
-દેવલ શાસ્ત્રી
આગામી ઓગસ્ટ મહિનામાં પચાસ વર્ષ પૂરા કરી રહી છે સદાબહાર સુપર હિટ ફિલ્મ ‘શોલે’… એમાં ભરપૂર હિંસા અને એક્શનની ધૂમ વચ્ચે પ્રેમ, દોસ્તી અને ઉત્સવના યાદગાર રંગો હતા. હોલિવૂડ સ્ટાઈલની સિનેમેટોગ્રાફી અને ટેકનોલોજીએ આ ફિલ્મને આગવી જરૂર બનાવી, પરંતુ ફિલ્મનો ખરો આત્મા તો એના ગીતકાર આનંદ બક્ષીની કલમમાં રહેલો છે. એમના શબ્દોએ ‘શોલે’નાં ગીતોને એવો જાદુ આપ્યો કે આજે પણ લગ્ન હોળી કે દોસ્તોની મહેફિલમાં તે ગુંજે છે.
‘શોલે’નાં ગીતો એટલા જીવંત છે કે તે દરેક પ્રસંગને યાદગાર. ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે’ એ દોસ્તીનું અમર પ્રતીક છે. જય અને વીરૂની મિત્રતાને રજૂ કરતી આ ગીતની પંક્તિઓ ‘તેરી જીત મેરી જીત, તેરી હાર મેરી હાર’ હૈયાને એવું સ્પર્શી જાય છે કે…..લગ્નની મહેફિલ હોય કે દોસ્તોની બેઠકોમાં આ ગીત વગર યારોની મહેફિલ અધૂરી લાગે. આ ગીત ભારતીય સંસ્કૃતિની દોસ્તીની ભાવનાને આધુનિક રંગમાં રજૂ કરે છે, જે પેઢીઓ સુધી ગુંજતું રહેશે. આપણી આસપાસ અનેક દોસ્તીઓએ દમ તોડ્યો હશે, પણ સાથ છોડ્યો નહીં હોય. આમ તો આ ગીત પુરુષ મિત્રો માટે હોય એવું લાગે, પણ સ્ત્રીઓ વચ્ચે પણ અતૂટ મૈત્રી હોય છે. લગ્નજીવનના અંતે પ્રેમ કરતાં મહત્ત્વની દોસ્તી હોય છે. અનેક યુગલ આ ગીતને પ્રસંગોપાત પરફોર્મ પણ કરતાં રહે છે. હિંસાની કથાની વચ્ચે દોસ્તીની આ પણ એક મિશાલ છે.
આમેય આનંદ બક્ષીનું જીવન એક સંઘર્ષની ગાથા છે, જે ‘યે દોસ્તી’ ગીતની પ્રેરણા બની હશે એવું એમની કથા પરથી લાગે છે. મુંબઈમાં ગીતકાર બનવાના સપના સાથે આવેલા બક્ષીસાહેબની બચત ખૂટી ગઈ હતી. પરિવારને સાસરે મૂક્યો પણ સસરાજીએ પરિવારને સાથે લઇ જવા વિનંતી કરી. નિરાશ થઈને વતન પરત ફરવાનું વિચારતા ટિકિટ વગર બક્ષીસાહેબ મરીન લાઈન્સ સ્ટેશન પર બેઠા હતા. ખાલી ખિસ્સે ટિકિટના ટુકડાઓ પર શાયરી લખી રહ્યા હતા. આ દરમિયાન ટીસી ચિત્તરમલજીએ એમની શાયરી જોઈ. બક્ષીસાહેબે પોતાની કવિતાઓ સંભળાવી અને ચિત્તરમલજીને તેમાં સત્વ દેખાયું,
આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… કોર્પોરેટ્સમાં SWOT એનાલિસિસ આઉટડેટેડ થઇ ગયું છે?
એકલા રહેતા ચિત્તરમલજીએ બક્ષીસાહેબને ઘરે લઈ જઈ આશરો આપ્યો. બક્ષીસાહેબને કામ શોધવા જતી વખતે ખિસ્સામાં પૈસા મૂકતા, જેથી કવિ ભૂખ્યા ન રહે. ‘એક દિવસ તું મોટો ગીતકાર બનીશ, જોજે ને!’ એમ કહીને ચિત્તરમલજી આપતા રહ્યા…કાળક્રમે નિ:સ્વાર્થ દોસ્તીની એ હૂંફે બક્ષીસાહેબને સફળતાની ટોચે પહોંચાડ્યા. ચિત્તરમલજીએ કોઈ ઉપકારની અપેક્ષા ન રાખી પણ એમની મદદ ‘યે દોસ્તી’ની પંક્તિઓમાં ખાના પીના સાથ હૈ, મરના જીના સાથ હૈ શબ્દોમાં ચોક્કસ ઝળકે છે. આ ગીત લખતી વખતે બક્ષીસાહેબના દિલમાં ચિત્તરમલજી સાથેની દોસ્તીની યાદ જરૂર ટકોરા મારતી હશે.
