સિક્કાની ત્રીજી બાજુ: ગામડેથી અબજો રૂપિયાની કંપની ચાલી શકે?

– જયવંત પંડ્યા
શ્રીધર વેમ્બૂ
માઇક્રોસોફ્ટ-ગૂગલ-વોટ્સઍપને હંફાવવા મેદાને પડેલી ભારતીય કંપની ‘ઝોહો’ના શ્રીધર વેમ્બૂ અમેરિકામાં ઊંચા પગારે ટેક કંપનીમાં નોકરી કરતા હતા, પરંતુ ભારતના વિકાસમાં પ્રદાન કરવા એ ભારત આવ્યા અને આજે તમિળનાડુના એક ગામડામાંથી એ ‘ઝોહો’ નામની વિશાળ સોફ્ટવેર કંપની ચલાવી રહ્યા છે.
તમે અનેક લોકોના મોઢે સાંભળતા હશો કે પ્રગતિ કરવી હોય તો ગામડેથી શહેર આવવું પડે અને શહેરથી મહાનગર. આ વાત એક રીતે અર્ધ-સત્ય છે. ઘણા લોકો એવા છે જે પોતાના નાના એવા ગામમાં રહીને પણ મોટું કામ કરતા હોય છે. આવું એક નામ એટલે શ્રીધર વેમ્બૂ. નામ પરથી જ સ્પષ્ટ થઈ જાય કે એ દક્ષિણ ભારતના હશે. શ્રીધર વેમ્બૂએ એવું કયું મોટું કામ કર્યું છે કે આજે લોકો એમના વિશે ઉત્સુક થઈને વધુ જાણકારી મેળવી રહ્યા છીએ?
તાજેતરમાં કેન્દ્રીય રેલવે અને આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે હવે એ માઇક્રોસોફ્ટ અને ગૂગલ છોડીને ‘ઝોહો’નાંં સોફ્ટવેર વાપરશે. હજુ આ સમાચારની બ્રેકિંગ વેલ્યૂ પૂરી નહોતી થઈ (જૂના સમયમાં આપણે એમ લખતા કે ‘હજુ તો શાહી નથી સૂકાઈ…’ પરંતુ જમાના પ્રમાણે હવે લોકો શાહી કરતાં બ્રેકિંગ ન્યૂઝને વધુ ઓળખે છે તેથી બ્રેકિંગ વેલ્યૂ !)
ત્યાં સમાચાર આવ્યા કે ‘ઝોહો’ની ‘અરટ્ટઈ’ ઍપે તરખાટ મચાવી દીધો છે. માત્ર ત્રણ દિવસમાં ‘અરટ્ટઈ’ ઍપના વપરાશકારો 3,000થી વધીને સીધા ત્રણ લાખ થઈ ગયા છે.!
આ ઍપને વોટ્સઍપ માટે પડકાર માનવામાં આવે છે. હવે એ પણ જાણી લો કે વોટ્સઍપનો અર્થ તો થાય છે કે ‘શું ચાલે છે?’ પરંતુ ‘અરટ્ટઈ’નો અર્થ શું થાય છે?
‘અરટ્ટઈ’ તમિળ ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘આકસ્મિક વાતચીત’. આ ઍપની વિશેષતા એ છે કે તે સુરક્ષિત, વિશ્વસનીય અને સૌથી વધુ તો ‘ભારતમાં બનેલી’ છે.
આ પણ વાંચો: સિક્કાની ત્રીજી બાજુઃ એકલવાયા વૃદ્ધોને પજવતી સમસ્યા
આ બંને કારણસર શ્રીધર વેમ્બૂ ચર્ચામાં છે.
તમિળનાડુના બ્રાહ્મણ પરિવારમાં ઈ. સ. 1968માં જન્મેલા શ્રીધર વેમ્બૂ તે સમયના મદ્રાસ (આજના ચેન્નાઈ)માંથી ઈ. સ. 1989માં આઈઆઈટીમાંથી ઇલેક્ટ્રોનિક ઍન્જિનિયરિંગ ભણ્યા અને તે પછી એમણે અમેરિકાના ન્યૂ જર્સીના પ્રિન્સલ્ટન વિશ્વ વિદ્યાલયમાંથી એમ. એસ. અને પીએચ. ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી.
