ઈન્ટરવલ

ઈન્સ્પેકટર કેમ રડી પડ્યા?

વ્યંગ -ભરત વૈષ્ણવ

‘સાબ, તમારી ગૈયા છું. ગમે એમ કરીને મને બચાવી લો. મારા માથે મોત મંડરાઇ રહ્યું છે… હું જીવવા માગું છું. મારી ખ્વાહિશ, આકાંક્ષા, અરમાન નાના છે. (આ એનાં સંતાનનાં નામ છે – શબ્દકોષના શબ્દો નથી!.) ‘
આટલું કહીને રઘલો પોલીસ ઇન્સ્પેક્ટરના પગમાં પડી ગયો. રઘલાની આંખોમાંથી શ્રાવણ- ભાદરવો વરસે.

‘અલ્યા રોંચા, તું કોઇ એંગલથી ગાય જેવો લાગતો નથી. તું તો આખલા જેવો કે બળદ જેવો લાગે છે.’ પોલીસ ઇન્સ્પેક્ટર વેદ સાહેબે ડ્ઢડ્ઢડ્ઢડ્ઢ મોટી ગાળ ફટકારી
‘સાબ, એ તો કહેવાની સ્ટાઇલ છે…’ રઘલો ઓછા લાકડે કયાં બળે એવો હતો.

‘તું પહેલા ઊભો થા.’ વેદ સાહેબે પોલીસ ખાતાની પરિચિત કડકાઈ દાખવી. પોલીસને આવા તમાશાનું રોજનું
થયું .

‘ના સાહેબ હું ઉભો નહીં થાવ. તમે મને બચાવવાની ખાતરી આપો પછી જ ઉભો થઇશ.’ રઘલાએ કોઈ ખેડૂત આગેવાન જેવો સત્તાગ્રહ કર્યો.

‘જો તારી વાત મને પલ્લે પડતી નથી. તને કોનાથી ખતરો છે, શું કામ ખતરો છે, તું બદમાશ છે કે સજ્જન છે એની મને કયાં ખબર છે?’ વેદ સાહેબે રઘલાને એક અડબોથ ઝીંકીને સવાલ પૂછ્યા. પોલીસના હાથ વધુ ચાલે અને જીભ ઓછી ચાલે.

‘સાહેબ મને કેમ માર્યો ? હું તો ફરિયાદી છું. મેં તો કોઇ ગુનો કર્યો નથી. વગર ગુનાએ તમે મને મારી ન શકો.’ રઘલાએ પોલીસ ટોર્ચરનો વિરોધ જાહેર કર્યો.

‘કેમ ? ડામિસ તું ગુનો કરે ત્યાં સુધી મારે તને ઠમઠોરવા રાહ જોવાની? અમારા હાથને મારવાની ચળ ઊપડતી હોય તો પણ અમારે તમે ગુનો કરો ત્યાં સુધી રાહ જોવાની?’ વેદ સાહેબે રઘલાને
બીજી અડબોથ મારી હાથની ખુજલી મિટાવી.

‘સાહેબ હું વૃક્ષના પાંદડાંની માફક દિનરાત ફફડું છું. રાતે તો મારી હાલત કફોડી થાય છે.’ રઘલા પૂરા કાર્ડ ખોલ્યા વગર બ્લાઇન્ડ ગેમ રમતો હતો.

‘અલ્યા ડોફા, તું અંધારી આલમમાં કામ કરે છે? બોસ સાથે વાંકું પડ્યું છે? તને અંડર વર્લ્ડથી ખતરો છે?’ વેદ
સાહેબે રઘલાની ઊલટ તપાસ ચાલું
કરી.

‘ના સાહેબ હું તો સીધી લીટીનો લબાડ છું.’ રઘલાએ જવાબ આપ્યો.

‘તો અંબાણી જેટલો ધનવાન છો ? તારા પર એકસટોર્શન માટે બ્લેન્ક કોલ આવે છે?’ વેદ સાહેબનો બીજો સવાલ.
‘સાહેબ હું તો ગર્ભગરીબ છું.’ રઘલો ઉવાચ.

તે કોઇનું ગબન કર્યું છે?’ વેદ સાહેબે આકરી તવાઇ સાથે પૂછપરછ આદરી.

‘ના સાહેબ.’
‘તો તને કોઇએ ડિજિટલ એરેસ્ટ કરી પૈસા માગ્યા છે?’

‘સાહેબ, એટલો ડફોળ તો હું નથી.’ રઘલાએ કોલર ઉંચો કરીને કહ્યું .

‘ઠોક્યા, તારો પગ ક્યાંય કૂંડાળામાં પડી બડી ગયો નથી ને. ક્યાંક હનીટ્રેપમાં ફસાયો છે?’ વેદ સાહેબે આંખ મિંચકારી પૂછયું.

