તસવીરની આરપાર : રફાળેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ વદ અમાસનો ભવ્ય મેળો… | મુંબઈ સમાચાર
ઈન્ટરવલ

તસવીરની આરપાર : રફાળેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ વદ અમાસનો ભવ્ય મેળો…

ભાટી એન.

કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર સાધુ, સંતો, ભક્તોને ભગવાનની ભૂમિ છે, તેની વાત જ ન થાય. એક કવિએ દુહામાં કહ્યું છે “કાઠિયાવાડમાં કોક દિન ભુલો પડને ભગવાન અને થાજે મારા ઘરનો મહેમાન તેદી સ્વર્ગે ભુલાવું શામળા” આવો દુહામાં ભાવ પણ કેટલો સરસ રાખે છે..!?. કોઈ વૈદિકકર્મ કરવા સર્વ ત્યાગ કરી યોગક્રિયા, તપશ્ર્ચર્ય, તીર્થસ્થળો નિવાસને શ્રેયસ્કર સમજે છે શાંતિ માટે અલગ અલગ માર્ગ છે, શ્રાવણ માસ ખૂબ જ પવિત્ર અને શંકરભોળાનાથની સેવા પૂજા બીલીપત્રો, દૂધ ચડાવે છે, ૐ નમ:શિવાયનાં જાપ કરવાથી તન મનને શાંતિ મળે છે, ભગવાન ભોળાનાથની નજીક જવાનો આ રસ્તો માનવીને તારી દે છે, અને ખરા ખર્થમાં માનવીને સ્વર્ગ મળે છે.

અત્યારે મોરબી જિલ્લાના રફાળેશ્વર (રિપુફાલેશ્વર) મહાદેવના એક નહીં ત્રણ શિવલિંગથી શોભતા આ મંદિરે ભક્તજનોની ભીડ જામી છે, શ્રાવણ માસ દરમ્યાન અલગ અલગ દાતાઓ દ્વારા બ્રહ્મભોજન કરાવવામાં આવે છે. વિરાટ મંદિરની ત્રણ બાજુથી દર્શનાર્થે જવાય છે, 32 મોટા સ્થંભ છે જેમાં ઉપર ગોળાકાર કલાત્મક કમાનો છે ઉપરના ભાગે ફૂલવેલની કોતરણી છે ઊંચા ઊંચા શિખરો વચ્ચોવચ્ચ ગોળાકાર ગુંબજ છે, મંદિરને ફરતે દીવાલ છે મંદિરના પાછળના ભાગે ગોખલા છે 60 ફૂટની ઊંચાઈએ ફરકતી કેશરી ધજા જોવા મળે છે.

આ પણ વાંચો: તસવીરની આરપાર : ચોકલેટનો ચસ્કો અત્ર-તત્ર સર્વત્ર…

મોરબીના રાજા લખધીરજી બાપુએ આ મંદિરનો પુન પ્રતિષ્ઠા વિક્રમ સવંત 2002ના વૈશાખ સુદ 13ને સોમવાર તારીખ: 13-05-1946ના શુભ દિવસે તેમના વરદહસ્તે કરેલ મંદિરની લાદી કાળા, સફેદ આરસની આબેહૂબ ડિઝાઈન વાળી છે. મંદિરની સાથે વિરચંદ મેઘજી સેનિટોરિયમમાં હવાફેર કરવા માટે અહીં આવે છે, વિશાળ બ્લોકો છે જેમાં બીમાર લોકો બાજુમાં જામબા ધર્મશાળા આવેલ જેમાં દર્શનાર્થીઓને રહેવાની સુવિધા પ્રાપ્ત થાય છે. મંદિરની બાજુમાં ભોજનશાળા છે જેમાં નારણબલી તેમજ બ્રહ્મભોજન તેમજ અન્ય યાત્રાળુઓને અહીં રસોઈ કરવાની સુવિધા છે.

આ મંદિરનું ટ્રસ્ટ પણ છે જેનું નામ શ્રી મહારાજા લખધીરસિંહજી બાપુનાં નામનું ટ્રસ્ટ છે.શ્રાવણ વદ 14થી અમાસ બે દિવસનો ભવ્ય મેળો અહીં ભરાય છે 14ના દિવસે સાંજે મહાદેવજીની શોભાયાત્રા નીકળે છે.