તે પછી એમણે અમેરિકામાં જ પોતાની કારકિર્દી શરૂ કરી. કેલિફોર્નિયાના સન ડિએગોમાં ક્વાલકોમમાં વાયરલેસ એન્જિનિયરિંગ તરીકે કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ શ્રીધર વેમ્બૂનું મન અમેરિકામાં ન લાગ્યું. એમને મનમાં દૃઢ વિશ્વાસ હતો કે સાચું હીર તો ભારતનાં ગામડાંમાં જ રહેલું છે. આથી કંઈ પણ વિચાર્યા વગર ઊંચા પગારવાળી નોકરી અને અમેરિકાનું ‘કેટલાકની દૃષ્ટિએ સ્વર્ગ સમાન જીવન’ છોડી 1996માં ભારત પરત ફર્યા. શ્રીધર વેમ્બૂ અને એમના ત્રણ ભાઈ છે એમના ભાઈઓએ શ્રીધરને કહ્યું કે આપણે પોતાની કંપની શરૂ કરવી જોઈએ, જેથી ભારતના લોકોને આજીવિકા મળે અને આપણે ભારતના વિકાસમાં કંઈક પ્રદાન કરી શકીએ.
આ વિચાર શ્રીધર વેમ્બૂને ગમી ગયો અને એમના ભાઈઓ સાથે ‘ઍડવન્ટનેટ’ કંપની શરૂ કરી. જોકે હજુ સુધી શ્રીધર વેમ્બૂ ગામમાં નહોતા ગયા. આ કંપની એમણે ચેન્નાઈમાં શરૂ કરી હતી. શરૂઆતમાં એમનો વિચાર હાર્ડવેર મેન્યૂફેક્ચર કરવાનો હતો, પરંતુ તેમાં મુશ્કેલીઓ આવી. તે વખતે તેના માટે નાણાં મળી શકે તેમ નહોતાં. આથી ભાઈઓએ પોતાનાં નાણાં લગાડવાનું નક્કી કર્યું. અને પછી એમને થયું કે હાર્ડવેરના બદલે સોફ્ટવેર તરફ વળીએ તો કેવું?
આ પણ વાંચો: સિક્કાની ત્રીજી બાજુઃ એક સમયે સિક્કાનાય સિક્કા પડતા હતા!
હવે જુઓ કે એક નાના રૂમમાં બે ભાઈએ બે કમ્પ્યૂટરથી જે કંપની શરૂ કરી તે અત્યારે રૂ 7,000 કરોડની કંપની છે ! કંપની શરૂ કરી તે પછી એમને એક ગ્રાહક મળી ગયા, જેની સાથે એમણે 30,000 ડૉલરની સમજૂતી કરી. આપણને થાય કે 30,000 ડોલર ! વાહ, લોટરી લાગી ગઈ પણ ગ્રાહકે શું કહ્યું ખબર છે? એમણે કહ્યું, તમારું સોફ્ટવેર તો અદ્ભુત છે અને એટલે જ મેં તેને ખરીદ્યું છે, પરંતુ તમારો વેચવાનો અભિગમ મોળો છે. જરા વેચવા પર પણ ભાર મૂકો.
શ્રીધર સમજી ગયા કે એમને સોફ્ટવેર વગેરે ટેક્નોલોજીની જ્ઞાનવિષયક સમજ તો છે, પરંતુ વેપારની આવડત નથી. આથી એમણે એક સેલ્સમેન રાખી લીધો. એની સાથે બે વર્ષ ગાળ્યાં એમાં વેચાણ અને વાટાઘાટની કુશળતા પણ આવડી ગઈ. હવે કંપનીનો વ્યાપ વધતો જતો હતો. સેલ્સ પછી ફાઇનાન્સ, મેનેજમેન્ટ વગેરે અલગ-અલગ વિભાગ બનતા ગયા.
