ઈન્ટરવલ

એકાગ્રતા કેળવવા માટે જરૂરી છે આધ્યાત્મિક સાધના

બ્રહ્મમૂહુર્ત વખતે વાતાવરણમાં શુદ્ધ તરંગ વહે છે એથી મન સત્વગુણી ને એકાગ્ર જલદી બને છે

મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા

આજકાલ લોકોમાં એકાગ્રતાનો અભાવ જોવા મળે છે.અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પણ ચંચળતા વધતી જાય છે ને એકાગ્રતા ઘટતી જાય છે.કાચી ઉંમરના બાળકો ઠીક, આજે મોટી ઉંમરના લોકોમાંય એકાગ્રતાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે.

એકાગ્રતા માટે આવશ્યક એવા આત્મશ્રદ્ધા, અંત:કરણની શુદ્ધિ,લક્ષ્ય વિશેની સમજણ,લક્ષ્ય પ્રાપ્તિ માટેનો ઉત્સાહ અને ખંત વગેરે આંતરિક ગુણ વિકસાવવા માટે હકારાત્મક વલણ- સદ્ગ્રંથોનું અધ્યયન- સત્સંગ- ચિંતનઅને નિયમિત પ્રાર્થના-મંત્રજાપ-ધ્યાન, વગેરે અત્યંત લાભદાયી નીવડે છે.પોતપોતાની રુચિ પ્રમાણે ઈષ્ટદેવના ચિંતનથી અથવા કોઈ મહાન વિભૂતિ પર ધ્યાન કરવાથી ચિત્તશુદ્ધિ થાય છે- મનની એકાગ્રતા વધે છે. એટલું જ નહીં, આ પ્રમાણે નિયમિત આધ્યાત્મિક સાધના કરવાથી પરમપદની પ્રાપ્તિ – ચિત્તની અનેક નકારાત્મક વૃત્તિઓ પર કાબુ આવે છે.આધ્યાત્મિક સાધના દ્વારા દૈનિક જીવનમાં દરેક કાર્યની સફળતા માટે આવશ્યક એવી એકાગ્રતા કેળવાય છે.

આપણું જીવન જેટલું નિયમિત થાય તેટલું આપણા મન પરનું નિયંત્રણ સરળ બને છે અને આપણું મન જેટલું નિયંત્રિત થાય તેટલું એકાગ્રતા મેળવવામાં સહાયરૂપ નીવડે છે…
કેટલાય વિદ્યાર્થી ભાઈ-બહેનોને જ્યારે પૂછવામાં આવે કે તમે દરરોજ કેટલા વાગ્યે ઊઠો છો? તો ઉત્તર મળે છે : ‘કાંઈ નક્કી નહીં.’ કેટલા વાગે દરરોજ સૂવો છો ? ઉત્તર મળે છે, ‘નક્કી નહીં.’
આમ જેમનો સૂવાન- ભણવાનો- ખાવા પીવાનો કે મનોરંજનનો, વગેરેનો સમય નક્કી નથી,તેવા વિદ્યાર્થી ભાઈ – બહેનો જ્યારે પૂછે, મનની એકાગ્રતા ક્યારે આવશે ? ત્યારે તેનો ઉત્તર એક જ છે: ‘નક્કી નહીં!’

એકાગ્રતા નક્કી આવે તે માટે એક દિનચર્યા નક્કી કરવી જરૂરી છે.ચોવીસ કલાક માટે એક સમય પત્રક (ટાઈમ ટેબલ)નક્કી કરવું આવશ્યક છે.

ધ્યાનમાં સાધકોને એકાગ્રતા આવતી નથી તેનું એક મહત્વપૂર્ણ કારણ છે: નિયમિત અભ્યાસનો અભાવ.આજે અડધી કલાક ધ્યાન કર્યું- આવતીકાલે એક કલાક ધ્યાન કર્યું પછી થોડા દિવસો બિલકુલ ધ્યાન ન કર્યું.. આમ અનિયમિત રીતે ધ્યાનમાં બેસવાથી એકાગ્રતા આવતી નથી.આ માટે તો ઈચ્છા હોય કે ના હોય, દ્રઢ સંકલ્પ શક્તિનો ઉપયોગ કરીને દરરોજ નિયત સમયે- નિયત સમય માટે ધ્યાનનો અભ્યાસ કરવો જરુરી છે.

