માણો, મહાકુંભની તસવીરી ઝલક…

તસવીરની આરપાર -ભાટી એન.
આજે મહાશિવરાત્રી છે. એટલે ભારતભરમાં શંકર ભગવાનની સ્તુતિ થાય તેના દર્શન કરવા લાખો લોકો (શ્રદ્ધાળુ) સોમનાથ જશે તો જૂનાગઢમાં પણ ગીરનારની તળેટીમાં ભવનાથ મંદિર પરિસર આગળ ભવ્યતાતિભવ્ય સાધુ, સંતો, દિગંબર સાધુની રેવાળી પણ જોવા જેવી હોય છે.
મહાશિવરાત્રીએ મૃગીકુંડમાં દિગંબર સાધુનું શાહીસ્નાન બાદ મેળો પૂર્ણ થાય છે. પણ આજે મહાશિવરાત્રીએ પ્રયાગરાજ ખાતે તા. 14-1-25થી તા. 26-2-25 સુધી મહાકુંભમાં લગભગ સિતેર કરોડ શ્રદ્ધાળુઓએ શાહીસ્નાન કરી ઈતિહાસ રચી દીધો છે! સનાતન હિન્દુ ધર્મનો ઐતિહાસિક ઉત્સવ ભારત વર્ષમાં સુવર્ણ અક્ષરે અંકિત બની રહેશે. એક જ સ્થળે સિતેર કરોડ શ્રધ્ધાળુઓ ત્રિવેણી સંગમ કિનારે સ્નાન કરે તે જ હિન્દુ ધર્મની આસ્થા બુલંદ થઈ છે. ને આના આયોજનમાં ભારત સરકારના સહયોગથી યુ.પી. સરકારના યોગી આદિત્યનાથનું સુચારૂ આયોજન પણ દેખાતું હતું.
144 વર્ષે આવતા મહાકુંભના સાક્ષી બનવા કરોડો સનાતન ધર્મીઓ પ્રયાગરાજ ગયાને ગંગા, જમના, સરસ્વતિના ત્રિવેણી સંગમ કિનારે સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધેલ છે. પ્રયાગરાજ ખાતે લગભગ 10 જેટલા પ્લેટફોર્મ બનાવેલ છે. અને આર.પી.એફ. પોલીસ ખડેપગે છે. પ્લેનમાં જવા માટે અસંખ્ય શ્રદ્ધાળુ આવે છે. પગ મુકવાની જગ્યા નહીં તેમ છતાં રેલવે પ્રશાસનનું અતિસુંદર સુચારૂ આયોજન. બહાર કુંભમેળાની વિરાટકાય તસવીરો મનમોહક હતી. તો બીજી બાજુ અદ્ભુત ચિત્રો દોરી પ્રયાગરાજ ચિત્રનગરી લાગતી હતી.
ટ્રેનમાં પણ મહાકુંભની તસવીરો નિહાળવા મળતી હતી જાણે પ્રયાગરાજ આખું મેળામાં ફેરવાય ગયું હતું. શ્રદ્ધાળુઓની ભીડ ત્રિવેણી સંગમ તરફ જતી હતી. તમામ શ્રદ્ધાળુઓની એક જ મનોકામના હતી કે ત્રિવેણી સંગમમાં શાહીસ્નાન કરવું. રોડ ઉપર વિવિધ સર્કલો પણ સપ્તરંગી બનાવેલ લાઈટિંગનો નઝારો કાબિલે તારીફ હતો. મહામહેનતે ચાલીને સંગમ કિનારે ગયો તો લાખો લોકોની સાથે શ્રદ્ધા, ભક્તિ, ધર્મના ત્રિવેણી સંગમમાં મેં ડુબકી મારી, પવિત્ર સ્નાન કરી મારી જાતને પુણ્ય શાળી લેખી. સંગમ કિનારે બોરીયો રાખી કિનારો બનાવેલ ત્યાંજ સ્નાન થાય તે માટે હુડકાનું સુરક્ષા કવચ રાખેલ.
જેથી ઊંડાણવાળા પ્રવાહમાં કોઈ ના જાય તેવી વ્યવસ્થાની સાથે હુડકામાં ત્રિવેણી સંગમની મુસાફરી કરતા હતા. એક સાથે લાખો શ્રદ્ધાળુઓ સ્નાન કરતા હતા. ઉપર હેલિકૉપ્ટર ઉડાન ભરતું હતું. પાણી સ્વચ્છ રાખવા મશીન નિરંતર કચરો ખેંચી બહાર કાઢતું હતું. દિવસ રાત સ્નાન ચાલુ હતું. જય મહાશિવ આજે કુંભ મેળો પૂર્ણ થાય છે.