ઈન્ટરવલ

સ્મૃતિ વિશેષઃ ‘ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને ગમતાનો કરીએ ગુલાલ…’

  • નિરંજન રાજ્યગુરુ

સુસમૃદ્ધ પરંપરાના એક મનીષિ વિચારક-ચિંતક અને નંદિગ્રામના દૃષ્ટા એટલે મરમી કવિશ્રી મકરન્દ દવે (જન્મ: 13-11-1922 વિદાય: 31-01-200પ) ને ગુજરાત બહુધા એક કવિ તરીકે જ ઓળખે છે, પરંતુ વૈદિક અને પૌરાણિક સાહિત્યમાં જે સર્વ માનવ અને સદાકાળ માટે ચૈતન્યવિકાસની જે ઊજળી રેખા અંક્તિ છે એને નવેસરથી મૂલવવાનો પ્રયાસ એમણે કર્યો છે.

સમગ્ર જગતમાં વ્યાપ્ત વિધવિધ ધર્મોની અધ્યાત્મસાધના પરંપરાઓ, પ્રાચીન સાધનામાર્ગો અને યોગસાધનાઓનું માર્મિક રહસ્યદર્શન અને પુરાણકથાઓના રહસ્યાત્મક પાસાંઓનું સર્વકાલીન તાત્ત્વિક અર્થઘટન એમણે કર્યું છે. એ ઉપરાંત લોકધર્મી સંતો-ભજનિકોની વાણીનાં કુળ અને મૂળ તપાસનારા; ‘વિષ્ણુસહસ્રનામ’, ‘લલિતા સહસ્રનામ’, ‘ગરૂડપુરાણ’, ‘અશ્વમેધયજ્ઞ’, ‘નરસિંહની રસોપાસના’માં આંતર- પ્રવેશ કરાવનારા એવા આ એક સિદ્ધયોગી ચિંતકને સાહિત્ય ક્ષેત્રના બહુ ઓછા લોકો જાણે છે.

કવિ, ચરિત્રકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, અનુવાદક, વિવેચક, વિચારક અને અનેકવિધ સાધનાઓના જાણકાર મકરન્દ દવેનો જન્મ ગોંડલમાં (પિતા: વજેશંક2 દવે, માતા: વ્રજકુંવરબા.) પ્રાથમિક-માધ્યમિક શિક્ષ્ાણ ગોંડલમાં. રાજકોટમાં આટર્સ કોલેજમાં દાખલ થયા પછી 1942ની લડત માટે ઈન્ટર આટર્સથી અભ્યાસ છોડ્યો. ‘કુમાર’,‘ઊર્મિનવરચના’,‘જયહિન્દ’ વગેરે સાથે સંલગ્ન.

સાહિત્યિક પત્રકાર તરીકેની કામગીરી. કુન્દનિકા કાપડિયા સાથે જોડાઈને ‘નંદિગ્રામ’ નામે નવતર જીવનશૈલીનો પ્રયોગ કરતી સંસ્થાના એ સર્જક઼ એમના દ્વારા ગીત, ગઝલ, દૂહા, પદ, છંદ, ભજન, લોકઢાળ, લગ્નગીતો, લોકગીતો, ચારણી છંદો, અછાંદસ, વ્રજભાષાનાં પદો, સોનેટ, દીર્ઘકાવ્યો, મુક્તકો, બાળકાવ્યો, ગીતનાટિકા, સંગીત રૂપક, નાટક, નવલકથા, નિબંધ, વિવેચન, ચિંતનાત્મક ગદ્ય, સાધનાત્મક-રહસ્યાત્મક સાહિત્ય એમ અનેકવિધ સ્વરૂપો અને પ્રકારોમાં સાહિત્યનું સર્જન થયેલું છે.

