ઈન્ટરવલ

પ્રાસંગિકઃ ટ્રમ્પની ચોમેરથી ભીંસ વધી રહી છે…

અમૂલ દવે

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ સૌથી અકળ અને અકલ્પનીય પ્રમુખ છે. એ શું કરશે અને ક્યારે યુ-ટર્ન લેશે એની તેમના વિશ્વાસુઓને પણ ખબર નથી હોતી. ટ્રમ્પ ચોમેરથી ભીંસમાં આવી રહ્યા છે.

હાલમાં બહાર પાડવામાં આવેલ સેક્સ ગુનેગાર જેફરી એપસ્ટીનના ઈ-મેલને લીધે ટ્રમ્પ મુસીબતમાં આવી ગયા છે. આ ઈ-મેલ ટ્રમ્પ અને એપસ્ટીનને કેટલો ધનિષ્ઠ સંબંધ હતો એ સિદ્ધ કરે છે. આ ઘટસ્ફોટને લીધે એપસ્ટીનની બધી ફાઈલ રિલીઝ કરવાનું ટ્રમ્પ પર જબરું દબાણ આવ્યું છે.

ઐતિહાસિક શટડાઉન બાદ ટ્રમ્પનું રેટિંગ નીચે જઈ રહ્યું છે. અમેરિકામાં ફૂગાવો અને મોંઘવારી વધી રહી હોવાથી જનતા ત્રસ્ત થઈ ગઈ છે. વર્જિનિયા, ન્યૂ જર્સી અને ન્યૂ યોર્ક જેવી સ્થાનિક ચૂંટણીમાં ડેમોક્રેટનો વિજય થયો છે… ટ્રમ્પે જેમની સામે સીધી બાથ ભીડી હતી તે મૂળ ભારતીય ઝોહરાન મમદાનીએ ન્યૂ યોર્કના મેયર પદની ચૂંટણી જીતીને ટ્રમ્પના દાંત ખાટા કરી દીધા છે. આ શહેરના પ્રથમ મુસ્લિમ મેયર બનતા અટકાવવા રિપબ્લિકને પાણીની જેમ નાણાં વેર્યાં હતાં.

ટ્રમ્પે આ પછડાટ બાદ કોફી, ટ્રોપિકલ ફ્રૂટ્સ, ટમેટા, કેળા, બીફ સહિતની ખાદ્ય વસ્તુ પરની ટૅરિફ તાત્કાલિક દૂર કરી હતી. નાણાકીય સંસ્થાઓ એવી ચેતવણી આપી રહ્યા છે કે જો ટ્રમ્પ તેમની નીતિ નહીં સુધારે તો અમેરિકા યુરોપ જેવી આર્થિક મંદીમાં સપડાઈ જશે. એક તરફ અમેરિકાનું અર્થતંત્ર મંદીના માર્ગે જઈ રહ્યું છે ત્યારે બીજી બાજુ ટ્રમ્પની અંગત આવકમાં જંગી વધારો થઈ રહ્યો છે. ટ્રમ્પે 2024માં 70 કરોડ ડૉલરની કમાણી કરી હતી અને તેમણે બોન્ડમાં 8.2 કરોડ, ડૉલરનું રોકાણ કર્યું છે.

એચ-વન બી વિઝા અંગે ટ્રમ્પે યુ-ટર્ન લીધો છે. ટ્રમ્પ હવે કહે છે કે અમેરિકા પાસે ટેલેન્ટેડ વર્કર્સ ન હોવાથી મારે આ વિઝા આપવા પડે છે. ટ્રમ્પે ભારત પર સૌથી વધારે ટૅરિફ લાદી છે, પરંતુ હવે એ ભારત સાથે વેપાર કરાર હાથવેંતમાં હોવાની વાત કરે છે. ભારત પર ઊંચો ટૅરિફ લગાડ્યો હોવા છતાં અમેરિકન કંપનીઓ તેમનું ભારતમાં રોકાણ વધારી રહી છે. ઘણા રાજકીય નિષ્ણાતો માને છે કે અમેરિકામાં મિડ ટર્મ ઇલેક્શન થશે એને એમાં ડેમોક્રેટ સારો દેખાવ કરશે તો ટ્રમ્પ સામે ઈમ્પીચમેન્ટ એટલે કે મહાભિયોગની પ્રક્રિયા ચાલુ થઈ જશે.

