પ્રાસંગિક : આધુનિક યુદ્ધમાં ખરું ‘ડોન’ તો છે ડ્રોન!

- અમૂલ દવે
હાલ રશિયા અને યુક્રેન વચ્ચેના ચાલુ યુદ્ધમાં સાબિત થયું કે ડ્રોનનું કેટલું મહત્ત્વ છે. યુક્રેનના ‘સ્પાઈડર વેબ ઓપરેશને’ તો આખા વિશ્વને ચોંકાવી દીધું છે. યુક્રેને તેના ફર્સ્ટ પર્સન વ્યૂ ડ્રોન વડે હજારો કિલોમીટર દૂર રશિયન બોમ્બરને લક્ષ્ય બનાવ્યા. યુક્રેન તો દાવો કરે છે કે અમે રશિયાના અણુશનું વહન કરી શકે એવા 40 બોમ્બરનો ખુરદો બોલાવી દીધો. છે. રશિયાને આને લીધે આઠ અબજ ડૉલરનું નુકસાન થયું છે. આ હુમલા દ્વારા યુક્રેને યુદ્ધની ટેક્નિક જ પલટાવી નાખી છે. હવે તો યુદ્ધમાં ફાઈટર જેટ કરતાં ડ્રોન વધુ મહત્ત્વના બની ગયા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના મિની યુદ્ધમાં પણ ડ્રોનનું મહત્ત્વ સમજાયું હતું. પાકિસ્તાને તુર્કી બનાવટના ડ્રોન વડે ભારતનાં વિવિધ શહેરો પર હુમલો કરવાના પ્રયાસ કર્યા તો ખરા, પરંતુ ભારતે રશિયા પાસેથી ખરીદેલી એસ 400 સિસ્ટમે બધા ડ્રોનને નિષ્ક્રિય બનાવી દીધા હતા. ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં પણ ડ્રોનનો અસરકારક ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈરાન પાસે તો ફાઈટર પ્લેન નથી. એણે તો ડ્રોન અને મિસાઈલના હુમલા કરીને ઈઝરાયલને પ્રચંડ નુકસાન પહોંચાડ્યું. ઈરાને ઈઝરાયલની ત્રીસ્તરીય ડિફેન્સ સિસ્ટમને ભેદવા અને ચાતરવા ડ્રોનનો અસરકારક ઉપયોગ કર્યો. ઈરાનના છોડેલા ડ્રોનને નકામા બનાવવામાં ઈઝરાયલની ડિફેન્સ સિસ્ટમ કાર્યરત હતી ત્યારે ઈરાનની મિસાઈલો સિસ્ટમને થાપ દઈને લક્ષ્યો ભેદ્યાં હતા.
આજના યુદ્ધમાં સર્વવ્યાપી ડ્રોન બહુ ઝડપથી ફેવરિટ હથિયાર બનતું જાય છે. ડ્રોનને યુએવી (અનમેન્ડ એરિયલ વેહિકલ) નામે ઓળખવામાં આવે છે. આ માનવરહિત હવાઈ વાહનોએ યુદ્ધની રૂપરેખા જ બદલાવી દીધી છે.
2020માં નાગોર્નો-કારાબખ યુદ્ધમાં પહેલી વાર પ્રતીત થયું કે ડ્રોન કઈ રીતે હવાઈ યુદ્ધનો પ્રકાર બદલાવી શકે છે. અઝરબૈજાનની સફળતાનું કારણ એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કરનારા ઈઝરાયલ દ્વારા ઉત્પાદિત હારોપ ડ્રોન હતા. રશિયા સામે યુક્રેન ત્રણ વર્ષથી વધારે સમયથી યુદ્ધ કરીને ટકી રહ્યું છે તેનું કારણ ડ્રોન છે. તેના ડ્રોન રશિયાથી ચડિયાતા છે. રશિયા ઈરાનના ડ્રોન થોડા સુધારા કરીને વાપરે છે.
ડ્રોનના ત્રણ મુખ્ય કામ ઇન્ટેલિજન્સ મેળવવાનું, દુશ્મન દેશના લશ્કર પર નજર રાખવાનું અને હુમલો કરવાનું છે.અમેરિકાના ‘એમ ક્યુ-9 રેપર’ કે પછી યુક્રેનના ‘એફપીવી’ ડ્રોન બોમ્બ કે મિસાઈલ વડે નિર્ધારિત લક્ષ્યને ચોકસાઈભરી રીતે ભેદી શકે છે. માનવ સંચાલિત ફાઈટર વિમાન કે પરંપરાગત વેપન સિસ્ટમ કરતાં ડ્રોન ઘણા સસ્તા છે. દાખલા તરીકે 700 અમેરિકન ડૉલરનું એક ડ્રોન બે કરોડ ડૉલરની ટેન્કનો નાશ કરી શકે છે. ડ્રોન ઓછી અને બહુ આધુનિક યુદ્ધ સામગ્રી ન ધરાવતા નાના દેશોને ડ્રોન લેવલ પ્લેયિંગ ફિલ્ડ પૂરું પાડે છે. ડ્રોનનો ઉપયોગ ઈલેકટ્રોનિક વોરફેરમાં પણ થાય છે. એ દુશ્મન દેશની સંદેશવ્યવહાર સિસ્ટમને જામ કરી શકે છે અથવા તો દુશ્મન દેશના અંતરિયાળ ભાગમાં હુમલા કરીને તેનામાં ફફડાટ – ડર ઊભો કરી શકે છે. દાખલા તરીકે યુક્રેનના નેવલ ડ્રોને બ્લેક સીમાં રશિયન જહાજ પર હુમલો કર્યો હતો. યુક્રેનના લાંબા અંતરના ડ્રોન રશિયાના ઓઈલ રિફાઈનરી પર હુમલો કર્યો..
