મગજ મંથન: ઈશ્વર સાથે જોડાવાનું સબળ સાધન છે : પ્રાર્થના
પ્રાર્થના એક શબ્દની હોય અથવા તો શબ્દો વિના મૌન પણ હોઈ શકે…

-વિઠ્ઠલ વઘાસિયા
પ્રાર્થના એ આપણી લાગણી- દુ:ખ- દર્દ- આશા અને અભિલાષા સાફ અને નિર્મળ અવાજ છે, જે સીધો ઈશ્વર સુધી પહોંચે છે. પ્રાર્થનામાં શબ્દો કરતાં ભાવની અસર વધારે હોય છે. સાચી પ્રાર્થના એ છે, જેમાં આપણી અંદરથી સંપૂર્ણ શ્રદ્ધા, ભક્તિ અને એકાગ્રતા સાથે ઈશ્વરનું સંસ્મરણ
થાય છે.
પ્રાર્થનાનું મહત્ત્વ આંકીએ એટલું ઓછું. પ્રાર્થના માનવ મનને શાંત કરે છે અને ચિંતાને ઓછી કરે છે. આધ્યાત્મિક રીતે જોઈએ તો પ્રાર્થના ઈશ્વર સાથે જોડાવાનું સબળ સાધન છે. પ્રાર્થના કરતી વખતે આપણે પોતાની ખામીઓ સ્વીકારીએ છીએ અને ઈશ્વર આગળ નમ્રતાથી પોતાની વાત રજૂ કરીએ છીએ.
સામાજિક દ્રષ્ટિકોણથી જોઈએ તો પ્રાર્થના વ્યક્તિને નમ્ર અને સંયમી બનાવે છે. પરિવારમાં સામૂહિક રીતે થતી પ્રાર્થના સૌના સંબંધોને મજબૂત બનાવે છે. શાળાઓમાં કરવામાં આવતી પ્રાર્થના વિદ્યાર્થીઓમાં એકાગ્રતા, શિસ્ત અને સંયમની ભાવના જગાવે છે. અનેક સ્થળે લોકો ભેગા થઈને સમૂહ પ્રાર્થના પણ કરે છે, જે સામૂહિક એકતા દર્શાવે છે. સામૂહિક પ્રાર્થનામાં એક સાથે હજારો માણસોની ઓરા મળે છે.
આ પણ વાંચો: મગજ મંથનઃ માત્ર મનુષ્ય જ નહીં, દેવતા સુધ્ધાં ગુરુ પ્રત્યે સમર્પિત રહ્યા છે…
ઈતિહાસ સાક્ષી છે કે મહાત્મા ગાંધી જેવા મહામાનવ પણ દરરોજ પ્રાર્થના સભામાં ભાગ લેતા. ગાંધીજીએ સ્વીકાર્યું છે કે પ્રાર્થના કરવાથી મને અચૂક જવાબ મળ્યો છે. એ માનતા કે પ્રાર્થનાથી આત્મશક્તિ વધે છે અને દિશા મળે છે.
આજના દોડધામ ભર્યાં જીવનમાં જ્યારે તણાવ, ચિંતા અને અસુરક્ષા વધતાં જાય છે ત્યારે પ્રાર્થના માણસને આંતરિક શાંતિ અને આશ્વાસન આપે છે.
પ્રાર્થના એ ફકત ભારતીય સંસ્કૃતિનું જ નહીં, બલકે તમામ સંસ્કૃતિનું આગવું અને અગત્યનું અંગ રહ્યું છે. દરેક ધર્મમાં એનું મહત્ત્વ સ્વીકારાયું છે. બાળક બોલતાં શીખે ત્યારથી એને એક કે બીજી રીતે પ્રાર્થના કે કોઈ શ્ર્લોક શીખવાડવામાં આવે છે, જેનું જીવનપર્યંત રટણ થયા કરે છે.
પ્રાર્થના એક શબ્દની હોઈ શકે કે લાંબી પણ હોઈ શકે. અથવા તો શબ્દો વિના મૌન પણ હોઈ શકે. નાસ્તિક માણસને પણ જીવનમાં એકાદ ક્ષણે તો કોઈ અદ્રશ્ય અસ્તિત્વની અનુભૂતિ થાય જ છે. સંકટ સમયે અનાયાસે આપોઆપ અંદરથી નીકળી આવતા શબ્દો પણ પ્રાર્થનાનું જ સ્વરૂપ છે.