યુનાઇટેડ સ્ટેટ્સના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવે દોષિત જાતીય ગુનેગાર જેફરી એપસ્ટીન સંબંધિત ફાઇલો જાહેર કરવાના દબાણે એક મહત્ત્વપૂર્ણ અવરોધ દૂર કર્યો, ડેમોક્રેટ્સ અને મુઠ્ઠીભર રિપબ્લિક્ધસે 30 દિવસની અંદર ફાઇલો જાહેર કરવાના બિલ પર ફ્લોર વોટ માટે 218 સહી મળી ગઈ છે.

આ વધતા જતા વિવાદનું કારણ જેફરી એપસ્ટીન ફાઇલ્સ સાથે સંબંધિત કેટલાક ઈ-મેલ્સ છે. જેના પર અનેક સગીરાઓના યૌન શોષણનો આરોપ હતો એ એપસ્ટીનના સંપર્કમાં અમેરિકાના અનેક પ્રતિષ્ઠિત લોકો હતા, એમાં ટ્રમ્પનું નામ સીધું સામે આવતાં મામલો ગરમાયો છે.

એક ઈમેલ એપ્રિલ 2011નો છે, જેમાં એપસ્ટીન, મેક્સવેલને લખે છે કે ટ્રમ્પે પીડિતા સાથે મારા ઘરે કલાકો વિતાવ્યા હતા, પરંતુ અત્યાર સુધી તેમનો ઉલ્લેખ એક પણ વાર આવ્યો નથી. બીજો ઈમેલ જાન્યુઆરી 2019નો છે. લેખક માઈકલ વુલ્ફને મોકલેલા એક ઈમેલમાં એપસ્ટીને લખ્યું હતું કે, ‘નિ:શંકપણે ટ્રમ્પ છોકરીઓ વિશે જાણતા હતા, કારણ કે ટ્રમ્પે ગિસલેનને આવું કરવાની ના પાડી હતી.’ આ ઈમેલ એપસ્ટીનની ધરપકડના થોડા મહિના પહેલાનો હોવાનું કહેવાય છે.

જોકે, ટ્રમ્પે આ તમામ આરોપને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે એ એપસ્ટીનને 1990ના દાયકાથી જાણતા હતા, પરંતુ બાદમાં બંનેના રસ્તા અલગ થઈ ગયા હતા. એક વાત ધ્યાન આપવા જેવી છે કે, થોડા મહિના પહેલા જ ટ્રમ્પ પ્રશાસને આ કેસ બંધ કરી દીધો હતો અને કહ્યું હતું કે આ કેસમાં વધુ કંઈ જોવા કે સાંભળવા જેવું બાકી રહ્યું નથી.

ટ્રમ્પ અને ‘ટેસ્લા’ના માલિક ઈલોન મસ્ક વચ્ચે થયેલી તકરાર હવે જગજાહેર છે. ટ્રમ્પે મસ્કની કપંનીને સબસીડી આપવાની બંધ કરવાની ધમકી આપી છે તો મસ્કે એપસ્ટીન ફાઇલ્સનો ઉલ્લેખ કરીને ટ્રમ્પનું નાક દબાવવાનો પ્રયાસ કર્યો છે. મસ્કનું કહેવું છે કે આ ફાઇલ્સમાં એવી ગુપ્ત માહિતી છે જેનાથી ટ્રમ્પની ખુરશી જઇ શકે છે. જોકે આ મસ્કના આ આક્ષેપ બાદ ટ્રમ્પને સરેન્ડર થઈ ગયા છે.

તાજેતરની યાદીમાં ભૂતપૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનનું નામ પણ સામે આવ્યું છે. આ પહેલા બિલ ક્લિન્ટન, સ્ટીફન હોકિંગ જેવા ઘણા ચોંકાવનારા નામ પણ સામે આવ્યા છે. જોબર્ગની જુબાનીમાં ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોબર્ગે કહ્યું હતું કે એપસ્ટીને ટ્રમ્પને ફોન કર્યો હતો, જેમણે એક કેસિનોની મુલાકાત લીધી હતી.

