ઈન્ટરવલ

શરદ જોશી સ્પીકિંગઃ આદિ-કથા ઉર્ફે એ જ જૂના આદિવાસી

સંજય છેલ

આ દેશમાં આદિવાસી હજી ત્યાંના ત્યાં જ છે, જ્યાં એ પહેલાં હતા. દરેક ભાષણમાં એમનો ઉલ્લેખ કરવામાં આવે છે, દરેક કમિશન એના પર વિચાર કરતા જ હોય, દરેક ઘોષણાપત્રમાં એમની પરિસ્થિતિ પર ચિંતા કરવામાં આવતી હોય, દરેક યોજના અને દરેક બજેટમાં એમના માટે જોગવાઈ કરવામાં આવે, પરંતુ આટલાં વર્ષો પછી પણ જ્યારે ભારતના નેતાઓ એમના દરવાજે પહોંચે છે ત્યારે આદિવાસી એવી જ રીતે રડતો, વિલાપ કરતો જોવા મળે છે જેમ એ વર્ષો પહેલાં પણ કરતો હતો.

જ્યારે ભારતના પહેલા પ્રધાનમંત્રી એને મળવા માટે પહેલી વખત એના જિલ્લામાં ગયા હતા. આજે પણ એ હજી અર્ધ-નગ્ન છે, માથું નમાવીને ઊભેલો છે અને એની સંખ્યા કે શક્તિનો ઉપયોગ તહેવારો કે પ્રસંગો પર મોરપંખ માથામાં લગાડીને મંત્રીઓના સ્વાગતમાં નાચ-ગાન કરવા પૂરતો જ હોય છે.

આજે પણ એ નિર્જન થઈ રહેલા જંગલમાં એનું માથું ફોડે છે અને રાહત કામગીરીના ભાગ રૂપે પથ્થર તોડે છે! શહેર ઝાડ કાપીને જંગલમાં ઘૂસી રહ્યું છે, પણ આદિવાસી એટલો જ આદિવાસી છે જેટલો એ પ્રાચીન સમયમાં હતો. આજે પણ એ કેમેરાથી ફોટો ખેંચવાલાયક વસ્તુ છે. એની બનાવેલી જ્વેલરીમાંથી મોર્ડન ડિઝાઈનરોને નવી કલ્પના મળે છે, એની સંગીતની ધૂન સાંભળવા લાયક હોય છે, એનું સંગીત રેકોર્ડ કરવા જેવું યોગ્ય હોય છે, એની કલા-કૃતિઓ સજાવટ માટે ઉત્તમ હોય છે. આટલું બધું હોવા છતાં આજે પણ એમની દીકરીઓને જિલ્લા, તહેસીલ અને રાજ્યના અધિકારીઓ, પોલીસવાળાઓ દ્વારા એ જ અમુક પ્રકારના ઉપયોગ માટે લાવવામાં આવે છે.

ક્યાં ઘુસી ગયા એ રૂપિયા જે વર્ષે દર વર્ષે આદિવાસીઓની પ્રગતિ અને વિકાસ માટે બજેટમાં રાખવામાં આવતા હતા? ત્યાં રસ્તાઓ બન્યા, એના પર સરકારી જીપોનું આવન-જાવન શરૂ થયું, પણ આદિવાસીઓનું નહીં. ત્યાં સરકારી આરામગૃહ બન્યા જે અધિકારીઓ માટે આરામ અને મોજ મસ્તી માટેનું સ્થળ બની ગયા. આદિવાસીઓની સ્કૂલ, હોસ્ટેલ, હોસ્પિટલ બધું એ જ હાલતમાં છે.શું આદિવાસી છોકરાઓ તો ક્યારેય મેરિટ લિસ્ટમાં આવતા જ નહીં હોય? સંસ્કૃતિનું ગૌરવ ધરાવતા આ રાજ્યોમાં રૂપિયા ખર્ચાયા તો ક્યાં? જંગલ કાપવામાં કે ઓફિસ બનાવવામાં? ત્યાં તો એક વરસ વરસાદ ન થાય તો આખો જિલ્લો આફ્રિકાના ઈથોપિયા જેવો બની જાય છે.

આદિવાસીઓનું મન દૂર દૂરથી આવેલી વિદેશીઓ જીતી લે છે. રાજ્યના બજેટ કરતાં વિદેશથી આવેલું ધાર્મિક દાન ત્યાં વધારે સારો કમાલ કરી દેખાડે છે. આપણી સરકાર જેમને ભારતીય જીવનના મુખ્ય પ્રવાહ સાથે જોડી નથી શકતી એમને એ અજાણ્યા વિદેશી પોતાના ધર્મમાં પરિવર્તિત કરવામાં સફળ થઈ જાય છે.

બીજી તરફ, વર્ષો વરસ આદિવાસીઓ માટે ફાળવવામાં આવતા લાખો રૂપિયા જાય છે ક્યાં? સરકારી ખજાનાથી લઇને આદિવાસીની ઝૂંપડી વચ્ચે કેટલાં ખિસ્સાંઓ, કેટલા પાકીટો, કેટલીય ભ્રષ્ટ કડીઓ છે? આ એક અજીબ તિલસ્મી તકલીફની વાત છે.

આજે વર્ષો પછી જ્યારે દેશના મંત્રીઓ આદિવાસીની ઝૂંપડીની બહાર ઊભા રહીને હાલચાલ પૂછે છે, ત્યારે પણ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે જ્યાં પહેલાં હતી. બન્ને વચ્ચે, એક સતત જવાબ વગરનું પ્રશ્નાર્થ ચિન્હ છે. મંત્રીજીનો હસતો ચહેરો અને આદિવાસીઓના પરેશાન ચહેરાઓની વચ્ચે જે ખાલીપણું છે, એને જોવું એટલે દેશની વાસ્તવિકતા જોવા જેવી વાત છે!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button