મકરન્દભાઈ કોઈ એક જ સાધનામાર્ગના પ્રવાસી નહોતા. જ્ઞાનમાર્ગના વેદાન્તી તત્વચિંતન, ભક્તિમાર્ગનો પ્રપત્તિભાવ એટલે કે સંપૂર્ણ શરણાગતિ, તંત્ર તથા યોગમાર્ગની તમામ ગૂઢ ઉપાસનાવિધિઓ અને કર્મકાંડ તથા કર્મમાર્ગ કે સેવાનાં તમામ ક્ષેત્રોમાં તેઓ મરમી-જાણકાર હતા એટલે એમની નજીક આવનારા તમામ પ્રકૃતિ, ધર્મ- સંપ્રદાય, સાધના-ઉપાસના કે મનુષ્ય જીવતરના દરેક ક્ષેત્રના મનુષ્યોને તેઓ સંપૂર્ણ માર્ગદર્શન આપી શક્તા હતા.

કોઈ પણ મહાપુરુષનાં વ્યક્તિત્વનાં અનેક પાસાં હોય છે. એમના સંપર્કમાં આવેલ દરેક વ્યક્તિને આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ એમની સાથે વિવિધ પ્રકારનો નાતો બંધાયો હોય અને પોતપોતાના જન્મજન્માંતરના સંસ્કારો અને સંબંધોને કારણે જુદો જુદો અનુભવ થાય.

પોતાના અત્યંત ગાઢ સ્નેહી મિત્ર એવા ગઝલકાર અમૃત ‘ઘાયલ’ના ગઝલસંગ્રહ ‘શૂળ અને શમણા’થી પ્રસ્તાવના લેખનની શરૂ થયેલી આ કલમયાત્રા છેક 25 ડિસે.2004 સુધી એટલે કે મકરન્દભાઈની 82 વર્ષની વય સુધી ભલે છૂટકછૂટક પણ અવિરતપણે ચાલતી રહી છે.

મકરન્દભાઈએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક કવિ, સાહિત્યકાર, સમાજસેવક, સાધક કે જીવનનાં વિધવિધ ક્ષેત્રોમાં કાર્યરત અને સાહિત્યનું સર્જન-પ્રકાશન કરનારી વ્યક્તિઓનાં પુસ્તકો માટે આવકા અને પ્રસ્તાવના રૂપે લેખન ર્ક્યું છે.

એ જ રીતે, કઈંક નવોદિતોની સૂપ્ત-ગુપ્ત ચેતનાઓને જગાડવાનું કાર્ય મકરન્દભાઈએ કરેલું. એમની સામે આશા અને ઉમંગ લઈને આવનારો કોઈ સર્જક ક્યારેય નિરાશ થઈને પાછો નથી વળ્યો. સાહિત્યક્ષેત્રના લગભગ તમામ સ્વરૂપ-પ્રકારોના પુસ્તકોમાં એમના દ્વારા પ્રસ્તાવના-આવકાર-વિવેચના-આશીર્વચનો અપાતાં રહ્યાં છે.

વૈદિક ૠષિઓનાં સૂક્તોથી શરૂ કરીને પુરાણોના સંદર્ભો, સિદ્ધ-નાથોની વાણી, નિર્ગુણી સંતોની રહસ્યવાણી, ભક્તોની પ્રેમવાણી, બંગાળી બાઉલવાણી તથા રવીન્દ્રવાણી, ઉર્દૂ-ફારસી ગઝલ શાયરી, સૂફી વાણી અને વિદેશી-અંગ્રેજી કે અન્ય ભાષાના કવિઓની વાણી સુધી એમના દ્વારા લખાયેલ પ્રસ્તાવના-લખાણો વિસ્તરેલાં છે.

આમાંથી ચુનંદા લેખોના સંગ્રહરૂપે એક પુસ્તક:
‘શબદ હમારા ખરતર ખાંડા’ ટૂંક સમયમાં પ્રગટ થઈ રહ્યું છે.
આવા ગુરુવંદનાના કાર્યમાં પ્રેરક અને પ્રોત્સાહક એવાં નંદિગ્રામ ટ્રસ્ટનાં અધ્યક્ષ ડો. અમીબહેન તથા ડો. મહેશભાઈ પરીખ, મુ. વિમલભાઈ દવે સહિત નંદિગ્રામના સૌ ટ્રસ્ટીજનોને આ પુસ્તક અર્પણ કરવામાં આવ્યું છે.

આપણ વાંચો:  17 વર્ષની કાનૂની લડાઈ બાદ અંતુલે જાહેર થયા નિર્દોષ!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button