ઘણા લોકો માને છે કે સમયપત્રક પ્રમાણે ચાલવાથી જીવન કંટાળાજનક (મોનોટોનસ) બની જાય છે.આ કંટાળાથી બચવા માટે સમય – પત્રક વ્યવહારુ બનાવવું જોઈએ આવશ્યકતા પ્રમાણે તેમાં ફેરબદલ કરી શકાય.રજાઓના દિવસો માટે જુદા પ્રકારનું સમય – પત્રક બનાવીને જીવનમાં નવીનતા – વિવિધતા લાવી શકાય.ઓછામાં ઓછું સૂવાનો- જાગવાનો-અભ્યાસનો અને સાધનાનો સમય તો નિશ્ચિત કરી લેવો જોઈએ.

કોઈપણ પ્રવૃત્તિ શરૂ કરતાં પહેલાં તેમાં મનને પરોવવા માટે થોડો સમય જરૂરી હોય છે, જેમ કે ક્રિકેટ રમતી વખતે બેટ્સમેન સેટલ થઈ જાય પછી જ પોતાનો શોટ રમી શકે છે.દરરોજ નિયમિત સમયે એક પ્રવૃત્તિ કરવાથી મન આ પ્રવૃત્તિમાં પરોવવા માનસિક રીતે તૈયાર જ હોય છે.મૂડ બનાવવાની આવશ્યકતા રહેતી નથી.

મનની ગતિ તરંગાકાર હોય છે.સત્વ- રજસ અને તમસ : આ ત્રણ ગુણોથી બનેલું મન ક્યારેક સત્વશીલ હોય ત્યારે અંતર્મુખ બને છે ને ક્યારેક રજોગુણ અને તમોગુણના અતિરેકથી નિમ્નગામી અને બહિર્મુખી બને છે.જ્યારે મન સત્વગુણી હોય ત્યારે તે અવસરનો લાભ ઊઠાવી ધ્યાનનો વધુ અભ્યાસ કરી શકાય.સવાર અને સાંજના સંધ્યા કાળે વિશેષ રૂપે બ્રહ્મમૂહુર્તમાં (સૂર્યદયના દોઢ કલાક પહેલાં)વાતાવરણમાં શુદ્ધ તરંગ વહેતા હોય છે ત્યારે મન સત્વગુણી બને છે અને સરળતાથી એકાગ્ર બને છે.

એકાગ્રતા પર બાહ્ય સ્થળ,વાતાવરણ અને અડચણો નડતરરૂપ કાર્ય કરે છે એ વિશે મતમતાંતર છે. કેટલાક એમ માને છે કે શાંત વાતાવરણ એકાગ્રતામાં વધારો કરે છે અને બાહ્ય અડચણો એકાગ્રતા માટે નડતરરૂપ કાર્ય કરે છે તો વળી ઘણાં એમ
માને છે કે,બાહ્ય વાતાવરણ ગમે તેવું હોય, પરંતુ જ્યાં સુધી મનની ભાવના અને લાગણી કાબૂમાં નહીં હોય ત્યાં સુધી બાહ્ય વાતાવરણની કોઈ અસર થશે નહીં. કેટલાક પ્રયોગો દ્વારા એવું તારવ્યું આવ્યું હતું કે મનની એકાગ્રતા માટે બાહ્ય પરિબળો એટલાં બધાં અસરકારક નથી. ખરેખર તો બાહ્ય અને આંતરિક પરિબળો બંને એકાગ્રતા માટે મહત્વપૂર્ણ છે.

બર્કલે યુનિવર્સિટીમાં ન્યુરોબાયોલોજિસ્ટોએ પ્રયોગો દ્વારા એવું પ્રમાણિત કર્યું છે કે,બાહ્ય સ્થળ આપણી લાગણીઓ પર ઘણી અસર કરે છે.ગીચ વસતિના શહેરો અને ગિરદી વાળા રસ્તાઓ આનું ઉદાહરણ છે.આંકડાશાસ્ત્રના અહેવાલ જણાવે છે કે ઓછી વસતિવાળાં ગામડાં કરતાં ગીચ વસતિ વાળા શહેરોમાં હત્યા,આત્મહત્યા,હિંસા વગેરેનું પ્રમાણ ઘણું વધારે છે.મોટાં શહેરમાં લોકો ખીચોખીચ બસો,ટ્રેનોમાં જ્યારે મુસાફરી કરતાં હોય છે ત્યારે એ લોકો ક્ષુલ્લક બાબતમાં જલદીથી ઉશ્કેરાઈ જાય છે..એનું કારણ એ છે કે બાહ્ય સ્થળ અને પરિબળોની આપણા મન પર અસર થાય છે.

