મગફળીની મૌસમ પુરબહારમાં…

- તસવીરની આરપાર – ભાટી એન.
અત્યારે મેળાની મૌસમ પુરબહારમાં ખીલી છે…!. તેમાં ફજેત ફાળકા, રમકડાંના સ્ટોલ તો હતા જ પણ એક વાત જોવા મળી તે મગફળીનો ઓળો એટલે મેળા વચ્ચે અધકચરી લીલી મગફળીને લોખંડની ચાયણીમાં સગડીમાં સેકતા હતા અને તેની મીઠી મોજ માણવા લોકો એને મોજથી ખાતા હતાં. મગફળી આપણા જીવનનું અવિભાજ્ય અંગ બની ગયું છે.!? રસોઈનો રાજા સીંગતેલમાં મુખ્યત્વે ગુજરાતમાં લોકો મગફળીનું તેલ ખાવાનો આગ્રહ રાખે છે, પણ હવે તો કપાસિયા, સૂરજમુખી, રાયડો, પામોલિન, તલ, જેવા ઘણા તેલની બનાવટ બજારમાં જોવા મળે પણ મુખ્યત્વે મગફળીનું તેલ ખાવાનો આગ્રહ રાખે છે, કારણ સીંગતેલનો સ્વાદ ગુજ્જુ લોકોને ગમે છે અને ખાસ કરી સૌરાષ્ટ્ર, ચરોતરની માટી તેને અનુરૂપ છે, મગફળી, ઉનાળુ, ચોમાસુ વાવેતર થાય છે તેનો ભાવ પણ પૂરતા પ્રમાણમાં સારો મળે છે.
મગફળીમાંથી ખારી સીંગ પણ લોકો બહુ જ ખાય છે, સીંગદાણાની ચીક્કી પણ સ્વાદિષ્ટ બને છે. મગફળીનો છોડ નાનો થાય પણ ફેલાયેલો હોય ને જમીનમાં મગફળી થાય તેમાં પણ અસંખ્ય જાતો બજારમાં આવી ગઈ છે તો આજે વિગતે મગફળી વિશે વિસ્તૃત આલેખન કરું છું.
રેતાળ, ગોરાળુ તથા કાળી જમીન મગફળીના પાકને વધુ માફક આવે છે, મગફળીની સારી વૃદ્ધિ અને ડોડવાના સારા વિકાસ માટે જમીનને પોચી અને ભરભરી બનાવવી જરૂરી છે. સૌરાષ્ટ્ર, ચરોતરમાં મગફળીનું વાવેતર પણ સારા પ્રમાણમાં થતું હોય છે. જો વાવેતર યોગ્ય પદ્ધતિથી કરવામાં આવે તો સારું એવું ઉત્પાદન મેળવી શકાય છે. સારી રીતે નિતાર શક્તિ ધરાવતી રેતાળ, ગોરાળુ તથા કાળી જમીન મગફળીને વધુ માફક આવે છે. વધુ પડતી કાળી ચિકાશવાળી તેમજ ક્ષારવાળી જમીન માફક આવતી નથી. સારી મગફળી ઉગાડવા માટે, છોડની પૂરતી સંખ્યા મેળવવા, મગફળીની સારી વૃદ્ધિ માટે અને ડોડવાના સારા વિકાસ માટે જમીનને પોચી અને ભરભરી બનાવવી જરૂરી છે. માટે આડી-ઊભી (દાંતી વડે) ટ્રેકટર અથવા હળની ખેડ કરી, કરબ મારી, આગલા પાકના જડિયાં, મૂળિયાં વગેરે વીણી પોચી અને ભરભરી બનાવવી. જે જમીનમાં ધૈણ જેવી જીવાતોનો ઉપદ્રવ થતો હોય ત્યાં દવાનો યોગ્ય છંટકાવ કરવો જોઈએ.
