પ્રાસંગિકઃ પાકિસ્તાન માટે આ બે હોડીની સવારી આત્મઘાતી છે

- અમૂલ દવે
એક પિતા અને પુત્રની સ્ટોરી છે. બન્ને ગધેડો વેચવા નીકળે છે, પહેલા પિતા ગધેડા પર બેસે છે તો લોકો કહે છે કે કેવો પિતા છે, જે પુત્રને ચલાવે છે અને પોતે આરામથી ગધેડા પર બેઠો છે. આ સાંભળીને પુત્ર ડોન્કી પર બેસે છે તો લોકો ટીકા કરે છે કે કેવો પુત્ર છે…બાપા ચાલે છે અને છોકરો આરામથી ગધેડાની સવારી કરે છે. છેવટે બંને ગધેડા પર બેસે છે. લોકો ટીકા કરે છે કે આ બે નરાધમ એક મૂંગા પ્રાણી પર જુલમ કરી રહ્યા છે. અંતે પિતા-પુત્ર ગધેડાને ઊંચકે છે. એના ભારથી અંતે ગધેડાનું મરણ થાય છે. આ કથાનો બોધપાઠ એ કે તમે કદી બધાને સંતોષી શકો નહીં.
ભારત પણ આવું જ બેલેન્સિંગ એક્ટ કરી રહ્યું હતું. એક બાજુ ચીન વિરોધી જૂથ ‘ક્વેડ’નું અને બીજી બાજું અમેરિકા વિરોધી ‘બ્રીક્સ’ જૂથનું સભ્ય હતું. જોકે ભારતે જૂની હરકતો અને વિશ્વાસઘાતને લીધે ચીનને સમીપ આવવા દીધું નહોતું, પરંતુ ટ્રમ્પના ટૅરિફ હુમલાને લીધે ભારતને હવે રશિયા અને ચીન સાથે પંગતમાં બેસવું પડ્યું છે, જેથી અમેરિકા પર દબાણ આવે..
બીજી તરફ, આપણો પડોશી દુશ્મન દેશ પાકિસ્તાન પણ આવી ખતરનાક ગેમ રમી રહ્યું છે. તે ચીનને તેનો સર્વકાળ મિત્ર ગણાવે છે અને હાલમાં તેની અમેરિકા અને ખાસ કરીને ટ્રમ્પ સાથેની નજદીકીયાં વધી છે. જોકે ચીને વિકટરી પરેડમાં કરેલા શક્તિ પ્રદર્શનને લીધે અમેરિકા સમસમી ગયું છે. ભારતે જાપાન અને અમેરિકાને નારાજ ન કરવા આમાં ભાગ લીધો નહોતો, પરંતુ પાકિસ્તાન સહિત પંદરથી વધારે દેશના વડાએ આમાં ભાગ લીધો હતો. ચીને આ પરેડ યોજીને અમેરિકાને સીધી રીતે પડકાર્યુ છે. ચીનનો દાવો છે કે વિશ્વ મલ્ટિ પોલર છે.
હવે ઈરાનને લીધે અમેરિકાને પાકિસ્તાનની જરૂર પડી છે. ટ્રમ્પની ફેમિલીએ બીટકોઈન બિઝનેસ પાકિસ્તાનમાં શરૂ કર્યો હોવાથી પણ અમેરિકા અને પાકિસ્તાનની નિકટતા વધી છે. અમેરિકા ઈરાનના સુપ્રીમો ખામેનીને દૂર કરીને જૂના શાસક અને તેની કઠપૂતળી જેવા શાહને સત્તા અપાવવા માગે છે.
અમેરિકાને ઈરાકની જેમ ઈરાનના તેલ ભંડર પર પોતાનો અંકુશ સ્થાપવો છે. અમેરિકાએ પાકિસ્તાન સાથે ખનીજ તેલના કૂવાની શોધખોળ માટે ડીલ કરી છે. આનાથી ઈરાન ચોંકી ઊઠયું છે… જો અમેરિકાને લીધે પાકિસ્તાન ઈરાનને નુકસાન પહોંચાડે તો ચીન નારાજ થશે, કારણ કે ઈઝરાયલ સામેના યુદ્ધમાં પણ ચીને ઈરાનને સોલિડ સપોર્ટ આપ્યો હતો અને ઈરાનને નુકસાન થાય તો ચીનનું ગલ્ફમાંનું કરોડો રૂપિયાનું રોકાણ જોખમમાં મુકાશે.
ચીનના અમેરિકાની સમીપ જવાથી અને ભારતન ચીનના નજીક આવવાથી ચીન સાવધાન બની રહ્યું છે. ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપેક) પ્રોજેક્ટનો એક ભાગ રેલવે લાઈન નાખવાનો હતો. જોકે ચીને આમાં ફંડ આપવાનો હવે ઈનકાર કર્યો છે.
