પ્રાસંગિક: યુક્રેન પાસે સરેન્ડર થવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી…

અમૂલ દવે
ઝેલેન્સ્કી, પુતિન: યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ યુદ્ધના શરૂઆતના દિવસોમાં નાના કે નબળા દેશની લાચારીને બરાબર વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે મોટા દેશો નક્કી કરી લે કે તમારા દેશનું ભવિષ્ય શું હોવું જોઈએ ત્યારે નાના દેશ પાસે કોઈ વિકલ્પ નથી રહેતો. નાના દેશને કાં તો લડવું કે મરવું પડે છે…
કાશ, એ જ સમયે આ મૂળ કોમેડિયને આ વાત સમજીને સમાધાન કર્યું હોત તો આજના જેવી લાચારી કે અશક્તિ એમનામાં ન હોત. નોબલ પારિતોષિક જીતવા માટે તલપાપડ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ યુક્રેન કે યુરોપના હિતની કોઈ પડી નથી. આ જ કારણથી ‘નાટો ’ ની યુક્રેન અંગેની બેઠકમાં અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રુબિયો હાજરી આપવાના નથી. ઝેલેન્સ્કીના ખાસં ખાસ સલાહકાર આન્ડ્રી યેર્માકને કરપ્શન કેસમાં રાજીનામું આપવું પડ્યું છે. ઝેલેન્સ્કી અમેરિકા અને યુરોપની સહાય ચાઉ કરી ગયા છે. સૈનિકો યુદ્ધના મેદાન મોટી સંખ્યામાં છોડી રહ્યા છે. આ સૈનિકો ભૂખમરોથી પીડાય છે.
યુક્રેન કોમ્પ્રોમાઈઝ કે સરેન્ડર કરે એની રાહ જનતા જોઈ રહી છે. જનતા દેશની પાયમાલી કરનાર ઝેલેન્સ્કીને મારી નાખે એવો ભય છે. સમૃદ્ધ યુક્રેનની રિકવરીનો માર્ગ બહુ લાંબો છે. યુક્રેને 28 મુદ્દાના પીસ પ્લાનના 19 પોઈન્ટ માની લીધા છે. તેને ન તો ‘નાટો’નું સભ્યપદ કે અમેરિકા તરફથી સલામતીની ગેરંટી મળશે. ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ રશિયા જઈને પુતિનને મળ્યા છે.
માર્કો રુબિયો સાથે યુક્રેન વતી નેશનલ સિકયોરિટી કાઉન્સિલના વડા રૂસ્તમ ઉમેરોવ વાતચીત કરી રહ્યા છે. આ અધિકરી અમેરિકાની નિકટ છે. યુક્રેનનું ભવિષ્ય ટ્રમ્પ અને આડકતરી રીતે કહીએ તો ટ્રમ્પના મિત્ર પુતિનની દયા પર અવલંબે છે.
રશિયા-યુક્રેન યુદ્ધ તેના ચોથા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. રશિયાના પૂર્ણ-માત્રાના આક્રમણથી શરૂ થયેલું આ યુદ્ધ યુરોપની જમીન પર બીજા વિશ્વ યુદ્ધ પછીનો આ સૌથી ભયાનક સંઘર્ષ છે. તાજેતરમાં ટ્રમ્પની મધ્યસ્થીથી શાંતિ વાતચીતમાં તેજી આવી છે, પરંતુ રશિયાના હુમલાઓ અને યુક્રેનની પ્રતિકાર ક્ષમતા વચ્ચે તણાવ વધી રહ્યો છે. અઠવાડિયાના અંતમાં રશિયાએ યુક્રેન પર સૌથી મોટા હવાઈ હુમલા કર્યા છે.
રશિયાએ 36 મિસાઇલ્સ અને 600થી વધુ ડ્રોન્સથી હુમલો કર્યો, જેમાં કિવમાં બે જણ માર્યા ગયા અને અનેક લોકો ઘાયલ થયા. યુક્રેનના વિદેશ મંત્રાલય અનુસાર, આવા હુમલાથી 6,00,000થી વધુ લોકોને વીજળી વિના એટલે અંધારામાં ગરકાવ થયા હતા. પીસ પ્લાનમાં 28 પોઈન્ટ છે.
