શરદ જોશી સ્પીકિંગઃ વિઝા આપો રે કોઈ વિઝા…!

- સંજય છેલ
આપણું બધું રાષ્ટ્રીય સ્વાભિમાન કોઈ પણ વિદેશી દૂતાવાસના દરવાજા પર પહોંચીને અચાનક પીગળવા લાગે છે. અંદરથી વ્હિસ્કી, શેમ્પેઈન અને વોડકાની વિવિધ પ્રકારની લોભામણી ગંધ આવે છે. વિદેશી સિગારેટ અને ચિરૂટની કલ્પના જ આપણાં મોંમાં ગલીપચી જગાવે છે અને એની બીજી જ ક્ષણે આપણે આપણી મહાન પ્રાચીન સંસ્કૃતિનો દાવો કરતો ટેગ લટકાવીને એ સનાતન ભિખારી જેવી સ્થિતીમાં આવી જઈએ, જે સદીઓથી યજમાનના દરવાજે લોટ સાટું ઊભો છે.
ફોરેનરો પાસેથી અભિનંદન મેળવવા માટે આમે આપણે કયો કયો દરવાજો નથી ખખડાવ્યો? સ્વાગતના તરસ્યા આપણે કુદાકુદ કરતા ક્યાં ક્યાં નથી દોડ્યા? માતૃભૂમિને આપણે કદાચ સુખ સુવિધા માટે જ પરિવાર માન્યો છે. છલાંગ મારીને ક્યાં કયાં નથી દોડ્યા? ‘વસુધૈવકુટુંબકમ’નો અર્થ સમસ્ત પૃથ્વીવાસી એક પરિવાર છે એના બદલે આપણે વસુધા (પૃથ્વી)ને કદાચ ખાવાપીવા માટે જ જાણે એક કુટુંબ માનીએ છે!
આમેય દૂતાવાસ તો ભાઈચારાનો અડ્ડો છે. ત્યાં નકલી વિવેકપૂર્ણ સ્વાગતનો એક અલગ અંદાજ હોય છે. અતિથિ, એ લોકો માટે દેવ સમાન હોય છે. આમ જુઓ તો દેવભૂમિના રહેવાસી આપણે છીએ. અમને ખવડાવો, અમને પીવડાવો, અમને વિદેશ આવવા આમંત્રણ આપો, અમારા અંગ્રેજી મીડિયમના હોશિયાર બાળકોને ભણવા માટે સ્કોલરશિપ આપો….આ ઉપરાંત પણ જે થઈ શકે, એ બધું આપોઆપો… આપોઆપો.
‘હમ ઉસ દેશ કે વાસી હૈ, જીસ દેશ મેં ગંગા બહતી હૈ’ અને આપણે લોકો નદી કિનારે સીંચાઈની વ્યવસ્થા કરવાને બદલે બીજા દેશમાંથી પાણીની ભીખ માગીએ છીએ અર્થાત્ અમને આપો, બસ આપો. આપણા રાષ્ટ્રીય અને સામાજિક જીવનમાં કદાચ એમ્બેસીની હવે આ જ ઉપયોગિતા રહી ગઈ છે.
સમાજમાં ઊંચે ને વધુ ઊંચે જવાની સીડી પર ચડવાનો ઈચ્છુક ભારતવાસી સારી રીતે જાણે છે- સમજે છે કે જીવન જીવવાનું સુખ તો દરિયાની પેલી બાજુ જ છે, આ બાજુ નહીં અને દૂતાવાસના ચક્કર લગાવીને સંસ્કૃતિ, સાહિત્ય, જ્ઞાન, મિત્રતા, એક્સ્ચેન્જ પોલિસી, જેવા કોઈ પણ નામ લઈ ખાડો ખોદે છે, જેનાથી વિદેશ જવાનો ચોર રસ્તો ખૂલે છે અને વિવિધ સ્વાદના દારૂઓ, કેબ્રે ડાન્સર, સેક્સ શોપ, મનમોહક રેસ્ટોરન્ટના દેશોમાં એન્ટ્રી મળી જાય છે.
વિદેશ જવાથી જીવન સફળ થઈ જાય છે. દીકરી ફોન પર જવાબ આપતા ગર્વથી કહી શકે છે કે, ‘પપ્પા તો ફોરેન ગયા છે!’
આપણી કરોડરજજુ વિનાની, ભિખારી ઈમેજની આ ક્ષણ કેટલી ઉચ્ચ હશેને? અરે! વિદેશ જવા માટે તમે કવિતાનો પણ ઉપયોગ કરશો, તો એ આંતરરાષ્ટ્રીયતાના ખાતામાં જશે. વિદેશ યાત્રાની તીવ્ર ઈચ્છા જે હિન્દી કવિને લાગી જાય છે. એ મૂળ કવિતાથી વધારે મહત્ત્વ વિદેશી કવિતાઓના અનુવાદ કરવાના કામને આપે છે.
