શરદ જોશી સ્પીકિંગઃ ‘સરકારી ઓફિસર’ ઉર્ફ સરકારી બાબુ ઉર્ફે સરકારી દામાદ

- સંજય છેલ
સરકારી ઓફિસર સાથે નૌકાવિહાર કરવા કરતાં મરવું સારું કારણ કે જો નૌકામાં કાણું પડે તો એ ઓફિસર તમારી પાસે ખુલાસો માંગશે! જો હોડી હાલક-ડોલક થતી હશે તો એ તમને લાલ આંખે ઠપકો આપશે ને જ્યારે હોડી ધીમેધીમે સ્થિર વહેતી હશે ત્યારે તમારો આભાર નહીં માને પણ એ માટે ખુદને ‘બાહોશ બાબુ’ કે ‘અદ્ભુત અધિકારી’ ગણાવશે, જેના સુંદર વહીવટમાં હોડી તરી રહી છે!
ચાંદની રાત, હવાની ઠંડી લહેરખીઓ, જેમાં રોમાંસ ખીલે ને કવિતા સૂઝે પણ સાથે એક સરકારી ઓફિસર હોડીમાં હોય તો આવા મદમસ્ત વાતાવરણમાંયે ત્રસ્ત બાબુ કોઇ ફાઇલ વિશે લપ શરૂ કરશે કે ‘યાર, કોઇ ઉપરી ઓફિસર પાસે ફાઇલ ગઇ છે, જેમાં મેં કોઇ નોંધ ટપકાવી છે ને જે હવે કેબિનેટ સામે રજૂ થવાની છે શું થશે?’…ચાંદની રાતે એને એની ચિંતા છે… બોલો!
ત્યારે થાય છે હોડીમાંથી કૂદી પડીએ, કારણ કે દુનિયાની જંજાળમાંથી છુટવા તમે હોડીમાં બેઠેલા, પણ ભૂલ તમારી કે કોઇ નહીં ને બોરિંગ સરકારી ઓફિસર સાથે હોડીમાં બેઠા જ કેમ? કારણ કે સરકારી ઓફિસર, હોડીમાં, હોજમાં, જાજરુમાં…બધે જ એ 24X7 ઓફિસમાં જેટલો ઓફિસર હોય એટલો જ હોડીયેમાં હોય! એ બાળોતિયામાંથી બોરિંગ જ હોય ને સૌથી મોટી બોરિંગ વાત એ કે ઓફિસરને એની ખબર જ ન હોય કે પોતે બોરિંગ છે!
તમને થશે કે ઓફિસર જમાઇ કે બાબુ આખરે કઈ માટીનો બનેલો છે?
વેલ, માટી તો દેશી છે, ફક્ત ઢાંચો વિદેશી છે, જેમાં ઓફિસર ઢળીને તૈયાર થાય છે કે પછી પૈદાઇશી સરકારી બાબુ બનવા જ સર્જાયો હોય ને? અરે, રિટાયર્ડ થયા પછીયે સ્વભાવ સરકારી દામાદ જેવો જ રહે, જે પછીથી ઘરનાં લોકોને નડે. નિવૃત્ત ઓફિસરને પત્ની પણ‘વણઉકેલાયેલી અધૂરી ફાઇલ’ જેવી અટપટી લાગે ને દીકરો વહુ ‘કોમ્પલિકેટેડ કેસ’ લાગે છે છતાંયે પાછો એને ના તો સસ્પેન્ડ કરી શકાય છે કે ના તો એનું પ્રમોશન રોકી શકાય!
સરકારી ઓફિસરો પોતાની ઓફિસ બરોબર ચલાવી શકતા નથી એ ઘરને સરકારી ઓફિસની જેમ ચલાવવા જાય. જ્યાં સુધી 34 શાકવાળાઓ પાસેથી મૌખિક ટેંડર ના લે, ત્યાં સુધી પા-કિલો શાક પણ ખરીદે નહીં! જ્યાં સુધી વાઇફને લેખિતમાં મંજૂરી ન આપે ત્યાં સુધી બેડરૂમમાં ચુંબન પણ ના આપે!