ડ્રોન લોજિકલ સપોર્ટ પણ આપે છે. હવે અમેરિકા અને ચીન તો આમાં પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ AIનો ઉપયોગ કરે છે. આ બન્ને દેશ AIથી ચાલતા એવો ડ્રોનનો સમૂહ બનાવે છે જે ફાઈટર જેટને પણ ઉડાવી દે. વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેન એલન મસ્ક કહે છે કે અમેરિકાના કરોડો રૂપિયાના એફ-35 નિરર્થક છે. મસ્ક કહે છે ડ્રોનની સરખામણીએ તો એ બધા કાટમાળ જેવા છે. ડ્રોનનો સમૂહ તેને ખતમ કરી શકે.
બાજી તરફ, ચીને તો મચ્છર જેટલા નાના કદના ડ્રોન બનાવ્યા છે. તેની લંબાઈ બે સેન્ટિમીટરની છે. તેનું વજન 0.3 ગ્રામનું છે. એમાં કેમેરા, માઈક્રોફોન, સેન્સર, ઓડિયો રેકોર્ડિંગ અને ઈલેક્ટ્રોનિક સિગ્નલ કનેકશન છે.
ડ્રોન બનાવવાની ટેકનિકમાં અમેરિકા, ચીન, તુર્કી અને ઈઝરાયલ આગળ છે.અમેરિકા અને ઈઝરાયલના ડ્રોન મોંઘાં છે, જ્યારે ચીન અને તુર્કીના ડ્રોન સસ્તાં છે. ઇઝરાયલના હારોપ ડ્રોનનું ઉત્પાદન ભારતમાં કરવાનું છે. ભારત પાસે પણ મિની ડ્રોન છે તો રશિયા તો તેના ડ્રોનને સુધારવા તેને ઉપગ્રહ સાથે લિન્ક કરવાનું છે. રશિયા અને ચીન પાસે શત્રુના ઉપગ્રહનો નાશ કરે એવા ઉપગ્રહ છે. ભારત પાસે પણ શત્રુના ઉપગ્રહનો નાશ કરી શકે એવા ‘શક્તિ’ મિસાઈલ છે.
આપણ વાંચો: કચ્છી ચોવક : કચ્છીમાં રૂઢિપ્રયોગ એ સિદ્ધિપ્રયોગ ગણાય છે
હવે સ્ટાર વોર શરૂ થયું છે. અમેરિકાએ તો અંતરિક્ષમાં ગોલ્ડન ડોમ બનાવાની મહત્ત્વાકાંક્ષી યોજના ઘડી કાઢી છે. આ સ્પેસ ડિફેન્સ સિસ્ટમ મિસાઈલ અને ડ્રોનના હુમલાને ખાળી શકશે તેમ જ અંતરિક્ષમાંથી દુશ્મન પર ત્રાટકી શકશે.ચીન અને રશિયા તો અમેરિકાની આ યોજનાથી હચમચી ગયા છે. આવું ડોમ બાંધવાનો 175 થી 542 અબજ ડૉલરનો ખર્ચ છે. આનાથી એક નવી દોડ ચાલુ થઈ જશે.
ભારત – પાકિસ્તાન વચ્ચેના તાજા જંગમાં પાકિસ્તાન તો ડમી હતું. મુખ્ય યુદ્ધ તો ચીન લડી રહ્યું હતું. એ જંગમાં ચીને તેનાં હથિયારોના અખતરા કરી જોયા. પાકિસ્તાનના અમેરિકા સાથેના સંબંધો પણ સુધરી ગયા છે. પાકિસ્તાન ચીન ઉપરાંત અમેરિકા પાસેથી હથિયાર ખરીદવાની કોશિશ કરી રહ્યું છે. ચીન તેના સ્ટીલ્થ ફાઈટર જેટ પાકિસ્તાનને આપવાનું છે. ભારતે સાવધાન રહેવું પડશે. ભારત કહે છે કે તેનું ‘ઓપરેશન સિંદૂર’ હજી ચાલુ છે. ભારતે રશિયા પાસેથી એસ-500 ડિફેન્સ સિસ્ટમ લેવી જોઈએ. ભારતે ફાઈટર વિમાનો પણ ખરીદવા જોઈએ જેનો સોર્સ કોડ અને ટેક્નોલોજી ટ્રાન્સફર આપણને મળે.. ભારતે પણ આધુનિક યુદ્ધના મેચ વિનર સમા ઉત્તમ ડ્રોન હાંસલ કરવા પડશે, કારણ કે આજના આધુનિક યુદ્ધમાં ખરું ‘ડોન’ તો ડ્રોન છે!