‘ના સાહેબ એવું નથી. હું તો નારીને નવ ગજ નહીં પણ નવાણું ગજથી સાક્ષાત્ દંડવત્ પ્રણામ કરું છું. સાહેબ, તમે લગ્ન કર્યા છે?’ રધલાએ અચાનક સામો સવાલ કર્યો.

‘પોલીસને અંગત સવાલ કરે છે? તેં નક્કી સ્પોન્ઝી સ્કિમમાં કરોડો રૂપિયા ઉસેટ્યા હશે. પૈસા પરત કરવાના સમયે તું અખાડા કરતો હોઇશ?’

‘ના સાહેબ, શું ગાંડુંઘેલું પૂછો છો? તમને પોલીસ અધિકારી કોણે બનાવ્યા? કોઇ તાલીમ બાલીમ આપી છે કે નહીં?’ રઘલો હવે સાહેબ પર બગડ્યો .

‘સાલા, આમ, તો મુફસિલ લાગે છે. તું સ્ટેન્ડઅપ કે સિટિંગ કોમેડિયન – બોમેડિયન નથી ને પેલા કુણાલ કામરા જેવો?’ વેદ સાહેબે હોટ ટોપિક પરથી સવાલ બનાવી લીધો.

‘સાહેબે તમે બહુ પૂછી લીધું. હવે ચૂપચાપ રહીને મારી વાત સાંભળો.’ રઘલાએ અલ્ટિમેટમ આપ્યું.

‘તો ભસી મર .’ વેદ સાહેબે આદેશ આપ્યો.

‘સાહેબ, રાતે કોઇક સપનામાં આવે છે.’ રાજુ ભયભીત સ્વરે બોલ્યો.

‘પછી શું?’ વેદે પૂછયું.

‘સાહેબ રાતે કોઇક મારી છાતી પર બેસી જાય છે. તેને લાંબા લાંબા નખ છે. ડ્રેકુલાની માફક લાંબા નખથી મારી છાતી ચીરે છે. મારી છાતીમાંથી ફૂવારાની જેમ લોહીનો ઘોંઘાટ વહે છે. એને એ બરફ કે સોડા નાખ્યા વગર પીવે છે.
મારા માંસના ટુકડાની મંચિંગ કરીને આરોગે છે.’ રઘલાએ રોહિત શેટીની હોરર ફિલ્મ જેવો સીન ક્રિયેટ કરી દીધો.

‘રઘલા, મને ડરાવ નહીં. મને હોરર મૂવી કે સિરિયલની બીક લાગે છે…ભૂતબૂતથી મારી ફાટે છે.’ વેદ સાહેબ પહેલીવાર ઢીલા પડી ગયા.

‘સાહેબ, મારી પત્ની મારી છાતી પર બેસીને સપનામાં મારું લોહી પીવે છે.’ રઘલાની ધીરજનો બંધ છૂટી ગયો અને રઘલો ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યો .

‘રઘલા. રઘલા.’ આટલું બોલી વેદ સાહેબ અચાનક રઘલાને ભેટી પડયા.

‘સાહેબ, તમે કંઇ કહેવા માગો છો? સાહેબ, ઊભરો ઠાલવી દો.’ રઘલાએ સાહેબનો ખભો પસવારતા કહી નાંખ્યું
‘રઘલા, તું તો નસીબદાર છે. તારી તકલીફ અંગે પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ કરવાની હિંમત કરી શકે છે. તને તો પત્ની સપનામાં આવીને છાતી પર બેસી તારું લોહી ચૂસે છે. અમે તો પોલીસમાં છીએ. અમારી પત્ની જળોની જેમ કપડાંલતા, ઘરેણા-જવેલરી, ફોરેન ટૂર માટે ધોળા દિવસે લોહી ચૂસે છે. આ કપાળમાં ઢીમચા દેખાય છે ? એ બધું પત્નીની દેન છે. અમે તો ફરિયાદ કરીએ તો નાક કપાય એટલે ફરિયાદ પણ કરી શકતા નથી.’ સાહેબ કદલીસ્તંભની જેમ તૂટી પડયા. રઘલાના બે રૂમાલ ભીના થઇ ગયા, પરંતુ વેદ સાહેબનો વિલાપ અટકતો નથી.

રઘલો ડઘાઇ ગયો અને પોતાની ફરિયાદનો કાગળ લઇને પોલીસ સ્ટેશનમાંથી ચાલતી પકડી.

આપણ વાંચો:  બદનામ થઈને નિકસને સત્તા છોડી પણ સજાથી બચી ગયા!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button