ઔર યે મૌસમ હંસીં…: સિદ્ધાર્થની નદી: પ્રકૃતિની સુંદરતા ને જીવનનાં વહેણનું પ્રતીક

- દેવલ શાસ્ત્રી
પ્રકૃતિની સુંદરતા માનવીને શાંતિ- પ્રેરણા અને આત્મશોધ માટેનું એકમાત્ર શરણ છે. સવારના પ્રથમ કિરણમાં ફૂલોની પાંખડીઓ પર પડતા ઝાકળના બિંદુઓથી લઈને સાંજના લાલ આકાશમાં વસતા તારાઓ સુધી પ્રકૃતિનું દરેક તત્ત્વ જીવનનાં રહસ્યોને ઉજાગર કરે છે. પ્રકૃતિ માત્ર આંખોને આનંદ આપતી નથી, પરંતુ આત્માને પણ પોષણ આપે છે. પ્રકૃતિની સુંદરતા માનવીને પ્રેરણા આપે છે કે પોતાના જીવનને પ્રકૃતિ જેવું અનંત, વહેતું અને પ્રેમમય બનાવે.
પ્રકૃતિની સુંદરતાના પ્રતીક પહાડો અને સમુદ્ર જેવા પ્રકૃતિનાં મહાન ઘટકોમાંથી જ્યારે આપણે નદી તરફ વળીએ તો તેની સુંદરતા અનેકગણી વધી જાય છે. નદી, જે પહાડોમાંથી ઉદ્ગમ પામે છે અને સમુદ્રમાં વિલીન થાય છે, પ્રકૃતિના આ બે મહાન તત્ત્વોને માનવજીવન સાથે જોડે છે. પહાડોમાંથી વહેતી નદીની ઝરણાવાળી તાજગી અને સમુદ્ર તરફ જતી તેની શાંતિ જીવનના વિવિધ તબક્કાઓને પ્રતીક કરે છે. વિશ્વભરમાં નદીઓના સુંદર પ્રવાહો પર અનેક કથાઓ અને સિનેમાઓ બની છે.
નિકોલસ સ્પાર્કની નવલકથા આધારિત ક્લાસિક સિનેમા ‘ધ નોટબૂક’માં નોહ અને એલી નામના યુવાન પ્રેમીઓ છે. એ બન્ને નદીના કિનારે નૌકામાં બેસીને પક્ષીઓ જુએ છે, વરસાદમાં નાચે છે. વર્ષો પછી, એલીને ડિમેન્શિયા થાય છે અને નોહ તેને નદીની વાર્તા વાંચીને યાદ અપાવે છે. નદીનું શાંત પાણી, હંસોનું ઝુંડ, સૂર્યાસ્તના દર્શન પ્રેમ, મધુર યાદો અને શાંતિના અદ્ભુત સ્વરૂપ દર્શાવ્યા છે. નદીના કિનારે જ નોહે એલી માટે ઘર બનાવ્યું છે જે તેમના શાશ્વત પ્રેમનું ઘર છે.
ભારતીય અધ્યાત્મ અને પ્રકૃતિને ધ્યાનમાં રાખીને હર્મન હેઝ નામના લેખકે ‘સિદ્ધાર્થ’ નામની કથા લખી હતી, આ કથા પરથી શશી કપૂર અને સિમ્મી ગ્રેવાલ અભિનીત સિદ્ધાર્થ ફિલ્મ પણ બની હતી. સિદ્ધાર્થમાં વિશ્વનું અનુપમ સૌંદર્ય, અધ્યાત્મ અને માનવજીવનનાં રહસ્યોને નદીના માધ્યમથી લખવામાં આવ્યા છે. સિદ્ધાર્થ એક બ્રાહ્મણનો પુત્ર છે જે ગૌતમ બુદ્ધના યુગના પ્રાચીન ભારતમાં રહે છે. સિદ્ધાર્થને જીવનના રહસ્યો જાણવા છે અને વર્તમાન જીવનમાં અંદરથી અસંતોષ છે.
સિદ્ધાર્થ તેના મિત્ર ગોવિંદ સાથે ઘર છોડે છે અને બૌદ્ધ શ્રમણો સાથે જોડાઈ જાય છે. આ યાત્રામાં ભૂખ, તપ અને ધ્યાનથી આત્માને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ સિદ્ધાર્થને લાગે છે કે આ માર્ગમાં કોઈ કચાશ છે. આ માર્ગ તે તેમને જ્ઞાન આપી શકે છે પરંતુ શાંતિ નહીં. સિદ્ધાર્થ માને છે કે ભગવાન બુદ્ધના ઉપદેશો સુંદર છે પરંતુ જ્ઞાન કોઈ પાસેથી મેળવી શકાતું નથી પણ તે પોતે અનુભવેલા અનુભવથી મળે છે.
તે અલગ થાય છે અને એક નદી પાર કરીને શહેરમાં પહોંચે છે. અહીં તે કમલા નામની સુંદર વેશ્યાને મળે છે, જે તેને પ્રેમ અને કામુકતા શીખવે છે, પરંતુ તે માટે તેને ધન જોઈએ, તેથી તે વેપારી પાસે કામ કરે છે અને ધનવાન બને છે. તે જુગાર, દારૂ અને ભોગમાં ડૂબી જાય છે, પરંતુ અંતે તેને જીવનમાં રહેલું ખાલીપણું દેખાવા લાગે છે. તે નદીકિનારા પર આવે છે અને કોઈક અનુભૂતિ થાય છે. સિદ્ધાર્થ એક નાવચાલક વસુદેવ સાથે રહે છે અને નદી પાસેથી જીવનના બોધ પ્રાપ્ત કરે છે. પ્રેમિકા કમલા તેને તેમના પુત્રને સોંપે છે, પરંતુ પુત્ર ભાગી જાય છે. અંતે, વૃદ્ધ થયેલા સિદ્ધાર્થને ગોવિંદ મળે છે અને તેને જ્ઞાનનો અનુભવ કરાવે છે.