આ પણ વાંચો: તસવીરની આરપાર : શ્રાવણ માસે જાણો ભસ્મ આરતીનો અદ્ભુત મહિમા…

કુંડ પણ ક્લાત્મક છે જેમાં શ્રાવણ માસમાં સ્નાન કરી પીપળે પાણી રેડવાનું મહત્ત્વ છે તેમજ અહીં પિતૃ તર્પણ વિધિનું મહાત્મ્ય અતુલ્ય છે કારણ ગદાધર વિષ્ણુ ભગવાન આ ત્રણ માસ મોજૂદ રહે છે, મંદિરની બાજુમાં વિશાળ પીપળો છે તેને પાણી રેડવાથી પુણ્ય મળે છે, મોરબી સ્ટેટ તરફથી શ્રાવણ માસ દરમ્યાન તેની પાંચતિથિ, લખધીરજીબાપુ, વાઘજી ઠાકોર, મયૂરધ્વજસિંહ, મહેન્દ્રસિંહજી, કેશરકુંવરબાની તિથિ દરમ્યાન બ્રહ્મભોજન અહીંના બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવે છે.

રફાળેશ્વર મહાદેવનો પ્રાચીન ઈતિહાસ

આવા પવિત્ર તીર્થોમાંનું ઈતિહાસ પ્રસિદ્ધ એક તીર્થ આપણી નિકટમાં છે, જે રિપુફાલેશ્વર ઉર્ફે (રફાળેશ્વર)નાં નામથી પ્રસિદ્ધ છે. આ ક્ષેત્રમાં પ્રથમ બ્રહ્માજીએ શ્રી રમાદેવીની કૃપા પ્રાપ્ત “કરવા તપ કરેલું હતું, તેમના ઉપર શ્રી લક્ષ્મીજી પ્રસન્ન થયા, પ્રગટ થઈ દર્શન આપી વરદાન આપ્યા હતાં. ત્યાર પછી રેભ્ય નામના મુનિએ આજ ક્ષેત્રમાં મહાદેવજીનું તપ કરેલું હતું તેના ઉપર પણ મહાદેવજી પ્રસન્ન થઈ પ્રકટ થયા અને વરદાન આપ્યાં હતાં. ત્યારથી ‘રેપ્યેશ્વર’ નામથી મહાદેવ પ્રસિદ્ધ થયા, ત્યાર પછી રિપુફાલ નામના રાજકુમાર આ ક્ષેત્રમાં આવ્યા અને તેણે પણ વૈભ્ય મુનિના ઉપદેશથી મહાદેવ ઉપર તપ કર્યું હતું ત્યારે મહાદેવ પ્રસન્ન થયા ત્યારથી તે ‘રિપુફાલેશ્વર’ નામથી પ્રસિદ્ધ થયા. તે રિપુફાલ રાજાને સારા કુળમાં ઉત્પન્ન થયેલાં બે રાણીઓ હતાં, તે બેઉને એક એક કુમાર હતા.

આ પણ વાંચો: તસવીરની આરપાર: અમદાવાદની મેટ્રો ટ્રેન, સસ્તો ને આરામદાયક પ્રવાસ…

તે રાજાએ રિપુંફાલ ક્ષેત્રમાં સુંદર નગરી વસાવી હતી અને તેજ ક્ષેત્રમાં રહી ભજનાનંદનો અનુભવ કર્યો હતો.શ્રી રિપુફાલેશ્વર મહાદેવના કૃપાપાત્ર સોમશર્મા નામના બ્રાહ્મણ બીજા જન્મમાં મોરધ્વજ રાજા મચ્છુ તટના અધીશ થયા. તે રાજાના સુપુત્ર તામ્રધ્વજ થયા તે પરમ ભકત પિતા તથા વીર પુત્રની હૃદયદાવક તેમજ ધીર અને વીર પુરુષોના આદર્શને બતાવતી સ્વામીધર્મનું દર્શન કરાવતી સુંદર કથા આ રિપુફાલેશ્વર માહાત્મ્યમાં આવે છે. મોરધ્વજ રાજા આ ભૂમિમાં થયા છે તે વાત 475 વર્ષો પૂર્વે પોતાના ચરણથી ત્રણવાર હિન્દુસ્તાનની સકલ તીર્થોદ્વારા પરિક્રમા કરનાર શ્રીમદ્દ વલ્લભાચાર્યે સ્વીકારી છે.

પરમ વંદનીય તે આચાર્યવર્યે આ ભૂમિમાં મચ્છુ તટ પર શ્રીમદ્ ભાગવતની સપ્તાહ પારાયણ પણ કરી છે. આવી પવિત્ર ભૂમિમાં ખૂબજ પ્રાચીન મંદિરના એક વાર શ્રાવણ માસ દરમ્યાન દર્શન કરવાથી પુણ્ય જરૂરથી મળશે તો એકવાર જરૂરથી રફાળેશ્વર આવશો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button