીકળ્યો છે. સાત ડિસેમ્બરે એક નાનકડી સૈનિકોની અથડામણથી શરૂ થયેલો આ સંઘર્ષ ગણતરીના દિવસોમાં જ સંપૂર્ણ યુદ્ધનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. અત્યાર સુધીમાં ડઝનથી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને પાંચ લાખથી વધુ લોકો તેમના ઘરો છોડીને વિસ્થાપિત થયા છે.
આ સંઘર્ષમાં સૌથી ચોંકાવનારી વાત છે મહાસત્તાઓનો હસ્તક્ષેપ. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ માટે વ્યક્તિગત પ્રયાસો કર્યા, પરંતુ થાઇલેન્ડના કઠોર વલણને કારણે તે પ્રયાસો વ્યર્થ સાબિત થયા છે. બીજી તરફ, થાઇલેન્ડે કમ્બોડિયાની ધરતી પર આવેલા ચીની કારખાનાને નિશાન બનાવીને હુમલો કર્યો છે, જેના જવાબમાં ચીને કમ્બોડિયાને અત્યાધુનિક રોકેટ લોન્ચર અને અન્ય ઘાતક હથિયારો પૂરા પાડીને આ સંઘર્ષમાં તણાવની માત્રા વધારી દીધી છે.
જુલાઈમાં થયેલી લડાઈ બાદ જાહેર કરાયેલ યુદ્ધવિરામ ડિસેમ્બરમાં તૂટી ગયો. સાત ડિસેમ્બરની ઝપાઝપી પછી થાઇલેન્ડે તુરંત જ પોતાના એફ-16 લડાયક વિમાનોનો ઉપયોગ કરીને કમ્બોડિયાના સૈન્ય સ્થાનો પર ભારે હવાઈ હુમલા કર્યા.
કમ્બોડિયા પાસે હવાઈ શક્તિનો અભાવ છે; તેની પાસે કોઈ ફાઈટર પ્લેન નથી, થાઇલેન્ડ પાસે આધુનિક હવાઈ તાકાત છે. આ અસમાનતાને કારણે કમ્બોડિયા જમીની હુમલાઓ અને મુખ્યત્વે રોકેટ લોન્ચર પર આધાર રાખવા મજબૂર બન્યું છે. લડાઈની તીવ્રતા એટલી છે કે માત્ર થોડા જ અઠવાડિયામાં 35થી વધુ લોકો માર્યા ગયા છે અને પાંચ લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. માનવતાવાદી સંસ્થાઓ સતત કામ કરી રહી છે, પરંતુ સતત હુમલાઓ રાહત કાર્યમાં મોટો અવરોધ પેદા કરી રહ્યા છે.
આપણ વાચો: કંબોડિયા-થાઈલેન્ડ વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ; 28ના મોત, 1.5 લાખ વિસ્થાપિત, યુદ્ધવિરામની માંગ…
સંઘર્ષમાં સૌથી મોટો અને જોખમી વળાંક ચીનના હસ્તક્ષેપથી આવ્યો છે. થાઇલેન્ડે કંબોડિયામાં ચીની ઓનલાઈન સ્કેમ સેન્ટર્સ અને ચીની સંચાલિત કારખાનાઓને ડ્રોન હુમલાઓમાં નિશાન બનાવ્યા. આ હુમલાઓનો સીધો જવાબ આપતા ચીને ખુલ્લેઆમ કમ્બોડિયાને મદદ કરવાનું શરૂ કર્યું છે.
ચીને કમ્બોડિયાને મલ્ટિપલ લોન્ચ રોકેટ સિસ્ટમ્સ (MLRS)જેવા ઘાતક હથિયારો પૂરા પાડ્યા છે, જેમાં ખાસ કરીને ચીની બનાવટના બીએમ-21, -90બી અને પીએચએલ-03નો સમાવેશ થાય છે. આ હથિયારોથી સજ્જ કમ્બોડિયાએ થાઇલેન્ડના રહેણાંક વિસ્તારો સહિતના સ્થાનો પર હુમલા કરીને પરિસ્થિતિને વધુ વણસાવી છે. ચીનની આ ભૂમિકા આ સંઘર્ષને માત્ર સરહદી વિવાદ પૂરતો સીમિત ન રાખતા, તેને પ્રાદેશિક તણાવના કેન્દ્રમાં મૂકે છે.
