વ્યંગઃ બે પાકિસ્તાનીએ કંઇ ફતેહની પાર્ટી કરી?

- ભરત વૈષ્ણવ
‘મિંયા ગુલાબ જાંબુ આરોગો.’ અશરાફ મિંયાએ દિલાવરની સામે ગુલાબજાંબુના ટીનનું ઢાંકણ ખોલીને ડબ્બો લંબાવ્યો. મોંમાં પાણી આવે એવા ખુશ્બુદાર ગુલાબજાંબુ. ચિકણી ચમેલી-કમીની જેવી ચાસણી. ડાયાબિટીસના દર્દી પણ ડાયાબિટીસ ભૂલીને પાંચ છ ગુલાબજાંબુ ઉલાળી જાય. દિલાવરે ગુલાબજાંબુ મોમાં મૂકયું અને પલભરમાં લિજ્જતદાર ગુલાબજાંબુ ગળામાં ઓગળી ગયું.
‘ભાઇજાન, કિસ ખુશીમે મીઠાઇ ખવડાવી રહ્યા છો?’ દિલાવરે પૂછયું.
‘બસ ઐસે હી. દિલ બાગ બાગ હો ગયા હૈ જી.’ અશરફે કહ્યું.
‘કયા તરક્કી હુઇ હૈ, જનાબ?’ દિલાવરે પૂછયું.
‘હમ મહેનતકશ હૈ. હમારે મુલ્ક મેં આમ આદમી કી કહાં તસ્કરી હોતી હૈ? હમ થોડે લુઝર ઔર સરાસર નિકમ્મે હૈ કે અસીમ મુનીર સાહેબ કી તરહ ખુદ હી હમારી તરક્કી મંજૂર કર દે?’ અશરફે ભડાશ કાઢી.
અશરફ કોઇ સરકારી ખાતામાં કારકુન હતો. સત્તર વરસથી તરક્કી થઇ ન હતી. પાકિસ્તાની લશ્કરી વડા મુનીરે દલા તરવાડીની માફક ‘પ્રમોશન લઉં બે-ચાર’ કહીને ફિલ્ડ માર્શલનું પ્રમોશન લઇ લીધું એનો રંજ અશરફ સહિત પૂરી આવામને કેમ ન થાય?
‘અરે ભાઇ ઠીક હૈ. અલ્લાતાલા કી યહી મરજી હોંગી. સિંગર અદનાન સામીએ તો મુનીરને ‘ગધ્ધે કા સરતાજ’ કહ્યો છે… હા, જબ અલ્લા મહેરબાન તો મુનીર પહેલવાન. મિંયા, કોઈ ઇશ્કબિશ્કના ચક્કરમાં તો મીઠાઇ નથી ખવરાવીને?’ દિલાવરે પૂછયું
‘નહીં મિંયા, યહાં જીંદગી ઝંડ હોતી જા રહી હૈ. ઇશ્કફિશ્કની કોઇ ગુંજાયેશ નથી રહી.’ અશરફ બોલવા ખાતર બોલ્યો, પરંતુ, ચહેરા પર શરમના સિલ્વર શેરડા પડયા.
‘તો ફિર ભાભીજી પેટ સે હૈ? તમારી આઠ આઠ ઔલાદ તો છે પછી આ નવમાના આગમનની ખુશીમાં છે?’
આમેય પાકિસ્તાની આવામ આ એક જ કામ પૂરી સિદ્દતથી કરે છે. શાહજહાં પાકિસ્તાનમાં હોત તો મુમતાજની અઠાવીસમી પ્રસૂતિની ખુશીમાં મુમતાજના જીવતેજીવ તાજમહેલ નહીં, પરંતુ, તાજ ચાય સેન્ટર ખોલ્યું હોત. બ્રેડબટર કમાવા બચ્ચો કો પેદા કરને કે અલાવા કુછ જુગાડ કરના પડતા હૈ, બરખુરદાર.’ દિલાવરે પૂછયું.
‘નહીં મિંયા, હમને ફેમિલી પ્લાનિંગ કા ઓપરેશન કરવા લિયા હૈ.’ અશરફે અકકલમંદીની વાત કરી.
