પ્રાસંગિક : દોસ્ત દોસ્ત ના રહા… હવે પુતિન વર્સીસ ટ્રમ્પ !

- અમૂલ દવે
એક બહુ જાણીતી અને વારંવાર ખરી ઠરેલી ઉક્તિ છે કે ‘રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કે દુશ્મન નથી. ફક્ત કાયમી સ્વાર્થ છે.’
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને રશિયાના સર્વેસર્વા એવા વ્લાદિમીર પુતિનનું પણ એવું જ છે. પુતિને 2017માં ટ્રમ્પને પ્રમુખપદની ચૂંટણી જીતવામાં મદદ કરી હતી. આ જ દોસ્તીના આધારે ટ્રમ્પ માનતા હતા કે હાં બીજી મુદતમાં પ્રમુખ બનીશ કે તરત જ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકાવી દઈશ. ટ્રમ્પે મિત્ર પુતિનના શબ્દ પર વિશ્વાસ રાખીને યુક્રેનને સહાય કરવાનું બંધ કરી દીધું. જોકે પુતિને એવો દગો દીધો કે ટ્રમ્પની આંખ ખુલી ગઈ. ટ્રમ્પ હવે પુતિનને અલ્ટિમેટમ આપે છે કે જો રશિયા 50 દિવસમાં યુદ્ધ નહીં અટકાવે તો હું રશિયા સાથે વેપાર કરનાર દેશ પર 100 ટકા ટૅરિફ ફટકારી દઈશ.. !
આવી જ દોસ્તી દુશ્મની ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છે. આ બે દેશ એક સમયે દોસ્ત હતા. બન્ને વચ્ચે રોટી-બેટીનો સંબંધ હતો. ઈઝરાયલમાં ઇસ્લામિક ક્રાંતિ આવ્યા બાદ બધું બદલાઈ ગયું. બન્ને વચ્ચે બાર દિવસ યુદ્ધ ચાલ્યું. ઈઝરાયલને બચાવવા ટ્રમ્પે જબરદસ્તીથી સીઝફાયર કરાવ્યો. હવે એ જ ઈઝરાયલ- ઈરાને બે મહિનાનું અલ્ટિમેટમ આપ્યું છે.
આજે વિશ્વભરમાં ‘એક સાંધો ને તેર તૂટે ’ એવી સ્થિતિ છે. મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને યમનના બળવાખોરો હિત વચ્ચે નવો મોરચો ખૂલી ગયો છે. યમને ઈઝરાયલ જતાં બે જહાજનો ખાતમો બોલાવી દીધો છે. ઈઝરાયલે આનો બદલો લેવા યમનના બંદરો પર હવાઈ હુમલા કર્યા હતા. જોકે હુથી એનાથી જરા પણ વિચલિત થયું નથી. હુથીએ ઈઝરાયલ પર હાઈપરસોનિક મિસાઈલથી હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે. આનાથી હતપ્રભ થયેલા ઈઝરાયલ હાથ જોડીને અમેરિકાને કરકરી રહ્યું છે કે યમનના બળવાખોરોને વારો. નહીં તો અમે પાયમાલ થઈ જઈશું… હવે સવાલ એ છે કે જે અમેરિકાએ હુથી સામે હવાઈ હુમલા કર્યા બાદ ગુપ્ત સમજૂતી કરે છે એ ઈઝરાયલને કઈ રીતે બચાવી શકે ?
અમેરિકાએ હુથીને નિયંત્રણમાં લાવવા એક યુદ્ધવાહક જહાજ રાતા સમુદ્રમાં યમનની નજીક તૈનાત કરીને જોરદાર હવાઈ હુમલા કર્યાં, પરંતુ હુથીએ અમેરિકાના જહાજને મિસાઈલ હુમલા વડે નુકસાન પહોંચાડયું… પેન્ટાગોને ટ્રમ્પને સમજાવ્યું કે જો હુથી સામે આટલા બધા હથિયારો ઉપયોગમાં લેવામાં આવશે તો અમેરિકા પાસે ચીન સામે યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે હથિયારો જ નહીં રહે…! આ વાત સમજીને અમેરિકાએ હુથી સામે ગુપ્ત સમજુતી કરીને ઈઝરાયલને તેના હાલ પર છોડી દીધું.
સૌથી દુ:ખની વાત તો એ છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે સીઝફાયર થાય એવા સંકેતો મળતા હતા, પરંતુ આમાં હજી નક્કર પ્રગતિ થઈ નથી. કતારમાં વાતચીત ચાલુ જ છે. ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટી પર અમાનવીય હુમલા ચાલુ જ છે. દરરોજ પચાસથી વધારે નિરાશ્રિતોને બોમ્બ ફેંકીને મારી નાખવામાં આવે છે. આના વીડિયો હૃદયદ્રાવક છે. એક રીતે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેત્યાનાહુ પેલેસ્ટાઈનમાં રિવેરા બનાવાની ટ્રમ્પની યોજનાને સફળ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે. જે ઈરાને ઈઝરાયલ સાથે સીઝ ફાયર કરવાની ફરજ પાડી એ જ દેશ હવે ઈરાનને બે મહિનાનું અલ્ટિમેટમ આપે છે. ઈઝરાયલ કહે છે કે જો ઈરાન તેના અણુ કાર્યક્રમ અંગે અમેરિકા સાથે ડીલ નહીં કરે તો અમે ફરી ઈરાન પર આક્રમણ કરીશું.
