ઈન્ટરવલ

વ્યંગ: લો, ઝીબ્રાએ કર્યું હોંચી હોંચી!

-ભરત વૈષ્ણવ

‘ગિરધરલાલ, હું એક ખેલ દેખાડું.’ રાજુ રદીએ મને કહ્યું.

રાજુ આળવિતરો આદમી છે. એ શું કરશે અને શું ન કરશે તેની આગાહી કોઇ કરી શકે નહીં. મારી વાતમાં વિશ્વાસ આવતો ન હોય તો નોસ્ટ્રોડોમસની આગાહીનું પુસ્તક વાંચી જુવો. નોસ્ટ્રોડોમસે જાતજાતની આગાહી કરી છે, પણ રાજુનો ‘ર’ પણ ભાખી શકયો નથી.

‘હું આ પ્રાણી પર કાંકરી ચાળો કરીશ તો ચમત્કાર થશે.’ રાજુએ અગડમબગડમ દાવો કર્યો.

ગોપી કાનજીને કાંકરીચાળો ન કરવા એક ગીતમાં વિનવે છે. અહીં તો રાજુ રદી સ્વયં કાંકરીચાળો કરીને કોની ગાગર કે ગાગરો ફોડવા માગે છે તેની ખબર પડતી ન હતી.

‘રાજુ, મુસીબતને માશી માનીને કોઇ ખેલ કરતો નહીં. નહીંતર લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય તેવી મારી કફોડી સ્થિતિ થશે.’ મે રાજુને અવળચંડી ભટા જેવું વર્તન ન કરવા સાફ મનાઇ કરી.

‘હું તો અડપલું કરીશ.’ આ હતો રાજુનો જવાબ. રાજુ કોઈનું માને છે કે મારું કહ્યું માને? એ વાતમાં માલ પણ નથી કે બાલ પણ નથી. રાજુએ એક પાંજરા તરફ ઢેખાળો ફેંક્યો.મને એમ કે વાઘ હમણા છંછેડાઇને અમારી સામે આવશે. સિંહ તો ગર્જના કરે કે ન કરે, પણ વાઘ તો જરૂર ઘરવાળીની જેમ ત્રાડ પાડશે. વાઘની ત્રાડથી અમે રાડ પાડી દઇશું અમારી ચડ્ડીમાં ચોમાસું પણ થઇ જશે, પરંતુ મારી ધારણાથી વિપરીત વાઘ ભગવદ્ ગીતાના ઉપદેશને આત્મસાત કરી જઇને સ્થિતપ્રજ્ઞ કે અનાસક્ત રહ્યો.વાઘ આટલો અહિંસક કે જૈન વાઘ કેવી રીતે હોઇ શકે?

‘ઇમ્પોસિબલ.. ઇમ્પોસિબલ ઇમ્પોસિબલ’ મે પણ નેપોલિયનની જેમ રટણ કર્યું.

‘ગિરધરલાલ,આ પાંડાનું પાંજરું છે.’ રાજુ જેન્ટલમેન તો કભી બન પાયા નહીં . લેકિન ઝૂ ગાઇડ બન ગયા.

‘રાજુ, પાંડાની સાઇઝ ડાઉટફૂલ લાગે છે. ક્યાંક પાંડો બોનસાઇ તો નથીને ? પાંડા તો ઠંડા પ્રદેશમાં થાય છે. અહીં તો પાંડા જીવી શકે તેવી પરિસ્થિતિ નથી.અહીં તો પાંડાની વસતિ હોવાનું ડિસ્કવરી કે નેશનલ જયોગ્રાફી ચેનલવાળા પણ કદી કહેતા નથી’ મેં મુંઝાઈને મગજ ખંજવાળતા રાજુને પૂછયું.

‘હું પણ એ જ વાત કરું છું.’ કાયમ મારી સાથે અસંમત થતા રાજુએ પહેલી વાર મારી સાથે સંમતિ દર્શાવી મારો ડંકો વગાડી દીધો.

‘ ગિરધરલાલ,આ ઝીબ્રાનું પાંજરું છે. રસ્તા પર ટ્રાફિક નિયમન માટે ચિત્તરાતા ઝીબ્રા ક્રોસિંગનું નામ આ પ્રાણીના નામ પરથી પાડવામા આવેલ છે.’ રાજુ ગાઇડની ભૂમિકામાં પરફેકટ જણાયો.

‘ રાજુ , મને તેની ખબર છે.’ રાજુની વાતને કાપી. રાધારાણી પણ અમારી દલીલની હત્યા આ પદ્ધતિએ કરે છે.

‘તમે કદી ઝીબ્રાનો અવાજ સાંભળ્યો છે?’ રાજુએ ગૂગલી ફેંકી. મે આજ સુધી ઝીબ્રાનો અવાજ સાંભળ્યો નથી. ઝીબ્રા પણ ગોરધન એટલે કે પતિ જેવું પામર પ્રાણી હશે કે બિચારાને બોલવાની ચળ હોય, પરંતુ એક તક ઝીબ્રા કે ગોરધનને ન મળે.

‘ ના, રાજુ, મેં કદી ઝીબ્રાનો અવાજ સાંભળ્યો નથી.’ મે નિવેદન કર્યું.

‘ ગિરધરલાલ, તમારે ઝીબ્રાનો અવાજ સાંભળવો છે?’ રાજુએ મને પૂછયું.

‘ યેસ , ઓફ કોર્સ .’ મે હકારમાં મૂંડી હલાવી. રાજુએ એક ઢેખાળો ઝીબ્રા પર ફેંક્યો તે ઝીબ્રાની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો એમ કવિ કલાપીની પંક્તિ ઊલટાવીને કહી શકાય.