‘યે દોસ્તી’ ગીત દોસ્તીની ઊંડી વ્યાખ્યા આપે છે. દોસ્તી બનાવવી સહેલી છે, પણ ટકાવવી મુશ્કેલ હોય છે. કેટલીક દોસ્તી ક્ષણિક હોય પણ આજીવન યાદ રહે.. તૈત્તિરીય ઉપનિષદનો શ્ર્લોક ॐ सह नाववतु’(55 અ આ જ ભાવનાને ઉજાગર કરે છે: ‘આપણે સાથે રહીએ, સુખ ભોગવીએ, શક્તિ મેળવીએ.’ જોકે, સમૃદ્ધિ પછી દ્વેષ ન થાય, એ જ સાચી દોસ્તી. ‘ॐ शान्ति शान्ति शान्तिः’ની શાંતિ ‘યે દોસ્તી’ના બીજા ભાગમાં, જ્યાં એક નાયકનું મૃત્યુ થાય છે, ત્યાં ગુંજે છે. આ ગીત દોસ્તીનું સનાતન સત્ય વ્યક્ત કરે છે.
‘શોલે’નું અન્ય ગીત ‘હોલી કે દિન દિલ ખિલ જાતે હૈ’ હોળીના તહેવારની મસ્તીને જીવંત કરે છે. ગામડાના જીવનની નિર્દોષતા, નાનકડા મેળાઓની મોજ અને રંગોની ઉડાન વચ્ચે ગીત હોળીના ઉત્સવને માહોલને રંગીન બનાવે છે. આ ગીત હોળી પર હોય જ અને નાચતા ગાતાં રંગોની મજા માણવાનો અનોખો આનંદ આવે છે. જયારે હોળીના દિવસે સ્પીકરમાં આ ગીત વાગે એટલે આપોઆપ રંગોની રમઝટ ચારેકોર ફેલાય છે.
આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : પુરાણકથા… ઈતિહાસ-સાહિત્ય ને માનવજાતના અસ્તિત્વ માટે કેટલી પ્રેરણાદાયી?
બક્ષીજીનું ક્લાસિક સોંગ જે વરઘોડાઓમાં કે પાર્ટીઓમાં એક અલગ માહોલ ઊભો કરી આપે છે એને કેવી રીતે ભૂલી જવાય? હેલનનો ડાન્સ અને જલાલ આગાની ઓળખ જેવો ‘મેહબૂબા મેહબૂબા’ ડાન્સ સાથે રોમાંસનો જાદુ ઊભો કરે છે. આ ગીત ગૂંજે એટલે કોઈપણ ઉંમરના ઓડિયન્સ વચ્ચે આજે પણ માહોલમાં પોત પોતાની મહેબૂબાની મદહોશભરી યાદ છવાઈ જાય…!
આ ગીતના શબ્દનો જાદુ એવો છે કે ‘શોલે’ની હિંસા દૂર સુધી વર્તાતી નથી. ગુલશન શબ્દનો ઉપયોગ ડાકુઓની વચ્ચે પણ રોમાંસનો ગરમાટો ઉમેરે છે.
‘કોઈ હસીના જબ રૂઠ જાતી હૈ’ ગીત ગ્રામ્ય નારીના નખરા અને સુંદરતાને નાજુક રીતે રજૂ કરે છે. ‘બડે નખરેવાલી’ અને ‘નમકીન’ જેવી વાત નારીના ગુસ્સામાં છુપાયેલી મોહકતાને ઉપસાવે છે. આ ગીત ફિલ્મની હિંસા વચ્ચે હળવો રોમેન્ટિક માહોલ જમાવે છે, જે ધર્મેન્દ્ર અને હેમા માલિનીની જોડી પર ફિલ્માયેલું હોવાથી વધુ મજેદાર લાગે છે.
‘જબ તક હૈ જાન’માં બસંતીનું નૃત્ય અને ‘दिल लिया है, प्यार किया है तो देना पडेगा मुहब्बत का इम्तहँा’
જેવી પંક્તિઓ પ્રેમની પરીક્ષાની વાત કરે છે. અહીં બદલાને બદલે પ્રેમ માટે બલિદાન આપવાનો સંદેશ છે. ડરામણા ડાકુના અડ્ડામાં હોવા છતાં બદલાની વાત નથી, પણ ‘પ્રેમમાં પરીક્ષા આપવી પડે’ જેવી ઉદ્દાત્ત વાત બક્ષીજીએ અહીં કહી છે.
આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : ‘Mayday’ -‘મેડે’….‘મેડે’: એ શબ્દ નથી પણ વિશાળ ચિંતન છે
‘શોલે’નાં ગીતોમાં બક્ષીસાહેબની લેખનશૈલીએ એને એક ફિલ્મથી આગળ વધારી ભારતીય સંસ્કૃતિનો અમર હિસ્સો બનાવી છે. આ ગીતો આજે પણ હૈયામાં ગુંજે છે, જે બક્ષીસાહેબના શબ્દોનો અનેરો જાદુ છે.
બક્ષીસાહેબ માનતા હતા કે ગીતો લખવા મૂડ નહીં, નિષ્ઠા જોઈએ. એ પરિવાર વચ્ચે બેડરૂમમાં બેસીને ગીતો લખતા. નિર્માતા કરોડો રોકે છે, દર્શક પૈસા બચાવીને થિયેટર આવે છે ત્યારે સહુના પૈસા વસૂલ થવા જોઈએ. ‘હોલી કે દિન’માં બાળપણની યાદો, ‘મેહબૂબા’માં રોમાંસની છાંટ અને ‘કોઈ હસીના’માં નારીની નજાકતમાં હિંસા વચ્ચે બક્ષીસાહેબે દરેક ગીતમાં બખૂબી લાગણીઓનો રંગ ભર્યો છે.
ધ એન્ડ
જાણીતા નિર્માતા સુલતાન અહેમદે ડાકુના પાત્રને ધ્યાનમાં રાખીને જ પોતાની બધી ફિલ્મો બનાવી હતી.