પ્રાસંગિકઃ પાકિસ્તાનના ટુકડા કરાવીને જ જંપશે અસીમ મુનીર…

અમૂલ દવે
2025ના વર્ષથી લોકો એવા કંટાળી ગયા છે કે તેનો અંત ઝડપથી થાય એની ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. જોકે તેમને ખબર નથી કે જિયો પોલિટિકલ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે 2026નું વર્ષ 2025ને પણ સારું કહેવડાશે. રશિયા-યુક્રેન યુદ્ધ બંધ થવાને બદલે વધુ ભીષણ બનતું જાય છે અને યુક્રેન નામશેષ થવાની આરે છે.
અલાસ્કામાં ટ્રમ્પ સમાધાન કરવામાં વિફળ ગયા. એ હંગેરીના બુડાપેસ્ટમાં પુતિનને મળવાના હતા, પરંતુ સલાહકારોએ તેમને સમજાવતાં તેમણે આ મીટિંગ રદ કરી છે અને રશિયાની તેલની બે મોટી કંપની સામે આકરા પ્રતિબંધો મૂક્યા છે.
ટ્રમ્પ દાવો કરતા હતા કે હું એક દિવસમાં રશિયા અને યુક્રેન યુદ્ધ અટકાવી દઈશ, પરંતુ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન તેમને દાદ આપતા નથી અને યુક્રેનને નકશામાંથી ખતમ કરવા માટે ટાઈમ બાઈંગ ટેકટિસ અપનાવી રહ્યા છે. ટ્રમ્પે તો રશિયા પર દબાણ લાવવાને બદલે ઝેલેન્સ્કીને ફરી ગાળો આપી અપમાનિત કર્યા હતા.
ટ્રમ્પે તો યુક્રેનને કહી દીધું કે યુક્રેન તાબડતોબ યુદ્ધ અટકાવી દે અને રશિયાએ જે પ્રદેશ કબજામાં લીધા એને એ ભૂલી જાય. ટ્રમ્પે યુક્રેનને લાંબા અંતરની મિસાઈલ આપવાની ચોખ્ખી ના પાડી છે.
ટ્રમ્પે નોબેલ પ્રાઈઝની જાહેરાત થાય એ પહેલાં ગાઝા પટ્ટીમાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે ઉતાવળમાં સીઝફાયર કરાવ્યું, પણ આજે આ પીસ ડીલ કાગળ પર રહી છે અને આ કોલમમાં લખ્યું હતું તેમ ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ તેમના અસલ રંગ બતાવ્યા વિના રહેશે નહીં. બીબી બાન છૂટી જાય એની રાહ જોતા હતા. એક વાર બાન છૂટી ગયા કે નેતન્યાહુએ સેબોટેજ કરવાની કોશિશ ચાલુ કરી દીધી.
કતાર અને તુકીર્ની ધ્યસ્થીથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તત્કાળ યુદ્ધવિરામ કરવા સંમત થયા છે. સારું છે કે ટ્રમ્પની મધ્યસ્થીની જરૂર પડી નહીં. ટ્રમ્પે તો આમાં દરમિયાનગીરી કરવાની તૈયારી કરી દીધી હતી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે મારે માટે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધ અટકાવવાનું સૌથી આસાન છે.
આ દાવામાં વજૂદ છે. જે રીતે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને લશ્કરના વડા અસીમ મુનિર જે રીતે ટ્રમ્પની ચાપલૂસી કરે છે એ જોતા ટ્રમ્પનો આદેશ થાય તો પાકિસ્તાન યુદ્ધ એક સેકન્ડ પણ લંબાવે નહીં. ઘણાને એ જાણીને આશ્ર્ચર્ય થશે કે અફઘાન તાલિબાન તો વર્ષોથી આતંકવાદી હુમલા કરે છે, પરંતુ પાકિસ્તાને કદી અફઘાન પર હુમલો કર્યો નહીં તો આ વખતે કેમ હુમલો કર્યો?
ટ્રમ્પે સપ્ટેમ્બર 2025માં બગરામ એરબેસને પાછો મેળવવાની માગ કરી, કારણ કે તે ચીનના પરમાણુ કેન્દ્રોથી માત્ર 1 કલાક દૂર છે. તાલિબાને આ માગણી સંપૂર્ણ રીતે નકારી. અફઘાન કહે છે કે ‘અફઘાન માટીની એક ઇંચ પણ આપવી શક્ય નથી’. જોકે તાલિબાન અને અમેરિકા વચ્ચેના દોહા કરારના આધારે અમેરિકા આંતરિક હસ્તક્ષેપ ન કરી શકે.
આથી ટ્રમ્પે પાકિસ્તાનને અફઘાન પર હુમલા કરવાનો આદેશ આપ્યો હતો! જોકે અફઘાનિસ્તાન ના વળતા હુમલાએ પાકિસ્તાનની શાન ઠેકાણે લાવી. એ અફઘાન સાથેની હિંસક અથડામણ માટે ભારતને જવાબદાર ગણાવે છે. પાકિસ્તાન કહે છે કે અફઘાનિસ્તાન એ ભારતનું પ્રોક્સી છે. મુનીરે તો ધમકી આપી છે કે ભારત તરફથી નાની ઉશ્કેરણી થશે તો જોરદાર જવાબ અપાશે.
