શરદ જોશી સ્પીકિંગઃ શુભ-મંગલ સાવધાન- કમ્પ્યુટરમ્ પ્રસન્ન!

સંજય છેલ
ભારતમાં તમે કોઈ પણ વ્યક્તિને પૂછશો કે તમે લગ્ન શું કામ કર્યા? તો એના જવાબમાં એ તમને 20-30 કારણ તો આરામથી ગણાવી જ આપશે, જેમ કે, શું કરું? છોકરી બહુ સુંદર અને દેખાવડી હતી એટલે જ પછી મેં એની સાથે લગ્ન કરી જ લીધા! હવે કોઈ એને જઈને સમજાવો કે- ભૈ, છોકરી ભલે સુંદર હતી, પણ તું તો સમજદાર હતોને? તું આ લગ્નના ચક્કરમાં ફસાયો કેવી રીતે? તો એની પાસે આ વાતનો કોઈ નકકર જવાબ નહીં હોય.
લગ્નની બાબતમાં એવું છે કે માણસની બુદ્ધિ, લગ્ન કરવાનું કોઈ ને કોઈ કારણ ગમે ત્યાંથી ગમે તે રીતે શોધી જ લે છે. પ્રાચીનકાળમાં રાજકુમારીનો બાપ એના લગ્ન માટે સ્વયંવર રચતો અને આજુબાજુ રાજ્યના રાજકુમારો અને પહેલેથી ઓલરેડી પરણેલા રાજાઓ પણ એ સ્વયંવરમાં ભાગ લેવા દોડીને પહોંચી જતા અને કોઇ પૂછે કે- કેમ ભાઈ, શું કામ જઈ રહ્યા છો?
તો રાજાઓ સહેલાઈથી કહેતા, શું કરું ભાઈ, આમંત્રણ આવ્યું છે એટલે માન રાખીને જવું તો પડશે જ ને? પછી તેઓ ત્યાં સ્વયંવરમાં હરખભેર પહોંચી જતા અને રાજકુમારી `હા’ પાડે તો એને તરત પરણીને લઈ આવતા.
આજેય કોઇએ લગ્ન જો કરવા જ હોય તો એને દસ બહાના મળી જ જાય! જેમ કે- શું કરું?
બાપુજીએ દબાણ કર્યું કે આ જ છોકરી સાથે લગ્ન કરવાના છે. બોલો!
અરે મારા ભાઈ, તમે બહુ બાપની આજ્ઞાનું પાલન કરવાવાળા ડાહ્યા ડમરાં છો તો બીજી વાતોમાં પણ બાપની આજ્ઞા માનો છો? બાપની બીજી વાતો નહીં માનવાની, પણ વાત જ્યારે લગ્ન કરવાની હોય ત્યારે તરત જ આજ્ઞાકારી બેટા બની જવાનું વાહ રે આધુનિક શ્રવણકુમાર!
અથવા તો-એ છોકરી અમારા જ કોલેજમાં ભણતી હતી. આ તો અમારા જ પડોસમાં રહતી હતી. પાછી એ અમારી સાથે પિકનિક પર પણ સાથે હતીને. કોઈ પણ બહાને એ સાબિત કરવાનું કે પેલી સાથે પ્રેમ થવો સ્વાભવિક જ હતો અને પછી લગ્ન થવા એ પણ સ્વાભાવિક છે!
જો એ છોકરી કોલેજમાં સાથે ભણતી ન હોત, પડોસમાં રહેતી ન હોત અથવા પિકનિક પર પણ સાથે ન ગઈ હોત, તો એની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હોત, એમ?
મતલબ કે પુરુષને લગ્ન કરવાના કોઇને કોઇ બહાના જોઈએ. વર્ષોથી લોકો કુંડળીના બહાને લગ્ન કરી રહ્યા છે. શું કરીએ, આ છોકરી સાથે કુંડળી મળી ગઈ હતી એટલે લગ્ન કરી લીધા!
ગ્રહદશા એવી હતી કે ગૃહસ્થી મંડાઈ ગઈ. મોટાભાગના ગ્રહો મળતા આવ્યા છે.
અરે ભાઇ, જ્યારે તમે જીવનના બધા મોરચા પર શનિ-મંગળનો સામનો કરો છો, તો લગ્નના મોરચાનો પણ સામનો
કરો, પણ ના, અહીંયા તો ગ્રહોએ મજબૂર કરી દીધા છે માટે લગ્ન કરવા પડ્યા!
અગાઉ ક્યારેક દિલ્હીની દીવાલો પર મેં વાંચ્યુ હતું-
દુલ્હન એ જ જે પાઠકજી અપાવે.
મતલબ કે બધું પાઠકજીના મેરેજ બ્યૂરો પર આધાર રાખે છે. એ તમને કુંવારા તો નહીં જ રહેવા દે. કોઈની સાથે તો તમારું ગઠબંધન કરાવી જ દેશે. ક્લબ કે કોન્ફરન્સમાં જાઓ કે નાતજાતના મેળાવડામાં જાઓ… ત્યાં લગ્ન કરવા માટેનું કારણ આપોઆપ મળી જ આવશે. હકીકત એ છે કે તમારે લગ્ન કરવા હતા તો એ એક યા બીજા કારણથી થઈ જ ગયા.
આજકાલ તો કમ્પ્યુટર દ્વારા લગ્નો થઈ રહ્યા છે. કમ્પ્યુટરમાં શાદી ડોટ કોમ, ભારત મેટ્રીમોની, જીવનસાથી ડોટ કોમ વગેરે લગ્નની સાઈટ પર જઈ ફોર્મ ભરો એટલે એ તમને તમારી પસંદગી મુજબની છોકરી શોધી આપે છે. તમે એન્જિનિયર છો તો એ લોકો તમારે માટે કોઈ એન્જિનિયર છોકરી શોધી એની સાથે લગ્ન કરાવી આપશે. એવું પણ બની શકે કે તમે બુક વાંચવાના શોખીન છો, તો કમ્પ્યુટર તમારા માટે એક લાઈબ્રેરિયન છોકરી શોધી નાખે. તમે કોઈ રોગના નિષ્ણાત છો, તો કમ્પ્યુટર તમારા માટે રોગથી પીડાતી છોકરી શોધી લાવ્યું… તમે સમાજવાદી છો એટલે તમારા માટે કમ્પ્યુટરને ગરીબ છોકરી મળી. તમે આશાવાદી છો, એટલે કમ્પ્યુટરે કહ્યું કે આ સામાજીક કાર્યકર તમારા માટે સારી રહેશે. તમે ભ્રષ્ટ છે, તો કમ્પ્યુટર તમારો મેળાપ મંત્રીની છોકરી સાથે કરાવશે.
ટૂંકમાં -યેનકેન પ્રકારેણ, લગનગાળામાં લગ્નો તો થઈને જ રહેશે. લગ્ન તો મારે-તમારે-સૌએ આખરે કરવાના જ છે.
જો હજારો વર્ષોથી, હજાર બહાને લગ્નો થઈ રહ્યા છે તો હવે કાંઇ નહીં તો કમ્પ્યુટર કુંડળીના બહાને લગ્ન કરી લો! માટે જ હે કુંવારાઓ, ઊઠો અને ઉપડો ત્યાં, જ્યાં લગ્ન કરાવવાળું કમ્પ્યુટર છે. એ જ તમાં કલ્યાણ કરશે.
બરાબર એવું જ જેવું તમારા બાપનું કલ્યાણ થયું હતું!
હવે આખી લાઇફ ભોગવો!