જો કે આ પહેલા ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું હતું કે તેમનો એપસ્ટીન સાથે કોઈ સંબંધ નથી. અલગ-અલગ ફ્લાઇટ રેકોર્ડ્સ દર્શાવે છે કે ટ્રમ્પે 1990ના દાયકામાં એપસ્ટીનના વિમાનનો ઘણી વખત ઉપયોગ કર્યો હતો.
વિપક્ષી દળ અને વિરોધી ટ્રમ્પ પર એપસ્ટીન સાથે સાંઠગાંઠ હોવાના આરોપ લાગ્યા છે. જોઇએ હવે ટ્રમ્પને આનાથી કેટલું નુકસાન થશે…

આ વિવાદાસ્પદ એપસ્ટીન કોણ હતો?

એપસ્ટીન એક ધનવાન અને હાઇ-પ્રોફાઇલ સોશ્યલાઇટ હતો, જેની પાસે કરોડોની સંપત્તિ અને પ્રાઇવેટ જેટ હતા.

1990 અને 2000ના દાયકામાં તેના સંબંધો બિલ ક્લિન્ટન, ડોનલ્ડ ટ્રમ્પ, પ્રિન્સ એન્ડ્રુ અને બિલ ગેટ્સ જેવી હસ્તીઓ સાથે હતા.

2007માં તે સગીરાના યૌન શોષણના આરોપોમાં ફસાયો, જેના કારણે તેને ‘પ્લી ડીલ’ હેઠળ માત્ર 13 મહિનાની જેલ થઈ.

2019માં યૌન ટ્રાફિકિંગના આરોપોમાં તેની ફરી ધરપકડ થઈ, પરંતુ કેસ શરૂ થાય તે પહેલાં જ તેણે જેલમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી.

2018માં ‘મિયામી હેરાલ્ડે’ દૈનિકે તેના કેસની વિસ્તૃત તપાસ પ્રકાશિત કરી ત્યાં સુધી એપસ્ટીન શક્તિશાળી લોકો સાથે મિત્રતા રાખતો હતો અને ફોજદારી ન્યાય પ્રણાલી દ્વારા તેની સાથે ઉદાર વર્તન કરવામાં આવતું હતું.

2005માં, પામ બીચ પોલીસે એપસ્ટીનની તપાસ શરૂ કરી હતી જ્યારે અહેવાલો અનુસાર 14 વર્ષની છોકરી સાથે તેની હવેલીમાં છેડતી કરવામાં આવી હતી. 2006માં એક ગ્રાન્ડ જ્યુરીએ એપસ્ટીન પર વેશ્યાવૃત્તિના એક જ ગુનામાં આરોપ મૂક્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી.

FBI એ તપાસ શરૂ કરી હતી અને આરોપ મૂકવાની તૈયારી કરી હતી, પરંતુ 2008 માં એપસ્ટીન એક રાજ્ય ગુનામાં વેશ્યાવૃત્તિ માટે અને એક રાજ્ય ગુનામાં 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ પાસેથી વેશ્યાવૃત્તિ માટે વિનંતી કરી હતી. તેમણે લગભગ એક વર્ષ જેલમાં વિતાવ્યું,

‘મિયામી હેરાલ્ડ’ તપાસમાં જાણવા મળ્યું કે ફેડરલ પ્રોસિક્યુટર્સ અને એપસ્ટીનના વકીલોએ એપસ્ટીનના ગુનાઓના અવકાશને ઢાંકી દીધો હતો.

2025ની શરૂઆતમાં એપસ્ટીન ફાઈલ તરીકે ઉલ્લેખ કરીને એક ભાગ જાહેર થયો હતો.

કુખ્યાત અમેરિકન યૌન અપરાધી જેફરી એપસ્ટીનનો કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. અમેરિકન હાઉસ ઓવરસાઇટ કમિટીને 8,544 દસ્તાવેજો સોંપવામાં આવ્યા છે, જેમાં ઇલોન મસ્ક, પીટર થિલ અને સ્ટીવ બેનન જેવા વિશ્વના પ્રભાવશાળી અને ધનાઢ્ય લોકોના નામ સામેલ છે.

આ પણ વાંચો…પ્રાસંગિકઃ ટ્રમ્પની પરમાણુ હથિયાર પરીક્ષણની જાહેરાત વિશ્વ આખું ભયથી ધ્રૂજે છે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button