વર્ષો વીતે રાખે, ઓફિસરો આવે ને જાય છે. ઓફિસગીરી એક આત્મા છે ને એ આત્મા અમર છે. એક ઝાડમાંથી ટેબલ ને ખુરશીઓ બને. એમાંથી જ કાગળના કારખાનામાં સરકારી ફાઇલો બનતી રહે. થાય છે કે જ્યારે ભોજપત્ર પર લખાણ થતું હતું ત્યારે ફાઇલો કેવી હશે? જો કે હવે કાગળની કે ઓફિસરોની કોઈ અછત નથી, પણ જેમજેમ કાગળો વધશે તેમતેમ નવાનવા વિભાગો બનશે ને નવાનવા ઓફિસરો ખુરશી પર એવા જડાઈ જશે જાણે કૂંડામાંના છોડ! જે લહેરાતો રહે, ખીલતો રહે પણ એના મૂળિયાં જલ્દીથી હલી કે ઊખડી નહીં શકે. દેશનો વિકાસ થાય કે ન થાય, ઓફિસરોનો વિકાસ સતત થશે જ.
સરકારી ઓફિસરની ટ્રાન્સફરનું દ્રશ્ય બહુ મનોરંજક હોય છે. એક તરફ, આપણે દુ:ખી છીએ કે ‘હાશ વર્મા સાહેબ આપણને છોડીને જઈ રહ્યા છે’ ને બીજી તરફ, આપણે ખુશ છીએ કે ‘હાશ, શર્મા સાહેબ આપણી સાથે જોડાઈ રહ્યા છે!’ વિદાય ભાષણ આપનાર ક્ધફ્યુઝ્ડ હોય કે નવા ઓફિસરને મસ્કો લગાવું? કે વિદાય લેનાર માટે અફસોસનું વર્ણન કરું? ને બેઉને મિક્સ કરવાના એ માઇક પર ફાંફાં મારે.
નવો ઓફિસર એટલે અહીંયાંનું ટેબલ ત્યાં ને ત્યાંનું ટેબલ અહીયાં. બસ નવા ઓફિસરને લીધે ડેકોરેશનમાંથી જૂના ઓફિસરના પ્યારા ‘કેક્ટસ’ જાય ભાડમાં! શરૂશરૂમાં ‘સમય પાલન’ મસ્ટ! 10.30 એટલે 10.30. નવો સરકારી બાબુ આવે એટલે તૂટેલી કાર તરત રિપેર. 12 મહિના બધું બરાબર ચાલે પછી હતું એમનું એમ. પછી સિનિયર ને જુનિયર સરકારી બાબુ વચ્ચે ખીચડી રંધાઇ જાય એટલે સુધરેલા તંત્રની ગાડી પાછી બગડવા માંડે.
જોકે કોઇ સરકારી ઓફિસર સાથે દોસ્તી ક્યારેય ન થાય. મિત્રની જેમ તમે ઓફિસર સાથે ચાલી શકો નહીં, પણ ધરાર એની પાછળ ચાલવું પડે. કહેવત છે કે ઓફિસરની સામે ને ઘોડાની પાછળ ચાલવું નહીં. ગમે ત્યારે લાત પડે! જૂના જમાનામાં ઓફિસરો ઘોડે ચઢી રાઉંડ પર નીકળતાં ત્યારે બિચારી પ્રજા બેઉની લાત ખાતી હશેને?
નેતાઓ આખા દેશને એકસાથે ઠપકો આપે ને ઓફિસરો દરેકને વ્યક્તિગત રીતે બોલાવીને ઠપકો આપે. આપણે ઠપકો ખાવા જન્મેલ પ્રજા છીએં, ઠપકો આપનારાઓની નીચે દબાઈને જીવીએ છીએ. આપણે તો ફાઇલ છીએં ને રિબનથી એટલે કે સરકારી ઓફિસરોથી બંધાયેલા છીએં. પોલીસ ને સરકારી બાબુ હંમેશાં સતત બધે ડ્યૂટી પર જ હોય. ઓફિસર જો આ તરફ જતો હોય તો તો તમે બીજી બાજુ વળી જાઓ, એમાં જ તમારી ભલાઈ છે.
શું સમજ્યા?
સાબુ ને બાબુમાં ગમે ત્યારે લપસી શકો!
આપણ વાંચો: સિક્કાની ત્રીજી બાજુઃ પહેલાં જેવી મજા હવે નથી રહી…