મગફળીના પાકમાં ખાતર વ્યવસ્થાપન મગફળીએ તેલીબિયાં પાકનો રાજા ગણાય છે. પાકમાં શરૂઆતથી જ જો યોગ્ય ખાતર વ્યવસ્થાપન કરવામાં આવે તો પાકનો શરૂઆતનો વૃદ્ધિ વિકાસ સારો થાય તથા પોષકતત્ત્વોની ઊણપ દૂર કરે છે. સૌ પ્રથમ મગફળીના પાકમાં ખાતર આપવા માટે ખેડૂતે પોતાના ખેતરની જમીનનો નમૂનો જમીન ચકાસણી પ્રયોગશાળામાં ચકાસણી કરાવીને, ભલામણ મુજબ ખાતરો આપવા વધુ હિતાવહ છે. ચોમાસું મગફળી માટે એકર દીઠ 4 થી 5 ટન છાણિયું ખાતર આપવું અથવા સંચાર ખાતર 10 કિલો આપવું તથા એકર દીઠ 63 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ + 25 કિલો એમોનિયમ સલ્ફેટ + 8 કિલો ભૂમિકા ખાતર આપવું. તથા મગફળી કઠોર વર્ગનો પાક હોવાથી હવામાંનો નાઈટ્રોજન તેની મૂળ ગંડીકામાં લઇ લે છે. જેથી મગફળીના પાક ને પુરતું ખાતર આપવાની જરૂર રહેતી નથી. ક્ષારીય જમીનમાં સેલીનીટી /સોડીસીટીના પ્રશ્ન હોય ત્યારે જિપ્સમ અથવા સલ્ફર મેક્ષનો ઉપયોગ કરવો.
મગફળીના પાકમાં પીળી પાડવાનો પ્રશ્ન વધારે આવે છે. જો મગફળી પીળી પડે તો ડીએપી અને યુરિયા ખાતરને બદલે સિંગલ સુપર ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરવાથી ગંધકની અછત વાળી જમીનમાં અલગથી ગંધક આપવાની જરૂર પડતી નથી.
પાક ઉત્પાદન વધારવા માટે નવી સુધારેલી જાતોના બિયારણનો ફાળો 10 થી 15 ટકા રહેલો છે. ચોમાસું મગફળી માટે ઘણી જાતો પૈકી જે તે વિસ્તાર માટે યોગ્ય જાતની પસંદગી કરવી જોઇએ. બિયારણ સારી ગુણવત્તા ધરાવતું, સારી રફુકરણશક્તિવાળું, કોઇ પણ જાતોની ભેળસેળ વગરનું અને ખાતરીલાયક હોવું જોઇએ, બને ત્યાં સુધી પ્રમાણિત બીજનો ઉપયોગ કરવો. મગફળીનું વધુ ઉત્પાદન મેળવવા માટે વાવેતર કરેલ વિસ્તારમાં પૂરતા અને સપ્રમાણ છોડની સંખ્યા જાળવવી જરૂરી છે. દર વર્ષે એક જ જમીનમાં મગફળીનું વાવેતર કરવાથી જમીન તથા બીજજન્ય રોગો કે ઉગસુક તથા થડના કહોવારાનું પ્રમાણ વધતું જાય છે, જેના પરિણામે છોડની સંખ્યા ઘટવાથી ઉત્પાદન ઓછું મળે છે. રોગોને અટકાવવા માટે એક કિ.ગ્રા. બીજ દીઠ 3 થી 4 ગ્રામ થાયરમ અથવા બાવિસ્ટીન અથવા મેન્કોઝેબ અથવા કેપ્ટાર્ન જેવી ફુગનાશક માટે યોગ્ય દવાનો પટ આપવો જોઈએ અને બીજને સારી રીતે પટ આપવા માટે સીડ ડ્રેસર વાપરવું. જો સીડ ડ્રેસર હોય પતરાના પીપમાં દાણા અને દવા યોગ્ય પ્રમાણમાં નાખી બરાબર હલાવી પટ આપી શકાય. આંતરખેડ અને નીંદામણ પર પૂરતી કાળજી રાખો તો ચોમાસામાં મગફળીનો મબલખ પાક લઈ શકાય છે. ખેડૂત મિત્રો મગફળી માટે ચોમાસાના વરસાદ ઉપર નિર્ભર રહે છે, માટે મગફળીની સિઝન સારી લેવા સારી જહેમત પણ જરૂરી છે.
આપણ વાંચો: 140 કરોડની આઝાદી : ઓય હોય… કૈસા દેસ હૈ મેરા!