શરદ જોશી સ્પીકિંગઃ ઇલેક્શન પહેલાં ને પછી… નેતા-નિવેદનની કોમેડી

- સંજય છેલ
એક તો રાજકારણને ઓળખવું મુશ્કેલ છે અને એના કરતાં વધારે મુશ્કેલ છે નેતાઓનાં નિવેદનોને સમજવા! નેતાઓનાં નિવેદનો જાણે કે નિવેદનો નહીં, પણ હીલ સ્ટેશનનું હવામાન હોય એમ સવારે અલગ અને સાંજે અલગ હોય. નિવેદન નહીં જાણે હવામાનની આગાહી થઈ.
કવિ સુમિત્રા નંદન પંતએ લખ્યું છે, ‘પલ પલ પરિવર્તન પ્રકૃતિ વેશ.’ અરે, પહેરવેશ બદલાય તો પણ ઠીક છે, પણ અહીં તો આત્મા જ બદલાય જાય છે. શબ્દો પર સ્થળ અને કાળનો પ્રભાવ જોવો હોય તો નેતાઓનાં બદલાતાં નિવેદનોનો અભ્યાસ કરો. ગંગા ગયા તો ગંગાના સમર્થનમાં અને યમુના ગયા તો દેખીતી રીતે શબ્દોમાં યમુનાના વખાણ હતા. સાથે સાથે એ પણ કહી દીધું કે ગંગા માટે મેં જે કંઈ કહ્યું હતું, મારો કહેવાનો મતલબ એ નહોતો. મુંબઈમાં કંઈ કહ્યું હોય એ દિલ્હીમાં જાય એટલે બદલાઈ જાય છે અને ફરી મુંબઈ આવે એટલે પાછું બદલાઈ છે. નિવેદન નહીં જાણે, ધંધાવાળી સ્ત્રીની વફાદારી થઈ!
વાહિયાત હાસ્ય નાટકોમાં ઘણી વાર ડાયલોગ દ્વિઅર્થી હોય છે, પણ વાક્યના બંને અર્થ એક જ વખતમાં સ્પષ્ટ થઈ જાય છે એ એનો એક ખાસ ગુણ છે, જેને આપણે માનવો પડે. પણ નેતાઓનાં નિવેદનની વિશેષતા એ છે કે એમણે કહેલા વાક્યનો બીજો અર્થ ચોવીસ કલાક પછી ખબર પડે છે અને એ જ છાપામાંથી જાણવા મળે, જેમાં કાલે એ જ વાક્યનો પહેલો અર્થ ખબર પડી હતી.
નેતાના મોંમાંથી નીકળેલા શબ્દોમાં ઘણી તાકાત હોય છે. એ હોય છે છતાં પણ એ નથી હોતા. શબ્દોની પ્રકૃતિ હવા જેવી હોય છે. હવાની જેમ કોઈ પણ દિશામાં વહી જાય. એનો રંગ પાણી જેવો છે, જે રંગમાં ભેળવો એવા રંગનું થઈ જાય. એનું સ્વરૂપ આકાશ જેવું છે, જે તમારાથી પકડી ન શકાય. એ આગ જેવા ભડકતા અને ભયાનક લાગે છે, પણ ફૂંકથી લઈ ફાયર બ્રિગેડ એને સરળતાથી ઓલવી શકે છે.
એ ખૂબ જ વાસ્તવિક લાગે છે એટલે કે એકદમ પોતાની માટીથી જોડાયેલા લાગે છે, પણ એટલાં ક્ષણિક હોય છે કે ક્યારે પાછા માટીમાં ભળી જાય કહી ના શકાય. આમ આખી વાત પંચતત્ત્વોની છે. પણ વિશ્લેષણ કરો તો બીજાં તત્ત્વો પણ શોધી શકાય! દિલ્હીનું વલણ, રાજકીય પક્ષની છબી, વિરોધીઓનો વિરોધ, મૂર્ખતાની અનુભૂતિ, આસપાસનું દબાણ વગેરે અનેક તત્ત્વોની તપાસ નેતાઓનાં નિવેદનોમાં કરી શકાય છે.
નિયમ એ હોવો જોઈએ કે જે દિવસે નેતા સનસનાટીભર્યું નિવેદન આપે એ દિવસે એને વાંચો પણ એને ગંભીરતાથી લેવાનું નહીં. ચોવીસ કલાક રાહ જુઓ. નિવેદન બદલાશે અથવા નિવેદનનો અર્થ બદલાશે. નહીં બદલાય તો બની શકે કે નેતા જ બદલાઈ જાય!
એક છીછરા શબ્દ માટે છૂટ આપો તો હું કહીશ કે નેતાનાં વાક્યોમાં ‘શબ્દ’ મને પોતાની ઐસી-તૈસી કરાવતા લાગે છે!