આ સંઘર્ષમાં અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ માટે મધ્યસ્થીના પ્રયાસો કર્યા હતા. તેમણે દાવો પણ કર્યો હતો કે બંને પક્ષો યુદ્ધવિરામ માટે સંમત થયા છે, પરંતુ થાઇલેન્ડના વડા પ્રધાને આ આદેશને સ્વીકારવાની ના પાડી દીધી. થાઇલેન્ડના વડા પ્રધાને સ્પષ્ટ કહ્યું કે યુદ્ધવિરામ ત્યારે જ શક્ય છે જ્યારે કમ્બોડિયા તેના સૈનિકોને વિવાદાસ્પદ ક્ષેત્રમાંથી પાછા ખેંચે. થાઇલેન્ડ, ભલે અમેરિકાનો સહયોગી હોય, પરંતુ તેણે પોતાની વિદેશ નીતિમાં સ્વતંત્રતા જાળવી રાખીને ટ્રમ્પના આદેશને માનવાનો ઇનકાર કર્યો છે. ટ્રમ્પના તાજા પ્રયાસો વ્યર્થ સાબિત થવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની શાંતિ નિર્માતાની છબીને મોટો ફટકો પડ્યો છે.
આ સંઘર્ષના પરિણામો દક્ષિણપૂર્વ એશિયા માટે ખૂબ વ્યાપક છે.આ સંઘર્ષ આસિયાન (એસોસિયેશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ)ની એકતા અને અસરકારકતા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. આસિયાન માટે તેના બે સભ્ય દેશો વચ્ચેના યુદ્ધને રોકવું એક મોટો પડકાર છે. ચીનની ખુલ્લી મદદને કારણે આ સંઘર્ષ અમેરિકા-ચીન તણાવને દક્ષિણ પૂર્વ એશિયામાં વધુ વધારી શકે છે, જે વૈશ્વિક સ્થિરતા માટે જોખમી છે. 500,000થી વધુ વિસ્થાપિતોની સમસ્યા એક મોટી માનવતાવાદી કટોકટી તરફ દોરી રહી છે.
આ વિનાશક સંઘર્ષને રોકવા માટે બંને દેશે આંતરરાષ્ટ્રીય સંગઠનોની મધ્યસ્થી હેઠળ વાતચીત દ્વારા વિવાદનું નિરાકરણ લાવવું અનિવાર્ય છે. અન્યથા, દક્ષિણ પૂર્વ એશિયાનો આ ભાગ લાંબા સમય સુધી અસ્થિરતા અને સંઘર્ષની આગમાં સળગતો રહેશે.
સંઘર્ષના મૂળમાં 11મી સદીનું પવિત્ર મંદિર
આ વિવાદના મૂળમાં 11મી સદીનું ભવ્યપ્રેહ વિહાર મંદિર છે, જે એક પ્રાચીન હિંદુ મંદિર છે અને યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળ છે. થાઇલેન્ડ અને કમ્બોડિયા વચ્ચેની 817 કિલોમીટર લાંબી સરહદ પરનો આ સૌથી મુખ્ય વિવાદાસ્પદ વિસ્તાર છે. કમ્બોડિયા-થાઇલેન્ડ વિવાદની જડો 1904-1908ના ફ્રાન્સ-સિયામ (થાઇલેન્ડ) સંધિઓમાં છે, જેમાં સરહદોની સ્પષ્ટ રેખા ન આકરી.
આ વિવાદનું કેન્દ્ર છે પ્રેહ વિહાર મંદિર, એક 1100 વર્ષ જૂનું ખ્મેર સામ્રાજ્યનું અવશેષ, જે 1962માં આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (આઈસીજે)એ કમ્બોડિયાને આપ્યું હતું. પરંતુ આસપાસની 4.6 વર્ગ કિલોમીટર જમીન પર હજુ પણ વિવાદ છે.આ વિવાદ રાષ્ટ્રવાદી ભાવનાઓને ભડકાવે છે. 1954માં, કમ્બોડિયાની આઝાદી પછી થાઇલેન્ડે મંદિર કબજે કર્યું હતું, જેને કમ્બોડિયા અન્યાય તરીકે જુએ છે. 2008-2011માં આ વિવાદ યુદ્ધ તરફ દોરી ગયું, જેમાં 30થી વધુ લોકો માર્યા ગયા.
કમ્બોડિયા માટે આ મંદિર તેની સાર્વભૌમત્વનું પ્રતીક છે, જ્યારે થાઇલેન્ડ તેને તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો હિસ્સો માને છે. 2025માં આ વિવાદ ફરીથી ઉભર્યો છે, જે માત્ર સરહદી વિવાદ નથી, પણ બંને દેશોમાં ઉગ્ર રાષ્ટ્રવાદી ભાવનાઓને હવા આપી રહ્યો છે, જે સંઘર્ષને વધુ જટિલ બનાવે છે.