એ સમજી જાય છે કે હિન્દીની મૂળ રચના આખરમાં શું તોડી લેશે? આ દેશમાં આપણું શું થવાનું છે અને જો થશે તો પણ શું થશે? અમારી કવિતાના અનુવાદ થશે અને એ ત્યારે થશે, જ્યારે પહેલા આપણે એમની કવિતાઓનું અનુવાદ કરી, ‘હુઝુર! લો પ્રસ્તુત છે આ કવિતાઓ’ કહી હાજર કરીશું, હવે તો વિદેશ યાત્રાની એક તક આપો, ભગવાન તમારી જોડી સલામત રાખે, માલિક!
ડાન્સર્સ ગયા, સ્ટારર્સ ગયા, પ્રોફેસરો, સંપાદકો વગેરેને ચાન્સ મળ્યો. સાહેબ, અમે કવિ છીએ! ઓરીજીનલ લખીએ છીએ, તો પણ એ વિદેશી દેશોના પ્રભાવ માટે લખીએ છીએ. અને અહીં તો લખ્યું પણ નથી, તમારા દેશની કવિતાઓનો બસ અનુવાદ જ કર્યો છે, હુઝુર! એક નજર આ બાજુ તો નાખો, અરે! મેં તો પાસપોર્ટ પણ બનાવી લીધો છે. અને હા, તમારી કૃપા હશે તો ડિસેમ્બરમાં જવાશે.
મહત્ત્વાકાંક્ષી ભારતીય દિલ્હી દૂતાવાસના દરવાજા તરફ છાતી ચોડી કરી લાલચી નજરોથી જુએ છે, એ પણ સોદાબાજીની એક રીત છે. ભોળી જીજ્ઞાસાઓ મધ્યમવર્ગી માણસની ઈચ્છાઓનાં સપનાઓ જગાવે છે. બધી સમસ્યાઓનો છેલ્લો ઉપાય આ દેશમાં વ્હિસ્કી શોધી લે છે.
જે બાબત, નિયમ, પરંપરા, મૂલ્યો અને મજબૂરીની મર્યાદામાં નથી ઉકેલાતા, એ વ્હિસ્કીની બોટલની આસપાસ આવી ઉકેલાય જાય છે. તેથી એ જ જીવનની છેલ્લી મૂલ્યવાન શોધ છે અને દૂતાવાસ એનો અખૂટ, અનંત ભંડાર છે. આંતરરાષ્ટ્રીયતાની દિશામાં જીભ લપલપ થાય છે. ભારતીય ટેલેન્ટ એ પ્રશ્નોમાં અટવાય જાય છે કે, જેના જવાબ દેશના ચીથરેહાલ દશામાં નથી મળતા.
બીજા ભારતીયોની સરખામણીમાં એનું કદ વધારે છે અને ફુગ્ગામાં હવા ભરી એક આભાસ ઉત્પન્ન કરી એવી ઊંચાઈએ ઉડાવે કે આગામી ડેલીગેશનની યાદીમાં નામ આવી જાય છે અને ત્યારે એ જ ભારતીય એની છાતી ફુલાવી, ખભા ઊંચા રાખી, વટથી પગ ઉપાડી પ્લેનની સીડીઓ તરફ ખેંચાતો જાય છે.
બસ થઈ ગયું, જે કંઈ મહત્ત્વનું થવાનું હતું તે થઈ ગયું. કોઈ કેવી રીતે ગયું, એની એક કહાની છે અને દરેક કહાની અલગ હોય છે. ચાલાકીનું, અદાનું, યોગ્યતાનું એક પરફોર્મન્સ આપવાનું હોય છે, જેને ખાસ ન્યૂઝ પેપર અને સેમીનારના લેવલ પર કરવાનું હોય છે. જે એ કરે છે. એક વાર, બે વાર, જરૂર હોય તો વારંવાર પણ કરે છે અને ત્યારે જઈને દરવાજા ખૂલે છે. અને ત્યારે એક ચોંકાવી દે એવા સમાચાર મળે છે- ‘એ તો જાય છે! હા એ જાય છે, આ મહિનાની પચીસ તારીખે, એમનું વિદેશ જવાનું નક્કી થઈ ગયું.’ ચાલો સારું થયું. ‘ક્યારે પાછા આવશે?’ અત્યારે છ અઠવાડિયાનું છે. કદાચ વધારે પણ થાય, અમે પ્રયત્ન કરીએ છીએ…
આપણ વાંચો: કચ્છી ચોવકઃ બોરડીનો કાંટો એક ઊભો એક આડો!