પાકિસ્તાનનું વધતું દેવલું અને પાકિસ્તાનમાં તેના પ્રોજેકટ અને કમર્ચારીઓને રહેલા ખતરાને લીધે ચીન સાવધાન બની ગયું છે. પાકિસ્તાનને આ અગાઉ જ ચીનના પાવર પ્રોડ્યુસરને દોઢ અબજ ડૉલર દેવાના છે. રેલવે લાઈન પાછી બલૂચિસ્તાન જેવા બંડગ્રસ્ત પ્રદેશમાંથી પસાર થઈ રહી છે..
પાકિસ્તાને હવે કરાચી-રોહરી સેકશન પૂરો કરવા એશિયન ડેવલપમેન્ટ બેન્કની બે અબજ ડૉલરની લોન માગી છે. પ્રોજેકટના મૂળ પ્લાન પ્રમાણે તો રેલવે લાઈન કરાચીથી ઉત્તરના પેશાવર સુધીની હતી. આ લાઈન હૈદરાબાદ, મુલતાન, લાહોર અને રાવલપિંડીને પણ જોડાનારી હતી. આ કોરિડોરમાં દરરોજની દોઢસો ટ્રેન દોડવાની હતી અને દર વર્ષે ત્રણ કરોડ ટનના કાર્ગોનું વહન કરવાનો હતો.
ચીને વન રોડ અને વન બેલ્ટનો પ્રોજેક્ટ શરૂ કર્યો ત્યારથી તેનો ડોળો બલૂચિસ્તાન પર છે. બલૂચિસ્તાનમાં છથી આઠ ટ્રિલિયન ડૉલરના ખનીજ છે. બલૂચિસ્તાન પાસે શું નથી? તેની પાસે સોના અને તાંબાની રેકોડિક ખાણ છે.
પાકિસ્તાનના 80 ટકા ખનીજ બલૂચિસ્તાનમાં છે. જોકે બલૂચિસ્તાનમાં આઝાદીની ચળવળ ચાલુ છે અને પાકિસ્તાનના લશ્કર અને પોલીસ પર વારંવાર હુમલા થાય છે. હવે અમેરિકાની મેલી નજર બલૂચિસ્તાન પર પડી છે. આથી જ અમેરિકાના કહેવાથી પાકિસ્તાનના રેલવે પ્રોજેક્ટને એડીબી બેન્કની સહાય મળવાની છે. આ સાથે એ પણ ધ્યાનમાં રાખવા જેવી વાત છે કે અમેરિકાએ બલૂચિસ્તાન લિબરેશન આર્મીને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.
ચીનના ડેટ ટ્રેપ-દેવાની જાળ વિશે તો બધાને ખબર છે. ચીન પાકિસ્તાનને આમાં ફસાવીને બલૂચિસ્તાનના ખનીજો હડપ કરવા માગે છે, પરંતુ બલૂચીના હુમલા અને અમેરિકાના રસને લીધે વાત બગડી ગઈ છે. ચીનને હવે એમાં રોકાણ કરવું મુનાસીબ લાગતું નથી.
અમેરિકા ભારત પર પોતાની જોહુકમી લાવવા પણ પાકિસ્તાનનો ઉપયોગ કરે છે. એ જાણીબૂઝીને ભારત અને પાકિસ્તાનને સમાન કક્ષામાં મૂકે છે. પાકિસ્તાનને ટૅરિફમાં પણ ટ્રમ્પે રાહત આપી છે. ભારત પર 50 ટકા અને પાકિસ્તાન પર ફક્ત 19 ટકા ટૅરિફ લાદવામાં આવ્યો છે.
ઈરાન અને ચીનને નાથવા માટે અમેરિકાને પાકિસ્તાનની જરૂર છે. પાકિસ્તાન એ ભૂલી જાય છે કે જો ચીન પાકિસ્તાન માથા પર મૂકેલો તેનો હાથ ઉઠાવી લેશે તો પાકિસ્તાનનું વિભાજન થઈ જશે. 1971ના યુદ્ધમાં ભારતે બતાડી આપ્યું હતું કે અમેરિકાની ગમે એટલી મદદ મળે પરંતુ ભારત યુદ્ધમાં પાકિસ્તાનને ઘૂંટણીયે લાવી દેશે. જો અમેરિકા અને ભારતના સંબંધો વધુ કથળશે અને અમેરિકા રશિયા સાથે ચીનની આર્થિક નાકાબંધી કરશે તો હાથી અને ડ્રેગન નિકટ આવશે…
હાલમાં ભારત બ્રિક્સમાં સક્રિય નથી, પરંતુ અમેરિકા સાથે સંબંધો તૂટવાના કંગાર પર આવી જશે તો બ્રિક્સ ડીડોલરાઈઝેશન જોરશોરથી આગળ વધારશે. પાકિસ્તાનનું ચીનને તરછોડવું અને અમેરિકાની નજીક જવું તેને માટે આત્મઘાતક હશે.