કથાના અંતમાં ગોવિંદ નદીમાં નાવ ચલાવતા સિદ્ધાર્થને મળે છે અને જ્ઞાનની શોધમાં ભટકી રહેલા મિત્રને પોતાના નદીકિનારાના અનુભવમાંથી સિદ્ધાર્થ જીવનના વાસ્તવિક બોધ શીખવે છે. સિદ્ધાર્થ માને છે કે નદી જીવનની જેમ ક્યારેય સ્થિર હોતી નથી. આમ છતાં નદીના ઉદગમ, મધ્ય ભાગ અને સમુદ્રમાં ભળી જાય છે એ એક જ તત્ત્વમાં સમાયેલું જીવન છે. જીવનના બધા તબક્કાઓમાં સમય એક સરખો જ હોય છે.
સિદ્ધાર્થ નદીકિનારાની પ્રકૃતિ વિષે કહે છે કે નદીમાં જીવનના તમામ વિરોધાભાસી તત્ત્વો એક થાય છે. નદીમાં હાસ્ય અને રુદન, આનંદ અને દુ:ખના અવાજો વિલીન થઇ થાય છે. સિદ્ધાર્થ સમજાવે છે કે જીવનમાં સુખ-દુ:ખ હોય કે પાપ-પુણ્ય એક જ છે. પ્રકૃતિમાં તમામ વિરોધાભાસ એકબીજા સાથે પરસ્પર જોડાયેલા છે. સરવાળે નદી બોલતી નથી, પરંતુ અવાજથી શીખવે છે.
સિદ્ધાર્થને લાગે છે કે જ્ઞાન બહારથી નહીં, અંદરથી આવે છે. સોશ્યલ મીડિયા અને ભવિષ્યમાં એઆઈ માણસને જ્ઞાન આપી શકશે પણ જીવનને સમજવા અનુભવ જાતે લેવો પડે. મોટિવેશન સ્પીચ ઉત્સાહ આપી શકે પરંતુ સંસારની નદીમાં તો જાતે જ ઊતરવું પડે. સરવાળે સ્ક્રીન પર વાંચવા કરતાં જીવનને અનુભવવું વધારે મહત્ત્વનું છે.
સિદ્ધાર્થ સમજાવે છે કે નદીની જેમ વહેતા રહેવું એટલે કે માણસે ભ્રમણાઓમાંથી બહાર નીકળીને વર્તમાનમાં જીવતા શીખવું જોઈએ. સિદ્ધાર્થને નદીકિનારાનું સત્ય સમજાવે છે કે ધીરજથી નદીને સાંભળવાની કળા શીખવી જોઈએ. તે માને છે કે ધ્યેય પર અધિકાર જમાવવાથી નહીં પરંતુ તેમાંથી મુક્ત થઈને જ જ્ઞાન મળે છે.
સિદ્ધાર્થ અદ્ભુત વાત કરે છે કે દરેક સત્યને તેનો વિરોધી સત્ય પણ હોય છે. આપણે જે જજમેન્ટલ થવાની વૃત્તિ ધરાવીએ છીએ એ તરફ સિદ્ધાર્થ ચેતવણી આપતા સમજાવે છે કે પાસે પડેલો પથ્થર હજારો વર્ષથી એક જ સ્વરૂપમાં છે, અચાનક તેનો ઉપયોગ બદલાયો અને તેનો ભૂકો કરીને ખેતરમાં નાખવામાં આવ્યો. એ અનાજનું ઘટક બની શકે છે.
સરવાળે આ જગતમાં સત્ય પણ કાયમી નથી. બધું એકબીજા સાથે પરસ્પર જોડાયેલું છે અને અનંત ચક્રમાં વહે છે. એકતા, વિરોધાભાસ અને ચક્રાકાર અસ્તિત્વના પુરાવાના વિષયો છે. સંસાર અને નિર્વાણ, પાપ અને મુક્તિ, દુ:ખ અને આનંદ એક જ છે. વિશ્વમાં કોઈ પણ વસ્તુ પૂરેપૂરી પાપી કે પૂરેપૂરી પવિત્ર નથી, આ સમયની માયા છે જે આવા માનવજીવનમાં ભેદ પેદા કરે છે.
સિદ્ધાર્થના લેખક હર્મન હેઝને સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો. મિશનરી જીવનમાંથી પૂર્વીય ફિલસૂફી જેવી કે બુદ્ધિઝમ, હિંદુઇઝમ અને તાઓઇઝમ તરફ વળ્યા. 1919માં પ્રથમ વિશ્વયુદ્ધ પછી તેઓને જીવનની અર્થહીનતા લાગતા અને આ પુસ્તક તેમની આંતરિક શાંતિની શોધ છે. સિદ્ધાર્થ નવલકથા તેમના અનુભવોનું પરિણામ છે. આ પુસ્તક 1922માં લખવામાં આવ્યું હતું પણ સિત્તેરના દાયકામાં અમેરિકામાં હિપ્પી કલ્ચર પ્રચલિત થતાં આ પુસ્તકની લોકપ્રિયતા ચરમસીમા પર પહોંચી હતી.
ધ એન્ડ: તું મરવા માટે વારંવાર તૈયાર થઇ જાય છે. હે કાયર, જીવવા માટે તૈયાર થતો નથી. (હર્મન હેઝ)
આપણ વાંચો: શરદ જોશી સ્પીકિંગઃ ‘સરકારી ઓફિસર’ ઉર્ફ સરકારી બાબુ ઉર્ફે સરકારી દામાદ