‘અરે, ઔલાદ તો ઉપરવાલે કી દેન હૈ. ઉસે ભલા કૈસે રોક લિયા જાતા હૈ?’ દિલાવરે ખરખરો કર્યો.
‘દિલાવર, માન લિયા કે ઔલાદ અલ્લાતાલા કી દેન હૈ, પણ એમને પોષવાના તો મારે જ ને! આમદની પાની સે પતલી હૈ, ઔર ખર્ચે? પૂંછના હી મત.’ અશરફે મુશ્કેલી બયાન કરી.
‘તો ફિર અબ્બા કા બારીશ મે ઇન્ત્કાલ હો ગયા ઉસ કા હરજાના મિલા હૈ?’
‘દિલાવર મિંયા, કિસ મુલ્ક કે મેં રહેતે હો? અરે, યાર આપણે ત્યાં તો નુકસાની કે ઈનામ માટે આતંકવાદી બનવું પડે! આપણા આ પડોશી દેશના ઓપરેશનમાં આતંકવાદી કે ચચ્ચે-ફૂફા-જીજાકા ઇન્તેકાલ હો ગયા તો સરકારને ચૂટકી બજાને સે પહેલે એક એક કરોડ રૂપિયા કા હરજાના દે દિયા…!’
‘અરે, વાહ…કહેના પડે!’
‘લેકિન મિંયા, તુને પતા હૈ …હમારે મુલ્ક કી શાન ગદ્ધોને બઢા દી. પડોશી મુલ્ક કો હમને આનબાનશાન સે ધૂલ ચટા દી.’ અશરફે મુશ્કુરાઇને ખુશખબર આપી.
પાકિસ્તાનની આ માનસિકતા છે. એમનું ઘર બળી જાય તો વાંધો નથી, પરંતુ ભારતમાં ધુમાડો જુએ તો લાક્ષાગૃહની કલ્પના કરી ખુશી જાહેર કરે.!
‘દિલાવર, આપ કો પતા હોંગા કે હમારી જમ્મુરિયત ગદ્ધો કી બદૌલત ચલતી હૈ. ગદ્ધો ગદ્ધે કો વોટ દેકર ગદ્ધોકો એસેમ્બલી ભેજતે હૈ. હમ આવામ ગદ્ધો કા બોજ ઉઠાતે હૈ.’ અશરફે ગધેડાયણ ચાલુ કર્યું.
આપણ વાંચો: પ્રાસંગિક : યુદ્ધવિરામ થયો, પરંતુ વૉરગેમ હજી ચાલુ
‘વેઇટ અશરફ વેઇટ. હમ દો પૈરવાલે નહીં લેકિન રિયલ ગદ્ધો કી બાત કરની ચાહિયે.’ દિલાવરે અશરફને ટોક્યો.
‘હમારા ઇકોનોમી ગદ્ધો પર ચલતા હૈ…આપણે મફતમાં આતંકવાદીઓને પડોશી મુલ્કમાં એક્સ્પોર્ટ કરીએ છીએ પણ આપણે એક ગધેડા દીઠ બે લાખ રોકડા લઈને ચીન વેંચીએ છીએ!’. અશરફે ઘોડાના ભાવે વેચાતા ગધેડા પર ફક્ર જતાવ્યો પછી ઉમેર્યું:
‘હમારે યહાં પિછલે સાલ ગદ્ધે-ગદ્ધી કી શાનદાર મહેનત સે એક લાખ ગદ્ધે કી બઢોતરી હુઇ. હમ કો 3,00,00,00,000 પાકિસ્તાની રૂપિયે મિલેંગે. યે હમારી ગદ્ધા ફતેહ હૈ. હમારે પડોશી મુલ્ક કે મેં ગદ્ધો કી તાદાત બઢ શકી નહીં.’
‘તો?’
‘તો યહ કી … હમને હમારે પડોશી મુલ્કકો ગદ્ધે કે મામલે મે પરાસ્ત કર દિયા. બોલો, સેલિબ્રેશન બનતા હૈ કી નહીં?’
એમ કહીને અશરફે 4-5 ગુલાબજાંબુ દિલાવરના મોંમાં ધરબી દીધા અને ચાસણીવાળા હાથ પોતાની લૂ્ંગી પર લૂંછી નાંખ્યા.!