જીનિવામાં શાંતિ વાતચીતમાં પ્રગતિ થઈ રહી છે. અમેરિકા-યુક્રેન વચ્ચે જીનિવામાં થયેલી બેઠકો પછી, 19-બિંદુઓના કરાર પર સહમતી થઈ છે. યુક્રેનના સંરક્ષણ પ્રધાન રૂસ્તમ ઉમેરોવે કહ્યું કે ટ્રમ્પને મળવા ઝેલેન્સ્કી તૈયાર છે, આ પ્લાન રશિયાનો જ છે એમાં કોઈ બે મત નથી. હકીકતમાં આ આ શાંતિ પ્રસ્તાવ નહીં, પણ યુક્રેનનો સરેન્ડર પ્લાન છે.ટ્રમ્પ હંમેશની જેમ શાંતિ કરાર માટે દબાણ કરી રહ્યા છે. ટ્રમ્પ કહે છે કે જો યુક્રેન કરાર સ્વીકારે તો ‘ગંભીર પરિણામો’ ટળશે, પરંતુ નહીં તો અમેરિકાની સહાય બંધ થઈ શકે. મૂળ 28 મુદ્દાના કરારમાં યુક્રેનને ડોનેત્સ્ક વિસ્તાર છોડવો પડે અને તેની સેનાના કદ પર નિયંત્રણ રાખવું પડે.
ઝેલેન્સ્કી પર દબાણ વધી રહ્યું છે. ટ્રમ્પના અધિકારી માને છે કે હવે યુક્રેનને કરાર સ્વીકારવો પડશે, કારણ કે યુરોપિયન સહાય અસ્થિર છે. ઝેલેન્સ્કી હજી એમ કહી રહ્યા છે કે જો ડીલ તેમના હિતોનું રક્ષણ નહીં કરે તો યુદ્ધ ચાલુ રાખશે. વ્હાઈટ હાઉસના વિશ્ર્લેષકો કહે છે કે ઝેલેન્સ્કીને ગરિમા ગુમાવવી કે મુખ્ય સાથી ગુમાવવા વચ્ચે પસંદગી કરવી પડશે. સીઝફાયરની સંભાવના છે, પરંતુ તે ટકાઉ રહેશે કે નહીં તે પુતિનના વર્તન પર આધારિત છે.
યુદ્ધે બંને દેશોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. યુક્રેનમાં 79,213 સૈનિકોના મોતની પુષ્ટિ થઈ છે. 81,728 જવાન ગુમ થયા છે. રશિયામાં 152,142 સૈનિકોના મોતની પુષ્ટિ થઈ છે, યુક્રેનની પુન:નિર્માણ ખર્ચ 524 અબજ ડૉલર છે, જે 10 વર્ષમાં પૂર્ણ થઈ શકે.
રશિયા માટે, આર્થિક પુન:પ્રાપ્તિ 5-7 વર્ષમાં શક્ય છે, પરંતુ સંચાલન ખર્ચથી વૃદ્ધિ ધીમી રહેશે. શાંતિ કરારનું ટકાઉપણું શંકાસ્પદ છે, 19 પોઈન્ટમાં સુરક્ષા ગેરંટીઓ અને પુતિનના નો-એગ્રેશન કાયદા છે, પરંતુ રશિયન મિલિટરી બ્લોગર્સ માને છે કે પુતિન ક્રિમિયા અને ડોનેત્સ્ક પર સમજૂતી નહીં કરે. વિશ્ર્લેષક કહે છે કે આ કરાર ‘અન્યાયી’ છે અને આ યુદ્ધવિરામ ગાઝા પટ્ટીમાં ઈઝરાયલ અને હમાસ જેવો તકલાદી સાબિત થશે. ચાર વષર્ના યુદ્ધ પછી યુક્રેન જમીન ને જમીર બંને ગુમાવશે. યુક્રેનને સમર્થન આપીને શાંતિને મજબૂત કરવી જોઈએ, જેથી આ યુદ્ધની ત્રાસદી ફરી ન બને.
આ પણ વાંચો…પ્રાસંગિક: રશિયા- યુક્રેન યુદ્ધ બંધ થવાનું આશાનું કિરણ જાગ્યું…



