કવર સ્ટોરી : એફઆઇઆઇને સેબીની રેડ કાર્પેટ શેરબજારને ગ્રીન ઝોનમાં દોરી જશે!

-નિલેશ વાઘેલા
શેરબજારમાં તેજી માટે સૌથી મુખ્ય પ્રેરકબળ વિદેશી ફંડોની વેચવાલી ને લાગેલી બ્રેક અને આ વર્ગની શરૂ થયેલી લેવાલી છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ)એ ભારતીય શેરબજારમાં ઘણાં લાંબા સમય બાદ પાછલા શુક્રવારે રૂ. 7,470.36 કરોડનું રોકાણ કર્યું હતું, જેનું મુખ્ય કારણ આમ તો એફટીએસઈ માર્ચની સમીક્ષા છે.
નોંધવું રહ્યું કે ગયા વર્ષના ઓક્ટોબરથી વિદેશી ફંડના એકધારા વેચાણને કારણે બજારનું સેન્ટિમેન્ટ ખૂબ જ નબળું પડી ગયું હતું અને સેન્સેકસ તથા નિફ્ટીમાં જોરદાર ધોવાણ જોવા મળ્યું હતું. એફઆઇઆઇની પાછલા સપ્તાહથી વાપસી થવા સાથે ઉપરોક્ત બંને બેન્ચમાર્કે 2025માં નોંધાવેલું નુકસાન પૂર્ણપણે પચાવી લીધું હતું અને પાંચ સત્રમાં એક અંદાજે માર્કેટ કેપમાં રૂ. 26 લાખ કરોડનો વધારો થયો છે. બજારના નિષ્ણાતોના મતે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં આવેલા સુધારા, વિદેશી રોકાણમાં થઇ રહેલા વધારા અને સકારાત્મક વૈશ્ર્વિક વિકાસને કારણે આ વધારો થયો છે. નિફ્ટીમાં ફેબ્રુઆરી 2021 પછીનો અને સેન્સેક્સમાં જુલાઈ 2022 પછીનો આ સૌથી મોટો સાપ્તાહિક વધારો નોંધાયો છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : દિશાના ક-મોત પર રાજકીય ફાયદાની હોડ?
એફપીઆઇના વેચાણમાં પલટાથી બજારનો વિશ્ર્વાસ મજબૂત થયો છે. તેમના મતે આ બદલાવને મજબૂત સ્થાનિક વૃદ્ધિ, ફુગાવામાં આવેલી હળવાશ અને ડોલરની નબળાઈને આભારી છે. આ જ શ્રેણીમાં ડોલર સામે રૂપિયો મજબૂત બનવાને કારણે પણ બજારને બુસ્ટ મળ્યું છે. ટ્રમ્પના તર્કવિહોણા વલણને કારણે અનિશ્ર્ચિતતા હજુ તોળાઇ રહી હોવા છતાં, નબળા પડતા ડોલરે ઇક્વિટી બજારને વધારાનો ટેકો પૂરો પાડ્યો છે.
હવે આ માહોલ વચ્ચે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર, સેબીના નવનિયુક્ત ચેરમેનની અધ્યક્ષતા હેઠળની બેઠકમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોને વધુ આકર્ષી શકે એવા નિર્ણયની જાહેરાત થઇ છે. શેરબજારના પીઢ અભ્યાસુઓ માને છે કે સેબીએ કરેલી તાજી જાહેરાત વિદેશી ફંડોના રોકાણમાં વધારો કરી શકે છે અને તેને પરિણામે શેરબજારની તાજેતરની તેજીને ઇંધણ મળી શકે છે.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ એક મહત્ત્વનો નિર્ણય લઈને વિદેશી રોકાણકારોને રાજીના રેડ કરી દીધા છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ડિરેકટર બોર્ડે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ) માટે ગ્રેન્યુલર ડિસ્ક્લોઝર માટેની થ્રેશોલ્ડ (થ્રેશોલ્ડ ફોર ગ્રેન્યુલર ડિસ્ક્લોઝર)ને વર્તમાન 25,000 કરોડ રૂપિયાથી વધારીને 50,000 કરોડ રૂપિયા કરવાની મંજૂરી આપી છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : અમેરિકાની મંદીનો ભરડો ભારતીય બજારને ભીંસમાં લેશે?
સરળ શબ્દોમાં કહીએ તો પહેલા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ)એ 25000 કરોડ રૂપિયા કરતાં વધારે રોકાણ કરવા માટે એ સંદર્ભે વધારે જાણકારી આપવી પડતી હતી, હવે આ થ્રેશોલ્ડ, નિર્ધારિત મર્યાદા 50,000 કરોડ રૂપિયા સુધી વધારવામાં છે. આ ડિસ્ક્લોઝર પીએમએલએ અને પીએમએલઆરના નિયમોનું પાલન સુનિશ્ર્ચિત કરવા સાથે સંબંધિત છે. સૌ પ્રથમ આપણે એ જાણીએ કે સેબીના નવા ચેરમેને શું કહ્યું? સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેએ જણાવ્યું કે, ભારતની નિયમનકારી નીતિનો ઉદ્દેશ્ય વિદેશી સંસ્થાકીય રોકાણકારોને ડરાવવાનો નથી, પરંતુ તેમની ભાગીદારીને સુવિધાજનક બનાવવાનો છે. તેમણે કહ્યું કે, સેબીનો ઉદ્દેશ મજબૂત, પારદર્શક અને રોકાણકારો માટે અનુકૂળ વાતાવરણ ધરાવતી બજારની રચના કરવાનો છે.
