શરદ જોશી સ્પીકિંગઃ મોડા ઉઠો… મહાસુખ માણો!
ઈન્ટરવલ

શરદ જોશી સ્પીકિંગઃ મોડા ઉઠો… મહાસુખ માણો!

સંજય છેલ

આ એ વખતની વાત છે, જ્યારે હું લગભગ પાંચમા ધોરણમાં ભણતો હતો. મેં મારા પપ્પાને એક સવાલ પૂછ્યો કે ‘પરોઢિયું અને વહેલી સવારમાં શું તફાવત છે?’ આમ તો આ એક એકદમ સીધોસાદો સવાલ હતો, જે રોજ સવારે સાડા આઠ વાગ્યે ઊંઘીને ઊઠવાવાળું બાળક એના વડીલોને પૂછે છે.

આપણાં પાઠ્યપુસ્તકોમાં અઘરા શબ્દો હોય છે, જેના અર્થ જાણવા ભવિષ્યની પરીક્ષાઓ અને ભવિષ્યના જીવનને માટે જરૂરી હોય છે, પણ એ સીધાસાદા સવાલના જવાબમાં પપ્પા મને જે વઢ્યા છે એને ટૂંકમાં કહીએ તો, સવારે નવ-નવ વાગ્યા સુધી પથારીમાં સૂઈ રહો છો અને પછી અમને પૂછો છો કે, પરોઢિયું અને વહેલી સવારમાં શું તફાવત છે?

મોટાઓ વઢે ત્યારે માથું નીચું કરીને સાંભળવાની આપણી વંશ પરંપરાગત આજ્ઞાનું પાલન કરતાં કરતાં હું વિચારી રહ્યો હતો કે જો એક એક શબ્દનો અર્થ અને ભાવાર્થ સમજવા માટે આપણે જો આ રીતે પીડાઓનો મુકાબલો કરવાનું ચાલુ રાખીએ તો જીવનના અંત સુધીમાં આપણે પોતે જ એક જીવતો જાગતો શબ્દકોશ કે ડિક્શનેરી બની જઈશું!

વહેલા સૂઈને ઊઠવું દુ:ખદાયક તો છે જ, પરંતુ એનાથી મોટી સમસ્યા એ છે કે આ એક લઘુતા-ગ્રંથિ (ઈન્ફિરિયોરીટી કોમ્પ્લેક્સ) પેદા કરે છે. આ દેશમાં જે માણસ વહેલો સૂઈને ઊઠે છે, એ પોતાની જાતને નૈતિક રીતે બીજા બધાથી વધારે બળવાન ગણે છે. હું ધીમે-ધીમે એમ માનવા લાગ્યો કે જે સવારે ચાર વાગ્યે ઊંઘીને ઊઠે છે, એ કોઇ દેવદૂત છે.

હું એના આત્મગૌરવની સામે તરત જ નતમસ્તક થઈ જાઉં છું. જે પણ સવારે પાંચ વાગ્યે ઊંઘીને ઊઠે છે, એ સરળતાથી કહી શકે છે કે હું ચાર વાગ્યે ઊંઘીને ઊઠ્યો છું કારણ કે જેમને એ આ વાત કહે છે, એ બધા સવારે આઠ વાગ્યે ઊંઘીને ઊઠવાવાળા હોય છે. જેમ મારા એક માસી, જેમના પાસે ક્યારેય ઘડિયાળ નહોતી, તો પણ એ હંમેશાં કહેતાં, હું સવારે ચાર વાગ્યે ઊઠું છું!

ઋષિ-મુનિઓ માટે એક વાત પ્રખ્યાત છે કે એ લોકો પરોઢિયે જાગી જતા. એમાં પણ જે સંયમી હોય છે, એ લોકો તો આખી રાત જાગે છે. તમે ડોક્યુમેન્ટરી ફિલ્મોમાં જોયું જ હશે કે જ્યારે વાંસળીના સંગીત સાથે સૂર્યોદય બતાવવામાં આવે છે, એના પછી તરત બીજા સીનમાં કોઇ દાઢીવાળા સંત નદીમાં સ્નાન કરતા દેખાય છે, પછી પક્ષીઓ કિલકિલાટ કરતા જોવા મળે છે, પછી ખેડૂત હળ ને બળદ લઈને નિકળે છે. આ એક સદીઓથી નક્કી કરેલી ફિલ્મ સિકવન્સ છે, જેનાથી ભારતીય સંસ્કૃતિની ઓળખ થાય છે.

ચાલો, એ વહેલા ઊઠવાવાળા દિવસો પૂરા થઈ ગયા! હવે અમે મોડે સુધી સૂવાવાળી એ સ્થિતિમાં આવી ગયા છીએ કે વહેલા ઊઠવાવાળાઓને લઘુતા-ગ્રંથિ આપવાની સાથે સાથે, એમને ડરાવી પણ શકીએ છે. કેટલાક વૈજ્ઞાનિકો એવા મહાન પરિણામ પર પહોંચ્યા છે કે પૂરતી ઊંઘ લીધા વગર ઊઠવાથી હાર્ટ એટેકની સંભાવનાઓ વધી જાય છે. પૂરતી ઊંઘ ન લેવાથી લોહીમાં ક્લોટિંગ થાય છે.

મોટા ભાગના હાર્ટ એટેક સવારે છથી અગિયાર વાગ્યાની વચ્ચે થાય છે એટલે જિંદગીભર જે આદત માટે હું ઠપકો સાંભળતો રહ્યો, એ મારા હૃદયની મજબૂતીનું કારણ સાબિત થયું. હું તો કહું છું તમે પણ મોડે સુધી સૂઈ રહો! પછી ભલે ને તમે આ કોલમ પણ મોડેથી વાંચો પરંતુ તમારી તબિયત સારી રાખો!

પરોઢિયું, વહેલી સવાર આ બધો સમય પસાર થઈ જાય પછી જ ઊઠવાના કારણે હું તો દીર્ઘાયુ રહીશ જ! તમે પણ દીર્ઘાયુ રહો… વડીલોએ વિજ્ઞાન ભણ્યા વગર કહ્યું હતું, આરામ એ મોટી વાત છે તો રજાઇમાં મોં ઢાંકીને સૂઈ જાવ! આમ પણ સવારે ઊઠવું એ દિવસની સારી શરૂઆત નહીં જ હોય. ઊઠવાનું જ દુ:ખદાયક હોય તો આખો દિવસ એ દુ:ખ શું કામ સહન કરવાનું?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button