તાજેતરમાં અમેરિકામાં એક હોસ્પિટલના ભવનને વિશાળ બનાવવામાં આવ્યું.વધુ હવા – ઉજાસવાળા સુંદર ભવનને લીધે ડૉક્ટરઓએ આશ્ર્ચર્યથી નિહાળ્યું કે, બધા દર્દીઓ ઝડપથી સારા થવા લાગ્યા અને વર્ષોથી પીડાતા દર્દીઓ ત્રણ મહિનામાં સંપૂર્ણ સાજા થઈ ગયા ને પોતપોતાને ઘેર પાછા ફરીને સ્વસ્થ જીવન વિતાવવા લાગ્યા. જ્હોન હબ હોપક્ધિસ સ્કૂલ ઓફ મેડિકલના ડો.જેરોમ ફ્રેંકે કહે છે કે અમે દર્દીની સંપૂર્ણ સારવાર કરવાનું મહત્વ જાણ્યું છે.આ એક ફક્ત શરીરની સારવારની જ વાત નથી,પણ સર્વાંગ સારવાર આપણું લક્ષ્ય હોવું જોઈએ.’

આજકાલ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ સ્થળનો અભાવ એક મોટી સમસ્યા છે. ક્લાસરૂમમાં પૂરતી જગ્યા નથી હોતી. રમતનાં મેદાન- ખુલ્લી જગ્યા વગેરે પણ નથી હોતા. કેટલાક બાલમંદિરોની સ્થિતિ તો કરુણ દ્રશ્ય સર્જે છે.નાનાં ભૂલકાંઓને ઘેટાંની જેમ એક ઓરડામાં જાણે ગોંધી રાખવામાં આવે છે.આવી સ્થિતિ-વાતાવરણમાં ભણતા વિદ્યાર્થીઓને મનની એકાગ્રતા ક્યાંથી આવે ? પ્રાચીનકાળનાં આપણાં ગુરુકુળો, આશ્રમો વનમાં હતાં અને સ્વાભાવિકપણે જ વિદ્યાર્થીઓનું મન મોકળું બનતું અને એકાગ્ર થતું.

કોઈમ્બતુરની અવિનાશલિંગમ સ્કૂલમાં ૧૧મા ધોરણના ૧૦૮ વિદ્યાર્થીઓ પર આ પ્રયોગ કરવામાં આવ્યો તો જાણવા મળ્યું કે એકાગ્રતાને વધારે તેવાં પરિબળો આ પ્રમાણે છે:
ઘરમાં- શાળામાં અને સમાજમાં શાંત વાતાવરણ- સુરક્ષા ને હૂંફની ભાવના- શિક્ષણકાર્યમાં દક્ષતા તથા કોલાહલનો અને પડોશીઓ તેમજ અતિથિઓની ખલેલ ન હોવી,વગેરે.
મોટાભાગના વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું કે સાચી એકાગ્રતા પોતાના અંતરમાંથી જ આવી શકે,બાહ્ય પરિબળો થોડાં સહાયરૂપ થાય એટલું જ.

કારમાઈકેલ અને મરફી દ્વારા વિદ્યા અભ્યાસમાં અવધાન(ધ્યાન – લક્ષ્ય)ને જાળવી રાખવા માટે આ મુજબનાં પરિબળોને મહત્વપૂર્ણ બતાવ્યાં છે :
(૧)ભણાવવામાં આવતી વિષયવસ્તુ રસપ્રદ હોવી જોઈએ. શિક્ષકનો અવાજ બરાબર સંભળાવો જોઈએ.

(૨)ભણાવતી વખતે વચ્ચે વચ્ચે વિવિધતા – નવીનતા લઈ આવવાથી અવધાન વધુ અસરકારક બને છે.

(૩)વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે તેવી વાત હોય અને શિક્ષકની વાણીમાં મધુરતા હોય તો અવધાન વધુ સારું થાય છે.

(૪)નવો વિષય ભણાવતી વખતે નાટકીય ઢબે રજૂઆત કરવાથી વાત સરળતાથી પહોંચે છે.

(૫)અજાણી વસ્તુઓ વિશે વાત કરતી વખતે જાણીતી વસ્તુઓની વાત સમાવવાથી અવધાન વધુ સારું થાય છે.

(૬)દીર્ઘકાળ સુધી બેસી રહેવું પડતું હોય તો વચ્ચે વચ્ચે હાથ- પગ છૂટા મૂકવાથી ધ્યાન વધુ સારું જળવાઈ રહે છે.

(૭)વિદ્યાર્થીઓને જરૂરી લાગતી હોય તેવી અનેક વાત કરવાથી એ વધુ ધ્યાનથી સાંભળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button