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ નક્કી કરવાનું છે કે તેમણે ક્યાં રોકાણ કરવાનું છે અને કેવા પ્રકારના રિટર્નની અપેક્ષા છે. સેબી તેમને એવો નિયમનકારી માહોલ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે કે જે તેમને ભારતમાં રોકાણ કરવા આકર્ષિત કરે.
હવે આપણે એ જોવાનો પ્રયાસ કરીએ કે સેબીના ઉક્ત નવા નિયમથી ભારતીય શેરબજાર પર કેવી અસર થશે? બજારના અભ્યાસુઓ માને છે કે સેબીએ નિયમમાં જાહેર કરેલા ફેરફારથી વિદેશી રોકાણમાં વધારો થઈ શકે છે. આ ફેરફારને કારણે જેઓ ભારતીય બજારમાં પૈસા રોકવા માગે છે, એવા રોકાણકારો માટે પ્રવેશ વધુ સરળ બની જશે. આ રોકાણકારોને હવે ઓછી દસ્તાવેજી કાર્યવાહી કરવી પડશે અને તેઓ ભારતમાં વધારે પૈસા લગાવી શકશે. આનાથી શેરબજારમાં તેજી જોવા મળી શકે છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી: ત્રણ ભાષાનાં ભૂત ફરી કેમ ધૂણી રહ્યાં છે?.!
આ ફેરફારથી વિદેશી રોકાણકારો માટે ભારતીય શેરબજારમાં સકારાત્મક માહોલ સર્જાશે. બજાર નિયામકનું આ પગલું રોકાણકારોને ખાતરી આપશે કે ભારતમાં રોકાણના નિયમો સ્થિતિસ્થાપક અને અનુકૂળ છે. ખાસ કરીને બેન્કિંગ, આઈટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં વિદેશી રોકાણ વધી શકે છે, જેના કારણે આ સેક્ટરની કંપનીઓના શેરના ભાવ વધી શકે છે.
એ જ સાથે તૂલનાત્મક ધોરણે નાનું કદ ધરાવતા વિદેશી રોકાણકારોને આ પગલાથી સુગમતા મળશે. અગાઉ જે રોકાણકારોને 25,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવું હોય તો વધારે માહિતી આપવી પડતી હતી, હવે આ મર્યાદા વધારીને 50,000 કરોડ રૂપિયા કરવામાં આવી હોવાથી નાના વિદેશી રોકાણકારો પર ઓછું દબાણ આવશે અને તેઓ ભારતમાં વધુ સરળતાથી રોકાણ કરી શકશે.
હવે એ જાણીએ કે મિડકેપ અને સ્મોલકેપ શેર પર કેવી અસર રહેશે! નોંધવું રહ્યું કે મોટા રોકાણકારો મોટાભાગે, મોટી કંપનીના લાર્જ કેપ શેરોમાં નાણાંનું રોકાણ કરવાનું પસંદ કરે છે. આથી સ્વાભાવિક છે કે, જો માત્ર મોટી કંપનીઓમાં વિદેશી રોકાણ વધે તો મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વધુ અસર જોવા નહીં મળે. આ ફેરફારની ભારતીય રૂપિયા પર પણ અસર જોવા મળશે અને વિવિધ સેકટર પર તેને કારણે વિરોધાભાસી અસર સર્જાવાની સંભાવના છે. જો વિદેશી રોકાણ વધશે તો રૂપિયાની માગ પણ વધી શકે છે, જેના કારણે ભારતીય રૂપિયો મજબૂત થઈ શકે છે. રૂપિયો મજબૂત થવાથી ઓઇલ અને ગેસ કંપનીઓને ફાયદો થશે, પરંતુ આઇટી અને ફાર્મા કંપનીઓને નુકસાન થઈ શકે છે, કારણ કે તેમની કમાણી વિદેશી ચલણમાં હોય છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : એસએમઇ સેબીના સાણસામાં…
નિષ્ણાતોના મતે બજારની તેજીની ગતિ આપનાર પરિબળમાં સકારાત્મક વૈશ્ર્વિક સંકેતોની પણ ભૂમિકા રહી છે. વોલ સ્ટ્રીટના પ્રદર્શને પણ સ્થાનિક સેન્ટિમેન્ટને ઉત્થાન આપ્યું હતું. આ સપ્તાહમાં રોકાણકારોનું ધ્યાન માર્ચના ડેરિવેટિવ કોન્ટ્રાક્ટની સમાપ્તિ અને એફઆઇઆઇ પ્રવૃત્તિ પર રહેશે. વૈશ્ર્વિક મોરચે, યુએસ બજારો નજર હેઠળ રહેશે, જેમાં ટેરિફ સંબંધિત અપડેટ્સ અને જીડીપી વૃદ્ધિ ડેટા રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર કરે તેવી અપેક્ષા છે. હવે અમેરિકા સાથે નોંધપાત્ર વેપાર સરપ્લસ ધરાવતા દેશો પર ધ્યાન કેન્દ્રિત કરીને ટ્રમ્પ પસંદગીયુક્ત અભિગમ અપનાવે તેવી અપેક્ષા સેવાઇ રહી છે. અલબત્ત રોકાણકારો સંભવિત ટેરિફ ક્રિયાઓ માટે બીજી એપ્રિલે ટ્રમ્પ કેવી જાહેરાતો કરે છે તેના પર નજર માંડીને બેઠા છે.
વિદેશી ફંડોએ 21 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતીય શેરબજારમાંથી 515 મિલિયન ડોલરના શેર ખરીદ્યા હતા, જે આ વર્ષનો પ્રથમ સાપ્તાહિક રોકાણપ્રવાહ છે. માર્ચમાં અત્યાર સુધીમાં તેમણે સ્થાનિક બોન્ડમાં ત્રણ બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે, જે 2017 પછી સૌથી મોટો આંકડો છે.