આ પણ વાંચો: મગજ મંથન : ખુશ રહેવું છે? એના માટે પૂર્વ શરત છે સકારાત્મક વિચાર…
પ્રાર્થનાથી સમય કે સંજોગો બદલાય કે ન બદલાય પરંતુ જો દિલથી સાચી પ્રાર્થના કરવામાં આવે તો આપણે અંદરથી ચોક્કસ બદલાઈએ છીએ.આ બદલાયેલું મન સમય અને સંજોગો બદલવા સમર્થ બને છે. આત્મવિશ્વાસ અને શ્રદ્ધા જાગે છે. આમ,ભીતરી શક્તિનો સંચાર થતા સંજોગો સામે ઝઝૂમવાની તાકાત આવે છે.
જીવનમાં ક્યારેક આપણને એવું લાગે છે કે ઈશ્વર આપણી કોઈ પ્રાર્થના સાંભળતો જ નથી. આપણા કોઈ પ્રશ્નો ઉકેલાતા જ નથી! આવા સમયે આપણને ઈશ્વરમાં શ્રદ્ધા રહેતી નથી. એક તબક્કે આપણે પ્રાર્થના કરતા બંધ પણ થઈ જઈએ છીએ.
આ અંગે એક લોક કથા જાણવા જેવી છે:
એક માણસને એક વાર સપનું આવ્યું કે દેવદૂત એને સ્વર્ગની મુલાકાતે લઈ જાય છે.ત્યાં દેવદૂત એને એક પછી એક ઓરડામાં ફેરવે છે. એક ઓરડામાંથી પસાર થતા માણસે ત્યાં પડેલાં જુદાં જુદાં પ્રકારનાં અનેક બોક્સ પડેલાં જોયાં. જે બધા પેક-અકબંધ હતાં.
દરેક બોક્સ પર ‘ભેટ’ એવા શબ્દો લખાયેલા હતા. માણસને આશ્ર્ચર્ય થયું આટલાં બધાં સુંદર ગિફટ બોક્સ! એણે દેવદૂતને પૂછયું, ‘આ બધું શું છે? આટલી બધી ભેટ કોની છે? આ કોને આપવા માટેના બોક્સ છે?’
આ પણ વાંચો: મગજ મંથન: મનુષ્યના વિવેકને નષ્ટ કરી નાખે છે ગુસ્સો
દેવદૂતે જવાબ આપ્યો, ‘અનેક લોકો પોતાને જોઈતી વસ્તુ માટે પ્રાર્થના કરતા હોય છે. માગણી કરતા હોય છે. એમને એમની પ્રાર્થનાનો જવાબ આપવા માટે અર્થાત્ એમની માગણી મુજબની એ બધી વસ્તુઓ પહોંચાડવા માટે અમે આ ભેટ તૈયાર કરીએ છીએ, પણ હજુ એ ભેટ અમારા તરફથી પૂરી તૈયાર થાય અને એ પહોંચાડી શકીએ એ પહેલાં જ એ લોકો પ્રાર્થના કરવાનું છોડી દે છે અને અમારા પરથી વિશ્વાસ ઉઠાવી લે છે. એમનો ભરોસો તૂટી જાય છે. લોકો થોડી ધીરજ રાખીને રાહ જોવા તૈયાર નથી.
જયારે આટલા બધા લોકોની પ્રાર્થના સાંભળવાની હોય, એમની માગણીઓ, અપેક્ષાઓ પર ધ્યાન આપવાનું હોય ત્યારે વિલંબ તો થવાનો જ… પણ એ સમજયા સિવાય લોકો પ્રાર્થના ચાલુ રાખવાને બદલે છોડી દે છે. તેથી તેમના માટે તૈયાર થયેલી ભેટ અહીં જ પડી રહે છે. આ બધી એ ભેટોના બોક્સ છે. જો એમણે ધીરજ રાખીને પ્રાર્થના ચાલુ રાખી હોત તો અમે એમને આ ભેટો તૈયાર કરીને અચૂક પહોંચાડી શકયા હોત, પણ…!’