બે જ વર્ષમાં મોટો ઑર્ડર મળવાના કારણે કંપનીની આવક રૂ. 10 લાખ ડૉલરે પહોંચી ગઈ ! પરંતુ જ્યારે પ્રગતિ થતી હોય છે ત્યારે લાલચને વશ થવું કે કેમ તેવી કસોટી ઈશ્વર કરતો હોય છે. શ્રીધર વેમ્બૂ અને એમના ભાઈઓ સમક્ષ પણ આવી કસોટી ઈશ્વરે આપી.
જ્યારે ‘ઝોહો’ની કિંમત 10 લાખ ડૉલરમાંથી 20 લાખ ડોલરે પહોંચી ગઈ ત્યારે એમને કંપની 2.5 કરોડ ડૉલરમાં વેચી દેવા માટે ઑફર આવી. નિર્ણય શ્રીધર સહિત પાંચ જણાએ જ કરવાનો હતો. એમણે નિર્ણય કર્યો કે લાલચમાં નથી પડવું. એના બદલે આમાં જ આગળ વધીશું તો પણ આપણે અબજોપતિ બનીશું જ.
વર્ષ 2000 સુધીમાં ‘ઝોહો’ માં 115 લોકો કામ કરતા હતા. તેનું ટર્નઑવર 1 કરોડ ડૉલરને આંબી ગયું હતું. પરંતુ 2000માં ઈશ્વરે એમની બીજી વાર કસોટી કરી. તે પહેલાં ઇન્ટરનેટ કંપનીઓ એટલે કે ડોટ કોમનો રાફડો ફાટ્યો હતો અને તેમાં તેજી હતી, પરંતુ 2000માં આ પરપોટો ફૂટી ગયો અને ‘નાસદેક’ના શેરો ધડામ દઈને નીચે આવી ગયા, પરંતુ અહીં શ્રીધર વેમ્બૂનું દેશી શાણપણ કામમાં આવ્યું. એ રોકડ રકમ હાથ પર રાખતા. તેનું આડેધડ રોકાણ ન કરતા. એમની પાસે છ-બાર મહિના કામ ચાલી જાય તેટલી રોકડ તો હતી.
અત્યારે પણ ગૂગલ સહિતની ટેક કંપનીઓ છટણી કરે છે તેમ તે સમયે પણ થઈ રહ્યું હતું, પરંતુ શ્રીધર વેમ્બૂએ જુદો અભિગમ અપનાવ્યો. એ સમયે નિયમિત કામ તો કંઈ હતું નહીં.
આથી 115 કર્મચારીને નવાં ઉત્પાદનો વિકસાવવાનું અને વર્તમાન ઉત્પાદનોમાં સુધારા કરવાનું કામ સોંપી દીધું.
આજે શ્રીધર વેમ્બૂ તમિળનાડુના તેનકાસી પાસે અંતરિયાળ ગામ મથાલમપરાઈમાંથી પોતાની કંપની ચલાવે છે. અલબત્ત, કંપનીનું વડું મથક તો ચેન્નાઈમાં છે, પરંતુ શ્રીધર વેમ્બૂએ મથાલમપરાઈમાં સેટેલાઇટ ઑફિસ બનાવી છે , જ્યાંથી એ પોતે કામ કરે છે. ભારતના 72મા ગણતંત્ર દિવસે એમનું ‘પદ્મશ્રી’ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. લોકો નાની એવી નોકરી મળે તો પણ કોટ, પેન્ટ, ટાઇમાં આવી જતા હોય છે, શ્રીધર વેમ્બૂએ કપાળે તિલક, શર્ટ, લૂંગી પહેરવાનું છોડ્યું નથી.
આ તબક્કે અભિનેતા રાજકુમારનો એક સંવાદ યાદ આવી જાય :
હમ કો મિટા સકે વો ઝમાને મેં દમ નહીં,
ઝમાના ખુદ હમ સે હૈ, હમ ઝમાને સે નહીં…!