પ્રાસંગિકઃ અફઘાનિસ્તાન સાથે યુદ્ધ છેડીને પાકિસ્તાને પાયમાલી વહોરી છે

- અમૂલ દવે
કવિ કલાપીની પંક્તિ છે કે ‘જે પોષતં તે મારતું, એવો દિસે ક્રમ કુદરતી….’. પાકિસ્તાન તાલિબાનની જનેતા છે, પરંતુ હવે એ તાલિબાન તેની જોડે શીંગડા ભેરવે છે. પાકિસ્તાને ‘તેહરિક-એ-તાલિબાન’ને લક્ષ્ય બનાવીને કાબુલમાં હવાઈ હુમલા કર્યા. તાલિબાને તરતજ બદલો લીધો.
સરહદ પરની પાકિસ્તાનની ચોકી પર હુમલો કરીને 58 સૈનિકનો ખાતમો બોલાવી દીધો. હવે કતાર, સઉદી અરેબિયા અને ઈરાન-ચીન તથા અમેરિકાની મધ્યસ્થીથી બન્ને દેશ કૂણા પડ્યા છે. સાત યુદ્ધ અટકાવવાની શેખી મારનાર ટ્રમ્પે કહ્યું છે કે હું મિડલ ઈસ્ટથી પાછા આવ્યા બાદ કામે લાગીશ.
પાકિસ્તાન અને સાઉદી અરેબિયાએ તો ‘નાટો’ જેવી ડિફેન્સ ડીલ કરી છે, જેમાં એક પરના હુમલાને બીજા પર હુમલો ગણવાની વાત છે, પરંતુ સાઉદી અરેબિયાએ તો બન્ને દેશને સંયમ રાખવાની સુફિયાણી સલાહ આપી. આથી ડિફેન્સ ડીલની પોલ ખુલી ગઈ છે. આ ડીલ એક પક્ષી છે.
સઉદીને મદદ કરવા પાકિસ્તાન બંધાયેલું છે. સાઉદી પર કોઈ આવું બંધન નથી. આનો અર્થ એ થયો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો સાઉદી અરેબિયા ભારત સાથે યુદ્ધમાં નહીં ઊતરે .આનાથી પાકિસ્તાનના સઢમાંથી હવા નીકળી ગઈ છે.
પહલગામના આતકવાદી હુમલાને પગલે ભારતે કરેલા ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પાકિસ્તાનના દાંત ખાટી કરી નાખ્યા હતા. આમ છતાં પાકિસ્તાનની શાન ઠેકાણે આવી નહીં. તાલિબાનના વિદેશપ્રધાન ભારતની મુલાકાતે આવ્યા તેથી પાકિસ્તાને ગુસ્સે ભરાઈને અફઘાનિસ્તાન પર હવાઈ હુમલો કર્યો. પાકિસ્તાન આમ કરીને અમેરિકા અને ચીન ને ખુશ કરવા માગતું હતું. તાલિબાને અમેરિકાને પોતાનું બાંધેલું હવાઈ મથક ન આપવાની તાલિબાને ના પાડતાં અમેરિકા તેના પર ખફા છે.
બીજી બાજુ, ચીનના વન રોડ વન બેલ્ટમાં બલૂચિસ્તાનના બળવાખોરો મોટી અડચણ નાખી રહ્યા છે. આને તાલિબાનોની મદદ છે. તેહરક-એ-લબ્બૈકના નેતા સાદ હુસૈન રિઝવીનું પોલીસ ગોળીબારમાં મરણ થયા હોવના બીન સમર્થિત અહેવાલને લીધે કરાચી લાહોર અને મુરિદકમાં હિંસક દેખાવો થયા છે.
તાલિબાન સરકારે પણ પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું કે જો કોઈ પણ અફઘાનિસ્તાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરશે તો અફઘાનિસ્તાનની સેના તેનો જડબાતોડ જવાબ આપશે એની સામે પાકિસ્તાને પણ અફઘાનિસ્તાનને જડબાતોડ જવાબની ચીમકી આપી.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને લઈને કતારે ચિંતા વ્યક્ત કરી અને આ સંઘર્ષથી બંને દેશની સ્થિરતા અને સુરક્ષા પર ગંભીર અસર થવાની ચિંતા વ્યક્ત કરી તથા બંને દેશોને સંવાદ કરવા તથા સંયમ રાખવા અપીલ કરી છે.
પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે સરહદ પર ઝડપથી વધતા તણાવ વચ્ચે શનિવાર, 11 ઓક્ટોબરની મોડી રાત્રે પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર ગોળીબાર શરૂ થયો. આ દરમિયાન તાલિબાનના નેતૃત્વ હેઠળની અફઘાન સેનાએ ડ્યુરન્ડ લાઇન પર પાકિસ્તાની સેનાની અનેક ચોકીઓ પર કબ્જો કરી લીધો.
અફઘાન સંરક્ષણ મંત્રાલયે કહ્યું, ‘અમારા હુમલાઓમાં પાકિસ્તાની પક્ષની સુવિધાઓ અને ઉપકરણો નષ્ટ થઈ ગયાં છે.’ અફઘાનિસ્તાને પાકિસ્તાન પર આરોપ લગાવ્યો છે કે તેણે અફઘાન હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે, જેના જવાબમાં અફઘાન સેનાએ કાર્યવાહી ડ્યુરન્ડ લાઇન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની એક સરહદ રેખા છે, જે બંને દેશો વચ્ચે એક વિવાદિત ક્ષેત્ર છે.
આ અગાઉ, ભૂતપૂર્વ યુએસ રાજદૂત ઝલ્માય ખલીલઝાદે કાબુલમાં કથિત પાકિસ્તાની હુમલાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી કે તેનાથી ખતરનાક ખતરો ઊભો થઈ શકે છે. એકસ પર એક પોસ્ટમાં ખલીલઝાદે ઇસ્લામાબાદ અને કાબુલ વચ્ચે વાતચીત કરવાની હાકલ કરી હતી, અને કહ્યું હતું કે લશ્કરી વિસ્તરણ એ ઉકેલ નથી. …કાબુલ અને ઇસ્લામાબાદ વચ્ચે વાતચીત થવી જોઈએ.
અફઘાન-પાકિસ્તાની સૈનિકો વચ્ચે અથડામણ એવા સમયે થઈ છે જ્યારે વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકી એક અઠવાડિયાની ભારતની મુલાકાતે છે. ઓગસ્ટ 2021 માં તાલિબાને સત્તા કબજે કર્યા પછી કાબુલથી આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મૌલવી અમીર ખાન મુત્તાકીની મુલાકાત દરમિયાન જારી કરાયેલા નિવેદનમાં જમ્મુ અને કાશ્મીરનો ઉલ્લેખ કરવા સામે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો હતો.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલય (MOFA) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરને ભારતનો ભાગ ગણાવવું એ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સંબંધિત ઠરાવો અને જમ્મુ અને કાશ્મીરની કાનૂની સ્થિતિનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આ સંયુક્ત નિવેદન ભારત દ્વારા ગેરકાયદેસર રીતે કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરના લોકોના સ્વ-નિર્ણયના અધિકાર માટે સંઘર્ષ અને બલિદાન પ્રત્યે અત્યંત અસંવેદનશીલ છે. પાકિસ્તાને મુત્તાકીની ટિપ્પણીને પણ ફગાવી દીધી હતી કે આતંકવાદ પાકિસ્તાનની આંતરિક સમસ્યા છે.
પાકિસ્તાનનો આરોપ છે કે અફઘાનિસ્તાન તહેરિક-એ-તાલિબાન નામના સંગઠનના બળવાખોરોને શરણ આપે છે. જેને લઇને બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. બીજી તરફ,
બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનવાલામાં બંડખોરે પાકિસ્તાનના નાકે દમ લાવી દીધો છે. વારંવાર આતંકવાદી હુમલા થાય છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી બલૂચીસ્તાનને આઝાદ કરવા માગે છે. આમ આંતરિક આંતરકલહને લીધે પાકિસ્તાનનું ફરી વિભાજન થાય એવાં એંધાણ દેખાઈ રહ્યા છે. આગળ શું થશે એ તો અલ્લાતાલા. જાણે!
આપણ વાંચો: કવર સ્ટોરીઃ ડ્રેગનને ડરાવાની ડોનલ્ડની દમદાટીથી ભારતને શું લાભ?