ટ્રમ્પ પાક્કા બિઝનેસમેન છે. તે આ શો સીધા યુક્રેનને નહીં પરંતુ નાટો અને યુરોપિયન યુનિયનને આપશે. પુતિને એમને બરાબરના શીશામાં ઉતારી દીધા છે. જ્યારે પુતિન સમાધાન માટે તૈયાર હતા ત્યારે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી તૈયાર થયા નહોતા. ત્યાર બાદ જોકર ઝેલન્સ્કીએ રશિયાના હવાઈ મથક પર હુમલો કરીને તેના બૉમ્બરનો નાશ કર્યો હતો આને લીધે રશિયાને આઠ અબજ ડૉલરનું નુકસાન થયું હતું. આથી કોપાયમાન થયેલા પુતિને યુક્રેનને ખતમ કરવાના જ આદેશ આપી દીધા છે. રશિયા દરરોજ એક હજારની આસપાસ મિસાઈલ અને ડ્રોનથી યુક્રેન પર હુમલો કરે છે. અડધું યુક્રેન ખતમ થવાની અણી પર છે. રશિયાનું ભૂદળ યુક્રેનમાં પગપેસારો કરી રહ્યું છે જેથી અડધું યુક્રેન હડપ કરી જવાય. ટ્રમ્પે પુતિનના ક્રોધને જોઈને થોડા દિવસ રશિયાને ફ્રી હેન્ડ આપ્યો હતો. તાજેતરમાં પુતિન જોડે ટ્રમ્પે વાતચીત કરી તો પુતિને કહી દીધું કે જ્યાં સુધી અમારા લક્ષ્ય સિદ્ધ નહીં થાય ત્યાં સુધી રશિયા યુદ્ધ નહીં અટકાવે. અકળાયેલા ટ્રમ્પે જાણીબૂઝીને ચૂંટણી પ્રચાર વખતનો એક વીડિયો વાઈરલ કર્યો છે. જેમાં ટ્રમ્પ દાવો કરે છે કે મેં પુતિન અને શી જિનપિંગ સાથે વાતચીત કરીને તેમના પર બૉમ્બ ફેંકવાની ધમકી આપી છે. પહેલાં તો એ માન્યા નહીં, પરંતુ પછી એ ગંભીર થયા. ટ્રમ્પ જે યુદ્ધ માટે યુક્રેનને પણ 50 ટકા જવાબદાર માનતા હતા. હવે ટ્રમ્પ કહે છે કે પુતિન સવારે સારી વાતો કરે છે, પરંતુ સાંજે યુક્રેન પર ભયંકર બૉમ્બમારો કરે છે!
આપણ વાંચો: કવર સ્ટોરી: ખેંચતાણ ખેડૂતો માટે? લો, ભારત અને અમેરિકા વચ્ચે સોદાબાજી તો વોટબેન્ક માટે!
નવી રણનીતિ પ્રમાણે ‘નાટો’ કે યુરોપિયન યુનિયનના દેશો અમેરિકા પાસેથી હથિયાર ખરીદશે. ટ્રમ્પે રશિયા પર વધુ પ્રતિબંધ લાદવાની પણ વાત કરી છે. રશિયાના ભીષણ હુમલાથી યુક્રેન સરેન્ડર કરે એવા ડરથી પ્રેરાઈને યુરોપ અને અમેરિકા તેની વહારે આવ્યું છે. અમેરિકા તેની પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમ યુક્રેનને આપવા તૈયાર થઈ રહ્યું છે. યુક્રેનને હથિયારો આપવાનું બંધ કરનાર ટ્રમ્પે યુ ટર્ન લીધો છે. ટ્રમ્પે ડિપ્લોમસી છોડીને યુદ્ધનો માર્ગ અપનાવ્યો છે. ચીન ઈચ્છતું નથી કે અમેરિકા અને યુરોપના દેશો મળીને રશિયાને હરાવી દે. જો આમ થાય તો અમેરિકા પછી ચીનનો વારો કાઢે. બીજી બાજુ યુરોપના દેશો યુક્રેન રશિયા સામે હારી જાય એમ ઇચ્છતા નથી. જો યુક્રેન હારી જાય તો પુતિન યુરોપના બીજા દેશોને ટાર્ગેટ કરશે. ફ્રાન્સ અને ઈંગ્લેન્ડના લશ્કરના વડા કહે છે કે યુરોપને રશિયાથી ખતરો છે. રશિયામાં હથિયારનું મોટા પ્રમાણમાં ઉત્પાદન ચાલુ છે તો બીજી બાજુ નાટો દેશ પાસે લોન્ગ રેન્જ મિસાઈલ જ નથી. અમેરિકા યુદ્ધમાં સીધું ઉતરવા માગતું નથી, પરંતુ બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીને યુદ્ધમાં ઉતારશે. પુતિનને ખબર છે કે નાટો અને યુરોપિયન યુનિયનના દેશો સામે રશિયા લડી શકે નહીં. આથી તેઓએ એટમ બૉમ્બનો સિદ્ધાંત બનાવ્યો છે. પુતિન કહે છે કે મોસ્કોને બચાવવા હું અણુબૉમ્બનો ઉપયોગ કરતા પણ અચકાઈશ નહીં. એટોમિક વૉર હવે દૂર લાગતું નથી.