ઈન્ટરવલ

શરદ જોશી સ્પીકિંગઃ પૂનમની રાત ને પગારની વાત…

  • સંજય છેલ

એક કવિ હતા. કવિ એટલે સો ટકા કવિ! કવિ સિવાય બીજું કંઈ જ નહીં. એ એવા કવિ હતા, જેમની આંખો તારાઓ જોઈને નૃત્ય કરવા લાગે, જે ચાંદને જોઈને કોઇ અદ્રશ્ય પ્રેમિકાની કલ્પના કરવા લાગે, જેનું મન નદીની લહેરો જોઈ એમાં પાણી ના હોય તોયે ડૂબી જાય છે, જે વર્ષા ઋતુમાં ઘેરાયેલાં કાળાં વાદળોને જોઈને કારણ વિના કોઇ અજાણ્યા જ કારણે રડવા માંડે! ભૈ, શું થાય? કવિ છે!

એ કવિનો એક મિત્ર હતો, જે એક ઓફિસમાં મામૂલી ક્લાર્ક હતો. ઓફિસમાં એના ટેબલ પર બેઠો હોય, કોઈને સલાહ આપતો હોય, ઘરમાં હોય અથવા રાત્રે પલંગ પર સૂતો હોય તો પણ એ બધે જ ક્લાર્કની જેમ જ જીવતો! એક ક્લાર્ક સિવાય એ બીજું કંઈ જ નહીં.

હવે વાત એક પૂનમની રાતની છે. ક્રીમ લગાડેલી સુંદર સ્ત્રીના જેવો અદ્દભુત ચાંદ આકાશમાં ખીલ્યો હતો. પેલા કવિનું મન એ ચાંદ જોઈને કથકલી ડાંસ કરવા લાગ્યું. એ તરત ક્લાર્ક પાસે ગયો.

કવિએ દરવાજો ખખડાવી, એ ક્લાર્કને ઘરની બહાર ખેચી આવ્યો ને કહ્યું, ‘અરે ભાઈ! તું ઘરમાં શું ભરાઈને બેઠો છે? જરા બહાર આવીને તો જો, આકાશમાં કેવો સુંદર ચાંદ ખીલ્યો છે! આવી રોમેન્ટિક પૂનમની રાતમાં ઘરમાં ભરાઈને રહેવું તો પાપ છે પાપ!’

પેલા ક્લાર્કે એના ચશ્માં સરખા કરતા ચાંદની તરફ જોયું. પછી એ બોલ્યો, ‘ચાંદ તો સરસ છે, પણ ભાઈ! આનો આનંદ હું તારી સાથે નહીં ઉઠાવી શકું. તું જા, તને જ્યાં મન થાય ત્યાં ફરવા જા. સોરી!’

કવિ અડધો ગુસ્સામાં, અડધો ખુશ એવી હાલતમાં હોઠ પર કવિતા નચાવતો, હાથ હલાવતો, ત્યાંથી નીકળી ગયો.

થોડા દિવસો વિત્યા અને રાતો વિતી, એમને એમ ઘણા દિવસો પછી ફરી પાછી પૂનમની રાત આવી. અને ચાંદ જાણે પાછો નાહી-ધાઈને, સ્વચ્છ કપડા પહેરીને, ભૂરા રંગના આકાશમાં ઊભો મનમોહક ઈશારાઓ કરવા લાગ્યો! પેલા કવિનું ઘાયલ દિલ, જે અંધારી રાત જેવું બની ગયું હતું, એ ફરીથી જીવંત થઇ ગયું અને ખુશીથી મણિપુરી ઠુમકા મારવા લાગ્યું. કવિ પાછો ફરવા નીકળ્યો અને એના ક્લાર્ક મિત્રના ઘરે ગયો આવ્યો અને એને પૂછયું :

‘તું આ ચમકતા ચાંદને જુએ છે! શું તને આવી સુંદર ચાંદની રાતમાં બહાર ફરવાની ઈચ્છા નથી થતી?’ કવિના આ ઇમોશનલ આગ્રહનો જવાબ ક્લાર્કે ફરીથી ઉદાસીભર્યા અસ્વીકારથી આપ્યો:-

‘ભાઈ, તું જા! મારે અગત્યના કામની થોડી ફાઈલો પૂરી કરવાની છે. જો હું તારી સાથે ચાંદની રાતે ફરતો રહીશ તો આ ચાંદ જ કાલે સાહેબના ટેબલ પર ભારે પડશે. ભૈ, તું જા ફરવા ઓલા ચાંદ સાથે!’

કવિ ફરીથી ક્લાર્કના આવા રુખસુખા વર્તનથી આશ્ચર્યમાં ડૂબી ગયો અને એના ચમકતા રસ્તા પર ચાલવા માંડયો. પહેલાની જેમ જ ગણગણતો, કવિતાને ચૂસતો-ચાવતો.

ત્યાર બાદ થોડા દિવસો પસાર થયા હશે. એક દિવસ કવિ પોતાના ઘરે બેઠો હતો. બહાર લીમડાના ઝાડ પાસે ચાંદ એની રોજની તાકાતથી વધારે ખીલીને ઊભો હતો. ચાંદની એક કિરણ કવિના તકિયા સુધી આવી રહી હતી. કવિ આ સુંદર દૃશ્યથી અજાણ એની કવિતાની અમુક પંક્તિઓની રચનામાં ગૂંચવાયેલો હતો. એવામાં અચાનક પેલો બોરિંગ ક્લાર્ક કવિ પાસે આવ્યો અને કહેવા લાગ્યો:

‘અરે કવિરાજ! તું ઘરમાં શું ભરાઈ રહ્યો છે? બહાર પૂનમનો પૂરો ચાંદ, કિરણોનું બોનસ વહેંચી રહ્યો છે અને તું અંદર છે? આ શું ઘરમાં થોડું ભરાઈને બેસવાનું? બહાર આવ, ચાલ ક્યાંક ફરીએ!’

કવિએ ચાંદને જોયો, પછી ક્લાર્કની સામે જોયું અને બોલ્યો, ‘આજે પૂનમનો પૂરો ચાંદ તો નથી, પણ ક્લાર્ક રાજ, આજે તમને ચાંદનો નશો ચઢ્યો કેવી રીતે? અચાનક આજની રાત પૂનમની કેવી રીતે થઈ ગઈ? તું ક્લાર્ક નહીં, મારી જેમ કવિ બની ગયો કે શું?’

ત્યારે ક્લાર્કે કહ્યું, ‘અરે યાર, આજે પહેલી તારીખ છે! પહેલી તારીખની રાત અમારા જેવા ક્લાર્ક માટે પૂનમની રાત જ હોય છે! એ દિવસે આ દેશના બધા જ ક્લાર્ક કવિ બની જાય છે! અરે, ટાઈપિસ્ટ જેવી ટાઈપિસ્ટ પણ ખીલી જાય છે. આજનો ચાંદ પહેલી તારીખનો ચાંદ છે! તેથી આ ચાંદ મને વધારે પ્રિય અને સુંદર પણ લાગે છે! સમઝે શાયર જી?’

આપણ વાંચો:  પ્રજામત…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button