‘ હોંચી. હોંચી હોંચીઇઇ હોંચી…’ અવાજ આવ્યો . ઝીબ્રા અને ગધેડા વચ્ચે કોઇ આનુંવાંશિક એટલે કે એન્થ્રોપોલોજીકલ સંબંધ નથી તો અવાજ સેઇમ ટુ સેઇમ કેવી રીતે હોઇ શકે ? મારા મનમાં સવાલ ગુંજવા લાગ્યો.

વાંચકો, તમને સવાલ એ થશે કે રાજુ રદી અને હું કયાં લોકમાં નારદ ઋષિની માફક વિહરી રહ્યા છીએ.અમે અચાનક અને અનાયાસ ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવેલા. કાકરિયા ફાકરિયા પ્રાણી સંગ્રહાલય તો ઐરા ગૈરા નથ્થુ ગૈરા જતા હશે. અમે તો ચીનના શેન્ડોગ પ્રાંતના ઝીબો શહેરના ઝૂમાં જઇ પહોંચ્યા હતા. તમને થશે કે વ્હાય ચાઇના ? જગત આખું ખૂનખાર પ્રાણી સમા માનવોથી ભરેલ છે. ઘરઆંગણે ચિત્તા, દીપડા, વરૂ, ઝરખ, શિયાળ, હીપોપોટેમસ, મગર ઓફ કોર્સ ગધેડા એ પણ ઘરબેઠા જોવા મળતા હોય તો છેક ચીન સુધી શા માટે લાંબા થવાનું? કોઇ છોકરી પટાવવા રૂપિયા પાંચ કે પાંચ કરોડનું પેટ્રોલ બાળીએ તો લેખે પણ લાગે. કૃપયા , વાંચકગણ શાંતિ રખ્ખે ઔર અંત તક લેખ પઢે.. આપકે સારે સવાલ કે પ્રત્યુત્તર મિલ જાયેંગે. ધન્યવાદ . હમારે સાથ બંને રહે. ડીંગડોંગ .

‘ ગિરધરલાલ, આ ટૂરિસ્ટ વધારવા અને ટૂરિસ્ટને બેવકૂફ બનાવવવાની ચાઇનીઝ ચાલ છે.’ રાજુએે કહ્યું.

‘ રાજુ, શુભ શુભ ન બોલ એ ચાલશે, પણ યાર, સમજાય એવું તો બોલ.’ મેં રાજુને રિકવેસ્ટ કરી.

‘ ગિરધરલાલ, તમને યાદ છે કે ચીનમાં સહેલાણીને ઉલ્લું બનાવવા પર્વત પર વહેતો ધોધ ઉનાળામાં સુકાઇ જાય તો મોટી પાઇપ લગાડી નકલી ધોધ ચાલું કરેલો,જેનો પાછળથી કોઇ પ્રવાસીએ ભાંડાફોડ કરેલો.’ રાજુએ મને એક કિસ્સો સંભળાવ્યો.

‘રાજુ, એમાં તો ચીનની બહુ બેઇજજતી થયેલી’ મને આખો કિસ્સો યાદ આવ્યો.

‘ગિરધરલાલ, આ વખતે ચીને આવી ચીની શાહુકારી ઝૂમાં વાપરી છે. ગધેડાને કલરથી કાળીધોળા પટ્ટા ચિતરી ઝીબ્રા બનાવેલ. કાળા જોડે ધોળો બાંધો તો શું થાય? ગાયનો કદી ગધેડો બને ખરો? ગધેડાને કલર મારી ઝીબ્રા બનાવો તો ગધેડો ભૂંકીને કલર બતાવે અને બતાવે જ.ચીનના ઝૂ વાળા ઝીબ્રાનું તરકટ કરવામાં સફળ થયા એટલે ખાસ નસ્લના કૂતરાંના બચ્ચા પર પીળા કાળા ચગદા ચિતરી વાઘના બચ્ચા બનાવ્યા.ઝૂની આવક વધી એટલે કૂતરાંના બચ્ચા પર કલપ કરી પાંડા બનાવ્યા. બાળકોએ એ છેતરપિંડી અંગે હો હા કરી.એક ખણખોદિયા એટલે કે ઇન્વેસ્ટિગેટિંગ પત્રકારે ઝૂના કર્મચારીને કલપ કરતા રંગે હાથ કલર પકડ્યા . વીડિયો વાયરલ થયો. ચીબા નાકવાળા ચીનાનું ભીંડાના ફોડવા જેવું નાક કપાયું.’ રાજુએ આખો ઘટના ક્રમ મને કહ્યો.

આ પણ વાંચો…અમેરિકામાં ભારતીય મૂળની માતાએ 11 વર્ષના પુત્રને પહેલા ડિઝનીલેંડ ફેરવ્યો, પછી ગળું દબાવી કરી હત્યા

જો કે, રાજુ ચીનાઓના ચાઈનીસ ચક્કરથી ભયંકર પ્રભાવિત થયો છે. રાજુ પણ દસ બાય દસનો મહા સમુદ્ર બનાવી એમાં ઉછળતા મોજાં, મોજાના ફીણ, હીરોઇનના ગાલ જેવી રેતી પાથરી, એઆઇ જનરેટેડ નારિયેળી લગાવી મિનિએચર કે બોનસાઇ બીચનું નિર્માણ કરી મુલાકાતી દીઠ કરોડ રૂપિયાની એન્ટ્રી ફી રાખી રોજના એક લાખ ટુરિસ્ટને એન્ટ્રી આપી નિખર્વોપતિ બનવાના ખ્વાબ જોવા લાગ્યો છે. જોઈએ , એને ફળે તો મને્ય રાજુ રદીના મિત્ર હોવાથી ફાયદોને ?!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button