પાકિસ્તાન બે મોરચે લડવા તૈયાર છે. પાકિસ્તાન વારંવાર જરૂર પડે તો અણુ હથિયારો વાપરવાની ધમકી આપે છે. ભારતના રાજનાથ સિંહ પાકિસ્તાનને જવાબ આપતા કહે છે કે પાકિસ્તાનની એક ઈંચ જમીન પણ ભારતના બ્રહ્મોસ મિસાઈલના રેન્જથી દૂર નથી. એમ એમણે ચીમકી આપી છે કે ‘અમે પાકિસ્તાનને જન્મ આપી શકીએ તો તેને ખતમ પણ કરી શકીએ છીએ…!’
પાકિસ્તાન એ સમજતું નથી કે ટ્રમ્પને નોબલ પ્રાઈઝની દરખાસ્ત માટે મુનીર અને શરીફની જરૂર હતી. ટ્રમ્પ ભારત પર ટૅરિફ ડીલ કરવા દબાણ લાવવા પાકિસ્તાનને નિકટ લાવી રહ્યા છે. જે દિવસે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ જશે તો ટ્રમ્પ પાકિસ્તાનને તડકે મૂકી દેશે.
હકીકત એ છે કે અમેરિકા બડગામ હવાઈ મથકમાં અનેક હથિયારો ભૂલી ગયું છે અને આ હથિયારો ચીન, ભારત કે અફઘાનના હાથમાં ન જાય એમ તે ઈચ્છે છે. આ મથક તેણે બનાવ્યું નથી. રશિયાએ અફઘાન પરના આક્રમણ દરમિયાન તેને ઊભું કર્યું હતું.
આ તરફ, પાકિસ્તાનના મુનિર તો ભારત અફઘાનની નિકટતા જોઈને સ્તબ્ધ થઈ ગયા છે. બલુચિસ્તાનમાં પણ પાકિસ્તાન આર્મી પર હુમલા ચાલુ છે. પાકિસ્તાન અંકુશ હેઠળના કાશ્મીરમાં લોકો પાકિસ્તાનનો વિરોધ કરી રહ્યા છે.
અહીં એ પણ વાતની નોંધ લેવાની જરૂર છે કે ટ્રમ્પે ભારત પર 50 ટકા અને ચીન પર 100 ટકા ટૅરિફ લગાડ્યા છે. જોકે ચીન લગીરે મચક આપે એમ નથી. આથી ટ્રમ્પે એવી કબૂલાત કરી છે કે તેના 100 ટકા ટૅરિફ વ્યવહારુ નથી.
ચીનની સેમી કંડકટર અને રેર મિનરલ્સમાં એટલી ઇજારાશાહી છે કે અમેરિકાને જખ મારીને ચીન સામે ઝૂકવું જ પડશે. ચીન પરના ટૅરિફની જાહેરાત બાદ અમેરિકામાં બજાર ધડામ કરીને નીચે પટકાયા છે. ટ્રમ્પ હવે ચીનના પ્રમુખ સાથે બેઠક કરીને વચલો માર્ગ શોધી રહ્યા છે.
ભારતે અફઘાનિસ્તાનમાં 3 અબજથી વધુના પ્રોજેક્ટ્સ (રસ્તા, હોસ્પિટલ, ડેમ) કર્યા છે અને તાલિબાન વિદેશપ્રધાન અમીર ખાન મુત્તકીને આમંત્રિત કરીને કાબુલમાં રાજદૂતાવાસ ફરીથી ખોલ્યો. આ પગલું તાલિબાનને માન્યતા તરફ વધારો છે અને માનવીય સહાય આપે છે:
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે આરોપ લગાવ્યો કે તાલિબાન ‘દિલ્હીની પ્રોક્સી’ તરીકે લડી રહ્યો છે તો ભારતે આને ‘પાકિસ્તાનની જૂની આદત’ કહી છે. ભારત કહે છે કે અમે અફઘાન સ્વાતંત્ર્યના સમર્થક છીએ. વાસ્તવમાં, ભારત પાકિસ્તાની પ્રભાવને રોકવા માટે તાલિબાન સાથે વ્યૂહાત્મક સંબંધ વધારે છે…
પાકિસ્તાન અમેરિકાની વધુ નજીક જઈને ચીન અને ઈરાન સાથેનું અંતર વધારી રહ્યું છે. પાકિસ્તાનમાં પંજાબીનું પ્રભુત્વ છે. આથી બીજા પ્રાંતમાં ભારે નારાજગી છે. પાકિસ્તાને અફઘાનના ત્રણ ક્રિકેટરો સહિત અનેક નિર્દોષ લોકોને હવાઈ હુમલા કરીને મારી નાખ્યા છે.
પાકિસ્તાન મુસ્લિમ દેશ હોવા છતાં બીજા મુસ્લિમ દેશ પર હુમલો કરીને તેનું નામ ખરાબ કર્યું છે. અમેરિકાનો ટેકો હોવા છતાં તેની 1971ના યુદ્ધમાં ખરાબ હાલત થઈ હતી. અફઘાનોએ પાકિસ્તાનના જવાનોની જે રીતે બેઈજ્જતી કરી છે એ જોતાં મુનિર વધુ દાદાગીરી કરવા જશે તો લશ્કરી શાસન પણ નહીં સ્થાપી શકે અને પાકિસ્તાનના ટુકડા કરાવશે.



